Home »Daxin Gujarat »Latest News »Navsari» Nursery For Plant

ઔષધિય વનસ્પતિના ઉછેર માટે નર્સરી

Yusuf A Shekh, Navsari | Nov 14, 2010, 23:08 PM IST

nursery for plant- નેશનલ હોર્ટિકલ્ચર મશિનની ગ્રાન્ટથી ગુજરાતમાં આવી વનસ્પતિની પ્રથમ નર્સરી નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ઔષધિય તથા સુગંધિત વનસ્પતિના ઉછેર અને સંવર્ધન માટે વિશિષ્ટ નર્સરીની યોજના અમલમાં મૂકી છે. ગુજરાતમાં સૌ પ્રથમ નવસારી કૃષિ યુનિવર્સિટીને નેશનલ હોર્ટિકલ્ચર મશિન દ્વારા ઔષધ અને સુગંધિત વનસ્પતિઓની નર્સરીના પ્રોજેક્ટ માટે રૂ. ૧૮ લાખની ગ્રાન્ટ ફાળવી છે. અહીં આ નર્સરીનો પ્રોજેક્ટ ફેબ્રુઆરી-૨૦૦૯થી અમલમાં છે. આ નર્સરીમાં ૧૯૫ જેટલા પ્રકારની વનસ્પતિઓનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. ઔષધિય અને સુગંધિત વનસ્પતિની નર્સરીનો પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરનારા અસ્પી કોલેજ ઓફ હોર્ટિકલ્ચર એન્ડ ફોરેસ્ટ્રીના વિભાગીય વડા ડૉ. બી.કે. ધડૂક તથા બોટનીના આસિ. પ્રોફેસર ડૉ. બીમલ એસ. દેસાઈ જણાવે છે કે કૃષિ યુનિવર્સિટીના કેમ્પસમાં ૪ હેકટર વિસ્તારમાં આ નર્સરી ઉભી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં પ્રપોગેશન ચેમ્બર સહિત એક વિશાળ નેટહાઉસ તથા પોલી હાઉસમાં વિવિધ વનસ્પતિના છોડનો ઉછેર કરવામાં આવે છે. કૃષિ યુનિવર્સિટીએ ૫૬ પ્રકારની વનસ્પતિનો ઉછેર પોતે જ કર્યો છે. ૧૩૯ પ્રકારની વનસ્પતિ ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી મેળવી તેનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. ડૉ. બીમલ જણાવે છે. આ નર્સરીમાં હાલમાં કરિયાતુના ૬૩, કાંટા સરયુના ૭૬, એલચીના ૨૪૩, સફેદ તુલસીના ૪૭, કુંવારપાઠુના ૭૨, સફેદ મૂસળીના ૩૫૨, બ્રાહ્નીના ૧૫૦, જાપાનીઝ મિંટ (ફુદીનો)ના ૨૪૦, મીઠો લીમડોના ૭૦, બે પ્રકારની શતાવરીના ૬૫, વિવિધ રંગોના જાસુદના ૧૪૦, અરડુસીના ૩૦૦, બોરસલ્લીના ૧૧૦, જંગલી રિંગણના ૫૦, લિંડીપિપરના ૩૦, હરદ્વાર તુલસીના ૩૦ તથા ડમરો વનસ્પતિના ૭૫ જેટલા છોડનો ઉછેર કરવામાં આવ્યો છે. આ નર્સરીમાં ચણોઠીની ત્રણ વેરાઈટી અનુક્રમે લાલ, સફેદ અને કાળી ચણોઠીનો ઉછેર કરાયો છે. નવસારી કૃષિ યુનિ. ખાતે આ નર્સરી પ્રોજેક્ટના હેતુઓની ચર્ચા કરતા ડૉ. બીમલ દેસાઈ જણાવે છે કે વિવિધ પ્રકારની ઔષધિય તથા સુગંધિત વનસ્પતિઓની વિવિધ પ્રજાતિનો એક જ જગ્યાએ ઉછેર કરી તેની જાળવણી કરવી. લુપ્ત થતી ઔષધિય તથા સુગંધિત વનસ્પતિનું સંરક્ષણ કરવું. પોલી હાઉસ તથા નેટ હાઉસમાં ઉછેર કરેલી આવી વનસ્પતિઓની જાળવણી કરવી. લોકોમાં તથા ખેડૂતોમાં ઔષધ તથા સુગંધિત વનસ્પતિ બાબતે જાગૃતિ લાવવી. આવી વનસ્પતિઓના ઉછેર કે ખેતી માટે વૈજ્ઞાનિક પદ્ધતિ વિકસાવવી. ખેડૂતો આ વનસ્પતિનું સારું ઉત્પાદન મેળવી શકે તે માટે સરકારના નહીં નફો નહીં નુકસાનના ધોરણે આ વનસ્પતિઓના ગુણવત્તાસભર છોડનું વેચાણ અને વિતરણ કરવાના આશયથી આ નર્સરીનો પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ બાબતે વધુ જાણકારી અને માર્ગદર્શન માટે ખેડૂતો ડૉ. બી.કે. ધડૂક (મો.નં. ૯૮૨૫૩ ૨૭૦૦૮) તથા ડૉ. બીમલ દેસાઈ (મો.નં. ૯૩૭૪૦ ૬૫૬૪૬)નો સંપર્ક કરી શકે છે. - કેટલીક લોકપ્રિય ઔષધિય વનસ્પતિ ગુજરાતમાં હાલમાં સૌથી વધુ વેચાણ રજનીગંધાની ગાંઠનું થઈ રહ્યું છે. આ વનસ્પતિમાંથી જે તેલ નીકળે છે તે અરોમા થેરપી તથા પરફ્યુમ્સ બનાવવામાં કામ લાગે છે. બીજા ક્રમે સફેદ મૂસળી સૌથી લોકપ્રિય વનસ્પતિ છે. આ વનસ્પતિ ટોનિક તરીકે ખાસ કરીને વીર્યવર્ધક તરીકે ઉપયોગમાં આવે છે. બ્રાહ્ની વનસ્પતિની પણ ખૂબ ડિમાન્ડ રહે છે. આ વનસ્પતિ સ્મરણશક્તિ વધારવામા ઉપયોગી પુરવાર થઈ છે. ડાયાબિટિસના રોગને દૂર કરવામાં ઉપયોગી એવી મધુનાશીની વનસ્પતિની પણ ખૂબ ઊંચી માગ રહે છે. - લુપ્ત થતી વનસ્પતિઓનું સંરક્ષણ લુપ્ત થતી વનસ્પતિઓના સંરક્ષણ અને સંવર્ધન માટે ઔષધ તથા સુગંધિત વનસ્પતિની નર્સરી બહુ મોટી ભૂમિકા ભજવી શકે છે. ડૉ. બીમલ દેસાઈ જણાવે છે કે લુપ્ત થતી વનસ્પતિ પૈકી આ નર્સરીમાં સર્પગંધા, સફેદ મૂસળી, સ્ટીવીયા, પેઉટો, અર્જુન સાદડ, રગતરોહીડો, દુધિયો વચનાગ, હરડે, બહેડા, સફેસ સીસમ, ગુગળ, બે પ્રકારના ગોખરું, કાળી ગાય (વિષ્ણુકાંતા), સફેદ કૌચા, કાળા કૌચા વગેરે વનસ્પતિઓના છોડ આ નર્સરીમાં ખૂબ જ માવજત લઈને ઉછેરવામાં આવી રહ્યા છે. હાલમાં આ નર્સરીમાં ઉછેરવામાં આવતી ૧૯૫ જેટલા વેરાઈટીની વનસ્પતિઓના કુલ ૨૯૭૯ છોડ ઉછેરવામાં આવ્યા છે. - કિચન પ્લાન્ટ પેકેજ આગામી દિવસોમાં રોજબરોજ રસોઈ સહિત અન્ય વપરાશમાં આવતી વનસ્પતિનું એક પેકેજ કિચન પ્લાન્ટરૂપે તૈયાર કરવાનું ડૉ. બીમલ દેસાઈ વિચારી રહ્યા છે. તેઓ જણાવે છે કે અજમો, ફૂદીનો, તુલસી, હળદર, જાયફળ, સુવા, ચારોળી, લીંડીપિપર, લીલી ચા, લવિંગ વગેરે રોજબરોજના વપરાશમાં આવતી વનસ્પતિઓ કુંડામાં કે નાના ક્યારામાં ઉછેરી શકાય છે. આ તમામ વનસ્પતિઓનું એક પેકેજ તૈયાર કરી મહિલાઓ તેનો ઉછેર કરી શકે તે હેતુથી વિતરણ કરવાનું વિચારી રહ્યા છીએ. આ પેકેજ દ્વારા વનસ્પતિઓ બાબતે લોકોમાં જાગૃતિ આવશે તથા રોજબરોજના ઉપયોગ માટે ઘરઆંગણે તેનો ઉછેર કરી શકાશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: nursery for plant
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended