Home »National News »Latest News »National» Litchi Is The Cause Of Mysterious Disease In Muzaffarpur Children

મુઝફ્ફરપુરના બાળકોને થતી રહસ્યમય બીમારીના મૂળમાં રહેલું છે ‘લિચી ફળ’

divyabhaskar.com | Feb 02, 2017, 14:13 PM IST

  • આ બાળકોના પેશાબના નમૂનાઓ દર્શાવે છે કે તેમાંથી બે તૃતીયાંશ બીમાર બાળકો લિચીના ઠળિયામાં રહેલા ઝેરના સંપર્કમાં આવ્યાં છે.
મુઝફ્ફરપુર: 1995 ની સાલથી દર વર્ષે બિહારના મુઝફ્ફરપુરમાં મોટી સંખ્યામાં બાળકોમાં એક રહસ્યમય બીમારી ઘર કરી ગઇ છે. સંખ્યાબંધ સંશોધકો અને નિષ્ણાતોએ આ બીમારીનું મૂળ શોધવા માટે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે, પણ તેમને અત્યાર સુધી કોઇ કારણ મળ્યું ન હતું. હવે તેમના અભ્યાસના તારણોમાં બહાર આવ્યું છે કે બાળકોને થતી આ બીમારીના મૂળમાં રહેલું છે લિચીનું ફળ.
 
2014 માં હજારો બાળકોને દાખલ કરવામાં આવ્યાં હતાં
 
- આ રોગમાં મોટી સંખ્યામાં બાળકોને તાવ આવે છે, ત્યારબાદ તેમને ખેંચના હુમલાઓ આવે છે અને છેલ્લે તેઓ સભાન અને બેભાન અવસ્થા વચ્ચે ઝૂલ્યા કરે છે.
- 2014 ના વર્ષમાં હજારો બાળકોને આ પ્રકારની બીમારીના લક્ષણોના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
- સ્થાનિક લોકો આ બીમારીને ‘ચમકી કી બીમારી’ કહે છે.
- રિપોર્ટ્સ પ્રમાણે દાખલ કરવામાં આવેલા 390 બાળકોમાંથી 122 બાળકો મૃત્યુ પામ્યા હતા.
 
 
બીમારીનું મૂળ કારણ લિચીનું ફળ છે
 
- ધ લાન્સેન્ટ ગ્લોબલ હેલ્થ મેડિકલ જર્નલના નવા રિપોર્ટમાં આ બીમારીના સોર્સને શોધી કાઢવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
- નવા રિપોર્ટ પ્રમાણે આ બીમારીનું મૂળ કારણ ‘લિચી’ નું ફળ છે.
- આ બીમારીના લક્ષણો ઇન્સેફાલાઇટીસ (મસ્તિષ્કમાં સોજો) ને મળતા આવે છે. આ બીમારી થવા માટે ઘણા પરિબળો જવાબદાર છે, જેમાં ગરમી, ભેજ, કુપોષણ અને જંતુનાશકો (પેસ્ટિસાઇડ્સ) નો સમાવેશ થાય છે.
 
બીમાર બાળકોમાંથી મોટાભાગનાએ તાજેતરમાં ફળો ખાધાં હતા
 
- યુએસ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન અને ભારતના નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલના સંશોધકોએ જે બાળકોને આ પ્રકારની રહસ્યમય બીમારી થઇ હતી અને જે બાળકોને નહોતી થઇ, તેમના પરીક્ષણના પરિણામોને સરખાવ્યા.
- અભ્યાસ પ્રમાણે, બીમાર બાળકોમાંથી મોટાભાગનાઓએ તાજેતરમાં ફળો ખાધા હતાં અને તેઓએ અન્યોની સરખામણીએ છેલ્લા 24 કલાકમાં શક્યતઃ ફળોના બગીચાની છ ગણી વધુ વાર મુલાકાત લીધી હતી.
 
બીમાર બાળકોમાં લિચીના ઠળિયામાં રહેલા ઝેરના સંપર્કમાં આવ્યા હતા
 
- મુઝફ્ફરપુર ભારતમાં લિચીની ખેતી કરતો સૌથી મોટો પ્રદેશ છે.
- અભ્યાસના પરિણામો દર્શાવે છે કે, જે બાળકો બીમાર પડ્યા હતા તેઓએ બે વખત રાતનું ભોજન ન લીધું હોવાની શક્યતાઓ છે.
- સંશોધકોના મત પ્રમાણે, રાતનું ભોજન છોડવાને કારણે તેઓ ‘નાઇટ ટાઇમ હાઇપોગ્લિકેમિયા’ નો ભોગ બન્યા.
- જોકે આ બાળકોના પેશાબના નમૂનાઓ દર્શાવે છે કે તેમાંથી બે તૃતીયાંશ બીમાર બાળકો લિચીના ઠળિયામાં રહેલા ઝેરના સંપર્કમાં આવ્યાં છે. આ ઝેર કાચા ફળોમાં બહુ ઊંચી માત્રમાં રહેલું હોય છે.
- અભ્યાસમાં જણાવ્યું છે કે, આ ઝેરને પરિણામે ‘ગ્લુકોઝ સિન્થેસીસ’ ગંભીર રીતે ઘટી જાય છે. જેના કારણે બ્લડ સુગર ખતરનાક રીતે ઘટી જાય છે અને બાળકોને મગજમાં બળતરા થવા માંડે છે.
- આ બધા કારણોસર, કેન્દ્રએ અસરગ્રસ્ત વિસ્તારોમાં બાળકોને લિચીના ફળનો વપરાશ એકદમ ઓછો કરી દેવાનું સલાહભર્યું નિવેદન જાહેર કર્યું છે. આ સાથે જ બાળકોને આ રોગચાળાના સમયમાં સાંજનું ભોજન ખાવાની પણ સલાહ આપી છે. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Litchi is the cause of mysterious disease in Muzaffarpur children
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext