Home »National News »Latest News »National» Vk Sasikala Elected AIADMK Legislature Party Leader

શશિકલા બનશે તામિલનાડુના નવા CM, AIADMKની બેઠકમાં લેવાયો નિર્ણય

divyabhaskar.com | Feb 06, 2017, 01:14 AM IST

  • એક કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય કરતાં શશિકલા અને પન્નીરસેલ્વમ (ફાઈલ)
ચેન્નાઈ.તામિલનાડુમાં સત્તારૂઢ પાર્ટી AIADMKની રવિવારે પોયસ ગાર્ડનમાં બેઠક મળી હતી. બેઠકમાં પાર્ટીના મહાસચિવ વીકે શશિકલાની વિધાયક દળના નેતા તરીકે પસંદગી કરવામાં આવી હતી. તામિલનાડુના વર્તમાન મુખ્યમંત્રી પન્નીરસેલ્વમે શશિકલાના નામની દરખાસ્ત મૂકી હતી. આ બેઠકમાં કેબિનેટ મંત્રીઓ અને પક્ષના સીનિયર નેતા સામેલ થયા હતા. તા. 8 કે 9 ફેબ્રુઆરીએ શશિકલા સીએમ પદના શપથ લઈ શકે છે. મળતી માહિતી મુજબ પન્નીરસેલ્વમે તેમનું રાજીનામું આપી દીધું છે. શશિકલાના નામ પર સીએમની મહોર લાગ્યા બાદ તેમણે ચેન્નાઈમાં પાર્ટી ઓફિસે જઈને સમર્થકોનો આભાર માન્યો હતો.મે 2016માં સત્તા ઉપર આવ્યાં બાદ અન્નાદ્રમુકનાં તેઓ ત્રીજાં નેતા હશે કે જે મુખ્યપ્રધાનપદનાં શપથ લેશે. દરમિયાન જયાનાં ભત્રીજી દીપાએ જણાવ્યું હતું કે અમ્માનાં જન્મદિન 24 ફેબ્રુઆરીએ તેઓ પોતાની રણનીતિની જાહેરાત કરશે.
 
શું થયું બેઠકમાં
 
-  તામિલનાડુના વર્તમાન સીએમ પન્નીરસેલ્વમે શશિકલાના નામનો પ્રસ્તાવ રાખ્યો હતો. જેનો સ્વીકાર કરી લેવામાં આવતાં જ શશિકલાનો સીએમ બનવાનો માર્ગ મોકળો થઈ ગયો હતો.
-  પોયસ ગાર્ડનમાં પક્ષની બેઠક શરૂ થવા અગાઉ જ મોટી સંખ્યામાં કાર્યકરો આવી પહોંચ્યા હતા. જેના પરથી જ શશિકલા સીએમ બનશે તેમ નક્કી થઈ ગયું હતું.
- ઉલ્લેખનીય છે કે તામિલનાડુમાં પન્નીરસેલ્વમની ખુરશી જઈ શકે તેવી છેલ્લાં થોડાં દિવસોથી એવી અટકળો લગાવવામાં આવતી હતી.
 
પાર્ટી હેડક્વાર્ટરમાં શશિકલાએ શું કહ્યું
 
- પક્ષની બેઠકમાં મુખ્યમંત્રી તરીકે શશિકલાના નામ પર સર્વાનુમતે મંજૂરી લાગ્યા બાદ તેઓ ચેન્નાઈમાં પાર્ટી હેડક્વાર્ટર પર પહોંચ્યા હતા. જ્યાં તેમણે હાજર રહેલાં સમર્થકોનું અભિવાદન સ્વીકારી તેમનો આભાર માન્યો હતો.
- શશિકલાએ ત્યાં પક્ષના કાર્યકર્તાઓને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આદરણીય અમ્માના પગલે ચાલવાનો પ્રયાસ કરીશ.
- તેમણે ઉમેર્યું કે, AIADMKના જનરલ સેક્રેટરી તરીકે મારા નામની ભલામણ કરનારાં ઓ પન્નીરસેલ્વમ પ્રથમ વ્યક્તિ હતા.
- AIADMKના હેડ ક્વાર્ટર બહાર એકત્ર થયેલા પાર્ટી મેમ્બર્સે જણાવ્યું કે, અમે ખુશ છીએ. અમને આશા છે કે મુખ્યમંત્રી બન્યા પછી તેઓ જયલલિતાના પગલે ચાલશે.
 
કોણ છે શશિકલા
 
- શશિકલા નટરાજન થેવર જ્ઞાતિની છે. તેનો પ્રભાવ જયલલિતાના નજીકના લોકોમાં છે.
- જયલલિતાના જીવનમાં તે પડદા પાછળ સક્રિય ભૂમિકા ભજવતી હતી અને આ માટે તેને અમ્માના આશિર્વાદ હતા.
- જયલલિતાની સૌથી નજીકની વ્યક્તિ હોવાના કારણે એક સમયે એમ કહેવાતું હતું કે અમ્માના દરેક ફેંસલા પાછળ તેનો હાથ હોય છે.
- જોકે, બંનેના સંબંધમાં ઘણીવાર કડવાશ પણ આવી હતી.
 
પન્નીરસેલ્વમે લીધી ઈરોર પોર્ટની મુલાકાત

- રવિવારે AIADMKની મહત્વપૂર્ણ બેઠક અગાઉ તામિલ નાડુના મુખ્યપ્રધાન ઓ. પન્નીરસેલ્વમએ ચેન્નાઈના ઈરોર પોર્ટની મુલાકાત લીધી હતી. 
- ઘટનાસ્થળે તેમને દુર્ઘટનાની ગંભીરતા તથા તેને ખાળવા માટે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર તથા ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા કેવા પ્રકારના પગલા લેવામાં આવી રહ્યાં છે, તેના અંગે બ્રિફ કરવામાં આવ્યા હતા. 
- લગભગ 5700 જેટલા લોકો આ કામમાં લાગેલા છે. આગામી એક-બે દિવસમાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થઈ જશે, તેવો વિશ્વાસ પન્નીરસેલ્વમે વ્યક્ત કર્યો હતો. 
- પન્નીરસેલ્વમે કહ્યું હતુંકે, આ વિસ્તારમાંથી મળતી માછલીઓ ખાવા માટે સુરક્ષિત છે. આ દિવસો દરમિયાન માછીમારોને જે કાંઈ આર્થિક નુકસાન થયું છે, તેનું વળતર આપવામાં આવશે. 
- ઓઈલ લિકેજને કારણે આ વિસ્તારની દરિયાઈ સંપદાને કોઈ નુકસાન ન થયું હોવાનું પન્નીરસેલ્વમે ઉમેર્યું હતું. 
 
પન્નીરસેલ્વમને પાણીચું
 
-5 ડિસેમ્બરે તામિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાના આકસ્મિક અવસાન બાદ પન્નીરસેલ્વમને મુખ્યમંત્રી પર સોંપવામાં આવ્યું હતું.
- જયલલિતા જ્યારે હોસ્પિટલમાં ભરતી હતા ત્યારે તેમણે જ પન્નીરસેલ્વમની કાર્યકારી મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરી હતી.
- જયલલિતાના નિધન બાદ શશિકલાને મહાસચિવ બનાવાઈ ત્યારે વિવાદ વચ્ચે તેને પક્ષનું સુકાન સોંપાયું હતું.
 
શુક્રવારે જ તૈયાર થઈ ગયો હતો રોડમેપ
 
- સૂત્રોના જણાવ્યા મુજબ  જયલલિતાના વિશ્વાસુ અને તામિલનાડુ સરકારના વર્તમાન સલાહકાર શીલા બાલકૃષ્ણનને પણ શુક્રવારની રાત્રે રાજીનામું આપી દેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ તમામ તૈયારી શશિકલાને નેતૃત્વ સોંપવામાં આવવાની શક્યતાને લઈ કરવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
 
પન્નીરસેલ્વમને જલ્લિકટ્ટુ વિવાદ  પડ્યો ભારે
 
તામિલનાડુની પારંપરિક રમત જલ્લિકટ્ટુ પર જ્યારે વિવાદ ખૂબ વધી ગયો ત્યારે રાજ્યના મુખ્યમંત્રીએ વડાપ્રધાન સાથે મુલાકાત કરી. જોકે આ બેઠકનું કોઈ પરિણામ ન આવ્યું, પરંતુ થોડા દિવસો બાદ વટહુકમ લાવીને રમત યોજવા દેવાનું જણાવવામાં આવ્યું. રાજ્યમાં જલ્લિકટ્ટુ મુદ્દે થયેલા દેખાવોના કારણે પણ પન્નીરસેલ્વમને મુખ્યમંત્રી પદેથી ખસેડવામાં આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
 
જયલલિતાના છેલ્લા શ્વાસ સુધી રહ્યાં શશિકલા
 
- 1980ના દાયકામાં જયલલિતાની નજીક આવેલા શશિકલા છેવટ સુધી તેમની સાથે રહ્યા હતા.
- શશિકલાએ જ તામિલનાડુના પૂર્વ મુખ્યપ્રધાન જયલલિતાના અંતિમ સંસ્કાર કર્યાં હતાં.
- વડાપ્રધાન મોદી જ્યારે જયલલિતાને પુષ્પાંજલિ અર્પિત કરવા પહોંચ્યા ત્યારે શશિકલાના માથા પર હાથ મૂકીને તેમને સાંત્વના આપી હતી. 
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, શશિકલાને કેમ પક્ષમાંથી હાંકી કઢાઈ હતી...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: vk sasikala elected AIADMK legislature party leader
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended