Home »National News »Latest News »National» Bsf Jawan Tejbahadur Posts Video Goes Viral

વીડિયો વાયરલ બાદ જવાનને LoC પરથી ખસેડાશે, 4 વાર મળી ચૂકી છે સજા

divyabhaskar.com | Jan 10, 2017, 16:54 PM IST

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં તહેનાત BSFના એક જવાને ઓફિસરો પર ગંભીર આરોપ લગાવ્યા છે. 29મી બટાલિયનના જવાન તેજ બહાદુર યાદવે રવિવારે ફેસબુક પર એક પછી એક એમ 4 વીડિયો પોસ્ટ કર્યા. જેમાં તેણે ભોજનની ગુણવત્તા અંગે ફરિયાદ કરી હતી. વીડિયો વાયરલ થયા બાદ તેને LoC પરથી ખસેડવામાં આવશે. 20 વર્ષની કરિયરમાં તેજબહાદુર યાદવને શિસ્તભંગ બદલ 4 વખત સજા પણ મળી ચૂકી છે. થોડાં દિવસો પહેલાં તેણે વીઆરએસની અરજી કરી હતી. તેજબહાદુરના વીડિયો બાદ ગૃહમંત્રી રાજનાથ સિંહે બીએસએફ પાસે રિપોર્ટ માંગ્યો છે.
 
ભોજનની ગુણવત્તા અંગે કરી હતી ફરિયાદ
 
વીડિયોમાં તેણેતેમાં તેણે ભોજનની ગુણવત્તા અંગે ફરિયાદ કરતાં કહ્યું કે, ઘણીવાર તો 11 કલાકની ડ્યુટી પછી પણ જવાનો ભૂખ્યા ઊંઘી જાય છે. કારણ કે અધિકારીઓ રાશન વેચી દે છે. જવાબમાં સોમવારે સાંજે બીએસએફે ટ્વિટ કરીને કહ્યું કે ફરિયાદની તપાસ કરવામાં આવી રહી છે. સીનિયર ઓફિસર સ્થળ પર પહોંચી ગયા છે.
 
BSFના IGએ કરી પ્રેસ કોન્ફરન્સ
 
-BSF જવાનના આરોપો અંગે જમ્મુમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બીએસએફના IG ડીકે ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, અમારા માટે આ એક સંવેદનશીલ મુદ્દો છે.
- અમે આ અંગેની તપાસ કરીશું અને તે મુજબના પગલાં લઈશું.
- એવું માની શકાય કે ઠંડીના કારણે ખાવાનો ટેસ્ટ સારો ન હોય પરંતુ જવાનોને તેની ફરિયાદ હોતી નથી.
- DIG સ્તરના ઓફિસરો પણ ભૂતકાળમાં કેમ્પની મુલાકાત લઈ ચૂક્યા છે અને તેમને વીડિયોમાં જે પ્રકારના આક્ષેપ કરવામાં આવ્યા છે તેવી ફરિયાદ મળી નથી.
- અમે જ્યારે પણ ફૂડ અંગે જવાનોના ફીડબેક લીધા છે ત્યારે કોઈ ફરિયાદ મળી નથી.
- ડ્યુટી દરમિયાન જવાનોને મોબાઈલ ફોન વાપરવાની મનાઈ હોય છે. તેજબહાદુરે આવું કેમ કર્યું તેની પણ તપાસ થશે. 
- જો તેણે ફેસબુક પર વીડિયો પોસ્ટ કરવાના બદલે સીધી અમને ફરિયાદ કરત તો સારું લાગત.
- અમે તેની પત્ની અને બાળકોને ધ્યાનમાં રાખીને તેજ બહાદુર સામે કડક કાર્યવાહી કરી નથી.
 
20 વર્ષમાં ચાર વખત સજા મળી છે તેજબહાદુરને
 
- બીએસએફ જવાન તેજબહાદુર યાદવનું કરિયર ઘણા વિવાદોમાં રહ્યું છે અને ઓફિસરો સાથે ગેરવર્તણુંક કરવાની તેની આદત રહી છે.
- 20 વર્ષની કરિયરમાં તેજબહાદુરને ચાર વખત સજા મળી ચૂકી છે. જેમાં તેને ક્વાર્ટર ગાર્ડ જેલમાં પણ રાખવામાં આવી ચૂક્યો છે.
- તેજબહાદુર પર તેના કમાંડેન્ટ પર બંદૂક તાકવાનો આરોપ પણ લાગી ચૂક્યો છે.
 
થોડાં દિવસો પહેલાં કરી હતી VRSની અરજી
 
-  સૂત્રોના જણાવ્યા મુજબ, એલઓસી પર ડ્યુટી કરવી ઘણી અઘરી હોય છે અને ત્યાંનું વાતાવરણ પણ ખૂબ ઠંડું હોય છે. આ કારણે તે ત્યાં ડ્યુટી કરવા નહોતો માંગતો અને ઓફિસરોને પરિણામ ભોગવવાની ધમકી આપી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ તેજ બહાદુરે થોડાં દિવસો પહેલાં વીઆરએસ લેવાની અરજી પણ કરી હતી.
 
જો હું ખોટો હોંઉ તો એવાર્ડ કેમ આપ્યાઃ તેજબહાદુર યાદવ
 
- BSF જવાને આજે કહ્યું કે, જો હું ખોટો હોઉં તો મને એવોર્ડ કેમ આપવામાં આવ્યા. BSFનો ગોલ્ડ મેડલિસ્ટ રહી ચૂકયો છું, અનેક વખત એવોર્ડ મળી ચૂક્યા છે.
- ગૃહરાજ્યમંત્રી કિરણ રિજ્જુએ કહ્યું કે, આ મુદ્દે અમે ગંભીર છીએ પરંતુ મારી બીઓપી વિઝિટ દરમિયાન કોઈ પણ જવાન અસંતુષ્ટ જોવા મળ્યો નથી.
 
વીડિયોમાં શું કહ્યું તેજ બહાદુરે
 
- પ્રથમ વીડિયો, ‘તમામ દેશવાસીઓને નમસ્કાર, ગુડમોર્નિંગ, સલામ અને જયહિંદ. દેશવાસીઓ, હું તમને એક વાત કહેવા માંગુ છું. બીએસએફની 29મી બટાલિયનનો જવાન છું. અમે લોકો સવારે 6 વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી સતત બરફની અંદર 11 કલાક ઉભા રહી ડ્યુટી કરીએ છીએ.’
- ‘ગમે તેટલો બરફ હોય, વરસાદ હોય કે વાવાઝોડું. અમે આવી સ્થિતિમાં ડ્યુટી કરીએ છીએ. મારી પાછળનું દ્રશ્ય કદાચ તમે લોકો જોઈ રહ્યા હશો. ફોટામાં કદાચ તમને આ દ્રશ્ય સારું લાગતું હશે. પરંતુ અમારી જે સ્થિતિ છે તેને ન કોઈ મીડિયા દર્શાવે છે કે ન કોઈ મંત્રી સાંભળે છે.’
- ‘કોઈપણ સરકાર આવે અમારી હાલત સૌથી ખરાબ છે. હું આ પછી પણ તમને ત્રણ વીડિયો મોકલીશ. જે તમે દેશના તમામ નેતાઓ અને મીડિયાને દર્શાવજો.’
 
ઓફિસરો પર ગંભીર આરોપ
 
- જવાન આગળ કહે છે, ‘અમારા અધિકારી  અમારી સાથે ઘણો અન્યાય અને અત્યાર કરે છે. અમે કોઈ સરકારનો દોષ દેવા નથી માંગતા. કારણ કે સરકાર દરેક ચીજ, દરેક સામાન અમને આપે છે પરંતુ ઉચ્ચ અધિકારીઓ બધું વેચીને ખાઈ જાય છે. અમને કંઈ મળતું નથી.’
- ‘એવી હાલત છે કે અનેક વખત જવાનોએ ભૂખ્યા પેટે ઊંઘવું પડે છે. હું સવારનો નાસ્તો તમને દર્શાવીશ. એક પરોઠું આપવામાં આવે છે. તેમાં પણ કંઈ હોતું નથી. નથી આચાર કે નથી સબજી. ચા સાથે પરોઠું ખાવું પડે છે.’
- ‘બપોરનું ભોજન પણ હું તમને દર્શાવીશ. દાળમાં માત્ર મીઠું અને હળદર હોય છે. તે સિવાય કંઈ હોતું નથી. રોટલીની હાલત તમને દર્શાવીશ. હું તેમ છતાં કહી રહ્યો છું કે ભારત સરકાર તમામ વસ્તુઓ આપે છે. સ્ટોર ભરેલા પડ્યા છે પરંતુ તે બધું બજારમાં જતુ રહે છે. તે અહીંયા ક્યાં આવે છે? કોણ વેચાણ કરે છે? તેની તપાસ થવી જોઈએ.’
 
વડાપ્રધાનને અપીલ
 
- આ જવાન આગળ કહે છે, ‘હું આદરણીય વડાપ્રધાનને કહેવા માંગુ છું કે મહેરબાની કરીને આની તપાસ કરાવો. મિત્રો, આ વીડિયો પોસ્ટ કર્યા બાદ કદાચ હું જીવતો ન પણ રહું. કારણ કે અધિકારીઓની ઘણી મોટી પહોંચ છે અને મારી સાથે કંઈપણ કરી શકે છે. તેથી આ વીડિયોને વધુને વધુ ફેલાવા અને શેર કરો. મીડિયા અહીંયા આવીને તપાસ કરે અને જવાનો કઈ હાલતમાં ડ્યુટી કરે છે તે દર્શાવે.’
- ‘હું બાકીના વીડિયો પણ તમારી સામે રજૂ કરીશ. પૂરી ડિટેલ તમને દર્શાવીશ. જય હિંદ.’
 
વીડિયો 2-3:દાળમાં હળદર-મીઠું સિવાય જીરાનો વઘાર નહીં
 
- આ છે બીએસએફન દાળ. માત્ર હળદર અને મીઠું. ન તો તેમાં દાળ છે, ન લસણ, આદું. વઘાર કરવા માટે જીરું પણ નથી.
- જવાનોનો 10 દિવસથી આ જ દાળ-રોટી મળી રહી છે. તમે જણાવો કે આ ખાઈને શું કોઈ જવાન 10 કલાકની ડ્યુટી કરી શકે છે. અધિકારી તમામ સામાન બજારમાં વેચી દે છે.
 
વીડિયો 4:નાસ્તામાં ન આચાર, ન દહીં માત્રબળેલા પરોઠા
 
- સવારના નાસ્તમાં એક બળેલું પરોઠું અને ચાનો કપ મળે છે. તેની સાથે જામ, જેલી, આચાર કે દહીં આપવામાં આવતું નથી.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, તેજ બહાદુરને છે કાઉન્સિલિંગની જરૂર....
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: bsf jawan tejbahadur posts video goes viral
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended