Home »Sports »Cricket »Latest News» Ajinkya Rahane In As India Elected Bat First Against Pakistan Delhi 2012

Live: ટોસ જીતી ભારત બેટિંગમાં, વીરૂ આઉટ, રહાણે ઈન

divyabhaskar.com | Jan 06, 2013, 11:30 AM IST

- ત્રીજી અને અંતિમ વનડેમાં ભારતે પાકિસ્તાનને 10 રને હરાવ્યું
- વ્હાઈટવોશનું પાકિસ્તાનનું સપનુ તૂટ્યું, 2-1થી જીતી શ્રેણી
- ભારતીય સુકાની મહેન્દ્ર સિંહ ધોની બન્યો મેન ઓફ ધ મેચ
- સતત બે સદી ફટકારનારો નાસિર જમશેદ બન્યો મેન ઓફ ધ સીરિઝ


બેટ્સમેનોએ ધબડકો કરીને નોંધાવેલા આસાન સ્કોર સામે બોલરોએ ઘાતક પ્રદર્શન કરતા રોમાંચક અને દિલધડક બનેલી ત્રીજી અને અંતિમ વનડેમાં ભારતે પાકિસ્તાનને હરાવીને પોતાની લાજ રાખી છે. દિલ્હી ખાતે રમાયેલી લો સ્કોરિંગ મેચમાં ભારતે પાકિસ્તાનને 10 રને પરાજય આપ્યો. આ સાથે જ ભારત વ્હાઈટવોશમાંથી બચી ગયું છે. જોકે, પાકિસ્તાને 2-1થી શ્રેણી જીતી લીધી છે.

ફિરોઝ શાહ કોટલા મેદાન પર ટોસ જીતીને ભારતે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ બેટ્સમેનોએ કંગાળ પ્રદર્શન કરતા ટીમ 43.4 ઓવરમાં જ 167 રને ઓલ-આઉટ થઈ ગઈ હતી. જેનો સામનો કરવા ઉતરેલી પ્રવાસી ટીમને ભારતીય બોલરોએ શરૂઆતથી જ દબાણમાં રાખી હતી. ભારતીય બોલરોએ વર્તમાન શ્રેણીની સર્વશ્રેષ્ઠ બોલિંગ કરતા પાકિસ્તાનને 48.5 ઓવરમાં 157 રનમાં ઓલ-આઉટ કરીને મેચને 10 રને જીતી લીધી.

- પાકિસ્તાની બેટિંગ

વર્તમાન શ્રેણીમાં પાકિસ્તાની બેટ્સમેનોનું અને ભારતીય બોલરોનું પ્રદર્શન જોતા ટીમ ઈન્ડિયાએ આપેલો 168 રનનો લક્ષ્યાંક ઘણો જ આસાન હતો. જેને પાર પાડવા માટે નાસિર જમશેદ અને કામરાન અકમલની જોડી મેદાનમાં આવી હતી. પાકિસ્તાન આસાનીથી આ મેચ જીતી જશે તેવું લાગી રહ્યું હતું પરંતુ ભારતીય બોલરોએ શરૂઆતથી જ મહેમાન ટીમને દબાણમાં રાખી હતી.

ભુવનેશ્વર કુમાર અને ડેબ્યૂ બોલર શમી અહેમદની ચુસ્ત બોલિંગના કારણે પાકિસ્તાની બેટ્સમેનો આસાનીથી રન બનાવી શક્યા નહોતા. ભુવનેશ્વરે ત્રીજી ઓવરમાં કામરાન અકમલ (0)ને આઉટ કરીને પ્રથમ ઝટકો આપ્યો હતો. બાદમાં તેણે અનુભવી બેટ્સમેન યુનુસ ખાન (6)ને ક્લીન બોલ્ડ કરીને ટીમમાં જોશ ભરી દીધો હતો.

પરંતુ બાદમાં ઓપનર નાસિર જમશેદ અને સુકાની મિસ્બાહ ઉલ હકે પાકિસ્તાનને સંભાળ્યું હતું. જોકે વિકેટો પડી ગઈ હોવાથી તેઓ ધીમી પરંતુ સાવચેતીપૂર્વકની બેટિંગ કરી રહ્યા હતા. પરંતુ આ દરમિયાન તેની રન ગતિ લગભગ થંભી ગઈ હતી. શમી અહેમદે તેના પ્રથમ સ્પેલમાં ત્રણ ઓવર મેડન કરી હતી જેનાથી ખ્યાલ આવે છે કે તેઓએ કેટલી ધીમી બેટિંગ કરી હતી. ભારત માટે ઓવરો મેડન કરવા કરતા વિકેટ લેવી જરૂરી હતું.

અંતે આ કામ સ્પિરન અશ્વિને કર્યું હતું. અશ્વિને સૌ પ્રથમ નાસિર જમશેદ (34)ને એલબીડબ્લ્યૂ આઉટ કર્યો હતો. પરંતુ ઉમર અકમલ અને સુકાની મિસ્બાહે ફરીથી ભારતીય ટીમ માટે ચિંતાઓ ઉભી કરી હતી. અંતે અશ્વિને ફરી ત્રાટક્યો હતો અને તેણે મિસ્બાહ (39)ને રહાણેના હાથમાં કેચ આઉટ કર્યો હતો. આ બે વિકેટો પડી જવાથી ભારત માટે ફરીથી જીતની આશાઓ જાગી હતી. સામે છેડે રવિન્દ્ર જાડેજાએ અત્યંત ચુસ્ત બોલિંગ કરીને પાકિસ્તાની બેટ્સમનો પર દબાણ વધાર્યું હતું. જેના કારણે તેનો જરૂરી રન રેટ વધ્યો હતો જેને પાર પાડવા માટે પાકિસ્તાની બેટ્સમેનો મોટા શોટ રમવા માટે મજબૂર બન્યા હતા.

જેનો ફાયદો ઈશાંત શર્માએ ઉઠાવ્યો હતો. ઈશાંતે શોએબ મલિકને (5) એલબીડબ્લ્યૂ આઉટ કર્યો હતો. બાદમાં ઉમર ગુલ (11)ને પેવેલિયન ભેગો કર્યો હતો. શમી અહેમદે સઈદ અજમલ (1)ને આઉટ કરીને પોતાની વનડે કારકિર્દીની પ્રથમ વિકેટ લીધી હતી. જાડેજાએ ઉમર અકમલ (25)ને આઉટ કર્યો હતો જે ભારત માટે ટર્નિંગ પોઈન્ટ રહ્યો હતો. અંતે મોહમ્મદ હફીઝે 49મી ઓવરમાં ઈશાંતના બોલ પર એક ચોગ્ગો ફટકારીને મેચ જીતાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ઈશાંતે જ હફીઝ (21)ને યુવરાજના હાથમાં કેચ આઉટ કરાવીને મેચ જીતી લીધી હતી. પાકિસ્તાન 48.5 ઓવરમાં 157 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

પાકિસ્તાન તરફતી સુકાની મિસ્બાહે 39 અને જમશેદે 34 રન બનાવ્યા હતા. જ્યારે ઉમર અકમલે 25, હફીઝે 21 અને ઉમર ગુલે 11 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી ઈશાંત શર્માએ 3 વિકેટ લીધી હતી જ્યારે અશ્વિન અને ભુવનેશ્વર કુમારને 2-2 વિકેટ મળી હતી. રવિન્દ્ર જાડેજા અને શમી અહેમદને 1-1 સફળતા મળી હતી.

- ભારતીય બેટિંગ

દિલ્હીના ફિરોઝ શાહ કોટલા મેદાન પર પ્રતિષ્ઠા માટેની મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ભારતીય બેટ્સમેનો આ વખતે પણ સુકાની ધોનીના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો નહોતો. પાકિસ્તાની ઝડપી બોલર મોહમ્મદ ઈરફાન અને જૂનૈદ ખાનની ઘાતક સ્વિંગ બોલિંગ સામે ભારતીય બેટ્સમેનો લાચાર બની ગયા હતા. બાદમાં સઈદ અજમલની ફિરકીમાં ફસાઈ ગયા હતા અને ભારતીય ટીમ 43.4 ઓવરમાં 167 રન બનાવીને ઓલ-આઉટ થઈ ગઈ હતી.

વીરેન્દ્ર સેહવાગને આ મેચમાં બહાર રાખવામાં આવ્યો હતો જેથી અજિંક્ય રહાણે અને ગૌતમ ગંભીરે ઈનિંગ્સની શરૂઆત કરી હતી. પરંતુ ઈરફાન અને જૂનૈદની અદ્દભૂત સ્વિંગ બોલિંગ સામે બન્ને જણા સંઘર્ષ કરી રહ્યા હતા અને રન બનાવી શકતા નહોતા. અંતે રહાણેને આઉટ કરીને ઈરફાને પાકિસ્તાનને પ્રથમ સફળતા અપાવી હતી. બાદમાં તેણે ગંભીર (15)ને પણ પેવેલિયન મોકલી દીધો હતો.

જૂનૈદ ખાને પણ અદ્દભૂત બોલિંગ કરી હતી અને પોતાની સ્વિંગ બોલિંગથી બન્ને ઓપનરોને વારંવાર બીટ કર્યા હતા પરંતુ તે વિકેટ લઈ શક્યો નહોતો. અંતે તે વિરાટ કોહલી (7)ને આઉટ કરવામાં સફળ રહ્યો હતો. આમ ભારતનો ટોપ ઓર્ડર વધુ એક વખત પાણીમાં બેસી ગયો હતો. બાદમાં યુવરાજ સિંહે આક્રમક ઈનિંગ્સ રમવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મોહમ્મદ હફીઝે યુવરાજ (23)ને બોલ્ડ કરીને તેના સંઘર્ષનો અંત આણ્યો હતો.

તે પછી સુરેશ રૈના અને સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ ભારતીય બેટિંગને સંભાળી હતી અને 48 રનની મહત્વની ભાગીદારી નોંધાવી હતી. પરંતુ ત્યારબાદ સઈદ અજમલની ફિરકીનો જાદૂ ચાલ્યો હતો અને એક પછી એક ભારતીય બેટ્સમેનો પેવેલિયન ભેગા થયા હતા. અજમલે બે બોલમાં બે ઝટકા આપીને પોતાના શ્રેષ્ઠ પ્રદર્શનની શરૂઆત કરી હતી. તેણે રૈના (31) અને અશ્વિનને (0) સતત બે બોલમાં આઉટ કર્યા હતા.

ધોની આ મેચમાં પણ ભારત માટે સૌથી વધુ રન બનાવનારો ખેલાડી રહ્યો હતો. પરંતુ તેની ઈનિંગ્સ નાની રહી. ધોની 36 રન બનાવીને ઉમર ગુલના બોલ પર આઉટ થયો હતો. નીચલી હરોળના બેટ્સમેનોએ પણ અજમલ સામે હથિયાર હેઠા મૂકી દીધા હતા. અજમલે ભુવનેશ્વર કુમાર (2) અને ઈશાંત શર્મા (5)ની વિકેટ લીધી હતી. જ્યારે અંતમાં રવિન્દ્ર જાડેજા (27)ને પણ આઉટ કરીને તેણે ભારતીય ઈનિંગ્સનો અંત આણ્યો હતો. ભારત 43.4 ઓવરમાં 167 રનમાં તંબૂ ભેગું થઈ ગયું હતું.

ભારત તરફથી સુકાની ધોનીએ સૌથી વધુ 37 રન બનાવ્યા હતા. જ્યારે સુરેશ રૈનાએ 31, રવિન્જ્ર જાડેજાએ 27 અને ગૌતમ ગંભીરે 15 રનનું યોગદાન આપ્યું હતું. પાકિસ્તાન તરફથી સઈદ અજમલે 5 અને મોહમ્મદ ઈરફાને 2 વિકેટ લીધી હતી. મોહમ્મદ હફીઝ, જૂનૈદ ખાન અને ઉમર ગુલને 1-1 સફળતા મળી હતી.

ભારતીય ટીમ :--ગૌતમ ગંભીર, અજિંક્ય રહાણે, વિરાટ કોહલી, યુવરાજ સિંહ, સુરેશ રૈના, રવિન્દ્ર જાડેજા, મહેન્દ્ર સિંહ ધોની (સુકાની/વિકેટ કીપર), અશ્વિન, ભુવનેશ્વર કુમાર, ઈશાંત શર્મા, શમી અહેમદ.

પાકિસ્તાની ટીમ :-- નાસિર જમશેદ, મોહમ્મદ હફીઝ, યુનુસ ખાન, મિસ્બાહ ઉલ હક (સુકાની), શોએબ મલિક, ઉમર અકમલ, કામરાન અકમલ (વિકેટ કીપર), જુનૈદ ખાન, ઉમર ગુલ, મોહમ્મદ ઈરફાન, સઈદ અજમલ.

Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: ajinkya rahane in as india elected bat first against pakistan delhi 2012
(News in Gujarati from Divya Bhaskar)

      Next Article

      Recommended

          PrevNext