
Spotlight
Gujarat Day Gujarat Day ગુજરાતની અસ્મિતા જેના થકી છતી થાય છે, એવા ગુજરાતના પ્રતીકોની હાલત અત્યારે બહુ દયાજનક છે...
ગીરના સિંહ : સાવજ કયાં છે ગીરમાં?
ગુજરાતની એકસકલુઝિવ ઓળખ ગીરના સિંહ હવે ગીરમાં જ સલામત નથી. છેલ્લા ત્રણ વર્ષમાં ૭૮ સિંહનાં મોતને સત્તાવાર સમર્થન મળ્યું છે. ગેરકાયદે શિકાર, પાળ વિનાના ખુલ્લા કૂવા, ખેતર ફરતે વીજળીના તારનું ફેન્સિંગ, રોગચાળો... કારણ ગમે તે હોય, હકીકત એ છે કે ગીરમાં સિંહ સલામત નથી. એટલે તો ગીરની બહાર પણ સિંહ દેખાય છે. બિનસત્તાવાર અહેવાલ પ્રમાણે ૧૨૫ સિંહ ગીરની બહાર વસે છે (કળશ, ૨૭ ફેબ્રુઆરી, ૨૦૦૮). સિંહના અભ્યાસી એચ. પી. સિંઘ કહે છે, ‘શિકારને લીધે ગીર બહારના સિંહની સલામતીનો પ્રશ્ન વધારે ગંભીર બની જાય છે. વળી, સિંહ માટેનો વિસ્તાર પણ ખૂબ ઓછો છે.’
કીર્તિ તોરણ : ‘ગુજરાત પ્રતીક’ માત્ર સરકારી દસ્તાવેજોમાં સુરક્ષિત
નરેન્દ્ર મોદીના ગામ વડનગરમાં આવેલું સિદ્ધરાજ જયસિંહે બનાવેલું કીર્તિ તોરણ ગુજરાત રાજયની ઓળખ છે. પરંતુ આજે ગુજરાતની આ ઓળખની હાલત ન ઓળખાય એવી છે. વડનગરમાં અરજણબારી દરવાજા વિસ્તારમાં આવેલાં બે તોરણમાંથી એક તો હમણાં સુધી તૂટેલી હાલતમાં હતું. તોરણની નીચે એંઠવાડ, કચરો, પથ્થરો વેરાયેલ નજરે પડે. ૧૯૬૦થી જે મોન્યુમેન્ટને સરકાર ગૌરવભેર રાજયની ઓળખ ગણાવે છે, એની હાલત સુધારવાની તસદી કોઇએ લીધી નથી.
ગુજરાતી ભાષા : ‘માતાનું ધાવણ’ છૂટયાની વેળા
‘અમારો બાબો-બેબી તો ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે!’ આ ક્રેઝને કારણે ગુજરાતી બોલતા લોકોની ટકાવારી સતત ઘટી રહી છે. ૧૯૭૧-૮૧ના દાયકામાં આ સંખ્યામાં ૨૭ ટકાનો વધારો થયો હતો, જયારે ૧૯૯૧-૨૦૦૧માં આ વધારો ઘટીને ૧૩ ટકા થઇ ગયો છે. અંગ્રેજી પ્રત્યેના મોહ કરતાં ગુજરાતી પ્રત્યેનો અણગમો વધારે ઘાતક પુરવાર થઇ રહ્યો છે. આ વાતે સંમત થતા સાહિત્યકાર રઘુવીર ચૌધરી કહે છે,‘મરાઠી અને તમિળ લોકોની જેમ ગુજરાતીઓને માતૃભાષા પ્રત્યે લગાવ નથી. શહેરોમાં ગુજરાતીને ઓછું મહત્ત્વ અપાય છે, એ ભવિષ્ય માટે ગંભીર બાબત છે.’
દારૂબંધી : બસ, નામની જ?
‘અરે, તમે હુકમ કરો ને, માગો તે બ્રાન્ડનો લાવી આપું!’ આ વાકયને સાચું પાડતા નરબંકા ગુજરાતની દારૂબંધીની ક્રૂર મજાક ઉડાવે છે. મહાત્મા ગાંધીની ભૂમિ ગુજરાતમાં મધને છૂટ અપાઇ નથી. પરંતુ રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મઘ્યપ્રદેશમાંથી દર વર્ષે અંદાજે ૭૦૦ કરોડ રૂપિયાનો દારૂ ગેરકાયદે ગુજરાતમાં પ્રવેશે છે. દારૂબંધી ટુરિઝમ અને ઉધોગોને નુકસાન કરી રહી છે, એવી વાતો થાય છે. ખાસ્સી ટીકા પછી પણ ગુજરાત સરકારે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (સેઝ)માં દારૂ પીવાની છૂટ આપી છે. તેમ છતાં ગુજરાતની સામજિક સલામતી દારૂબંધીમાં જ છે એવું માનનારાની બહોળી સંખ્યા છે.
ગુજરાતી ફિલ્મો : મણિયારો અને મિલ્ટપ્લેકસ
ગામ, ગરબા અને ગોકીરોમાં કેદ થયેલી ગુજરાતી ફિલ્મો જોનારા યુવાનો શોધવા હેલોજન લાઇટ લઇને નીકળવું પડે! ગુજરાતી ફિલ્મોનો દર્શક વર્ગ ગામડાં પૂરતો જ મર્યાદિત રાખવામાં કોનો વાંક એ ચર્ચા બાજુએ રાખીએ તો પણ એટલું તો ખરું જ કે એની પડતી થઇ છે. હા, છેલ્લાં વર્ષમાં કેટલીક ફિલ્મો હિટ ગઇ છે, પરંતુ કરમુકિત છતાં ‘ગોલિવૂડ’ (કે ઢોલિવૂડ!) યંગસ્ટર્સને આકર્ષી શક્તી નથી એ હકીકત છે.