HomeSpotlightGujarat Day Gujarat Day

વિકાસ સાઘ્યો, હવે તેનો વિસ્તાર જરૂરી

gujarat_day_establishmentગુજરાતે એક રાજ્ય તરીકે સાધેલા વિક્રમી વિકાસને સર્વસમાવેશક બનાવવા સ્વિર્ણમ પ્રભાતે સંકલ્પબદ્ધ થઈએ

આજે ૧ લી મે ૨૦૦૯. ગુજરાતની સ્થાપનાનો દિવસ. ૨૦૧૦માં ગુજરાત એની રચનાના ૫૦ વર્ષ પૂરાં કરશે.

સ્વર્ણિમ વર્ષ અને ગુજરાતે કરેલી પ્રગતિ પર એક નજર નાખવાનો દિવસ: શું હજુ પ્રાપ્ત કરવાનું બાકી છે? એના માટે પ્રતિબદ્ધ થવાનો દિવસ. આત્મશ્લાઘા નહીં પણ આત્મમંથનની ઘડી.

* ચૂંટણી સબંધિત તમામ ન્યુઝ માટે અહિ ક્લિક કરો.

એ તો સર્વવિદિત છે કે ગુજરાતના અલગ રાજ્યની રચના ભારતના ભાષાવાર રાજ્ય પુન:રચનાના અહેવાલના કારણે નહોતી થઈ. ગુજરાતની જનતાને અલગ રાજ્યની રચના માટે લાંબો સંઘર્ષ કરવો પડયો હતો. નિર્દોષનું રક્ત વહાવવું પડયું હતું.

મહારાષ્ટ્રમાં સંયુકત મહારાષ્ટ્રનું અને ગુજરાતમાં મહાગુજરાતનું આંદોલન લગભગ બે વર્ષ ચાલ્યું હતું. આ આંદોલન અહિંસક રીતે કોઈ પણ જાતના નાત,જાત,ધર્મના ભેદ વગર ચાલ્યું. આંદોલને અહિંસક શસ્ત્રોના નવા પ્રયોગો કર્યા.

* નવલિકાઓ વાંચવા માટે અહિ ક્લિક કરો

અમદાવાદના લાલ દરવાજા પરની સર્વોચ્ચ નેતા મોરારજીભાઈની સભાના બહિષ્કારની સફળતા, જનતા કરફયુનો વ્યાપક ઉપયોગ તેમજ જવાહરલાલ નેહરુની જાહેરસભા સામે એમની સભા સામે લો-કોલેજના મેદાન પરની એમનાથીય મોટી સમાંતર સભા જેવા બનાવોએ દેશનું ઘ્યાન ખેંચ્યું હતું.

૧લી મે ૧૯૬૦ના રોજ ગુજરાતના અલગ રાજ્યની રચના થઈ ગઈ કે સમસ્ત પ્રજા બધું ભૂલીને ગુજરાતના સર્વાગી વિકાસની યાત્રામાં જોડાઈ ગઈ હતી. કારણ ગુજરાતના અલગ રાજ્યની આર્થિક કાર્યક્ષમતા વિશે વારંવાર ગંભીર સવાલો ભાષાવાર રાજ્યની રચનાના વિરોધીઓએ ઊભા કર્યા હતા. ખાસ કરીને મહારાષ્ટ્રને ભારતની આર્થિક રાજધાની મુંબઈ મળ્યું હતું. મહારાષ્ટ્ર પાસે મુંબઈનું સમૃદ્ધ બંદર હતું. ગુજરાતને આ બધું ઊભું કરવાનું હતું. આ સવાલ નાનોસૂનો નહોતો.

* તમારી મનપસંદ રેસીપી માટે અહિં ક્લિક કરો

આજે આર્થિક અને ખાસ કરીને ઔધોગિક વિકાસ અને ઔધોગિક મૂડીરોકાણમાં મહારાષ્ટ્ર કરતાં ગુજરાત આગળ છે એવા દાવો કરનારાઓને ગુજરાતના અલગ રાજ્યના જન્મ સમયની પ્રસવવેદના અને શૂન્યમાંથી સર્જન કરવા માટે કરાયેલી સામૂહિક અને સાર્વત્રિક આકરી જહેમતનો ભાગ્યે જ ખ્યાલ આવી શકે.

ગુજરાતના પ્રારંભના લગભગ પચીસ વરસ ગુજરાતે જે પ્રયાસો કર્યા છે એના જ પરિણામ આજે ગુજરાત ભોગવી રહ્યું છે. નવી રાજધાનીની રચના,વીજળીની જરૂરી સ્થાપિત શકિત વિકસાવવા કરાયેલ જહેમતનો ખ્યાલ આજે ભાગ્યે જ આવી શકે તેમ છે. અનેક વિકટ સંજોગોમાંથી ગુજરાતની જનતાએ લોકતંત્રને સુદ્રઢ બનાવતાં બનાવતાં રસ્તો કાઢયો છે.

ગુજરાતની જનતાની એ વિશેષતા છે કે મહાગુજરાતના જુવાળ દરમિયાન પણ એણે સાદગી અને નમ્રતાની પરંપરા જાળવી રાખી હતી. દ્વિભાષી મુંબઈ રાજ્યનું વિભાજન થયું ત્યારે મહારાષ્ટ્રને તૈયાર રાજધાની અને તે પણ મુંબઈરૂપે મળી તેમ છતાં ગુજરાતે એની ઈષ્ર્યા કે અદેખાઈ કરવાને બદલે ઊધું માથું નાખી નવા રાજ્યની રચના ગૌરવભેર પાર પાડી છે. ઘણાને રાજ્યનું નામ મહારાષ્ટ્રની હરીફાઈમાં મહાગુજરાત રાખવું હતું પણ કશાય હિચકિચાટ વગર ગુજરાતનું નામ સ્વીકારાયું.

* ધર્મ અને આધ્યાત્મનું જ્ઞાન વધારવા અહિં ક્લિક કરો

વિભાજનના કાયદા સમયે કેટલાક રાજકીય આગેવાનોએ દ્વિસ્તરીય વિધાનસભાની વાત છેડી અને મહારાષ્ટ્રે વિધાન પરિષદ માટે સંમતિ દર્શાવી પણ ગુજરાતે નાના અને નવા રાજ્યને આવા ખોટા ખર્ચા ન પોસાય એમ કહી એકસ્તરીય માળખું રાખ્યું. પદલાલસા ન જાગી.

ગુજરાતની પ્રજા પણ-પછી ઉધોગપતિ હોય વેપારી હોય કે કારીગર હોય, એનામાં સાહસિકતા અને જહેમત કરવાની વૃત્તિ ભરપૂર પડી છે. ગાંધીએ નાખેલા મજૂરપ્રવૃત્તિનાં મૂળે તમામ પ્રકારના મજૂર સંગઠનોમાં કારણ વગર અઔધોગિક અશાંતિ જન્માવાની આદત લગભગ નામશેષ કરી નાખી છે. એટલે ઔધોગિક વિકાસમાં એને કોલકાતા કે મુંબઈ જેવી ઔધોગિક અશાંતિ વેઠવી પડી નથી.

લાગે છે વિધાતાએ ગુજરાત રાજ્યની સફળતાના લેખ પણ લખ્યા છે. ગુજરાત રાજ્યની રચના સમયે જ તેલ અને વાયુપંચે ખંભાત વિસ્તારમાં તેલના સંશોધનનું કામ આરંભ્યું હતું. ૧૯૫૯માં ખંભાત પાસેના લૂણેજમાં રશિયાના સહકારમાં તેલના પ્રથમ કૂવાનું શારકામ કરાયું હતું અને એ પ્રયાસોમાં જોતજોતામાં અંકલેશ્વરમાં સફળતા મળી.

* આઈપીએલ સબંધીત વધારે સમાચારો માટે અહીં જરૂર ક્લિક કરો

જીવરાજ મહેતા મુખ્યપ્રધાન હતા. એ સમયે નિષ્ફળતાનો ટોપલો કેન્દ્ર પર ઢોળવાની કે ગુજરાતને કેન્દ્ર અન્યાય કરે છે એવા નિવેદન કે આવેદનો આપવાનો યુગ શરૂ થયો નહતો. તેલ અને વાયુપંચના અઘ્યક્ષ કેશવદેવ માલવિયાજીએ અંકલેશ્વરનું ક્રૂડ મુંબઈ શુદ્ધીકરણ માટે લઈ જવાની યોજના ઘડી પણ જીવરાજ મહેતાએ તક ઝડપી ગુજરાતમાં રિફાઇનરી કરવાની માગણી કરી. કેન્દ્રને માગ સ્વીકારવી પડી. વડોદરા નજીક કોયલીમાં રિફાઇનરી સમયસર શરૂ કરી દેવાઈ.

આજના જેવાં ખાનગીકરણ કે ઉદારીકરણને બદલે ગુજરાતે સંયુકત સાહસની કલ્પના તૈયારી કરી. ગેસ અને તેલનો ઉપયોગ કરવા માટે ખાનગી ક્ષેત્રનું મેનેજમેન્ટ અને રાજ્યની માળખાકીય સુવિધાનો મેળ સધાયો. ગુજરાતે શાંત પણ મક્કમ પગલે કાર્ય આરંભ્યું. જીએસએફસી, જીએનએફસી, ગુજરાત આલ્કલી જેવાં ઘ્વજધારક ઉધોગો ઊભા કરાયા-ભારતનું પ્રથમ પેટ્રોકેમિકલ સંકુલ ઊભું કરાયું. વણથંભી ઔધોગિક પ્રગતિના મંડાણ થયા, મુંબઈના ઉધોગોને આકર્ષવા વાપીમાં ઔધોગિક વસાહત ઊભી કરાઈ.


* મુંબઇ આતંકવાદી હુમલા અંગેની વધુ માહિતી આપને અહીંથી મળશે

અંકલેશ્વર ઔધોગિક વસાહત એશિયાની સૌથી મોટી ઔધોગિક વસાહત બની ગઈ. અંકલેશ્વર પછી પાનોલી અને પાનોલી પછી નંદેસરી એમ હારમાળા થઈ ગઈ. ઔધોગિક રીતે પછાત ગણાતા હાલોલ-કાલોલમાં ઉધોગ ફેલાયા. કલોલમાં ઇફકોનું ખાતરનું કારખાનું આવ્યું. અમદાવાદ, મહેસાણા ઉધોગથી જોડાઈ ગયા-મહેસાણાથી વાપી સુધીની પટ્ટીને ગોલ્ડન કોરીડોરનું રૂપાળું નામ અપાયું. બીજી બાજુ કંડલા બંદર ધમધમવા માંડયું. પીપાવાવની જેટી બાંધવાનું શરૂ થયું. જોતજોતામાં ગુજરાત ભારતનું રસાયણ રાજ્ય બની ગયું. બીજું પેટ્રોકેમિકલ સંકુલ પણ દહેજમાં થયું.

ગુજરાતે દીર્ઘદ્રષ્ટિ વાપરી તેલવાયુ પંચના બાળી નખાતા ગેસનો ઉપયોગ શરૂ કરી ભારતમાં મોખરાનું સ્થાન મેળવ્યું. તેલ અને વાયુપંચે ગેસના મનફાવતા ભાવ લેવાનું શરૂ કર્યું તો તેના વિરોધમાં વ્યવસ્થિત ઝુંબેશ કરી. ગેસનો ભાવ નક્કી કરવા વીકેઆરવી રાવની લવાદી કેન્દ્ર પાસે કબૂલ કરાવી.

રાજ્ય સરકાર, તજ્જ્ઞો, વીજળી બોર્ડ મળી કેસ રજૂ કર્યો. રાવે હજાર ઘનમીટરના રૂ. ૫૦નો ભાવ નક્કી કર્યો. વડોદરા શહેરને ગેસ મળ્યો. હજાર ઘનમીટરના ૫૦ રૂપિયા એટલે ઘનમીટરના પાંચ પૈસા થયા. હમણાં રિલાયન્સે રોજનો ૧૧ મિલિયન ઘનમીટર ગેસ આપવાનો કરાર કર્યો છે તે ગેસનો ભાવ ઘનમીટરે પંદર રૂપિયા છે. ગુજરાતે તક ઝડપી કેવો લાભ લીધો, એ ૧૫ રૂપિયાનો ભાવ બતાવે છે.

આવું જ સિંગતેલનો ભાવ વઘ્યો તો ૧૯૭૦માં વડોદરા-અમદાવાદમાં ભાવવધારા સામે આંદોલન થયું. આંદોલનકારીઓએ સાડાત્રણ રૂપિયે કિલોનો ભાવ માગ્યો. તત્કાલીન મુખ્યમંત્રી બાબુભાઈ પટેલે પોણાચાર રૂપિયે કિલોએ જનતાને આપવાનું સમાધાન કર્યું. આજે ભાવ વઘ્યા છે. પણ કોઈ ચૂં કે ચાં નથી કરતું.

નર્મદા નિગમ રચાયું. કામ શરૂ થયું. વિશ્વ બેન્કની સહાય અટકાવવાના પ્રયાસો થયા તો દેશમાં પ્રથમવાર સિંચાઈ યોજના માટે બોર્ડ મારફત ૩૦૦ કરોડ મેળવ્યા પણ હજુ નર્મદાના પાણી ખેતરોમાં પહોંચાડવાના છે.

આ બધો વિકાસ નિરંતર ચાલુ રહ્યો કારણ ઔધોગિક વિકાસની ગતિ હવે રોકી શકાય એમ નહોતી. પણ, ગુજરાતના ગોલ્ડન કોરીડોરે ગુજરાતની પૂવપટ્ટીના ‘પોવર્ટી કોરીડોર’ની વિષમતા બહાર આણી છે. પેટ્રોકેમિકલ સંકુલ હોય કે આંબાડુંગરનો ફલોરસ્પાર ઉધોગ હોય પણ આ વિકાસના નિતરણની આશા ખોટી પડી છે. પેટ્રોકેમિકલ સંકુલની ચોફેરના ગામડાં કે આંબાડુંગરમાં વિકાસનાં ફળ નીતર્યા નથી.

તાજેતરમાં જિલ્લા વાર ગરીબીની જે વિગતો બહાર પડી છે એમાં બહાર આવ્યું છે કે ભારતમાં સૌથી વધુ ગરીબીનું પ્રમાણ ડાંગ જિલ્લામાં છે. માથાદીઠ માસિક ખર્ચના હિસાબે ખેડા જિલ્લા જેવા ખેતીની દ્રષ્ટિએ સમૃદ્ધ જિલ્લામાં ગામડામાં ૪૪ ટકા કુટુંબો ગરીબ છે. દાહોદ જિલ્લામાં ગામડામાં ૪૧ ટકા ગરીબ છે.

આ બતાવે છે કે ગુજરાતમાં ૫૦ વરસમાં વિકાસ થયો છે પણ આ વિકાસ પૂર્વપટ્ટીના આદિવાસી કે ગામડાના ગરીબો સુધી પહોંચ્યો નથી. પુરુષ-સ્ત્રીનું પ્રમાણ ઘણા વિસ્તારોમાં ચિંતાજનક છે. સ્વિર્ણમ વર્ષમાં થયેલા વિકાસને ઇન્કલ્યુઝિવ-સર્વસમાવેશક બનાવવા પ્રતિબદ્ધ થવું પડશે. આ ન થાય ત્યાં સુધી પીઠ થાબડવાથી શું વળશે?

- સનત મહેતા ગુજરાત રાજ્યના પૂર્વ નાણાપ્રધાન છે.