Home »NRG »USA» Inauguration Of BAPS Shri Swaminarayan Mandir In Long Island New York Dream Come True For Thousands

ન્યુયોર્કઃ પ્રમુખ સ્વામીનું સ્વપ્ન થયું સાકાર, થયું ભવ્ય મંદિરનું નિર્માણ

divyabhaskar.com | Oct 13, 2016, 16:19 PM IST

  • 50 હજાર સ્ક્વેર ફૂટ અને 5 એકર જમીન પર પથરાયેલું છે આ ભવ્ય મંદિર.
ન્યૂ યોર્ક:દેશ વિદેશોમાં સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક ભવ્ય મંદિરો આવેલા છે. આ ભવ્ય મંદિરોમાં વધુ એક મંદિરનો સમાવેશ થયો છે. દાયકાઓના દૃઢ સમર્પણ અને હજારો સ્વયંસેવકોએ કલાકો કામ કર્યા બાદ ન્યૂ યોર્કના લોન્ગ આઇલેન્ડ મેલવિલમાં BAPS દ્વારા ભવ્ય સ્વામિનારાયણ મંદિરનું  9 ઓક્ટોબરના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. 50 હજાર સ્ક્વેર ફૂટ અને 5 એકર જમીન પર પથરાયેલા આ મંદિરને મહંત સ્વામી મહારાજ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન આધ્યાત્મિક વડાના આશીર્વાદ સાથે ખુલ્લુ મૂકવામાં આવ્યું. 1988માં પ્રમુખ સ્વામી મહારાજે આ મંદિરનું સપનું જોયું હતું.
 
લોન્ગ આઇલેન્ડ માટે એક મહાન દિવસ ગણાવ્યો
 
સફોકના કાઉન્ટી એક્ઝિક્યુટિવ સ્ટીવન બેલોને ન્યૂ યોર્કના મેલવિલમાં બીએપીએસ દ્વારા બનાવવામાં આવેલા સ્વામિનારાયણ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપી હતી. તેઓ આ પ્રસંગે સંબોધન કરતા જણાવ્યું કે, 'હું આજે અહીંયા આવીને ઘણો ખુશ થયો છું. આ લોન્ગ આઇલેન્ડ માટે એક મહાન દિવસ છે. અહીંયા તૈયાર કરવામાં આવેલું મંદિર અત્યંત સુંદર અને રમણીય છે.' સદગુરુ પુજ્ય કોઠારી સ્વામી(પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી)- બીએપીએસના સૌથી વરિષ્ઠ સ્વામી છે, ઉપરાંત ભારત અને નોર્થ અમેરિકાના સન્માનિત સ્વામીએ 9 ઓક્ટોબર, 2016ના રોજ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપી.
 
કીર્તન આરાધના સાથે આ કાર્યક્રમનો પ્રારંભ થયો
 
મંદિરના સ્વયંસેવકોનું નેતૃત્વ કરી રહેલા ગિરીશ પટેલે જણાવ્યું કે, 'આખરે મંદિરના ઉદ્ઘાટનનું મારુ સપનું સાચું પડી રહ્યું છે. અમે લાંબો સમય જમીન ખરીદવાના પ્રયાસો કર્યા હતા અને તેનું નિર્માણકાર્ય પણ મર્યાદિત સમયમાં પૂર્ણ કર્યું. મંદિરના ઉદ્ધાટનનો પ્રસંગ અમારા માટે એક ઉત્સવ સમાન છે અને આ ક્ષણ અમારા માટે અમૂલ્ય છે.' ત્રણ દિવસના આ કાર્યક્રમની શરૂઆત બીએપીએસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી, કીર્તન આરાધના સાથે આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
 
પરિવારની એકતા અને વિશ્વ શાંતિ માટે એક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું
 
8 ઓક્ટોબર, શનિવારે સવારે પરિવારની એકતા અને વિશ્વ શાંતિ માટે એક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું.  આ પ્રસંગે સફોકના કાઉન્ટી એક્ઝિક્યુટિવ સ્ટીવન બેલોને કહ્યું કે, 'આજે અહીંયા આ હોલમાં હાજર રહેલા તમામ લોકોએ લોંગ આઇલેન્ડ, સફોક કાઉન્ટી, આ દેશ, આખા વિશ્વને સમૃદ્ધ બનાવી દીધું છે. આજે વિશ્વ ઘણી બધી મોટી સમસ્યાનું સામનો કરી રહ્યું છે. ઘણી લડાઈઓ, યુદ્ધ, આપણા પોતાના દેશમાં પણ ઘણી સમસ્યાઓ છે, ક્યારેક મને ભવિષ્ય વિશે વિચાર આવે છે કે આગળ જતા શું થશે. બાદમાં હું અહીંયા આવ્યો અને આ હોલની અંદર તરફ નજર કરી અને જોયું કે, સારા લોકો પણ છે અને સારા માટે લડનારા પણ છે જે આજના વિશ્વ માટે માનવતાના એક ઉદાહરણ રૂપ છે. મને સારું લાગ્યુ, અને મારો વિશ્વાસ વધ્યો છે, હું ભવિષ્ય માટે ગર્વ અનુભવું છું.' ધારાસભ્ય ચાડ એ. લુપિનેસ્સી, ન્યૂ જર્સી અને ન્યૂ યોર્ક ન્યૂઝડે કોર્પોરેશન અને સમુદાયના વડા સ્ટીવ ઝિમ્મરમેને પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. એક ભક્ત શીના શાહે કહ્યું કે, 'હું આ દિવસની ઘણા વર્ષોથી રાહ જોઈ રહી હતી. મને વિશ્વાસ નથી થતો કે આખરે આ મંદિર અહીંયા છે, અત્યંત રમણીય અને સુંદર છે.'
 
ડોક્ટર્સથી માંડીને વકીલ, એન્જિનિયર્સના સમર્પણ, સેવા, પ્રયત્ન અને બલિદાનથી થયું નિર્માણ
 
એક ભક્ત હાર્દિક પટેલે જણાવ્યું કે, 'એક શબ્દમાં આ મંદિરના નિર્માણકાર્યનું વર્ણન કરવામાં આવે તો તે છે બલિદાન. ખરેખર હજારો ભક્તો જેમાં ડોક્ટર્સથી માંડીને વકીલ, એન્જિનિયર્સના સમર્પણ, સેવા, પ્રયત્ન અને બલિદાને આ મંદિરનું નિર્માણકાર્ય પૂર્ણ કર્યું છે. બહાર વરસાદ હોય કે બરફ પડતો હોય ભક્તો સાંજના સમયે આવતા હતા. સ્વયંસેવકોએ મંદિરની નાનામાં નાની બાબતનું ધ્યાન રાખ્યું. ભારે શ્રમ દ્વારા મંદિરનું કામ પૂર્ણ કર્યું.' આ મંદિરને ઇકો ફ્રેન્ડલી અને અસરકારક ટેકનોલોજીકલ ફાયદાનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે પર્યાવરણને અનુકૂળ છે. એલઈડી લાઈટ્સનો પણ ખાસ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઈમારતમાં યુથ ક્લાસરૂમ, જીમ અને સાપ્તાહિક સત્સંગ તથા આધ્યાત્મિક સભાના આયોજન માટે એક ખાસ હોલની વ્યવસ્થા રાખવામાં આવી છે.
 
 સાંસ્કૃતિક, સામાજિક અને ધાર્મિક ગતિવિધિઓ માટેનું બનશે કેન્દ્ર
 
બીએપીએસના પ્રતિનિધિ સમીર ભટ્ટે જણાવ્યું કે, 'આ નવું મંદિર નિશ્ચિત રૂપે હિન્દુ અમેરિકી સમુદાય માટે સાંસ્કૃતિક, સામાજિક અને ધાર્મિક ગતિવિધિઓ માટેનું એક કેન્દ્ર બનશે. ટૂંક સમયમાં અમે શિક્ષણ, પર્યાવરણ, સ્વાસ્થ્ય, સમાજ કલ્યાણના ક્ષેત્રમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. મંદિર વ્યક્તિઓ અને પરિવારના જીવનનું સ્તર સુધારવામાં મદદરૂપ બનશે.'
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ, અંદાજે 30 વર્ષ બાદ તૈયાર કરવામાં આવેલા આ રમણીય મંદિરની વધુ તસવીરો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Inauguration of BAPS Shri Swaminarayan Mandir in Long Island new york Dream Come True for thousands
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext