
Spotlight
Gujarat Day Gujarat Day
ગુજરાત અને ગુજરાતીની અસ્મિતા અથવા ઓળખનો ઇતિહાસ બહુ લાંબો નથી. હજી ‘સિદ્ધહેમ’ વ્યાકરણગ્રંથના આધારે ઉદ્ભવેલ ગુજરાતી ભાષાને કાલની ગર્તામાં બહુ સદીઓ થઇ નથી. ભાષા વાર પ્રાંતરચના પછી ‘ગુજરાત’ રાજયના અસ્તિત્વને હજી વનપ્રવેશ મળ્યો નથી. કેવી છાપ હતી ગુજરાતી ભાષાની? કવિ કહે છે,
‘અબે તબેકા સોલહી આના
અઠે કઠેકા બાર,
આઠહી આના ઇકડં તીકડં,
શું શાં પૈસા ચાર.’
હિન્દીનો ભાવ સોળ આના, બીજી ભાષાઓ પણ આગળ. ગુજરાતીનો ભાવ માત્ર ચાર પૈસા, એટલે કે એક આનો અથવા રૂપિયાનો સોળમો ભાગ. કેવી હતી ગુજરાતીની છાપ? ગભરું, ભીરું, દાળભાતિયા, ઝઘડો ટાળનારા, પતાવટ કરનારા, વેપારી, શાંતિભાઇ, ગુજજુભાઇ વગેરે છાપો અને નામોથી ગુજરાતીઓ ઓળખાતા હતા.
આ પ્રજાને પોતાના ઇતિહાસનું કે અસ્મિતાનું ગૌરવ નહોતું. સમગ્ર ભારતમાં બ્રિટિશ શાસનકાળ દરમિયાન ચાલેલી સમાજસુધારા ચળવળનું એક સ્વણaમ પ્રકરણ ગુજરાતનું પણ છે, પરંતુ બંગાળી કે મરાઠી પ્રજાને પોતાના સમાજસુધારાનું જેટલું ગૌરવ છે, એટલું ગુજરાતીઓને નથી. આથી તો ગુજરાતના ઇતિહાસ, સંસ્કૃતિ અને સમાજશાસ્ત્રના અભ્યાસોમાં આ વાતો ભણાવાતી નથી.
ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરવાના પ્રયત્નો નર્મદ (જય જય ગરવી ગુજરાત), કવિ ખબરદાર, ક.મા. મુનશીથી માંડીને ઉમાશંકર જૉશી સુધીના સાહિત્યકારોએ કર્યા છે. વળી ભલું થજો ભાષાવાર પ્રાંતરચનાનું કે જેના થકી ગુજરાતનું રાજ્ય રચાયું અને ગુજરાતી ભાષા વહીવટ અને શિક્ષણના માઘ્યમ તરીકે સત્તાવાર ભાષા બની. ગુજરાતી ભાષાના વહીવટી કોશ તથા અન્ય વિધાકીય કોશોની રચના થઇ.
આ વાત એટલા માટે કરવી પડે છે કે ગુજરાત રાજ્યની રચના થઇ ત્યારે કયા વિસ્તારો ગુજરાતીભાષી ગણાય અને તેથી કરીને ગુજરાતમાં ભળવા જોઇએ તેના અનેક વિવાદો ભા થયા હતા. ડાંગની ભાષા ગુજરાતી કે મરાઠી તેવો વિવાદ ચાલ્યો હતો.
દીવ અને દાદરાનગર હવેલીના વિસ્તારોની ભાષા તો મુખ્ય ધારાની ગુજરાતી છે, છતાં ગુજરાત રાજયની રચના થઇ ત્યારે આ વિસ્તારોને ગુજરાતમાં ભેળવાયા નહીં. એવી જ રીતે આબુ પર્વત નજીકના વિસ્તારો તથા મઘ્યપ્રદેશના ઝાબુઆના ભીલોની ભાષા હિન્દી કરતાં મુખ્યધારાની ગુજરાતી ભાષાની વિશેષ નજીક હતી. તેમ છતાં આ વિસ્તારોને ગુજરાતમાં ભેળવવામાં આવ્યા નહોતા.
ગુજરાત રાજ્યની રચના પછી ગુજરાતી ભાષા અને તેના થકી ઉમાશંકરે જેને ‘ગુજરાતીતા’ કહી તેને ઉજાગર કરવાના વ્યકિતગત અને સંસ્થાકીય પ્રયાસો ઘણા થયા. રાજ્યમાં ભાષા નિયામકની કચેરી કરવામાં આવી જેણે વહીવટમાં ગુજરાતી વ્યાપી રહે તે માટે પ્રયાસો કર્યા. મને સ્મરણ થાય છે એક ભાષા નિયામક કાલીદાસ ત્રિવેદીનું. તેમનું સમગ્ર અસ્તિત્વ ગુજરાતી ભાષામય બની ગયું હતું. શિક્ષણકાર મગનભાઇ દેસાઇએ ઉન્નત ભ્રુવર્ગની આલોચના વહોરીને પણ ઉચ્ચ શિક્ષણમાં ગુજરાતી પ્રવર્તાવવાના જે પ્રયાસો કર્યા તેને પરિણામે ગુજરાતી માઘ્યમને લોકો મગન માઘ્યમના નામે ઓળખવા લાગ્યા. સંસ્થાકીય રીતે શાળા માટે પાઠ્યપુસ્તક મંડળે અને કોલેજ માટે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડે સતત કામગીરી કરીને વિશ્વનાં જ્ઞાનને ગુજરાતીમાં ઉતારવાના પ્રયાસો કર્યા. ગુજરાતમાં છેલ્લાં ચાળીસ વર્ષમાં બે પેઢીઓ એવી છરી જે પોતાનો બધો જ વ્યવહાર ગુજરાતીમાં ચલાવે છે, જેમને ‘થેંક્યુ’ અને ‘સોરી’થી આગળ અંગ્રેજી બોલતાં આવડતું નથી. ઉચ્ચ શિક્ષણમાં પણ તબીબી અને ઇજનેરી વિધાશાખાને બાદ કરતાં માઘ્યમ તો ગુજરાતી જ રહ્યું.
ગુજરાતી ભાષા અને તેના થકી ગુજરાતની અસ્મિતાના વિકાસનો ઇતિહાસ આ રીતે લખાયો નથી. ગુજરાતી ભાષાને આપણે ગુજરાતી સાહિત્યના અઘ્યાપકોને સહારે છોડી દીધી છે. આ અઘ્યાપકો અને સાહિત્યકારો સાહિત્યથી આગળ જઇને ગુજરાતી ભાષાનો વિચાર કરતા નથી. ઇતિહાસકારો, સમાજ વિજ્ઞાનીઓ ભાષાને પોતાનો વિષય સમજતા નથી, તેથી તેમનાં લખાણ અને અઘ્યાપનમાં ભાષાની વાત આવતી નથી.
પરંતુ ભાષાના આ સંદર્ભો એકવીસમી સદીમાં બદલાય છે. ઉમાશંકરે કહ્યું હતું, ‘એ તે કેવો ગુજરાતી, જે હો કેવળ ગુજરાતી?’ આ વાત જુદા સંદર્ભે સાચી પડી રહી છે. હવે કાલિદાસ ત્રિવેદી કે મગનભાઇ દેસાઇ જેવા ભાષાનું મિશન લઇને બેસેલા લોકો નથી. ગુજરાતની પ્રજાની તાસીર બદલાતી જાય છે.
હવે તે દાળભાતિયા-અહિંસક-શાંતિભાઇ ગુજરાતી નથી. આ ગાંધીનું ગુજરાત હવે નથી. હવેનો ગુજરાતી ડેશિંગ, સાધનશુદ્ધિમાં ન માનનારો, કોઇ પણ ભોગે સફળ થવા માગતો ‘વિશ્વ ગુજરાતી’ છે. તેને હવે ગુજરાતી ભાષાના કૂવામાં છબછબિયાં નથી કરવાં. તેને અંગ્રેજીનો સાગરપટ ખેડવો છે. છેલ્લાં આઠ-દસ વર્ષથી ગુજરાતની પ્રજાની બદલાયેલી તાસીર તેની ભાષા અને ભાષાપ્રયોજન થકી વ્યકત થાય છે.
વસ્તી ગણતરીના આંકડાઓ બતાવે છે કે સમગ્ર ભારતમાં ગુજરાતીને માતૃભાષા ગણાવતા હોય તેવા લોકોની ટકાવારી ઘટી રહી છે. અંગ્રેજી માઘ્યમમાં ભણવા માટેનો એક ‘મેડ રશ’ દેખાય છે. છાપામાં જાહેરખબર આવે છે, ‘અમારી શાળામાં ગુજરાતી માઘ્યમ ઉપરાતં અંગ્રેજી મીડિયમના વર્ગોપણ શરૂ કર્યા છે. સી.એન., દીવાન બલ્લુભાઇ, શારદામંદિર કે સાધના જેવી અત્યાર સુધી ગુજરાતી માઘ્યમમાં ભણાવતી શાળાઓને ટકી રહેવા માટે સમાંતર અંગ્રેજી માઘ્યમ શરૂ કરવું પડયું છે.
પાઠયપુસ્તક મંડળના કામ સામે પ્રશ્નો થવા લાગ્યા છે તો યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ છેલ્લાં પાંચેક વર્ષથી મરણ પથારીએ છે. સરકાર હસ્તક એવી ગુજરાતી અસ્મિતાને ઉજાગર કરતી સંસ્થાઓની આ હાલત છે , તો બીજી બાજુ સરકાર ખુદ અંગ્રેજી ભાષાના પ્રસારણ માટે સંસ્થાઓ ખોલે છે. ગુજરાતની બજારોમાં, મંડીમાં, હોટેલોમાં, રેલવે સ્ટેશન પર હવે હિન્દી ભાષા બોલાવા લાગી છે. સચિવાલયની કે બિઝનેસની ઉચ્ચ મિટિંગમાં હવે પાવરપોઇંટ પ્રેઝન્ટેશન અંગ્રેજીમાં થાય છે. દુકાનોનાં પાટિયાં અંગ્રેજીમાં લખાવા લાગ્યાં છે.
કેશ કર્તનાલયો હવે હેર આર્ટમાં અને ‘લોટ દળવાની ઘંટી’ હવે ફલોર મિલમાં બદલાવા લાગ્યાં છે. હવે લોકો ‘પાંઉ-ભાજી’ સિવાય પાંઉ નહીં ‘બ્રેડ’ ખાય છે. માખણ નહીં, બટર ખાય છે. ઘરમાં પણ મા-બાપ અંગ્રેજી માઘ્યમમાં ભણતા છોકરા સાથે અંગ્રેજી સંભાષણનો આગ્રહ રાખે છે અને તેની માતા પાડોશણને કહે છે, ‘યુ સી, મારા સનને ગુજરાતી આવડતું નથી.’ માત્ર ભાષા બદલાતી હોત તો વાંધો નહોતો.
ભાષા જેનું વાહન છે તે સમગ્ર સંસ્કૃતિ બદલાઇ રહી છે. અબોટિયું, ગોઠણિયો, બાજઠ, પંગત વગેરે અદૃશ્ય થતાં જાય છે, તેની સામે ડીનરડ્રેસ, ડાઇનિંગ ટેબલ અને બૂફે આવતાં જાય છે. ગુજરાતી ભાષાના આપણે કાકા હતા તે મટીને અંગ્રેજી ભાષાના ભત્રીજા થવા બેઠા છીએ. જે પેઢી ગુજરાતી ભાષાનું ધાવણ ધાવીને મોટી થઇ હતી તેણે ગુજરાતી ભાષાને ઘરડા ઘરમાં મોકલી આપી છે. અંગ્રેજી ભાષા સાથે અંગ્રેજિયતનું પ્રભુત્વ આવે છે. ગુજરાતી ભાષા જીવશે કે મરશે તે સવાલ ગૌણ છે, ગુજરાતી સંસ્કૃતિ અને અસ્મિતા અંગ્રેજિયતને ત્યાં ગીરવે મુકાઇ જશે તે મહત્ત્વનો સવાલ છે.
જરૂર છે ગુજરાતી ભાષાને સાહિત્યકારોના ‘શુદ્ધ ભાષા’ના ખ્યાલોમાંથી મુકત કરી પ્રજાને ખોળે રમતી કરવાની. જરૂર છે પાટિયાંને ફરજિયાતપણે ગુજરાતીમાં ચીતરવાની. અંગ્રેજી જેવી વ્યાકરણની દૃષ્ટિએ નબળી અને ચાંચિયાઓની ભાષા તેની લવચીકતાને કારણે વિકસી હોય તો ગુજરાતીને પણ એવી લવચીક બનાવીએ. ભાષા અને સંસ્કૃતિ નવા સ્વરૂપે જન્મ પામે તો વાંધો નથી. તે આપણી ભાષા, આપણી સંસ્કૃતિ, આપણી અસ્મિતા હશે. ગુજરાતીમાં આપણે પ્રમુખ રહીશું, અંગ્રેજીમાં ગૌણ બની જશું.