
Spotlight
Gujarat Day Gujarat Day
ગુજરાત એટ અ ન્સ
વિસ્તાર : ૧,૯૬,૦૭૭ ચો.કિમી. (દેશના ૬ ટકા)
વસ્તી : ૫.૫ કરોડ
શહેરી વસતી : ૩૮ ટકા
ઓદ્યોગિક ઉત્પાદન : ૧૬ ટકા
ઔદ્યોગિક વિકાસ : ૧૫ ટકા
માથાદીઠ ઊર્જા વપરાશ : ૧૩૧૩ યુનિટ (રાષ્ટ્રીય સરેરાશ ૫૯૨
)રાજયમાં ૨૫ જિલ્લા, ૨૨૬ તાલુકા, ૨૪૨ શહેરો, ૧ મેગાસિટી અને ૧૮૬૧૮ ગામડા છે
દેશનું ૧૮ ટકા ઔદ્યોગિક રોકાણ ગુજરાતમાં થાય છે.
૧૪મી સદીમાં વાસ્કો-ડી-ગામા ભારતની ખોજમાં દરિયાઈ સફરે નીકળ્યો ત્યારે સૌએ પૂછયું કે, ભારતમાં ખરેખર કયાં જવું છે? વાસ્કો-ડી-ગામાએ કહ્યુંકે, ‘ગુજરાત’. સદાકાળ ગુજરાતનું સાચું રહસ્ય વાસ્કો-ડી-ગામાને સમજાઈ ગયું હતું. આજે ૨૧મી સદીમાં ગુજરાત સર્વાગી વિકાસની ચરમસીમાએ પહોંચવા થનગની રહ્યું છે.
શ્વેતક્રાંતિથી માંડીને હરિતક્રાંતિ તક સમાજના પ્રત્યેક ક્ષેત્રમાં ક્રાંતિ સર્જનાર ગુજરાતે હંમેશાં દેશને નવી રાહ ચીંધી છે. ગુજરાતના સપૂત મોહનદાસ કરમચંદ ગાંધીએ દેશને આઝાદી અપાવી. સાબરમતીના આ સંતે દુનિયાને સત્ય અને અહિંસાના પાઠ શીખવાડયા હતા. ગુજરાત સત્યાગ્રહી છે.
ગુજરાતના બીજા સપૂત સરદાર વલ્લભભાઈ પટેલે ગુજરાતને ખમીર અને ખુમારી શીખવાડી છે. ગુજરાતની મહાજન નીતિ દેશ-વિદેશમાં વખણાય છે. પારકાને પોતિકા કરવાની પદ્ધતિમાં ગુજરાતીઓ પારંગત છે. પારસીઓએ ગુજરાતનું સંજાણ બંદર અમસ્તુ પસંદ નહોતું કર્યું.
આજે આ મહાગુજરાત પોતાની સુવર્ણજયંતી ઊજવી રહ્યું છે, ત્યારે ભાસ્કર પરિવાર દયાવીરતા, દાનવીરતા, ધર્મવીરતા અને ક્ષમાવીરતાના ચાર પાયા ઊભેલી મહાજાતિ ગુજરાતીને સો-સો સલામ કરે છે. અસ્તિત્વનાં પચાસ વર્ષ નથી થયાં, છતાં ગુજરાત આજે દેશમાં અનેક બાબતોએ પ્રથમ ક્રમે છે.
દેશની પેટ્રોલિયમ પેદાશમાં ગુજરાતનો ફાળો ૩૦ ટકા છે, કેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ્સમાં પચાસ ટકા યોગદાન આપતું ગુજરાત ભારતનું પેટ્રોકેપિટલ બની ચૂકયું છે. મરિન પ્રોડકશન, ફિશરીઝ અને બંદર વિકાસમાં પ્રથમ ક્રમે રહેલું ગુજરાત દેશનું ૯૦ ટકા સોડાએશ, ૭૦ ટકા નમક અને ૨૦ ટકા કોસ્ટિક સોડાનું ઉત્પાદન કરે છે.
સમગ્ર દેશમાં ખેતીનું યોગદાન આર્થિક વિકાસમાં ઘટી રહ્યું છે, ત્યારે ગુજરાતમાં કષિની આવકમાં પાંચ ગણો વધારો થયો છે. તમાકુના ઉત્પાદનમાં પણ દેશમાં પ્રથમ રહેનાર ગુજરાત પાસે વર્લ્ડકલાસ એગ્રો પ્રોસેસિંગ ઝોન્સ અને સૌથી વધુ કોલ્ડ સ્ટોરેજ છે. દેશના ઓન શોર ક્રૂડ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો ૫૪ ટકા છે. ગુજરાત દેશમાં સૌથી વધુ ૬૦ ટકા ક્રૂડની આયાત કરે છે.
સ્પોન્જ આયર્નની સૌથી વધુ આયાત કરતા ગુજરાતમાં ઓટોમોબાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝ ફૂલીફાલી છે. નેનો પ્રોજેકટે ગુજરાતની આબરૂમાં ચાર ચાંદ લગાવ્યા છે, જયારે આવનારા દિવસોમાં સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન (સર), દિલ્હી મુંબઈ ઇન્ટિગ્રેટેડ કોરિડોર (ડીએમઆઇસી) તથા સ્પે. ઇકો. ઝોનને પગલે ગુજરાતનો વિકાસ અનેકગણો થવાનો છે. ઓટોમોબાઇલ ઉપરાંત શિપબ્રેકિંગ અને શિપમેકિંગ, એવિએશન ઇન્ડસ્ટ્રીઝમાં ગુજરાત કાઠું કાઢવા જઈ રહ્યું છે.
જેમ્સ અને જવેલરીમાં ૭૨ ટકાનો ફાળો ધરાવતું ગુજરાત કપાસનો સૌથી વધુ પાક પકવે છે. વિશ્વમાં સૌથી વધુ ડેનિમ સપ્લાય કરનાર ગુજરાત ૪૦ ટકા આર્ટ સિલ્ક ફેબ્રિકનું ઉત્પાદન કરે છે. ગુજરાતના વિકાસની પારાશીશી સમાન આ આંકડાઓની માયાજાળ લાંબી ચાલશે, પરંતુ પ્રગતિના માપદંડને એક વાકયમાં કહી શકાય કે ગુજરાતમાં વીજળીની મહત્તમ માથાદીઠ વપરાશ થાય છે, જે વિકાસનું સૌથી મોટું બેરોમીટર છે.
મહાજન પરંપરાની સંઘ-સખાવત સાથે ગુજરાતમાં મોલ્સ અને મલ્ટિપ્લેકસ કલ્ચર ખીલ્યું છે. મેડિકલ ટુરિઝમમાં ગુજરાત અગ્રેસર બન્યું છે. નર્મદા પ્રોજેકટને પગલે ગુજરાતમાં હરિતક્રાંતિ દ્વિતીય આરંભાઈ છે. ઇસબગુલ અને એરંડાનો સૌથી વધુ પાક લેતું ગુજરાત એગ્રોબેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ અને વેલ્યુ એડિશનમાં મોખરે છે.
દેશનો પ્રથમ એકસપ્રેસ હાઇવે અમદાવાદ-વડોદરા ગુજરાતમાં બંધાયો છે. પશ્ચિમ રેલવેને ૯૦ ટકા આવક ગુજરાતને કારણે થાય છે. ગુજરાતે બંદરોના વિકાસમાં હરણફાળ ભરી છે. વીજળીવેગે વિકસવા થનગનતું ગુજરાત પરંપરાને જાળવીને પ્રગતિ કરે છે. શિક્ષણ, આરોગ્ય, ઇન્ફ્રાસ્ટ્રકચર સહિત તમામ ક્ષેત્રે સર્વાગી વિકાસ સાધનાર ગુજરાતીની કોઠાસૂઝ અને કૌવત બેશક કાબિલેદાદ છે. ગુજરાતીઓ આપત્તિને અવસરમાં પલટી શકે છે.
સુરત પ્લેગના ભયંકર રોગચાળા બાદ ખૂબસૂરત બની શકે છે. ભયંકર ભૂકંપ બાદ કચ્છમાં આજે ઔધોગિક ઘોડાપૂર જણાય છે. મહાજાતિ ગુજરાતી મૂળભૂત રીતે કર્મઠ છે. ભૂકંપ, વાવાઝોડું, વરસાદ કે રોગચાળો એને ડગાવી-ડરાવી શકતો નથી, અને માટે જ ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન પુરવાર થયું છે. સુવર્ણ જયંતી વર્ષમાં પ્રવેશતા ગુજરાતની આ રળિયામણી ઘડીને વધાવવાનો આ પ્રસંગ છે.
સ્વર્ણિમ ગુજરાત વાસ્તવમાં ૨૧મી સદીના ભારતનું રોલ મોડેલ બને એવો અમારો પ્રયાસ છે. ‘દિવ્ય ભાસ્કર’એ આ દિશામાં એક નાનકડું કદમ ભર્યું છે. આજથી સતત એક વર્ષ સુધી ભાસ્કર પરિવાર સ્વિર્ણમ ગુજરાતની ઉજવણી અનેક સ્વરૂપે કરતું રહેશે.
અબલત્ત, સૌ ગુજરાતીઓના સહકારથી જ સ્વર્ણિમ ગુજરાતનો મહોત્સવ વિરાટ પુરવાર થશે. એ જ અભ્યર્થના સાથે જય જય ગરવી ગુજરાત!
(લેખક ‘દિવ્ય ભાસ્કર’ના સ્ટેટ એડિટર અને વરિષ્ઠ રાજકીય વિશ્લેષક છે)