Home »Saurashtra »Latest News »Rajkot City» Khodaldham Pranpratistha Mahotsvav: Will Be Create Kitchen In 19 Acre Land

ખોડલધામ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો 108 કરોડનો વીમો, 48 વિઘામાં ભોજનશાળા

divyabhaskar.com | Jan 08, 2017, 10:57 AM IST

રાજકોટ:ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વીમો, સીસીટીવી, પોલીસ સહિતનું સુરક્ષા કવચ પૂરૂં પાડવામાં આવશે. મહોત્સવને લઇને 108 કરોડનો વીમો લેવામાં આવ્યો છે. માઇ ભક્તો માટે 48 વિઘા જમીનમાં ભોજનશાળા ઊભી કરવામાં આવી છે. જેમાં 17થી 20 જાન્યુઆરી સુધી મહાપ્રસાદ પીરસાશે. માટે 48 વિભાગમાં રસોડું તૈયાર કરવામાં આવ્યું છે. 210 બાય 240 ફુટમાં રસોઇ ગૃહ તૈયાર કરાયું છે. 48 ચૂલા બનાવવામાં આવ્યા છે. મહિલા અને પુરુષો માટે બનેલા અલગ-અલગ ડોમમાં એક કલાકમાં 2.25 લાખ ભાવિકો પ્રસાદ લઇ શકશે. સફાઇ માટે મોટી અને 31 નાની ચોકડી બનાવવામાં આવી છે. પાણી માટે પાઇપલાઇન નાંખવામાં આવી છે. કોઇ ક્ષતિ સર્જાય તો તેને પહોંચી વળવા 50 ટેન્કર સ્ટેન્ડ ટુ રાખવામાં આવશે.
 
હજારો કિલો શાકભાજીનો થશે ઉપયોગ
 
ભોજનશાળામાં 60 હજાર કિલો બટેટા, 600 કિલો લીલા મરચા, 80 કિલો કોથમીર, 2000 કિલો ટમેટા, 700 કિલો આદુ, 500 કિલો મીઠો લીમડો, 50 હજાર કિલો ઘઉંનો લોટ, 40 હજાર કિલો ચોખા, 15 હજાર કિલો તુવેરદાળ, 10 હજાર કિલો ચણાનો લોટ, મોહનથાળ માટે 10 હજાર કિલો લોટ તેમજ અન્ય સામગ્રી માટે વપરાશે. 
 
ચા, પાણી માટે 25 હજાર લિટર દૂધ : 35 લાખ ગ્લાસ 
 
ખોડલધામમાં ભાવિકો માટે ચા, પાણીની અલગ વ્યવસ્થા ઊભી કરાઇ છે જેની જવાબદારી ખોડિયાર રાસ મંડળે સંભાળી છે. સવારના 6 થી સાંજના 6 સુધી ચા અપાશે. માટે અલગ અલગ કાઉન્ટર તૈયાર કરાયા છે. 400 કાર્યકરો સેવા અાપશે. ચા માટે 25000 લિટર દૂધ, 1000 કિલો ચાની ભૂકી વપરાશે. 35 લાખ ડિસ્પોઝેબલ ગ્લાસ વપરાશે તેમ ભીખાભાઇ આંબલિયાએ જણાવ્યું હતું. 
 
ખોડલધામ મંદિર પરિસર અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને કુલ 108 કરોડનું વીમા કવચ
 
17મીને મંગળવારથી 21મીને શનિવાર સુધી ઉજવાનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે ફાયર ફાયટર, ટોઈલેટ બ્લોકસ સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે અને આ માટે વિવિધ સરકારી મંજૂરીઓ પણ લેવામાં આવી છે. ખોડલધામ મંદિર પરિસર માટે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા 100 કરોડ રૂપિયાનો વીમો લેવામાં આવ્યો છે. જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ માટે પબ્લિક વીમો 5 કરોડ રૂપિયાનો અને સમિયાણા, ડોમ, રસોઈઘર વગેરે માટે 3 કરોડનો મળીને 8 કરોડનો વીમો ઉતારવામાં આવ્યો છે. આ રીતે મંદિર પરીસર અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મળીને કુલ 108 કરોડનો વીમો લેવામાં આવ્યો છે.
 
મંદિર સંકુલમાં 150 સીસીટીવી અને પોલીસ ચોકી ઉભી કરાશે
 
મંદિરમાં અને મંદિર સંકુલમાં 150 જેટલા સીસીટીવી કેમેરા મૂકવામાં આવી રહ્યા છે. સ્વયં સેવકો એકબીજાના સંપર્કમાં રહી શકે તે માટે 300 જેટલા વોકીટોકી પણ વસાવવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંદર્ભે ખાસ પોલીસ ચોકી દસ દિવસ માટે ઊભી કરવામાં આવશે અને પોલીસ કંટ્રોલરૂમ પણ અલાયદો રહેશે. ફાયર ફાયટર સમિતિના અરવિંદભાઇ રૈયાણી અને કેતનભાઇ ઠુંમરે જણાવ્યું હતું કે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન 6 ફાયર ફાઇટર અલગ અલગ પોઇન્ટ પર તૈનાત રહેશે.
 
વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો...(તસવીરો: અલ્પેશ રાણપરીયા/પ્રકાશ રાવરાણી, રાજકોટ)
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: khodaldham pranpratistha mahotsvav: will be create kitchen in 19 acre land
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended