Home »National News »Latest News »National» SC Orders To File New FIR Against Asaram

આસારામ સામે નવી FIRનો SCનો આદેશ, સ્વાસ્થ્ય અંગે રજૂ કર્યા હતા ફેક દસ્તાવેજ

Sunil Chaudhary | Jan 30, 2017, 15:16 PM IST

  • પોતાના સમર્થકોને આશાભરી નજરથી જોઇ રહેલા આસારામ
જોધપુર: સુપ્રીમ કોર્ટે સોમવારે મેડિકલ ગ્રાઉન્ડ્સ પર જામીન આપવાની આસારામની પિટિશનને ફગાવી દીધી છે. સાથે કહ્યું છે કે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા નકલી દસ્તાવેજો રજૂ કરવા માટે તેમના પર નવી એફઆઇઆર નોંધવામાં આવવી જોઇએ. કોર્ટે આસારામને એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
 
કહ્યું હતું - ઇલાજ આયુર્વેદથી જ શક્ય છે
 
- સુપ્રીમ કોર્ટે કહ્યું, “આ વાતને અવગણી ન શકાય કે સુનાવણીને કારણ વગર જ આટલી ખેંચવામાં આવી. સાક્ષીઓ પર હુમલાઓ કરાવવામાં આવ્યા, જેમાંથી બે લોકોનું મોત થઇ ચૂક્યું છે.”
- આસારામે તેમના શરીરમાં બાર પ્રકારની બીમારીઓનો ઉલ્લેખ કરીને સુપ્રીમ કોર્ટમાં જામીન માટેની અરજી દાખલ કરી હતી.
- અરજીમાં જણાવવામાં આવેલું કે તેનો ઇલાજ કેરળમાં આયુર્વેદિક પદ્ધતિથી જ શક્ય છે. પરિણામે તેમને ત્યાં જઇને ઇલાજ કરાવવાની પરવાનગી આપવામાં આવે.
- સુપ્રીમ કોર્ટે તેના નિર્ણયમાં સ્પષ્ટપણે જણાવ્યું, “આસારામનું સ્વાસ્થ્ય એટલું ખરાબ નથી કે તેમને જામીન આપવામાં આવે.”
- કોર્ટે આસારામ તરફથી રજૂ કરવામાં આવેલા સ્વાસ્થ્ય સાથે જોડાયેલા નકલી દસ્તાવેજો માટે અતિશય નારાજગી દર્શાવી અને નવી એફઆઇઆર દાખલ કરવાનો આદેશ આપ્યો.
- કોર્ટે આસારામને એક લાખ રૂપિયાનો દંડ પણ કર્યો છે.
 
ગયા વર્ષે આસારામે માંગ્યા હતા વચગાળાના જામીન
 
- ગયા વર્ષે જૂલાઇમાં આસારામે સુપ્રીમ કોર્ટ પાસે પોતાનો ઇલાજ કરાવવા માટે વચગાળાના જામીન આપવાની માંગ કરી હતી.
- જે માટે કોર્ટે તેમને દિલ્હી એઇમ્સમાં ચેકઅપ કરાવવાનો આદેશ આપ્યો હતો.
- એઇમ્સના મેડિકલ બોર્ડના રિપોર્ટમાં આસારામને કોઇપણ પ્રકારની ગંભીર બીમારી ન હોવાનું જણાવ્યું હતું.
- ત્યારબાદ સુપ્રીમ કોર્ટે ઓગસ્ટમાં જામીન અરજીને રદ કરી હતી.
- ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી વ્હીલચેર પર બેસીને આવતા આસારામ હાલના દિવસોમાં પગપાળા જ કોર્ટ પહોંચી રહ્યા છે. કેટલીય વાર તો તે લિફ્ટના ઉપયોગ વગર સીડીઓ ચડીને હાજર થયા છે.
 
અત્યાર સુધીમાં અગિયાર વખત રદ થઇ જામીન અરજી
 
- આસારામના ગુરુકુળમાં ભણતી એક સગીરાએ આરોપ લગાવ્યો હતો કે 15 ઓગસ્ટ, 2013ના રોજ આસારામે જોધપુર નજીક મણાઈ ગામ સ્થિત એક ફાર્મહાઉસમાં તેની જાતીય સતામણી કરી હતી.
- 20 ઓગસ્ટ, 2013ના રોજ તે સગીરાએ દિલ્હીના કમલાનગર પોલીસ સ્ટેશને આસારામ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.
- જોધપુરનો મામલો હોવાને કારણે દિલ્હી પોલીસે એફઆઇઆર નોંધીને તપાસ માટે જોધપુર ગઇ હતી.
- જોધપુર પોલીસે આસારામ વિરુદ્ધ સગીરા પાસેથી સતામણીનો કેસ દાખલ કર્યો.
- 31 ઓગસ્ટ, 2013ના રોજ પોલીસ ઇન્દોરથી આસારામની ધરપકડ કરીને તેને જોધપુર લઇ આવી. ત્યારબાદ તે જોધપુર જેલમાં જ બંધ રહ્યો.
- આ દરમિયાન આસારામ તરફથી સુપ્રીમ અને હાઇકોર્ટ સહિત જિલ્લા કોર્ટમાં 11 વખત જામીન લેવાના પ્રયત્નો કરવામાં આવ્યા.
- તેના તરફથી રામ જેઠમલાની, સુબ્રમણ્યમ સ્વામી, સલમાન ખુરશીદ સહિત દેશના ઘણા જાણીતા વકીલો પેરવી કરી ચૂક્યા છે. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: SC orders to file new FIR against Asaram
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext