Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» બીજલ જોષી સામુહિક દુષ્કર્મના આરોપી જન્મટીપની સજાને હાઈકોર્ટની મંજૂરી

બીજલ જોષી સામુહિક દુષ્કર્મના આરોપી જન્મટીપની સજાને હાઈકોર્ટની મંજૂરી

Haresh kanzariya | Dec 27, 2012, 15:21 PM IST

- આવા બર્બર કૃત્ય નારીની ઓળખ અને ગરિમાને નસ્તેનાબૂદ કરે છે : હાઇકોર્ટ

- દુષ્કર્મ આચરનારાઓ માટે ગુજરાત હાઇકોર્ટનો ચેતવણીરૂપ ચુકાદો : સેશન્સ કોર્ટની સજાને રદ કરવાની આરોપીઓની અપીલ હાઇકોર્ટે ફગાવી


દિલ્હીની યુવતી પર સામુહિ‌ક દુષ્કર્મ બાદ સમગ્ર દેશમાં એક જનઆંદોલન શરૂ થયું છે, ત્યારે અમદાવાદ શહેરના ખૂબ જ ચર્ચાસ્પદ બિજલ જોષી સામુહિ‌ક દુષ્કર્મ કેસના પાંચેય આરોપીઓની જન્મટીપની સજાને ગુજરાત હાઇકોર્ટે બહાલ રાખી આવા દુષ્કર્મીઓ સામે લાલ આંખ કરી છે. ૩૧ ડિસેમ્બર ૨૦૦૩ના રોજ શાહિ‌બાગની એક હોટલમાં થયેલા સામુહિ‌ક દુષ્કર્મના આ કેસમાં સેશન્સ કોર્ટે ભોગ બનનાર યુવતીના મિત્ર સજલ જૈન સહિ‌ત પાંચ આરોપીઓને જન્મટીપની સજા ફટકારી હતી.

આ હુકમ સામે આરોપીઓએ હાઇકોર્ટ સમક્ષ અપીલ કરી હતી. જેમાં ખૂબ જ સૂચક ચુકાદો આપતાં હાઇકોર્ટના જસ્ટિસ જયંત પટેલ અને મોહિ‌ન્દરપાલની ખંડપીઠે તમામ આરોપીઓની અપીલ રદ કરી, જન્મટીપ યથાવત્ રાખી હતી. જામીન પર મુક્ત આ પાંચેય આરોપીઓને બે અઠવાડિયામાં હાજર થવાનો આદેશ પણ હાઇકોર્ટે કર્યો છે.

૨૪ વર્ષની બિજલને તેના મિત્ર સજલે ૨૦૦૩ની ૩૧ ડિસેમ્બરના રોજ ન્યૂયર પાર્ટી ઉજવવા બોલાવી અન્ય મિત્રો સાથે મળી તેના પર સામુહિ‌ક દુષ્કર્મ આચર્યું હતું. તેના એક અઠવાડિયા બાદ ૭ જાન્યુઆરી ૨૦૦૪ના રોજ તેણે ઘરમાં જ આપઘાત કરી અંતીમ પગલું ભર્યું હતું. આ મામલે સેશન્સ જજ જ્યોત્સનાબહેન યાજ્ઞિકે તબીબી ઉપરાંત સાંયોગિક પુરાવા અને સાક્ષીઓના નિવેદનો વગેરે ધ્યાને લઇ આરોપીઓને જન્મટીપની સજા ફટકારી હતી. જેને આરોપીઓ દ્વારા હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી અને સજા રદબાતલ કરવાની દાદ માંગી હતી.

હાઇકોર્ટની ખંડપીઠે ગુરુવારે આ મામલે અતિ મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં ઠેરવ્યું હતું કે,'આ બર્બર અને નૃશંસ કૃત્યમાં સેશન્સ જજે આપેલા ચુકાદામાં કોઇ ભૂલ જણાતી નથી. તમામ તબીબી અને અન્ય પુરાવા વગેરેના નિષ્કર્ષરૂપે સામે આવ્યું છે કે યુવતી સાથે હિંસક રીતે શારીરિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
તેના શરીરના આંતરિક અને બાહ્ય ભાગે ગંભીર ઇજાઓ પણ હતી.

જે સ્પષ્ટ દર્શાવે છે કે આરોપીઓએ સામુહિ‌ક દુષ્કર્મનો ગંભીર ગૂનો કર્યો છે. તેથી સેશન્સ જજના હુકમને બહાલ રાખી, તેમાં કોઇ પ્રકારનું દખલ કરતા નથી.’ આ હુકમ બાદ આરોપીઓના એડવોકેટ્સ દ્વારા તેમને હાજર કરવા માટે સમયની માંગ કરાઇ હતી. જેમાં ખંડપીઠે બે અઠવાડિયામાં તમામ આરોપીઓને હાજર થવાનો ફરમાન પણ કર્યો હતો.

હાઇકોર્ટના હુકમ

- સેશન્સ જજે ફટકારેલી જન્મટીપની સજાને યથાવત્ રખાઇ.
- તમામ આરોપીઓની અપીલ રદબાતલ ઠેરવવામાં આવી.
- સેશન્સ જજે છોડી મૂકેલા આરોપીઓ સામેની સરકારની અપીલ એન્ટરટેઇન ન કરાઇ.
- બે અઠવાડિયામાં પાંચેય આરોપીઓને હાજર થવાનો ફરમાન.

હાઇકોર્ટના અવલોકન

- આ પ્રકારના જઘન્ય કૃત્ય નારીની અસ્મિતા અને ઓળખ નષ્ટભ્રષ્ટ કરી કાઢે છે.
- આવી ઘટના માનવીય ગરિમાનો પણ નાશ કરી નાંખે છે.
- ભોગ બનનાર યુવતીનો ઉપયોગ 'વસ્તુ’ની જેમ કરવામાં આવ્યો હતો.
- આ ઘટનાથી યુવતી ભારે 'મેન્ટલ ટ્રોમા’(માનસિક આઘાત)માં સરી પડી હતી અને અંતિમ પગલુ ભર્યું હતું.

પાંચ આરોપીઓ

સજલ જૈન, ચંદન જયસ્વાલ, અશોક ઉર્ફે મદન જયસ્વાલ, સુગમ ઉર્ફે મોન્ટી જયસ્વાલ,ધર્મેન્દ્ર ઉર્ફે કરણ જૈન

(ફાઇલ ફોટો)

(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: બીજલ જોષી સામુહિક દુષ્કર્મના આરોપી જન્મટીપની સજાને હાઈકોર્ટની મંજૂરી
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended