Home »Madhya Gujarat »Latest News »Gandhinagar» Village Panchayat Election Will Be Before 3rd February

ગ્રામ પંચાયતોની ચૂંટણી ૩જી ફેબ્રુ. સુધીમાં યોજાશે

Bhaskar News, Gandhinagar | Jan 08, 2013, 00:05 AM IST

- ૧પ તાલુકા, બે જિલ્લા પંચાયત, ૭૭ પાલિકાઓનું જાહેરનામું આગામી સપ્તાહે
- પાંચમી ફેબ્રુઆરીએ પરિણામો જાહેર કરાશે


વિધાનસભાની ચૂંટણી સંપન્ન થયા પછી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીનો દોર ચાલુ થઈ રહ્યો છે. રાજ્ય ચૂંટણી પંચે આગામી ૩જી ફેબ્રુઆરી સુધીમાં ૧૪૨૭ ગ્રામ પંચાયતોની ચૂંટણી પૂર્ણ કરી લેવા કલેક્ટરોને આદેશ જારી કર્યો છે.

રાજ્યની અન્ય સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ-૧પ તાલુકા પંચાયત, બે જિલ્લા પંચાયત અને ૭૭ નગરપાલિકાની ચૂંટણી અંગેનું જાહેરનામું આગામી સપ્તાહે જાહેર કરવામાં આવશે એમ રાજ્ય ચૂંટણી પંચના સચિવ પી.એસ.શાહે જણાવ્યું છે. ગ્રામ પંચાયત સ્તરે લડાતી ચૂંટણી રાજકીય પક્ષો પ્રતીક પર લડતાં નથી પરંતુ રાજકીય પક્ષો પોતાનું પ્રભુત્વ બતાવવા માટે આ ચૂંટણીમાં પણ એડીચોટીનું જોર લગાવે છે. ગ્રામ્ય સ્તરે સમિતિઓ બનાવીને રાજકીય ટેકાથી આ ચૂંટણી જીતવાના તમામ પ્રયત્નો રાજકીય પક્ષો કરે છે.

તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષનો વિજય થતાં આ ચૂંટણીઓમાં વિજયનું પુનરાવર્તન કરવા ભાજપ સજ્જ છે જ્યારે બીજીતરફ કોંગ્રેસ પણ ગ્રામ્ય સ્તરે પોતાની સર્વોપરિતા સાબિત કરવામાં કોઈ કસર છોડશે નહીં.

ક્યા જિલ્લાની કેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે :

અમદાવાદ જિલ્લાની ૨પ, અમરેલીની ૩૬, આણંદની ૧૨૭, બનાસકાંઠાની ૯, ભરૂચની ૧૯, ભાવનગરની ૧૭૧, દાહોદની ૪૮, ગાંધીનગરની ૧૦, જામનગરની ૨૯૯, ખેડાની ૧૬, જૂનાગઢની ૩પ, કચ્છની ૬૯, મહેસાણાની ૨૧, નર્મદાની ૮, નવસારીની ૩પ, પંચમહાલની ૩૪, પાટણની ૧૭, પોરબંદરની ૧૦, સાબરકાંઠાની ૧૩૭, સુરતની ૩, તાપીની ૧૪, વડોદરાની ૨૩૧ અને વલસાડની ૧૪ મળી કુલ ૧૪૨૭ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે.

ખેડા-બનાસકાંઠા જિ. પંચાયતની ચૂંટણી થશે :

રાજ્યમાં ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયતની મુદત ૩૦મી એપ્રિલે પૂરી થતાં આ બંને જિલ્લા પંચાયતોની ચૂંટણી યોજાશે. ખેડા જિ.પં.માં ભાજપનું જ્યારે બનાસકાંઠામાં કોંગ્રેસનું શાસન છે.

જૂનાગઢ મનપાના ર્વોડ- નં-૩ની પેટા ચૂંટણી યોજાશે :

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં જૂનાગઢના ર્વોડ નં-૩ના બે લઘુમતી સભ્યો ભાજપમાં જોડાઈ જતાં આ બેઠકની પેટા ચૂંટણી યોજાશે. આ પેટા ચૂંટણીનું જાહેરનામું અન્ય ચૂંટણીઓ સાથે જાહેર કરાશે.

કઈ ૧૨ તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાશે :

ખેડા જિલ્લાની કઠલાલ અને કપડવંજ જ્યારે ગાંધીનગર જિલ્લાની ગાંધીનગર તાલુકા પંચાયતમાં જ્યારે બનાસકાંઠાની ડીસા, પાલનપુર, કાંકરેજ, થરાદ, દિયોદર, ભાંભર, દાંતીવાડા, વડગામ, ધાનેરા, દાંતા, અમીરગઢ અને વાવ તાલુકા પંચાયતમાં ચૂંટણી યોજાશે.

ક્યા જિલ્લાની કેટલી નગરપાલિકાની ચૂંટણી યોજાશે?

અમદાવાદની ૩, અમરેલીની ૪, આણંદની પ, બનાસકાંઠાની ૨, ભાવનગરની ૪, દાહોદની ૨, ગાંધીનગરની ૧, જામનગરની ૬, જૂનાગઢની ૮, મહેસાણાની ૩, ખેડાની ૬, નવસારીની ૨, પંચમહાલની ૪, પાટણની ૩, પોરબંદરની ૩, રાજકોટની ૬, સાબરકાંઠાની ૪, તાપીની ૧, વડોદરાની ૨, કચ્છની ૨, સુરેન્દ્રનગરની ૩, વલસાડની ૩ અને પોરબંદરની ૧ પાલિકાઓની ચૂંટણી યોજાશે.

પાંચમીએ મત ગણતરી-પરિણામ :

ગ્રામ પંચાયતોની ચૂંટણી ૩જીએ કરવામાં આવે તો ૧૪૨૭ બેઠકોની મત ગણતરી પાંચમી ફેબ્રુઆરીએ હાથ ધરાશે. પરિણામ પણ પાંચમીએ જાહેર થશે.

સીધી વાત : પી.એસ.શાહ રાજ્ય ચૂંટણી પંચના સચિવ

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે ?
ગ્રામ પંચાયતોની ચૂંટણીનું જાહેરનામું જિલ્લા કલેક્ટર પ્રસિદ્ધ કરે છે. તેથી કલેક્ટરોને ૩જી ફેબ્રુ. સુધીમાં ચૂંટણી યોજવા સૂચના આપવામાં આવી છે.

આવો આદેશ આપવાની કેમ જરૂર પડી?
તાલુકા, જિલ્લા અને નગરપાલિકા જેવી સંસ્થાઓની ચૂંટણીના કાર્યક્રમ ક્લેશ ન થાય તેવા હેતુથી આદેશ જારી કરાયા છે.

અન્ય સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીનું જાહેરનામું ક્યારે?
તાલુકા, જિલ્લા અને ન.પા.ની ચૂંટણીનું સત્તાવાર જાહેરનામું આગામી સપ્તાહે જાહેર કરાશે.

ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં પહેલીવાર ઈવીએમથી મતદાન :

રાજ્યમાં ગ્રામ પંચાયતોને બાદ કરતાં અન્ય સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં ઈવીએમથી મતદાન કરાવવામાં આવે છે પરંતુ આગામી ચૂંટણીમાં સૌ પ્રથમવાર ગ્રામ્ય સ્તરની ચૂંટણીમાં પણ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન(ઈવીએમ)થી મતદાન કરાવવાનો નિર્ણય રાજ્ય ચૂંટણી પંચે લીધો છે.

Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: village panchayat election will be before 3rd february
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext