Home »Saurashtra »Latest News »Rajkot City» Rajkot Gang War And Double Murder Case: PI Gaddu Will Be Arrested

રાજકોટની બેવડી હત્યામાં 35 પોલીસની ઓળખ પરેડ, PIની તોળાતી ધરપકડ

divyabhaskar.com | Jan 09, 2017, 12:13 PM IST

  • થોરાળા પોલીસ સ્ટેશનના પીઆઇ ગડ્ડુ
રાજકોટ:અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા કુખ્યાત શક્તિસિંહ ઉર્ફે પેંડો અને સરપદડના વતની પ્રકાશ દેવરાજભાઇ લુણાગરિયાની હત્યા પ્રકરણમાં પોલીસ સામે ગુનો નોંધાયા બાદ રવિવારે 35 પોલીસ કર્મચારીઓની હત્યા-લૂંટના 3 આરોપીઓ પાસે ઓળખપરેડ કરાવવામાં આવી હતી. ત્રણ પૈકીના એક આરોપીએ થોરાળાના પીઆઇ એસ.અેન.ગડ્ડુને ઓળખી બતાવતા પીઆઇ ગડ્ડુની ધરપકડ તોળાઇ રહી છે. જ્યારે અન્ય ત્રણ આરોપીઓની મર્ડર કેસમાં ધરપકડ થઈ છે તે પૈકીના યુવરાજસિંહ ઝાલાને લોહીની ઉલટી થતાં સિવિલ ખસેડાયો હતો. તેને ટીબીની સારવાર માટે ખસેડાયો હોવાનું માનવામાં આવે છે.
 
અઠવાડિયા પૂર્વે રાજકોટના નામચીન શક્તિ અને પ્રકાશ લુણાગરિયાની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી

પુનિતનગરમાં રહેતા અને હત્યા-લૂંટ સહિતના ગુનામાં સંડોવાયેલા નામચીન શક્તિસિંહ ઉર્ફે પેંડો પ્રદીપસિંહ ઝાલા તથા સરપદડના વતની પ્રકાશ દેવરાજભાઇ લુણાગરિયાની અઠવાડિયા પૂર્વે હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. તત્કાલીન સમયે થોરાળા પોલીસે શક્તિસિંહ ઉર્ફે પેંડાની હત્યા અંગે યુવરાજસિંહ ઝાલાની ફરિયાદ પરથી મૃતક પ્રકાશ સહિત ત્રણ સામે તેમજ પ્રકાશની હત્યા અંગે અબ્દુલ મલેકની ફરિયાદ પરથી શક્તિસિંહ અને યુવરાજસિંહ સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. પોલીસે સામસામે હત્યા કેસમાં અબ્દુલ મલેક, યુવરાજસિંહ અને પ્રકાશ પરમારની ધરપકડ કરી ત્રણેયને રિમાન્ડ પર લીધા હતા. 
 
બન્નેની હત્યા ગેંગવોરમાં નહીં પરંતુ પોલીસે હત્યા કર્યાનો મૃતક પ્રકાશના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો

જો કે બંનેની હત્યા ગેંગવોરમાં નહીં, પરંતુ પોલીસે હત્યા કર્યાનો મૃતક પ્રકાશના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો અને ગત બુધવારે પ્રકાશના પિતા દેવરાજભાઇ જેરામભાઇ લુણાગરિયાની ફરિયાદ પરથી અજાણ્યા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સામે ક્રાઇમ બ્રાંચમાં ગુનો નોંધાયો હતો. ફરિયાદની તપાસ એસીપી સોલંકીને સોંપવામાં આવી હતી. 

પીઆઇ ગડ્ડુ સહિતના પોલીસમેને બંને મૃતકની ધોલાઇ કર્યાનો આક્ષેપ કરાયો હતો
 
એસીપી સોલંકી સહિતની ટીમે રવિવારે જેની સામે શંકા દર્શાવાઇ હતી તે થોરાળા પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફ સહિત 35 પોલીસ કર્મચારીઓની એક્ઝિક્યૂટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ ઓળખપરેડ કરાવી હતી. ઓળખપરેડમાં શક્તિસિંહ ઉર્ફે પેંડાના કથિત સાગરીતો યુવરાજસિંહ, પ્રકાશ પરમાર અને અબ્દુલ મલેકને હાજર કરવામાં આવ્યા હતા. રિમાન્ડ પર રહેલા ઉપરોક્ત ત્રણ પૈકીના એક આરોપીએ ઓળખપરેડ દરમિયાન 35માંથી પીઆઇ એસ.એન.ગડ્ડુને ઓળખી બતાવ્યા હતા. પીઆઇ ગડ્ડુ સહિતના પોલીસમેને બંને મૃતકની ધોલાઇ કર્યાનો આક્ષેપ કરાયો હતો ત્યારે પીઆઇ ગડ્ડુની એક આરોપીએ ઓળખ કરી આપતા પોલીસબેડામાં સોપો પડી ગયો હતો. 
 
મૃતક પ્રકાશની પત્ની સહિતનાઓના નિવેદન નોંધવામાં આવ્યા હતા 
 
મેજિસ્ટ્રેટ સમક્ષ પીઆઇ ગડ્ડુની ઓળખ થઇ જતાં પીઆઇ ગડ્ડુની ધરપકડ તોળાઇ રહ્યાનું પોલીસ વર્તુળોએ જણાવ્યું હતું. એસીપી સોલંકીએ જણાવ્યું હતું કે, ઓળખપરેડ ઉપરાંત રવિવારે મૃતક પ્રકાશના પત્ની જુલીબેન, ત્રણેય આરોપી યુવરાજસિંહ, પ્રકાશ પરમાર અને અબ્દુલ મલેક અને લાઇફ કેર હોસ્પિટલના તબીબોના નિવેદન નોંધવામાં આવ્યા હતા. 
 
150 લોકોને પણ હાજર રખાયા હતા
 
એક્ઝિક્યૂટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ શહેર પોલીસના 35 પોલીસ કર્મીઓની ઓળખપરેડ કરાવવાની હતી. હત્યા જેવી ગંભીર ઘટના અને પોલીસની સંડોવણીનો આક્ષેપ થયો હોય ઓળખપરેડમાં ખાસ તકેદારી રાખવામાં આવી હતી અને કોઇ ક્ષતિ કે ઉતાવળમાં કોઇ નિર્દોષ વ્યક્તિ ફસાય જાય તે માટે 35 પોલીસ કર્મચારીઓ સાથે અન્ય 150 લોકોને પણ આરોપીઓ સમક્ષ રજૂ કરાયા હતા. એટલું નહીં સૂર્યાસ્ત થાય તે પહેલા ઓળખપરેડની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. 
 
4 શીખ લોકોને પણ હાજર રખાયા 
 
જે 35 પોલીસ કર્મચારીઓની ઓળખપરેડ થવાની હતી તેમાંથી પીઆઇ એસ.એન.ગડ્ડુ શીખ સમાજમાંથી આવતા હોય, પાઘડી સહિતના તેમના પરંપરાગત પહેરવેશને કારણે તેઓ અન્ય 34 પોલીસ કર્મીઓથી અલગ તરી આવે અને તેમની અનોખી ઓળખ સ્પષ્ટ થઇ જાય તે માટે પીઆઇ ગડ્ડુ જેવા દેખાતા શીખ સમાજના 4 લોકોને પણ ઓળખપરેડમાં હાજર રાખવામાં આવ્યા હતા. 
 
આગળની સ્લાઇડ્સ 35 પોલીસની ઓળપરેડનો પ્રથમ કિસ્સો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: rajkot gang war and double murder case: PI gaddu will be arrested
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended