
Spotlight
Gujarat Day Gujarat Day આજે ગુજરાતના સ્થાપના દિને વાત એવા અમદાવાદીઓની કે જેઓ ગુજરાતના ખૂણે-ખૂણેથી આવી અમદાવાદમાં વસ્યાં છે. પ્રગતિનાં મીઠાં ફળ ખાઇ રહેલા આ અમદાવાદીઓ અહીં પોતાનાં ગામનાં વખાણ કરતાં થાકતા નથી...
ગુજરાત કે જયાં સભ્યતા અને સંસ્કતિની નથી પડતી કદી રાત, એ છે ગુજરાત... જયાં નર્મદ, મેઘાણી અને કલાપીનો છે વાસ, એ છે ગુજરાત... જયાં સમૃદ્ધિ અને શાંતિનો વરસે બારે માસ વરસાદ એ છે ગુજરાત... ગુજરાતે તેનાં કાળજાના બે ભાગ કર્યા અને સ્થપાયું મહારાષ્ટ્ર. આજે મહારાષ્ટ્રનાં શહેર મુંબઇની ગણતરી દુનિયાનાં સંપન્ન અને સમૃદ્ધ શહેરોમાં થાય એ સ્વાભાવિક છે, તેનું ઉદ્ગમસ્થાન તો ગુજરાત ખરું ને...
અમદાવાદની પોળમાં પયટર્કોની હરોળ, બારેજાના ચોખા દુનિયામાં સૌથી નોખા, દહેગામનું શિક્ષણ, પ્રગતિનું ઇંધણ, ખેડાની જૂની હવેલીઓ જાણે આર્કિટેકચર પહેલીઓ, જૂનાગઢના સિંહ અને કાઠિયાવાડી સંસ્કતિનો ન મળે જોટો. ગુજરાતનાં દરેક શહેર અને ગામની એક ખાસિયત છે જે તેની આગવી ઓળખ આપે છે. ગુજરાતના જુદાજુદા જીલ્લાઓની ખાસિયતો અંગે ત્યાનાં લોકો પાસેથી જ જાણીએ.
દહેગામનું શિક્ષણ, પ્રગતિનું ઇંધણ
અમદાવાદે મને દેશ દુનિયામાં ખ્યાતિ અપાવી પણ મારી જન્મભૂમિ દેહગામ છે. દહેગામ આમ તો એક નાનો તાલુકો છે પરતુ ત્યાંની શિક્ષણસંસ્થાઓ ખૂબ વખણાય છે. દેહગામની પ્રગતિ બીજા તાલુકાઓ માટે મોડલ ઓફ ડેવલપમેન્ટ કહી શકાય. અમદાવાદ વિષે તો જેટલું કહીએ એટલું ઓછું છે. અમદાવાદ એટલું મોટું શહેર છે કે બધાંને અહીં કરિયર-ગ્રોથની તક મળી રહે છે . મુકેશ પટેલ(જાણીતા ઇન્ટરનેશનલ ટેકસકન્સલ્ટન્ટ)
જૂનાગઢના સિંહ અને સંસ્કતિનો ન મળે જોટો
જૂનાગઢથી અમદાવાદ આવ્યો ને’ મારું કિસ્મત ચમકી ગયું. સફળતાની સીડીઓ ચઢતો હું અમદાવાદ સી.એ. એસોશિએશના પ્રમુખપદ સુધી પહોંચી ગયો. અમદાવાદની ફાસ્ટ લાઇફથી ટેવાઇ ગયા હોવા છતાં આજે પણ હું જૂનાગઢની કાિઠયાવાડી લાઇફસ્ટાઇલ ભૂલ્યો નથી. ગિરનારના સિંહ, જંગલો અને ડુંગરો, સોમનાથનું મંદિર અને વિશાળ સમુદ્રતટ જૂનાગઢની યુ.એસ.પી. છે. દુર્ગેશ બુચ( પ્રેસિડેન્ટ, અમદાવાદ સી.એ.એસોશિએશન)
બારેજાના ચોખા સૌથી નોખા
આમ તો બારેજા નાનો જીલ્લો છે પરંતુ ત્યાના ચોખાની મહેક દૂર દૂર સુધી ફેલાતી રહી છે. ગુજરાતમાં સૌથી સારી ગુણવત્તાના ચોખા બારજામાં પાકે છે એટલું જ નહીં, ગુજરાતમાં સૌથી વધુ રાઇસમિલો પણ ત્યાં જ છે પરંતુ અમદાવાદ આવ્યા પછી બહારની દુનિયા જાણે વિસરાઇ જ જાય છે. અમદાવાદમાં રહેવાની એક અલગ જ મજા છે જે તમને જકડી રાખે છે. રાકેશ શાહ(જી.એસ.ઇ.સી. ચેરમેન)
ખેડાની જૂની હવેલીઓ આર્કિટેકચર પહેલીઓ
ખેડાની હવેલીઓ ગુજરાતની અદ્ભુત સ્થાપત્યકળાનો પુરાવો રજૂ કરે છે. ગુજરાત એ દરેક પ્રકારનાં સ્થાપત્ય માટે ફળદ્રુપ જમીન સમાન છે. અમદાવાદ, વડોદરા, સુરત અને જૂનાગઢ જેવાં શહેરોમાં ઐતિહાસિક ઇમારતો જોઇને વિચાર આવે છે કે ગુજરાતમાં દેશી-વિદેશી તમામ પ્રકારની સ્થાપત્યકળા સોળે કળાએ ખીલી છે. યતિન પંડયા(જાણીતા આર્કિટેકટ, પ્રોફેસર સેપ્ટ યુનિવર્સિટી) .