Home »Madhya Gujarat »Latest News »Gandhinagar» Congress Lost Cause Ticket Arrangement Chaos

ટિકિટ ફાળવણીમાં લોચાએ કોંગ્રેસની બાજી બગાડી

Bhaskar News, Gandhinagar | Dec 21, 2012, 00:01 AM IST

- કેમ થયો કોંગ્રેસનો રકાસ?

ભાજપને પછાડવા માટે કોંગ્રેસે તનતોડ મહેનત કરી પણ બેઠકો મેળવવાની બાબતમાં કોંગ્રેસ માત્ર બે આંકડા વધારી શકી. કોંગ્રેસની દશા અને દિશા બગડવાનું એક કારણ ટિકિટની ફાળવણીમાં લોચા હોવાનું મનાય છે. પહેલી યાદી બહાર પડી ત્યાં સુધી કોંગ્રેસની એકતા અને મોદીને પછાડવાના ઝનૂન બરકરાર હતા પણ જેવી યાદી બહાર પડી કે કોંગ્રેસમાં રમખાણ થઇ ગયું.

નરહરિ અમીન જેવા નેતા બળવો કરીને ભાજપમાં જતા રહ્યા તેનો લાભ ભલે ભાજપને ન થયો હોય પણ ટિકિટ ફાળવણીની પ્રક્રિયાએ કોંગ્રેસની અંદર અને બહાર અનેક સવાલો ઊભા કર્યા છે. સ્ક્રીનિંગ કમિટીના વડા અને રાહુલ ગાંધીની કોર ટીમના સભ્ય સી. પી. જોશીએ ગુજરાત આવ્યા વિના ઉમેદવારોના નામ નક્કી કર્યા.

ગુજરાતના પ્રભારી એવા મોહન પ્રકાશનો ફાળો પણ ઓછો નહોતો. સર્વે કરતી એજન્સીઓ અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર કોંગ્રેસી નેતાઓ સમજી શક્યા નહિ‌. આ બંનેએ જે નામોની પસંદગી કરી તેમાં ગુજરાતનું નેતૃત્વ તૈયાર હતું કે કેમ એ તો હવે ધીમે ધીમે બહાર આવશે. પણ મજાની વાત એ છે કે ગુજરાતના બંને દિગ્ગજ નેતાઓ પણ હારી ગયા છે. કહે છે કે શક્તિસિંહ પણ ભાવનગર ગ્રામ્ય પર ચૂંટણી લડવા તૈયાર નહોતા. તેમને પણ દબાણ કરીને ભાવનગરથી ચૂંટણી લડાવાઈ.

કોંગ્રેસમાંથી બળવો કરીને અપક્ષ ચૂંટણી લડેલા જમાલપુરના સાબીર કાબલીવાલાએ પહેલી જ વાર કોંગ્રેસને જમાલપુર બેઠક પર હાર અપાવી છે.

રાજકીય મહારથીઓ કેમ હાર્યા :

અર્જુન મોઢવાડિયા:મતવિસ્તાર પર પૂરતું ધ્યાન ન આપી શકયા. બાબુભાઈ બોખિરિયાએ છેલ્લા એક વર્ષથી મતક્ષેત્રમાં પૂરજોશથી કામ શરૂ કરી દીધું હતું. પોરબંદરમાં ભાજપનું માળખું મજબૂત છે તે સદ્દભાવના વખતે 'સ્પષ્ટ’ થઈ ગયા છતાં જાગ્યા નહીં.

શક્તિસિંહ ગોહિ‌લ: જ્ઞાતિના સમીકરણો સમજવામાં થાપ ખાઈ ગયા. કોંગ્રેસના જ નેતાઓને ભૂતકાળમાં નડયા હોય તે રીફલેક્ટ થયું. કોળી મતદારોનું જબરદસ્ત ધ્રુવીકરણ ગઢડામાં કોળી યુવાન પર ક્ષત્રિય યુવાનના હુમલા પછી થયું. પુરુષોત્તમ સોલંકીને માત્ર કોળી જ નહીં અન્ય વર્ગના મત પણ મળ્યા.

આર.સી. ફળદુ : નવો મતવિસ્તાર મુશ્કેલ પડયો. લેઉવા પટેલ મતદારોનું ધ્રુવીકરણ થયું. પ્રચારકાર્યમાં જોઈએ તેટલો સ્થાનિક ટેકો ન મળ્યો. રાઘવજી પટેલે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં કરેલાં કામની અસર દેખાઈ. બે અપક્ષ ઉમેદવારોએ થોડા મત કાપ્યા.

ગોરધન ઝડફિયા: લેઉવા પટેલ મતદારો સિવાય અન્ય વર્ગને અપીલ ન કરી શકયા. ગોંડલમાં આયાતી ઉમેદવાર હોવાને કારણે મતદારોએ ન સ્વીકાર્યા. મુસ્લિમ અને દલિત વર્ગના મતો પણ જયરાજસિંહ જાડેજાને મળ્યા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: congress lost cause ticket arrangement chaos
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended