Home »National News »Latest News »National» Jallikattu Cm Panneerselvam To Meet Pm Modi Today

મોદી-પન્નીરસેલ્વમની બેઠકનું પરિણામ ન આવતા જલિકટ્ટુ આંદોલન વધુ ઉગ્ર

divyabhaskar.com | Jan 20, 2017, 10:52 AM IST

  • મોદીને મળતા પન્નીરસેલ્વમ
ચેન્નાઈ:જલિકટ્ટુ પર પ્રતિબંધના વિરોધમાં ચેન્નાઈના મરીના બીચ ખાતે ચાલી રહેલા દેખાવો ગુરુવારે મોદી વિરોધી થઈ ગયા હતા. પન્નીરસેલ્વમ નવી દિલ્હી ખાતે મોદીને મળ્યા હતા. જોકે, આ બેઠકનું કોઈ પરિણામ ન આવતા પ્રદર્શનકારીઓએ મોદી સામે રોષ પ્રગટ કર્યો હતો. દેખાવકારો મોદી પાસેથી એવી અપેક્ષા રાખી રહ્યા હતા કે કેન્દ્ર સરકાર આ અંગે તાત્કાલિક વટહુકમ બહાર પાડે. મેટર સુપ્રીમ કોર્ટમાં હોવાને કારણે મોદીએ જલિકટ્ટુ અંગે દખલગીરી કરવાનો ઇનકાર કરી દીધો હતો.
મોદી-પન્નીરસેલ્વમ વિરુદ્ધ સૂત્રોચ્ચાર
 
પન્નીરસેલ્વમ અને મોદી સાથેની બેઠક ફળદાયી ન રહેતા મરીના બીચ ખાતે લોકોએ મોદીના ફોટો સાથેના પ્લેકાર્ડ સાથે દેખાવો કર્યો હતા. બીચ ખાતે દેખાવકારોએ મોદી, પન્નીરસેલ્વમ, શશિકલાના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો. વિપક્ષના નેતા એમ.કે.સ્ટાલિને જણાવ્યું હતું કે મોદીએ વટહુકમ લાવવાનો ઈનકાર કર્યો તે વાત હતાશાજનક છે.
 
પન્નીરસેલ્વમે મોદી સાથે કરી મુલાકાત
 
સાંઢની લડાઈની રમત જલિકટ્ટુ પરથી પ્રતિબંધ હટાવવાનું આંદોલન સમગ્ર તામિલનાડુમાં જોર પકડી રહ્યું છે. બુધવારે ચેન્નાઈના મરીના બીચ પર આશરે 50 હજાર સ્ટુડન્ટ્સ, મહિલાઓ અને બાળકો સ્વયંભૂ એકઠા થયા હતા. લોકોનો વધતો ગુસ્સો જોઈને આજે તામિલનાડુના સીએમ ઓ પન્નીરસેલ્વમ  નરેન્દ્ર મોદીને મળ્યા હતા. તેમણે જલિકટ્ટુ મામલે PM મોદી સાથે મુલાકાત કરીને ઓર્ડિનન્સ લાવવાની માંગ કરી હતી. જેમાં તેમણે પીએમને તામિલનાડુની વર્તમાન સ્થિતિથી માહિતગાર કર્યા હતા. આ મુદ્દે કેન્દ્ર હસ્તક્ષેપ કરે તેમ પણ સીએમ પન્નીરસેલ્વમે કહ્યું હતું.. ઉપરાંત એઆઈડીએમકેના મહાસચિવ વીકે શશિકલાએ પણ આંદોલનને સમર્થન આપ્યું છે.
 
મોદી સાથે મુલાકાતમાં શું થયું
 
- તામિલનાડુના મુખ્યમંત્રી પન્નીરસેલ્વમે દિલ્હીમાં મોદીને મળી શાલ ઓઢાડી સન્માન કર્યા બાદ એક લેટર આપ્યો હતો.
- જે બાદ તેમણે વડાપ્રધાનને તામિલનાડુની વર્તમાન સ્થિતિથી માહિતગાર કરીને કેન્દ્ર આ મુદ્દે હસ્તક્ષેપ કરે તેમ જણાવ્યું હતું.
- વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ દ્વારા જલિકટ્ટા પર મૂકવામાં આવેલા પ્રતિબંધની ચર્ચા કરવામાં આવશે. કેન્દ્ર રાજ્ય સરકારને શક્ય તમામ મદદ કરશે. દુકાળની સ્થિતિનો સામનો કરવા શક્ય દરેક મદદ કરવામાં આવશે. ટૂંક સમયમાં સેન્ટ્રલ ટીમ તામિલનાડુ મોકલવામાં આવશે.
 
એસેમ્બલીમાં પ્રસ્તાવ લાવશે એઆઈડીએમકે
 
- શશિકલાએ બુધવારે કહ્યું કે પ્રતિબંધ હટાવવા માટે વિધાનસભાના આગામી સત્રમાં પ્રસ્તાવ પાસ કરવામાં આવશે.
- ચેન્નાઈમાં 22 જાન્યુઆરી સુધી 31 કોલેજ અને યુનિવર્સિટી બંધ કરી દેવામાં આવી છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે 2016ના નોટિફિકેશનમાં પ્રાણીઓની દેખભાળની ચિંતાને જોતાં આ રમત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હાલ મામલો સુપ્રીમ કોર્ટમાં છે.
 
સ્ટુડન્ટ્સે કહ્યું, સુપ્રીમ કોર્ટમાં પ્રતિબંધ હટવા સુધી ચાલુ રહેશે પ્રદર્શન
 
- સીએમ પન્નીરસેલ્વમે પ્રદર્શનકર્તા વિદ્યાર્થોને આંદોલન ખતમ કરવાની અપીલ કરી.
- મરીના બીચ પર એકઠા થયેલા સ્ટુડન્ટ્સે સીએમની અપીલ નકારતાં કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં પ્રતિબંધ હટવા સુધી તેઓ શાંતિપૂર્ણ પ્રદર્શન ચાલુ રાખશે.
 
મદુરાઈથી થઈ શરૂઆત
 
- મદુરાઈના અલંગાનલ્લુરમાં મંગળવારે જલિકટ્ટુ પર બેન હટાવવાની માંગ લઈને પ્રદર્શન થયું. આ દરમિયાન પોલીસે અનેક લોકોની ધરપકડ કરી.  આ ખબર ચેન્નાઈ સુધી પહોંચી અને લોકો મરીના બીચ પર એકત્ર થવા લાગ્યા.
- તેમણે જલિકટ્ટુ આયોજીત કરવા દેવાની માંગ કરી હતી. સાથે જ આ અંગે કોઈ સ્વીકાર્ય ઉકેલ ન લાવી શકવા બદલ કેન્દ્ર તથા રાજ્ય સરકાર સામે આક્રોશ ઠાલવ્યો હતો. 
- દેખાવોને કારણે આ રૂટ પરનો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો. ભીડને કાબુમાં રાખવા હળવો બળપ્રયોગ કરવાની પોલીસને ફરજ પડી હતી. 
- પ્રદર્શનકારીઓની માંગ છે કે, જલિકટ્ટુ પરનો પ્રતિબંધ ઉઠાવવામાં આવે. મુખ્યપ્રધાન આ અંગે નિવેદન આપે તથા પેટા જેવી સંસ્થા પર પ્રતિબંધ મૂકવામાં આવે. 
- સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ ક્લાસ બંક કરીને અહીંયા પહોંચ્યા. એસઆરએમ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સે સપોર્ટની જાહેરાત કરી. ફિલ્મ એક્ટર રાઘવ લોરેંસ સહિત અનેક સેલિબ્રિટીઝે પણ સપોર્ટ જાહેર કર્યો.
 
વિવાદનું અસલી કારણ શું છે?
 
- તામિલનાડુમાં જલિકટ્ટુ પર 2014થી પ્રતિબંધ છે.
- ગત વર્ષે જયલલિતાએ કેન્દ્રને જલિકટ્ટુ પરથી પ્રતિબંધ હટાવવાની માંગ કરી હતી. કેન્દ્ર સરકારે 8 જાન્યુઆરીએ એક નોટિફિકેશન બહાર પાડી પ્રતિબંધ હટાવી દીધો હતો.
- જે બાદ સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો.  
- રાજ્ય સરકારની માંગ હતી કે સુપ્રીમ કોર્ટમાં પોંગલ  પહેલાં તેના પર ચૂકાદો આપે. પણ તેમ થયું નહીં.
 
હાઈકોર્ટનો દખલનો ઈનકાર 

- બુધવારે મદ્રાસ હાઈકોર્ટની બેન્ચ સમક્ષ જલિકટ્ટુ મુદ્દે કેટલાક વકીલો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. 
- આ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હોવાથી બેન્ચના જજોએ દરમિયાનગીરી કરવાનો ઈનકાર કરી દીધો હતો. 
- કેટલાક જજોએ રૂટ બદલીને કોર્ટમાં પહોંચવું પડ્યું હતું. 
- ડીએમકેના કાર્યકારી વડા સ્ટાલિનના કહેવા પ્રમાણે, પેટા 'દેશ વિરોધી' સંસ્થા છે. 
- પેટાએ સ્ટાલિનની ટિપ્પણીને 'સસ્તી' અને આધાર વિહોણી કહી હતી.
 
કોણે શું કહ્યું
 
- એનિમલ રાઈટ્સ એક્ટિવિસ્ટ ગૌરી મૌલેખીએ કહ્યું કે, હાલ આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં છે. તેથી કાયદેસર રીતે કોઈ ઓર્ડિનન્સ લાવી શકાય નહીં.
- ચેન્નાઈની રહેવાસી રોહિણીએ જણાવ્યું કે, જલિકટ્ટુના સપોર્ટ માટે મારો એક ફ્રેન્ડ સિંગાપોરથી આવ્યો છે.
 
મોદીના ઘરની સામે ધરણાં યોજતા રામદૌસ

પીએમકેના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અંબુમણિ રામદૌસ દિલ્હીમાં પ્રધાનમંત્રી અાવાસની બહાર ધરણાં પર બેઠા છે. તેમણે જણાવ્યું કે જો કેન્દ્ર ખરડો નહીં લાવે તો તેઓ 26મી જાન્યુઆરીએ સમગ્ર રાજ્યમાં જલીકટ્ટુ યોજશે. ઓટોચાલકોએ પણ શુક્રવારે હડતાળનું એલાન આપ્યું છે.

દેખાવકારોને રાશન-પાણી સપ્લાય થઇ રહ્યા છે

મરિના બીચ પર દેખાવકારોને ભોજન, બ્રેડ, બિસ્કિટ અને પાણીનો પુરવઠો નિરંતર ચાલુ છે. દેખાવકારો ત્રણ દિવસથી અહીં અડીખમ છે. ઘણા મોટા ફિલ્મ સ્ટાર્સ પણ દેખાવકારોને સમર્થન આપવા પહોંચી ગયા છે. ગુરુવારે સ્થિતિ બગડતા પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો હતો.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, શું છે જલિકટ્ટુ
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: jallikattu cm panneerselvam to meet pm modi today
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext