Home »NRG »Africa» Gujarati Young Man Rajesh Death In Nigeria

ગુજરાતી યુવાનનું નાઈજીરીયામાં રહસ્યમય મોત, મૃતદેહ મેળવવા પરિવાર લાચાર

divyabhaskar.com | Apr 25, 2017, 18:51 PM IST

  • સારવાર દરમિયાન રાજેશ
નાઇજીરીયાઃવિદેશમાં ગુજરાતીઓના મોતના સમાચાર અંગે અવારનવાર સાંભળવા મળે છે. ત્યારે આવો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પાંચ મહિનાથી નાઈજીરીયામાં નોકરી માટે ગયેલા મૂળ દ્વારકાના ભાણવડ ગામના રાજેશ મધુડીયાનું રહસ્યમય રીતે મોત નીપજતા ગુજરાતમાં રહેતા તેમના માતા-પિતા, પત્ની અને સાડા ત્રણ વર્ષની પુત્રીનો પરિવાર ચિંતાતુર બન્યો છે. યુવાનના મોતના ચાર દિવસ બાદ પણ મૃતદેહ મેળવવા લાચાર પરિવારે સુષ્મા સ્વરાજ સહિત ટોચના અધિકારીઓને મદદની માંગ કરી છે. યુવાનના કાકા રસીકભાઈએ divyabhaskar.com સાથે ભારે હૈયે ઘટના અંગે વાતચીત કરી હતી. 
 
શું છે ઘટના?

દેવભૂમિ દ્વારકાના ભાણવડ ગામનો એક યુવાન નોકરી અર્થે પાંચ મહિના પહેલા નાઈજીરીયા ગયો હતો. અહીંયા તેનું રહસ્યમય રીતે મોત થતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે. રાજેશ સાથે કામ કરતા ભરૂચના યુવાને શુક્રવારે સવારે પોણા ચાર વાગ્યે રાજેશનું લીવરની સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાની માહિતી પરિવારને આપી હતી. જો કે, આ અંગે હોસ્પિટલના કોઈ ડોક્યુમેન્ટ પરિવારને મળ્યા નથી. પરિવારે રાજેશનો મૃતદેહ વતન લાવવા માટે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સહિતના ટોચના અધિકારીઓ પાસે મદદની માંગણી કરી છે.
 
શું કહે છે મૃતક યુવાનના કાકા?

રાજેશના કાકા રસીકભાઈએ જણાવ્યું કે, નાઈજીરીયામાં રાજેશ સાથે નોકરી કરી રહેલો ભરૂચનો યુવાન સારવાર દરમિયાન હોસ્પિટલમાં સાથે હતો. છેલ્લીવાર જ્યારે પંદર દિવસ પહેલા વાત થઈ ત્યારે તેના મિત્રએ જણાવ્યું હતું કે, 'રાજેશ પેટમાં દુખે છે અને તે હોસ્પિટલમાં એડમિટ છે.' જો કે, રસિકભાઈએ જણાવ્યું હતું કે, હોસ્પિટલ તરફથી અમને આ અંગે કોઈ પેપર આપવામાં આવ્યા નથી. ત્યાં કોઈ માથાકૂટ થઈ કે અકસ્માત થયો છે તે અંગે કોઈ સ્પષ્ટતા આપતું નથી અને ગોળ ગોળ ફેરવે છે. અહીંથી તે ગયો ત્યારે તે બીમાર નહોતો, એકદમ તંદૂરસ્ત જ હતો. 
 
કંપની તરફથી નથી મળ્યો કોઈ જવાબ
 
રસિકભાઈએ વધુમાં જણાવ્યું કે, અમે નાઈજીરીયામાં રહેલી કંપનીની બોમ્બે સ્થિત ઓફિસ સાથે પણ સંપર્ક કરીને વાત કરી હતી, પરંતુ તેઓએ પણ રાજેશની બીમારીને લગતા કોઈ ડોક્યુમેન્ટ્સ આપ્યા નહોતા. તેમની પાસે આ અંગે કોઈ ડોક્યુમેન્ટ ન હોવાની વાત કહી હતી. રસિકભાઈ કંપની પર રોષ ઠાલવતા જણાવ્યું કે, હાલ યૂકેમાં રહેતા નાઈજીરીયા સ્થિત કંપનીના ડાયરેક્ટરે પણ આ અંગે કોઈ જાણકારી આપી નથી.
 
પરિવાર નથી બોલી શકે તેવી સ્થિતિમાં
 
રાજેશના પરિવાર અંગે રસિકભાઈએ જણાવ્યું કે, તેના પરિવારમાં હાલ કોઈ બોલી શકે તેવી સ્થિતિમાં નથી. હું એક જ વાત કરી શકે તેમ છું. પરિવારજનોને રાજેશ 4 દિવસ પહેલા મૃત્યુ પામ્યો હોવાની વાત પણ જણાવી નથી. મને એમ હતું કે, મૃતદેહ આવી જશે પછી કહીશું પરંતુ બધા ગોળ ગોળ ફેરવે છે, હજુ બોડી ક્યારે આવશે તેની કાંઈ ખબર નથી. આજે મારી સહનશક્તિ પૂરી થઈ જતા મારે રાજેશના પિતાને આ અંગે જાણ કરવી પડી હતી. રાજેશના મિત્રનું કહેવું એમ છે કે, રાજેશનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન શુક્રવારે સવારે પોણા ચાર વાગ્યે મૃત્યું થયું છે.
 
સરકારને પણ કરી મદદની આજીજી
 
 
રસિકભાઈએ નાઈજીરીયામાં બનેલી ઘટના તેમજ રાજેશનો મૃતદેહ મેળવવા માટે સરકાર પાસે મદદ માગી છે. તેઓએ જણાવ્યું હતું કે, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સહિત ગુજરાત સરકાર પાસે પણ મદદ માંગી છે. દેવભૂમિ દ્વારકાના કલેક્ટર, ભૂતપૂર્વ ધારાસભ્યએ પણ સરકારને આ અંગે માહિતગાર કર્યાં છે. પરંતુ હજુ સુધી સરકાર તરફથી કોઈ રિસ્પોન્સ મળ્યો નથી.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...
(Africa Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gujarati young man Rajesh death in nigeria
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended