Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Modi Cabinet Meeting End, Ministers Get Their Responsibilities

નીતિન પટેલને નાણા,આનંદી બહેનને શહેરી વિકાસ ખાતું

divyabhaskar.com | Dec 29, 2012, 14:51 PM IST

વાયબ્રન્ટ સમિટ સુધી સૌરભ પટેલને બદલે મોદી પાસે ઉદ્યોગ ખાતું રહેશે

નીતિન પટેલ નાણાં, રજનીકાંત પટેલ ગૃહ રાજ્ય મંત્રી

મોદી સરકારનાં મંત્રીઓને ખાતાંની ફાળવણી કરવામાં આવી

આનંદીબહેનને મહેસૂલ, શહેરી વિકાસ ખાતું, સૌરભ પટેલને પ્રમોશન


મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને તેમના મંત્રીમંડળની પ્રથમ બેઠક મળી હતી. જેમાં મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરવામાં આવી હતી. ગત ૭મી, ઓકટોબર,૨૦૦૧થી મુખ્યમંત્રી તરીકે શાસનમાં આવેલી નરેન્દ્ર મોદીની ૨૦૦૨, ૦૭ની સતત ત્રણ સરકારમાં નાણામંત્રી તરીકે વજુભાઈ વાળાએ જ ફરજ બજાવી છે. આ વખતે પ્રથમવાર મોદીની સરકારમાં નાણામંત્રી તરીકે નીતિન પટેલને આ પદે બઢતી અપાઈ છે. જોકે, તેમને નાણાં ઉપરાંત આરોગ્ય અને વાહન વ્યવહાર જેવા અન્ય મહત્ત્વના વિભાગોની જવાબદારી પણ સુપરત કરીને મોદીએ તેમના મંત્રીમંડળમાં નીતિન પટેલને નંબર-ટુનું સ્થાન આપ્યું છે.

જ્યારે આનંદીબેન પટેલને અપેક્ષા પ્રમાણે જ તેમના અગાઉના મહેસૂલ, માર્ગ-મકાન વિભાગો તો અપાયા જ છે પરંતુ તેમને સાથોસાથ શહેરી વિકાસ જેવો અન્ય અત્યંત મહત્ત્વનો વિભાગ પણ સુપરત કરાયો છે. આ વખતની ચૂંટણીમાં ગત સરકારના ગૃહમંત્રી પ્રફુલ્લ પટેલ તો પરાસ્ત થઈ જતાં ગૃહ વિભાગનો રાજ્યકક્ષાનો હવાલો અપેક્ષા પ્રમાણે જ મુખ્યમંત્રીના માનીતા મનાતા રજનીકાંત પટેલને અપાયો છે.

જોકે, આ વખતે રમણલાલ વોરા પાસેથી શિક્ષણ ખાતું લઈને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને સોંપાયું છે. વિધાનસભાની ચૂંટણીમાં ફકીરભાઈ વાઘેલા પરાજિત થયા બાદ આ વખતે સામાજિક અધિકારિતા અને ન્યાય, રમત-ગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જેવા ખાતા રમણલાલ વોરાને આપવામાં આવ્યા છે. ભૂપેન્દ્રસિંહને શિક્ષણ ઉપરાંત કાયદો અને ન્યાયતંત્ર, નાગરિક પુરવઠા, પંચાયત જેવા વિભાગોની જવાબદારી સોંપવામાં આવી છે.

ગત સરકારોમાં રાજ્યકક્ષાના મંત્રી પદે રહેલા સૌરભ પટેલને આ વખતે કેબિનેટ મંત્રી પદે બઢતી આપવામાં આવી છે પરંતુ તેમની પાસેથી ઉદ્યોગ વિભાગ લઈ મુખ્યમંત્રીએ પોતાની પાસે રાખ્યો છે. પૂર્વ મંત્રી મંગુભાઈને આ વખતે મંત્રી પદેથી દૂર રખાયા છે અને તેમના સ્થાને યુવા આદિવાસી નેતા તરીકે ગત વિધાનસભાના અધ્યક્ષ એવા ગણપત વસાવાને વન-પર્યાવરણ જેવા ખાતા સોંપવામાં આવ્યા છે.

જ્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાને ચૂંટણીમાં પરાજિત કરીને જાયન્ટ કિલર બનેલા બાબુભાઈ બોખિરિયાને જળસંપત્તિ, પાણી પુરવઠા, કૃષિ-સહકાર, પશુપાલન જેવા ખાતાઓ અપાયા છે. આ વખતે પ્રદીપસિંહ જાડેજાને કાયદા વિભાગનો સ્વતંત્ર હવાલો અપાશે એમ મનાતું હતું. તેમને કાયદા વિભાગની સોંપણી જરૂર થઈ છે, સંસદીય બાબતોનો વિભાગ પણ અપાયો છે. ટુરિઝમ સહિ‌તના ખાતા સોંપાયા છે પરંતુ કોઈને પણ સ્વતંત્ર ખાતા અપાયા નથી.

બજેટ સત્ર અગાઉ મંત્રીમંડળનું વિસ્તરણ શક્ય

આગામી ફેબ્રુઆરી મહિ‌નાના ત્રીજા સપ્તાહમાં ગુજરાત વિધાનસભાનું પ્રથમ બજેટ સત્ર મળશે. જેમાં નાણામંત્રી તરીકે નીતિન પટેલ સરકારનું ૨૦૧૩-૧૪નું બજેટ ગૃહમાં રજૂ કરશે.આ બજેટ સત્ર અગાઉ વર્તમાન મંત્રીમંડળનું વિસ્તરણ થશે અને હાલના મંત્રીઓના ખાતાઓમાં પણ મોટાપાયે ફેરફાર થવાની શક્યતા વ્યકત થઈ રહી છે.

ક્યા મંત્રીને કયું ખાતું સોંપવામાં આવ્યું,માહિતી વાંચવા માટે ફોટો પર ક્લિક કરો...

(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Modi cabinet meeting end, ministers get their responsibilities
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended