Home »Uttar Gujarat »Latest News »Sabarkantha» Today Mata Durga Aradhan Celebration Navratri Star

આજથી મા દુર્ગાની આરાધના નવરાત્રી ઉજવણીનો આરંભ

Bhaskar News, Himmatnagar | Oct 16, 2012, 00:19 AM IST

જિલ્લામાં ગરબા-ખેલૈયાઓ સજી-ધજી સજ્જ :નવ દિવસ સુધી રોશનીના જગમગાટ અને ગરબાની ધૂનથી વાતાવરણ ભકિતમય બનશે આજથી જિલ્લામાં મા આદ્યશકિત દુર્ગાની ઉપાસના-ઉપવાસ અને ગરબા મહોત્સવથી નવરાત્રીનો રંગેચંગે પ્રારંભ થશે. જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી ગરબા-ખેલૈયાઓ અને આયોજકો સહિ‌ત લોકોમાં નવરાત્રીની ઉજવણીનો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. હિંમતનગર, વિજયનગર, ઇડર શહેર સહિ‌તના ગ્રામ્ય વિસ્તારોમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી માટે અંતિમ ચરણની તૈયારીઓ થઇ ચૂકી છે. તે સાથે આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી નવલી નોરતાના પર્વની શરૂઆત થશે. હિંમતનગર શહેરના મહાવીરનગર, મહેતાપુરા, પોલોગ્રાઉન્ડ, શારદાકુંજ, છાપરીયા વિસ્તાર, કચ્છી સોસાયટી, બગીચા વિસ્તાર, ખાડીયા વિસ્તાર સહિ‌તના અનેક વિસ્તારોમાં માઇ મંડળો દ્વારા નવરાત્રિ મહોત્સવની ઉજવણીની અંતિમ ચરણોની તૈયારીઓ થઇ ચૂકી છે. ગાંભોઇ : ગાંભોઇ-રાયગઢ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ગામના ચોરા, મહોલ્લામાં માતાજીની માંડવીને વિદ્યતુ રોશની અને ધજા-પતાકા શણગારવામાં આવેલ છે. જુના માંડવી ચોકમાં નવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આ વિસ્તારના બેરણા, ચાંપલાનાર, ખેડ, હાથરોલ, આગીયોલ, સઢા, ઢુંઢર, સુરજપુરા વગેરે ગ્રામ્ય વિસ્તારોમાં ભકિતસભર વાતાવરણ વચ્ચે ઉત્સાહભેર ઉજવાઇ રહ્યો છે. પોશીના: ખેડબ્રહ્મા તાલુકાના પોશીના, લાંબડીયા, ખેરોજ, દેલવાડા અને કોટડા-ગઢી તેમજ વનવાસી ક્ષેત્રના ગામોમાં નવરાત્રી પર્વની ઉજવણી કરવા માટે આયોજકો દ્વારા તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. દર વર્ષની જેમ પોશીનાના અંબિકા મંદિર ચોક, પ્રજાપતિ હોળી ચોક, પોલીસ લાઇન માતાજી મંદિર, ખેરોજના ચાચર ચોક, લાંબડીયાના અંબિકા મંદિર ચોક, દેલવાડા માતાજી ચોક તેમજ કોટડા-ગઢીના નવરાત્રી ચોક ખાતેની માંડવીઓ અને મંદિરને રંગરોગાન તેમજ લાઇટીંગ રોશની કરી શણગારવામાં આવી રહી છે. અને કેટલાક આયોજકો દ્વારા ખેલૈયાઓને લ્હાણી વિતરણ કરવાની વ્યવસ્થામાં લાગી ગયા છે.તેમજ વનવાસી ક્ષેત્રના કેટલાક ગામમાં નવરાત્રી પર્વની ઉજવણી માટે વનવાસી કાર્યકરોમાં ભારે ઉત્સાહથી તૈયારીઓ પૂર્ણ થઇ ચૂકી છે. વિજયનગર: વિજયનગર તાલુકામાં ૧૦૦ થી વધુ સ્થાનો પર નવલા નોરતાની ઉજવણી કરવામાં આવે છે. વિજયનગર માઇ મંડળના પ્રમુખ મદનસિંહજી સિસોદીયા, મંત્રી મહેન્દ્રસિંહ, રામનગર માઇ મંડળના મંત્રી બી.યુ.પુરાણી, ભરતભાઇ સુથાર, ગોકુલ ઉપાધ્યાયના જણાવ્યા મુજબ વિજયનગર ગામ તથા તાલુકાના ૧૦૦ થી વધુ સ્થાનો પર નવરાત્રીનું આયોજન થયુ છે. જાદર :ઇડર તાલુકાના જાદર પંથકના ચડાસણા, દાવડ, લાલપુર, ડુંગરી, દરામલી સહિ‌તના ગામોના માઇ મંડળો દ્વારા નવરાત્રી મહોત્સવની તૈયારીઓ થઇ ચૂકી છે. કેટલાક માઇ ભકતો નવરાત્રીના નવ દિવસ દરમિયાન પૂજા, પાઠ, મંત્ર અનુષ્ઠાન, હોમ હવન, ઉપવાસ કરી મા જગદંબાની આરાધના કરે છે. જયારે બીજી બાજુ આ વિસ્તારના યુવાન-યુવતીઓ નિતનવા ટ્રેડીશનલ પોશાકો સાથે ગરબે ઘૂમવાની તૈયારીઓ કરી ચૂકયા છે. મોડાસાનો અરવલ્લી નવરાત્રી મહોત્સવ વેબસાઈટ પર લાઈવ ભાસ્કર ન્યૂઝ.મોડાસા આજથી નવલા નોરતાંનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે મોડાસાનો નવરાત્રી મહોત્સવ દુનિયાભરમાં લોકો વેબસાઈટ પર લાઈવ જોઈ શકે તે માટે અરવલ્લી મહોત્સવ દ્વારા વેબસાઈટ લોન્ચ કરવામાં આવી છે. આ વેબસાઈટની મદદથી દુનિયાના કોઈપણ ખુણામાં બેઠેલ વ્યક્તિ એક ક્લિકથી શહેરમાં યોજાતા ગરબાને લાઈવ જોઈ શકશે. આ અંગે વિગતો આપતા અરવલ્લી નવરાત્રી મહોત્સવના પ્રમુખ ચંદ્રકાન્તભાઇ પટેલે જણાવ્યું હતું કે, પ્રથમવાર વેબસાઈટના માધ્યમથી દુનિયામાં કોઈપણ વ્યક્તિ આ મહોત્સવના ગરબા લાઈવ નિહાળી શકશે. આ વિસ્તારમાં પ્રથમવાર આ પ્રયોગ કરવામાં આવ્યો છે. દેશ અને દુનિયાના વિવિધ વિસ્તારોમાં રહેતા મોડાસાવાસીઓ માત્ર એક ક્લીક કરી ઘર આંગણાના ગરબા નિહાળી શકશે. બીજી તરફ સુરક્ષાને ધ્યાને રાખી સીસીટીવી કેમેરા પણ ગોઠવી દેવામાં આવ્યા છે. મેદાનમાં કોઈ આલ્કોહોલનું સેવન કરીને ન આવે તે માટે બ્રેથએનાલાઈઝરનો પણ ઉપયોગ કરવામાં આવનાર છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Today mata durga aradhan celebration navratri star
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended