Home »Uttar Gujarat »Latest News »Mehsana» Attack On Police Than Firing, Women PSI Injured

મારો કાપો...ની બૂમો પાડી પોલીસ પર હુમલો થતાં ફાયરિંગ, મહિલા PSIને ઈજા

Bhaskar News, Kadi | May 18, 2017, 01:34 AM IST

  • કડીના આદુંદરામાં ક્રિકેટસટ્ટા પર રેડ કરતાં 150નું ટોળું તલવાર-ધોકા લઇને તૂટી પડ્યું
કડી: આઈપીએલની જીવંત ક્રિકેટ મેચ પર કડી તાલુકાના આદુંદરામાં સટ્ટો રમાતો હોવાની બાતમી આધારે મહેસાણા એલસીબી, એસઓજી અને કડી પોલીસે હાથ ધરેલા ઓપરેન દરમિયાન 3 સટોડિયા સહિત ગામના 150 જેટલા શખસોએ પોલીસ પર હુમલો કર્યો હતો. ટોળાએ તલવાર, ધોકા, લાકડી સહિતના હથિયારોથી કરેલા હુમલામાં મહિલા પીએસઆઈ ટી.એન. વાઘેલાને ઈજા પહોંચી હતી. 

જેને પગલે હિંસક બનેલા ટોળાને વિખેરવા પોલીસે 2 રાઉન્ડ ફાયરિંગ કરતાં નાસભાગ મચી ગઇ હતી. આ બનાવ અંગે કડી પોલીસે 4 શખસો સહિત 150ના ટોળા સામે ફરિયાદ નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

આદુંદરા ગામે પટેલ નગીન ઉર્ફે પાયલોટ બળદેવભાઈ, ચીનુ ભલાભાઈ પટેલ અને રોનક પટેલ નામના સટોડિયા નગીનભાઈ નામના શખસના મકાનમાં મંગળવારે રાત્રે આઈપીએલ 20-20ની મુંબઈ અને પૂણે વચ્ચેની જીવંત મેચ પર ક્રિકેટ સટ્ટો રમાડતા હોવાની બાતમી કડી પોલીસને મળી હતી. 

જેના આધારે કડી પોલીસે મહેસાણા એલસીબી પીએસઆઈ જાડેજા અને એસઓજી પીએસઆઈ એ.એ.વછેટા સહિત પોલીસ સ્ટાફ સાથે રાખી ગામે મંગળવારે રાત્રે 10 વાગે ક્રિકેટ સટ્ટાધામ પર રેડ કરવા પહોંચ્યા હતા. 

પોલીસ નર્મદા કેનાલના રસ્તેથી ગામમાં પ્રવેશી હતી. 2 ટુકડીમાં પોલીસ ક્રિકેટ સટ્ટાધામ પર રેડ પાડવા જઈ રહી હતી, ત્યારે સટોડિયાના ઘર આગળ ઉભા રહેલા ગામલોકો અને સટોડિયા સહિત 150ના ટોળાએ તલવાર, લાકડી, ધોકા સહિતના ઘાતક હથિયારો સાથે ગેરકાયદે મંડળી બનાવી પોલીસને મારો કાપો...ની બૂમો પાડી પોલીસ પર હુમલો કરી પથ્થરમારો શરૂ કર્યો હતો. જેમાં સટોડિયા નગીને મહિલા પીએસઆઈ ટી.એન. વાઘેલાને માથામાં લાકડી મારવા જતાં તેઓ નીચે પડી ગયા હતા અને તેમના પગે લાકડી વાગતાં ઈજા થઇ હતી.

બીજી બાજુ, હિંસક બનેલા ટોળાને વિખેરવા કડી પીઆઈ અને એસઓજી પીએસઆઈએ તેમની રિવોલ્વરમાંથી 2 રાઉન્ડ ફાયરિંગ કરતાં ટોળું વેરવિખેર થતાં પોલીસ જીવ બચાવી ગામમાંથી ઈજાગ્રસ્ત મહિલા પીએસઆઈને લઈ કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા હતા. જેમને પગે ફ્રેક્ચર હોવાનું જણાવ્યું હતું.

આ બનાવ અંગે કડી પોલીસે નગીનભાઈ, ચીનુભાઈ, રાકેશભાઈ અને નીલેશભાઈ સહિત 150ના ટોળા સામે ગેકકાયદે મંડળી રચી ગામલોકોને ઉશ્કેરી પોલીસ પર પથ્થરમારો અને હુમલો કરવા અંગે ગુનો નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે, બનાવ અંગે સ્થાનિક પત્રકારો પોલીસ મથકે માહિતી મેળવવા પહોંચતાં કોન્સ્ટેબલે બનાવની માહિતી મળશે નહીં તેમ કહી રૂઆબ છાંટવાનો પ્રયાસ કર્યો હતો.
 
 
વધુ વાંચવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: attack on police than firing, Women PSI injured
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended