Home »National News »Latest News »National» Modi May Give Answer To Opposition In Parliament Session

બેનામી સંપત્તિવાળા ચેતે, CAની સલાહ લઇ લે, હું કોઈને છોડીશ નહીં- મોદી

divyabhaskar.com | Feb 07, 2017, 16:10 PM IST

  • પોતાના ભાષણમાં મોદીએ નોટબંધીથી લઈ સર્જિકલ સ્ટ્રાઈકને લઈ વિપક્ષના વલણને લઈ પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી.
નવી દિલ્હી: મોદીએ મંગળવારે સંસદમાં રાષ્ટ્રપતિના બજેટ અભિભાષણ પર ચાલી રહેલા ધન્યવાદ પ્રસ્તાવની ચર્ચામાં પોતાનો જવાબ રજૂ કર્યો હતો. ભાષણમાં મોદીએ નોટબંધી અને કાળા નાણાં મુદ્દે જવાબ આપ્યો હતો. ભાષણ દરમિયાન મોદીએ ફરી એક વખત બેનામી સંપત્તિ ધરાવનાર લોકોને ચેતવણી આપી હતી. મોદીએ કહ્યું હતું કે, બેનામી સંપત્તિવાળા ચેતી જાય, CAની સલાહ લઇ લેજો, કોઈને છોડીશ નહીં. રાહુલ ગાંધીનું નામ લીધા વગર તેમના પર પ્રહાર કરતા કહ્યું હતું કે, આખરે ભૂકંપ આવી જ ગયો. જોકે, ધમકી તો બહુ પહેલા મળી હતી. તેમણે કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેને પણ વળતો જવાબ આપ્યો. મોદીના ધન્યવાદ પ્રસ્તાવને લોકસભામાં સ્વીકારવામાં આવ્યો હતો. આ દરમિયાન કોંગ્રેસે સદનમાંથી વોકઆઉટ કર્યું હતું.
 
"ગામ, ગરીબો, ખેડૂતોની જિંદગી બદલાઇ છે"
 
- સંસદમાં ભાષણની શરૂઆત કરતા મોદીએ કહ્યું કે, "દરેક વ્યક્તિ ગરીબોનું ભલું ઇચ્છે છે. મેં પહેલા પણ કીધું છે કે અત્યાર સુધી જેટલી સરકારો આવી તે તમામે દેશ માટે કંઇક ને કંઇક યોગદાન આપ્યું છે." 
- "ભારત ઝડપથી બદલાઇ રહ્યું છે. જનતાનું સામર્થ્ય ઘણુ છે. ગામ, ગરીબો, ખેડૂતોની જિંદગી બદલાઇ છે."
- "કોંગ્રેસના ઘણા વરિષ્ઠ મહાનુભાવોએ ચર્ચાને પ્રાણવાન બનાવી. આ બધા આદરણીય સદસ્યોનો ચર્ચામાં સામેલ થવા માટે આભાર માનુ છું."
 
નામ લીધા વગર રાહુલ પર કર્યો હુમલો
 
- મોદીએ પોતાના ભાષણમાં રાહુલ ગાંધીનું નામ લીધા વગર નિશાન સાધ્યું હતું. મોદીએ કહ્યું કે, "આખરે ભૂકંપ આવી જ ગયો. ધમકી તો બહુ પહેલા મળી ગઇ હતી. પરંતુ, કેમ આવ્યો ભૂકંપ? કેમ રિસાઇ ધરતી મા?"
- "લોકોને સ્કેમમાં પણ સેવાનો ભાવ, નમ્રતાનો ભાવ દેખાય છે, તો મા નહી ધરતી મા પણ દુઃખી થાય અને તેનાથી ભૂકંપ આવે."
- "અવ્યવસ્થા લોકતાંત્રિક હોય કે અલોકતાંત્રિક, જનશક્તિનો મિજાજ અલગ જ હોય."
- "દરેક યુગમાં ઇતિહાસને જાણવાનો પ્રયાસ જરૂરી. દેશના કરોડો લોકો હતા, જ્યારે કોંગ્રેસનો જન્મ પણ નહોતો થયો. 1857નો સંગ્રામ આ દેશના લોકોએ મળીને લડ્યો, સંપ્રદાયના વાડા ન હતા. કમળ ત્યારે પણ હતું આજે પણ છે." 
 
નોટબંધી વિશે બોલ્યા મોદી
 
- નોટબંધી વિશે બોલતા મોદીએ કહ્યું કે, "પહેલા દેશમાંથી કેટલા ગયાની ચર્ચા. હવે ચર્ચા છે, મોદી કેટલા લાવ્યા? આનાથી વધારે બીજો સંતોષ શું હોઇ શકે? આ જ તો સાચું પગલું છે."
- "અર્થવ્યવસ્થા સારી ચાલતી હતી તો આ નિર્ણય કેમ? નોટબંધી માટે આ સમય યોગ્ય હતો. કેમકે દેશની અર્થવ્યવસ્થા મજબૂત હતી. આ હડબડીમાં નથી થયું. નબળી અર્થવ્યવસ્થા હોત તો નોટબંધી ન થઇ શકી હોત."
- "આજે જોઇ રહ્યો છું કે જે હિસાબ મેં કરેલો તે પ્રમાણે જ ગાડી ચાલી રહી છે."
- "એક સમય જ્યારે દેશમાં ઇન્કમટેક્સ અધિકારી મરજી પ્રમાણે ગમે ત્યાં જઇ ચડતા. નોટબંધી પછી બધી બાબતો રેકોર્ડ પર છે. હવે ઇન્કમટેક્સ અધિકારીને ક્યાંય જવાની જરૂર નહી. જેને પણ મુખ્ય પ્રવાહમાં આવવું હોય તે સહેલાઇથી આવી શકે છે."
- "બેનામી સંપત્તિનો કાયદો અને લાગુ કર્યો છે. આ કાયદો વાંચી લો. બધાને વિનંતિ મુખ્યપ્રવાહમાં આવો ને દેશના ગરીબો માટે તમારું પણ યોગદાન આપો." 
 
"ખડગેજી આ જ્ઞાન તમને ક્યારે પ્રાપ્ત થયું?"
 
- મોદી બોલ્યા કે "ખડગેજીએ કહ્યું કાળું નાણુ હીરા, ઝવેરાત, સોના અને પ્રોપર્ટીમાં. સાચી વાત છે. પણ આ સદન જાણવા માંગે છે કે આ જ્ઞાન તમને ક્યારે થયું?"
- "1998માં બેનામી સંપત્તિનો કાયદો બનાવ્યો. શું કારણ હતું કે 26 વર્ષથી આ કાયદાને લાગુ ન કર્યો? કોણ હતા એ જેમને કાયદો બનાવ્યા પછી ભાન થયું કે કાયદો દબાવી દેવો."
- "નોટબંધી પહેલા એ લોકો વિરુદ્ધ પગલું ભર્યું છે. ગમે તેટલા મોટા માણસ હોવ, ગરીબના હકનું પાછું આપવું પડશે. હું ગરીબો માટે લડું છું. પાછો નહી વળું."
- ખડગે પર પ્રહાર કરતા વધુમાં કહ્યું કે "લોકતંત્ર બચાવવા માટે આભાર. કોંગ્રેસના લોકતંત્રને દેશ જાણે છે. લોકતંત્રને કચડવાના લાખો પ્રયત્ન પછી પણ આ દેશના લોકોનું સામર્થ્ય કે લોકતંત્ર બચી ગયું. ને એક ગરીબ માનો છોકરો પ્રધાનમંત્રી બની ગયો."
 
"સારું થયું તે સમયે ભગવંત માન ન હતા નહીં તો બીજું પીવાની વાત કરતા!"  
 
- મોદીએ કહ્યું હતું કે "વિપક્ષે ચાર્વાકના સિદ્ધાંતને માની લીધો છે. તે કહેતા હતા કે 'यावत जीवेत, सुखम जीवेत। ऋणम कृत्वा, घृतम पीवेत'." 
- "મતલબ  જ્યાં સુધી જીવો, સુખથી જીવો. એ સમયે રૂષિમુનીઓએ દેવુ કરીને પણ ઘી પીવાની વાત કરી હતી." 
- "એ સમયે ભગવંત માન ન હતા. નહીં તો કંઇક બીજું પીવાની વાત કરતા."
 
"નોટબંધીમાં 150 નિયમો બદલ્યા પણ મનરેગામાં તો બદલાયા હતા 1035 વાર નિયમો"
 
- મોદી બોલ્યા કે તમે કહો છો, નોટબંધીમાં 150 નિયમો બદલ્યા પરંતુ મનરેગામાં 1035 વાર નિયમો બદલવામાં આવ્યા છે.
- સરકાર નિયમોથી ચાલે છે. જે નિયમો તમારે માટે તે અમારે માટે પણ છે.
- બધા રાજ્યોને સાથે લઇને ચાલ્યા છીએ. 76,000 ગામોમાં ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક કનેક્શન આપ્યું છે.
- તમે ગામે ગામ જઇને કીધું કે રાજીવ ગાંધી મોબાઇલ લાવ્યા. જ્યારે મેં કીધું કે એ મોબાઇલનો ઉપયોગ બેન્કિંગમાં કરો તો તમે કહો છો કે મોબાઇલ છે જ ક્યાં? હું તો હેરાન છું આ વાતથી. 
 
"સર્જિકલ સ્ટ્રાઇકની સફળતાથી વિપક્ષને પીડા થઈ રહી છે" 
 
- PoKમાં ભારતે કરેલા સર્જિકલ સ્ટ્રાઈક પર વિપક્ષ પર નિશાન સાધતા મોદીએ કહ્યું કે, "પહેલા 24 કલાકમાં રાજનેતાઓએ કેવા નિવેદનો આપ્યા? પણ દેશનો મિજાજ જોઇને તેમને ભાષા બદલવી પડી."
- "આ બહુ મોટો નિર્ણય હતો. અને આ નિર્ણય માટે મને કોઇ પૂછતું નથી. નોટબંધી માટે બધા પૂછે છે, પણ સર્જિકલ સ્ટ્રાઇક માટે કોઇ જ નથી પૂછતું."
- "દેશની સેના માટે જેટલું ગુણગાન કરીએ તેટલું ઓછું છે. અને આટલી સફળ સર્જિકલ સ્ટ્રાઇક કરી છે."
- "તમારી મુસીબત એ છે કે તમે પબ્લિકમાં કહી નથી શકતા પણ આ સર્જિકલ સ્ટ્રાઇક તમને પીડી રહી છે. તમને સર્જિકલ સ્ટ્રાઇકથી તકલીફ છે." 
 
કાકા હાથરસીની કવિતા દ્વારા વિપક્ષ પર નિશાન
 
અંતર પટ મે ખોજીયે, છિપા હુઆ હૈ ખોટ,
મિલ જાયેગી આપકો બિલકુલ સત્ય રિપોર્ટ
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Modi may give answer to opposition in Parliament session
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended