HomeSpotlightGujarat Day Gujarat Day

ગુજરાત રાજયના વિધાતા - સરદાર પટેલ

sardar-patelસમયની સરિતાના સાનિઘ્યમાં વહી ગયેલી ઘટનાઓને સ્મૃતિપટ પર અંકિત કરીએ તો ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮માં જામનગરના લાલ બંગલામાં સૌરાષ્ટ્ર રાજયની રચનાના ઉદ્ઘાટન પ્રવચનમાં સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું હતું કે ‘કરછ, સૌરાષ્ટ્ર અને ગુજરાતની પ્રજા એક તંત્રમાં એકત્ર થાય, એનું એક જ વહીવટી એકમ રચાય એવી મારી અભિલાષા છે.’ સરદારે સેવેલું એ સ્વપ્ન ૧લી મે, ૧૯૬૦માં સાકાર થયું. પ્રસિદ્ધ સાક્ષર રમણલાલ વસંતલાલ દેસાઈના શબ્દોમાં મહાગુજરાત એ બિલિપત્રના ત્રણ પાંદડા સમાન છે.

કાળની ગતિ વહેતી જ રહે છે. રાજકીય ઇતિહાસકારોએ નોંઘ્યું છે તેમ સરદાર હોત તો પ્રારંભથી જ ગુજરાત રાજયની સ્થાપના થઈ ગઈ હોત. મહાગુજરાતની લડતને અવકાશ જ ન રહ્યો હોત.

કારણ કે સરદાર પટેલ ગુજરાત-સૌરાષ્ટ્ર-કરછનાં સંયુકત રાજયના સમર્થક હતા. સરદાર સમગ્ર રાષ્ટ્રના નિર્માતા હતા. પરંતુ ગુજરાતના તો એ વિધાતા હતા. સતત પંદર વર્ષ સુધી ગુજરાત પ્રાંતિક સમિતિના પ્રમુખ તરીકે રહી સ્વાતંત્ર્યસંગ્રામમાં ગુજરાતને દોરવણી આપી. ઐમના જ નેતૃત્વ નીચે ગુજરાતે અંગ્રેજો સામે છ રાજકીય લડતોનું સફળ સંચાલન કર્યું હતું.

ગુજરાતના સર્વાંગી વિકાસનું સરદારનું કેવું સ્વપ્ન હતું? ગુજરાતીઓ પાસે કેવી આશા સેવી હતી? શાસકો અને વહીવટીકર્તાઓ પાસે કેવી અપેક્ષા રાખી હતી? એ અંગે ગુજરાતની ધરતી પર વ્યકત થયેલા એમના વિચારો, એમના વકતવ્યો, એમના જ શબ્દોમાં અહીં પ્રસ્તુત કર્યા છે. જે વર્તમાન પરિસ્થિતિમાં આજે પણ એટલા જ પ્રેરણાદાયી છે:

લોકસેવકો, દેશભકતોની સ્વતંત્રતા જોખમમાં હોય પણ દારૂ પીનારા અને દારૂ વેચનારાઓની સ્વતંત્રતાનું રક્ષણ કરવા ખાસ કાળજી રાખવામાં આવે એવી સ્થિતિ ગુજરાતમાં નહીં થાય. (ભરૂચ : ૧-૬-૧૯૨૧) મારી આશા ગુજરાતીઓ ઉપર છે. દેશમાં ચોમેર અંધકાર અને નિરાશા ફેલાયેલી હોય તે વખતે અનેક મુશ્કેલીઓ વચ્ચે ત્યાગ અને બલિદાનનો પ્રચંડ વાયુ ફેલાવી ગુજરાતે દેશને દોરવણી આપી છે. (અમદાવાદ : ૨૨-૭-૧૯૨૩)

હું ખેડૂત છું. મારી નસેનસમાં ખેડૂતનું લોહી વહે છે. જયાં જયાં ખેડૂતને દુ:ખ પડે છે ત્યાં મારું દિલ દુભાય છે. જે દિવસે સરકારી દફતરમાં ખેડૂત આબરૂદાર, ઇજજતદાર લેખાશે ત્યારે જ તેનો દહાડો વળશે. સાચું ખેડૂતનું સ્વરાજય સ્થાપવાના અખતરામાં ગુજરાત મને સાથ આપે તો આખા દેશનું સ્વરાજય આપણે સહેલાઈથી સ્થાપી શકીએ.(બારડોલી : ૧૯૨૮)

પ્રધાનો રાજયની તિજોરીના ટ્ર્સ્ટી છે. માલિક નથી. એ નાણાં પ્રજાના કલ્યાણ અર્થે વાપરવા જોઈએ. રાજય વૈભવને શોભતો ખર્ચ ભલે થાય, પણ એની મર્યાદા હોવી જોઈએ. (અમદાવાદ : ૧-૪-૧૯૨૯) હિંદુસ્તાનનું દુ:ખ, ગુજરાતનું દુ:ખ, કાઠિયાવાડનું દુ:ખ આગેવાનોના અભાવનું નથી, આગેવાનો અનેક થઈ પડયાનું છે, સિપાઇગીરીના અભાવનું છે. (નવજીવન : ૭-૪-૧૯૨૯)

અમદાવાદ તો ગુજરાતનું હૃદય કહેવાય. અહીંથી ગુજરાતમાં શુદ્ધ લોહી વહેળું જોઈએ. અહીંથી ખુશબો નીકળવી જોઈએ. (અમદાવાદ : જુલાઈ ૧૯૩૧)

પ્રજા રાજયની જ ભૂલો જોયા કરે તેથી કંઈ નહીં વળે. તેણે પોતાનો ધર્મ પણ પાળવો જોઈએ. આપણું કર્તવ્ય ન કરીએ ને કેવળ રાજયની ખણખોદ જ કર્યા કરીએ તો એ બરાબર નથી. રાજા-પ્રજા વચ્ચે મીઠો સંબંધ રહે એવું કરવું જોઈએ. (રાજપીપળા : તારીખ ૨૫-૧૨-૧૯૩૭)-(લેખક સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારકના અઘ્યક્ષ છે.)