
Spotlight
Gujarat Day Gujarat Day
રવિશંકર મહારાજનાં મંગળ પ્રવચનથી આરંભ થયેલા ગુજરાતના રાજકારણનો પહેલો દાયકો ભારતમાં કોંગ્રેસના પ્રભુત્વનો છેલ્લો દાયકો છે. નેહરુના અનુગામીની હોડમાં અગ્રેસર મોરારજી દેસાઇને પ્રધાન મંડળમાંથી હાંકી કાઢવામાં આવ્યા. મોરારજી દેસાઇએ રાજયમાં જીવરાજ મહેતાને ખટપટ દ્વારા ઉથલાવી પાડયા અને હિતેન્દ્ર દેસાઇને સુકાન સોંપ્યું.
૧૯૬૭માં ભારતના અનેક રાજયોમાં કોંગ્રેસનો પરાભવ થયો પણ ગુજરાતમાં કોંગ્રેસી રાજવટ માંડ માંડ ટકી રહી.૧૯૬૯માં કોંગ્રેસના ભાગલા થયા ત્યારે ગુજરાતનાં કોંગ્રેસી આગેવાનો સંસ્થા કોંગ્રેસને વફાદાર રહ્યાં. પણ ૧૯૭૧ની ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીએ મેળવેલા જવલંત વિજય પછી ગુજરાતમાં પણ તેમનું જૂથ મજબૂત થયું.
ચીમનભાઇ પટેલની વિરુદ્ધમાં સળગેલા નવનિર્માણના કારણે ગુજરાતમાં પહેલી જ વખત બિન કોંગ્રેસી જનતા મોરચાની સરકારની સ્થાપના થઇ. એ પછી ખામ થિયરી વડે ૧૯૮૦માં માધવસિંહ સોલંકી સત્તારૂઢ થયા. ૧૯૮૯માં રાજીવ ગાંધીનાં પરાજય પછી ગુજરાતમાં પણ જનતાદળ અને ભાજપની સંયુકત સરકારે સત્તા ધારણ કરી.
મુખ્યમંત્રી તરીકે ટકી રહેવા માટે ચીમનભાઇએ અનેક વખત સઢ ફેરવ્યા. ભાજપ જોડે છેડો ફાડી નાખ્યા પછી કોંગ્રેસના ટેકાથી ટકી રહેલા ચીમનભાઇએ કોંગ્રેસમાં પ્રવેશ કર્યો. આ ઊથલપાથલથી કંટાળેલા મતદારોએ ૧૯૯૫માં ભાજપને બે તૃતીયાંશ બહુમતી બેઠકો મેળવી આપી.
એ પછી શંકરસિંહ વાધેલાએ ગુજરાત ભાજપમાં મોટી ફૂટ પડાવી. ૧૯૯૮માં કેશુભાઇ ફરીથી મુખ્યમંત્રી બન્યા. ત્રણ વરસનાં તેમનાં વહીવટી પછી ભાજપનાં મોવડી મંડળે તેમને ખસેડીને મોદીને હવાલો સોંપ્યો.
પચાસમાં વરસે ગુજરાતમાં જે ઝળહળાટ, થનગનાટ અને ઓજસ્વિતા દેખાય છે તે ગુજરાતનાં આગેવાનો અને જનતાના સહિયારા પુરુષાર્થનું પરિણામ છે. ગુજરાતની સ્થાપના થઇ ત્યારે પરિસ્થિતિ ઘણી વિકટ હતી. પણ થોડા મહિના બાદ અંકલેશ્વરમાં એકાએક ફૂટેલી ખનિજ તેલની સરવાણીએ પરિસ્થિતિ પલટી નાખી.
માધવસિંહ, બાબુભાઇ, ચીમનભાઇ, મોદી જેવા પરિણામલક્ષી મુખ્યમંત્રીઓનાં કારણે આ વિકાસ વધારે ઝડપી બન્યો છે. પણ ગુજરાતની સિદ્ધિઓની જોડાજોડ તેની મર્યાદાઓનો પણ ખ્યાલ રાખવો જોઇએ. ગુજરાતનો આર્થિક વિકાસ બે પહોળા પટ્ટામાં સીમિત છે અને બાકીનું ગુજરાત ગરીબીમાં સબડે છે.
ભારતના કેટલાંક રાજયોની સરખામણીએ આપણે ત્યાં બાળમરણનું પ્રમાણ વધારે છે અને સાક્ષરતા ઓછી છે. દલિતો પર અત્યાચારની બાબતમાં આપણો નંબર ત્રીજો છે. ગુજરાતીઓ સૌથી વધારે રખડું અને સૌથી વધારે વર્ણસંકર પ્રજા છે (આ બંને વિશેષણો મારા મતે માનવાચક વિશેષણો છે).
વર્ણ સંકરતાનું મુખ્ય કારણ ભૌગોલિક છે. પશ્ચિમથી જમીન વાટે આવનારા પ્રવાસી વેપારી કે વિજેતા માટે ઉત્તરમાંથી દક્ષિણમાં જવા માટે બે જ દરવાજા છે. ગુજરાત અને ઓરિસ્સા. તેથી પશ્ચિમ એશિયાઇ વિજેતાઓએ ગુજરાતમાંથી પસાર થયા વગર ચાલે નહીં. લશ્કરમાં યુવાન પુરુષો હોવાથી લોહીના સંબંધો બંધાય અને થોડા પરદેશીઓ ઠરીઠામ પણ થાય.
આ પરદેશીઓને અલગ જ્ઞાતિ તરીકે સમાવી લેવામાં આવ્યા હોવાથી ગુજરાતમાં જ્ઞાતિઓની સંખ્યા અને વૈવિઘ્ય ઘ્યાન ખેંચાય તેટલું છે. વિશ્વ સાથેના ગાઢ સંપર્કથી ગુજરાતીઓની દ્રષ્ટિ વિકસિત બની છે. વિકાસનો આ ઝળહળાટ અને થનગનાટ એ વિશાળ, વિલક્ષણ અને વિશિષ્ટ દ્રષ્ટિને આભારી છે.(લેખક વરિષ્ઠ રાજકીય વિશ્લેષક છે)