Home »National News »Latest News »National» Pm Modi Addressed At Civil Service Day Function

મોદીએ કહ્યુંઃ ગૃહિણીને મેનેજમેન્ટ ગુરૂ માનો,ગુજરાતને મળ્યો સ્ટર્ટઅપ એવોર્ડ

divyabhaskar.com | Apr 22, 2017, 02:02 AM IST

  • 11મા સિવિલ સર્વિસ ડે પર સંબોધન કરતાં મોદી
નવી દિલ્હીઃવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે 11મા સિવિલ સેવા દિવસ સમારોહના બીજા અને અંતિમ દિવસે ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓનું સન્માન કર્યું હતું. પોતાના વક્તવ્યમાં મોદીએ આઈએએસ અધિકારીઓને દેશની ગૃહિણીઓ પાસેથી શીખવાની સલાહ આપી હતી. મોદીએ કહ્યું હતું કે ગૃહિણીઓ મુશ્કેલી પરિસ્થિતિ કે તંગીમાં પણ ઘરને મેનેજ કરી લેતી હોય  છે. ઘરના મોભી ન હોય તો પણ તે પરિવારને સાચવી લે છે. વડાપ્રધાને વિવિધ રાજ્યોને ઉત્તમ કામગીરી બદલ 12 જેટલા એવોર્ડ આપ્યા હતા જેમાં ગુજરાતે  સ્ટાર્ટ-અપ ઇન્ડિયા એવોર્ડ મેળવ્યો હતો.
 
આપણે અનુભવને બોજો બનાવવો જોઈએ નહીં
વહીવટીપાંખમાં બહોળો અનુભવ ધરાવતા અધિકારીઓને ટકોર કરતા વડાપ્રધાને કહ્યું હતું કે આપણે એ પણ ચકાસવું પડશે કે ક્યાંક અનુભવ નવા પ્રયોગો અજમાવવા પર બ્રેક સમાન તો નથી બની રહ્યો નેω અનુભવી અધિકારીઓએ  બિનઅનુભવી પણ પ્રયોગશીલ અધિકારીઓની આડે આવવાને બદલે ગર્વ અનુભવવો જોઈએ કે જે ખેતર તેમણે ખેડ્યું હતું ત્યાં નવી પેઢી પાક લણી રહી છે. આપણે અનુભવને બોજો બનાવવો જોઈએ નહીં.

ઠોઠ નિશાળિયાને હોશિયારની કદર
અમારે ત્યાં ગુજરાતીમાં કહેવત છે કે ‘ઠોઠ નિશાળિયાને હોંશિયારની કદર હોય છે.’ અમે નેતાઓ અધિકારીઓની ક્ષમતા, કાબેલિયત સારી રીતે જાણીએ છીએ. સરકારો રિફોર્મ કમિશનો બનાવતી હોય છે. પણ અધિકારીઓ પોતાના અનુભવના નિચોડમાંથી જે સલાહ આપી શકે છે એવા સૂચનો કોઈ કમિશન આપી શકે નહીં.
 

સોશિયલ મીડિયા પોતાના પ્રચાર માટે નથી
હું સોશિયલ મીડિયાની તાકાતથી સુપેરે વાકેફ છું. સોશિયલ મીડિયા દ્વારા લોકોને જાગૃત કરી શકાય છે. પણ કામના સમય દરમ્યાન સોશિયલ મીડિયા પર પોતાનો પ્રચાર કરવાની જરૂર નથી. તેનો ઉપયોગ જનતાના ભલા માટે થવો જોઈએ.

હું અધિકારી બની ન શક્યો કારણ કે કોચિંગ મળ્યું નહીં
મોદીએ રમૂજ કરતા અધિકારીઓને જણાવ્યું હતું કે હું તમારી જગ્યા લઈ શક્યો નહીં કારણ કે મને કોચિંગ ક્લાસ મળે એવી કોઈ શક્યતા નહોતી. હું 16 વર્ષથી તમારી સાથે કામ કરી રહ્યો છું. તેથી મારું માનવું છે કે પરિવર્તન માટે આ વ્યવસ્થામાં કામ કરનારા લોકોથી વધારે સારું સૂચન કોઈ આપી શકે નહીં,
 
યાદ કરો એ દિવસ જ્યારે તમે મસુરી જવા નીકળ્યા હતા 
છેલ્લા 15-20 વર્ષોમાં કાર્યશૈલી બદલાઈ છે. હવે આપણી જવાબદારી વધી છે. યાદ કરો એ સમય જ્યારે સિવિલ સેવાની પરીક્ષા પાસ કરી ત્યારે તમારા સપના શું હતાંω જ્યારે તમે તાલિમ માટે મસુરી જવા માટે નીકળ્યા હતા ત્યારે તમારા મનમાં કેવી આકાંક્ષાઓ-સપના હતા.

હું પ્રમાણિક અધિકારીઓની પડખે
પહેલા બધા કામ સરકારો જ કરતી હતી. હવે અધિકારીઓની જવાબદારી વધી છે. પ્રમાણિક અધિકારીઓની પડખે હું હમેશા રહીશ. બદલાતા સમય સાથે કામકાજની શૈલી પણ વિકસિત કરવી પડશે. અધિકારીઓ માત્ર નિયમ લાગૂ કરનારા નહીં પણ જનસમુદાય માટે પ્રેરક પણ બને.

જે કામ 25 વર્ષમાં નથી થતું એ તમે 24 કલાકમાં કરો છો
ફાઇલ લટકાવવાના સંદર્ભમાં મોદીએ કહ્યું કે, ઘણીવાર બે વિભાગ વચ્ચેની લડાઈના કારણે મહત્ત્વના કામ 25 વર્ષ સુધી લટકતા રહે છે. વડાપ્રધાન દખલ કરે તો એ કામ અધિકારીઓ 24 કલાકમાં કરી દે છે. અદાલતમાં એક જ સરકારના બે વિભાગો વર્ષોથી પરસ્પર લડતા રહે છે. આપણે આ નબળાઈનો સ્વીકાર કરવો જ રહ્યો.
 
અધિકારીઓ વિચારે, લોકોના મનમાં તેમના પ્રત્યે અભાવ કેમ છે
વડાપ્રધાને પોતાના વક્તવ્યમાં અધિકારીઓને જણાવ્યું હતું કે કાશ્મીરમાં જવાનો કુદરતી આપત્તિ વખતે લોકોના જીવ બચાવે છે ત્યારે લોકો તેમની પ્રશંસા કરે છે. બાદમાં આ જ લોકો જવાનો પર પથ્થરમારો પણ કરે છે. પણ થોડા વખત પછી લોકોને ખબર પડે જ છે કે આ જવાનો અમારા માટે જીવ પણ આપી શકે છે. અધિકારીઓ પણ લોકોના મનમાં તેમના પ્રત્યે ભાવ પેદા કરે, અભાવ નહીં.
 
ખાડો ખોદીને તેને પૂરતા પહેલાં તેમાં છોડ તો રોપો!
કોઈ એક જગ્યાએ બે જણ કામ કરી રહ્યા હતા. એક વ્યક્તિ ખાડો ખોદતી હતી અને બીજી માટીથી એ ખાડો પૂરવાનું કામ કરતી હતી. એક સમજુ માણસે ત્યાં જઈને એમને પૂછ્યું કે તમે શું કરી રહ્યા છોω ત્યારે જવાબમાં પેલા બે જણમાંથી એક જણે કહ્યું કે અહીં અમે બે નહીં પણ ત્રણ જણા કામ કરીએ છીએ. એકનું કામ ખાડો ખોદવાનું, બીજાનું કામ એમાં છોડ રોપવાનું અને ત્રીજાનું કામ ખાડો પૂરવાનું છે. પણ છોડ રોપનાર આજે રજા પર છે એટલે અમે અમારું કામ કરી રહ્યા છીએ. અર્થ એ છે કે પેલા બે જણા જે કામ કરતા હતા તેમાં આઉટપુટ (પરિણામ)  તો જરૂર હતું પણ તેનું કોઈ આઉટકમ (નક્કર પરિણામ) કંઈ નહોતું.
 
સરકાર આવતી જતી રહેશે
 
વડાપ્રધાને સંબોધન દરમિયાન જણાવ્યું કે, સરકાર આવતી-જતી રહેશે. પરંતુ વ્યવસ્થા જળવાઈ રહેશે. આ વ્યવસ્થામાં સતત ફેરફાર કરવાની જરૂર છે.
 
સેવા ભાવથી કામ કરો, નામ કમાવાની ઈચ્છાથી નહીં
 
મોદીએ કહ્યું, સમર્પણ ભાવથી કામ કરવું જોઈએ. નામ કમાવવાથી ઈચ્છા ન હોવી તે સૌથી મોટી તાકાત છે. ઓનરશિપ મોમેન્ટ હોવી સૌથી જરૂરી છે. પ્રભાવ ગ્રસ્ત વ્યવસ્થામાં જ વ્યક્તિનું યોગ્ય મૂલ્યાંકન થાય છે.
 
શું આપણું માઈન્ડસેટ ન બદલી શકીએ
 
પીએમે કહ્યું, જે રીતે દેશ આગળ વધી રહ્યો તેને જોતાં આપણે માઈન્ડસેટ બદલવાની જરૂર છે. દેશના દરેક રાજ્યો અને જિલ્લામાં ગઈકાલ અને આજ વચ્ચે કોમ્પિટિશન છે. રાષ્ટ્રહિત સિવિલ સેવાનો ધર્મ છે.
 
આજે સ્થિતિને બદલવાની તક આવી છે
 
મોદીએ કહ્યું, આજે સ્થિતિને બદલવાની તક આવી છે. સત્યનિષ્ઠાથી કામ કરવું જોઈએ. હું તમારી સાથે ઉભો છું. જ્યારે તમે સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરી ત્યારે કેવા સપના હતા તે સમયને યાદ કરો. શું તેમાં કોઈ ફેરફાર થયો છે. આપણે આપણી જિંદગીમાંથી પ્રેરણા લઈ શકીએ છીએ. ખાડા ખોદવા અને ભરવાથી કામ નહીં ચાલે, વૃક્ષો પણ ઉગાડવા પડશે. આપણે જે કામ કરીએ તેનું પરીણામ પણ આવવું જોઈએ. પરફોર્મ કરવા માટે કમર કસવી જોઈએ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: pm modi addressed at civil service day function
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended