Home »National News »Latest News »National» Know Every Thing About Gst In Question And Answer

1,205 આઇટમ પર GST: AC-ફ્રીજ પર 28% ટેક્સ, દૂધ-અનાજ બાકાત

divyabhaskar.com | May 19, 2017, 17:17 PM IST

નવી દિલ્હી.  શ્રીનગરમાં ચાલી રહેલી જીએસટી કાઉન્સિલ મીટિંગમાં ગુરુવારે 1211 આઈટમ્સ પર જીએસટીના દર નક્કી કરવામાં આવ્યા. કાઉન્સિલે દૂધ, દહીં, અનાજ જેવી ચીજોને ટેક્સથી બાકાત રાખી છે. કોલસા પર 11.69ના બદલે હવે 5% ટેક્સ લાગશે. તેનાથી વીજળી સસ્તી થશે તેમ માનવામાં આવી રહ્યું છે. નાની કાર, સાબુ-ટૂથપેસ્ટ જેવી રોજિંદી ચીજો પણ સસ્તી થશે. લક્ઝરી કાર મોંઘી થઈ શકે છે. શુક્રવારે પણ પ્રોડક્ટ્સ અને સર્વિસના ટેક્સ રેટ નક્કી કરાશે. જો ફેંસલો નહીં થાય તો વધુ એક મીટિંગ યોજવામાં આવી શકે છે. 
 
સમગ્ર દેશમાં એક જ ટેક્સ રહેશે
 
જીએસટીથી નાના-મોટા, અલગ-અલગ પ્રકારના લગભગ 17 ટેક્સ સમાપ્ત થઇ જશે અને સમગ્ર દેશમાં માત્ર 1 ટેક્સ રહેશે. સ્પષ્ટ છે કે તે અંગે આપણા સૌના મનમાં ઘણા સવાલો હશે કે આખરે આપણા જીવનને તે કેટલી અસર કરશે?, કેવી રીતે કામ કરશે?, શું વસ્તુઓ ખરેખર સસ્તી થશે?, શું તમામ પ્રકારના ફોર્મ ભરવાથી મુક્તિ મળશે? તેવા દરેક સવાલનો જવાબ તમને ભાસ્કર આપશે. આગામી લગભગ 2 મહિના, એટલે કે આજથી 15 જુલાઇ સુધી (જીએસટી લાગુ થવાના 15 દિવસ બાદ સુધી) ભાસ્કર જીએસટી પર તમારો એકમાત્ર નૉલેજ સોર્સ રહેશે. તે માટે અમે દેશના મોટા એક્સપર્ટ્સ સાથે મળીને એક ટીમ બનાવી છે, જે તમારા દરેક, સવાલ, તમારા સાથે જોડાયેલી દરેક જટિલતાઓને સરળતાથી જણાવશે.
 
સોનું,ફૂટવેર,બીડીના દર આજે નક્કી કરવામાં આવશે
 
ગુરુવારે લગભગ 1,205 આઇટમ પર ટેક્સને અંતિમ રૂપ અપાયું હતું. સોનું, સિગારેટ, બીડી, ખેતઓજાર, ફૂટવેર, ટેક્સટાઇલ અને બાયોડીઝલ પર હાલ ટેક્સ રેટ નક્કી થયા નથી. તેની પર શુક્રવારે નિર્ણય થવાની શક્યતા છે.
 
જીએસટી કેવી રીતે લાગુ થશે?
 
હાલ સુધી પ્રોડક્શન પર એક્સાઇઝ ડ્યૂટી લાગતી હતી. જીએસટી વપરાશ પર આધારિત ટેક્સ છે. એટલે કે વસ્તુ અથવા સેવાનું વેચાણ થશે, ત્યાં ટેક્સ લાગશે. કોઇ વસ્તુને બનાવવાથી માડી વેચાણ સુધી, દરેક તબક્કામાં માત્ર વેલ્યૂ એડમિશન પર ટેક્સ લાગશે. પાછલા તબક્કામાં ચુકવાયેલા ટેક્સની ઇનપુટ ક્રેડિટ મળશે. જીએસટી દરમાં કેન્દ્ર અને રાજ્યોનો અડધો-અડધો ભાગ રહેશેે. કોઇ વસ્તુ પર 18 ટકા ટેક્સ રેટ છે તો તેમાં 9 ટકા કેન્દ્ર (સીજીએસટી) અને 9 ટકા રાજ્ય (એસજીએસટી)નો રહેશે.
 
જીએસટીમાં કયા-કયા ટેક્સ સામેલ છે?
 
કેન્દ્રના ટેક્સ - સેન્ટ્રલ એક્સાઇઝ, એડિશનલ એક્સાઇઝ ડ્યુટી, એડિશનલ કસ્ટમ ડ્યૂટી, સ્પેશિયલ એડિશનલ કસ્ટમ ડ્યૂટી (એસએડી), સર્વિસ ટેક્સ, સેસ (જેવા કે કૃષિ કલ્યાણ સેસ), કસ્ટમ ડ્યૂટી યથાવત રહેશે.
રાજ્યોના ટેક્સ - વેટ, સેન્ટ્રલ સેલ્સ ટેક્સ, લક્ઝરી ટેક્સ, એન્ટ્રી ટેક્સ, મનોરંજન કર, પરચેઝ ટેક્સ, લોટરી પર ટેક્સ, સરચાર્જ અને સેસ. સ્થાનીક એકમોના મનોરંજન કર યથાવત રહેશે.
 
કોલસા પરનો ટેક્સ ઘટતાં વીજળી સસ્તી થઈ શકે
 
કોલસા પર ટેક્સ રેટ 11.69 થી ઘટાડીને 5 ટકા કરાયો છે. તેનાથી કોલસાથી વીજળી બનાવવી સસ્તી થઇ જશે. તેથી ગ્રાહકો માટે વીજળીના રેટ પણ ઘટશે. જીએસટી કાયદામાં જોગવાઇ છે કે કંપનીઓએ ખર્ચમાં બચતનો ફાયદો ગ્રાહકોને આપવો પડશે.
 
નાની કારો પર 29% ટેક્સલક્ઝરી કારો પર 15% સેસ
 
કારોને 28 ટકા ટેક્સ સ્લેબમાં રખાઇ છે. નાની કારો પર 1 ટકા, મધ્યમ પર 3 અને લક્ઝરી કારો પર 15 ટકા સેસ પણ લાગશે.
 
શું દરેક બિઝનેસમેન તેના દાયરામાં આવશે?
 
તે તેવા તમામ બિઝનેસમેનોને લાગુ થશે, જેમનો વાર્ષિક બિઝનેસ 20 લાખથી વધુ છે. ઉત્તરપૂર્વ અને વિશેષ શ્રેણીના રાજ્યો માટે લિમિટ 10 લાખ છે. તેનાથી ઓછા બિઝનેસવાળાએ રજિસ્ટ્રેશનની જરૂર નથી. વાર્ષિક 20-50 લાખ ટર્નઓવર વાળા માટે કંપોઝીશન સ્કીમનો વિકલ્પ છે. તેમાં સમગ્ર ટર્નઓવર પર ટેક્સ લાગશે. તેનો ફાયદો તેવા બિઝનેસમેન લઇ શકશે, જેમનો બિઝનેસ એક રાજ્યમાં છે.
 
કન્ઝ્યુમર,ઇન્ડસ્ટ્રી,સરકાર અને ઇકોનોમીને લાભ કેવી રીતે?
 
ગ્રાહક: ટેક્સ પર ટેક્સની સ્થિતિ ખતમ થવાથી કન્ઝ્યુમરને લાભ થશે. હાલમાં વસ્તુઓ પર સરવાળે કુલ 31 ટકા સુધી ટેક્સ લાગે છે. ઓછો થયો. રોજગાર પણ વધશે.
ઇન્ડસ્ટ્રી: માત્ર એક ટેક્સ લાગવાથી બિઝનેસ કરવાનું સરળ થશે. ટેક્સ પ્રક્રિયા પારદર્શક અને સરળ થશે. આખો દેશ એક માર્કેટ બની જશે. બિઝનેસમેનને પહેલા ભરેલા ટેક્સનું ઇનપુટ ક્રેડિટ મળશે.
સરકાર : ટેક્સ બેઝ વધવાથી કેન્દ્ર અને રાજ્યોનું રેવન્યુ વધશે. સરકાર માટે તેના પર નજર રાખવાનું પણ સરળ થશે. કરચોરી પણ ઓછી થશે.
ઇકોનોમી: ભાવ ઘટવાથી ભારતમાં બનેલી પ્રોડક્ટ અન્ય દેશોમાં પ્રતિસ્પર્ધી હશે. નિકાસમાં તેનો લાભ મળશે. રોકાણનું વાતાવરણ બહેતર હોવાથી એફડીઆઇ આ‌વશે. સરકારનું અનુમાન છે કે જીએસટી લાગુ થયા પછી જીડીપી ગ્રોથ રેટ 1.5થી 2 ટકા વધી જશે. આઇએફએફએ કહ્યું હતું કે તેનાથી ગ્રોથ રેટ 8 ટકા સુધી પહોંચી જશે.
 
આયાત પર કેવી રીતે લાગુ થશે?
 
આયાતને બે રાજ્યો વચ્ચે સપ્લાયનો સામાન ગણવામાં આવશે. તેના પર આઇજીએસટી લાગુ થશે. બેઝિક કસ્ટમ્સ ડ્યૂટી પણ લાગશે. તેનાથી વસ્તુઓ થોડીક મોંઘી થશે. વસ્તુ કે સેવાનો વપરાશ જ્યાં થશે, રાજ્યને એસજીએસટીની ચુકવણી થશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: know every thing about gst in question and answer
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended