Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Poet Chinu Modi Is No More Cremation At Ahmedabad

રહે એ જ 'ઇર્શાદ'ને વસવસો, કહી ના શક્યો કોઇને કે ખસો: ચિનુ મોદીનું નિધન

divyabhaskar.com | Mar 20, 2017, 10:17 AM IST

અમદાવાદઃ જાણિતા સાહિત્યકાર અને કવિ ચિનુ મોદીએ અંતિમ શ્વાસ લીધા છે. ચિનુ મોદીને હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. હોસ્પિટલથી ઘરે લઇ જવાયા હતા ત્યાં ઘરે તેમને અંતિમ શ્વાસ લીધા છે. છાતીમાં દુખાવાની ફરીયાદ બાદ ચિનુભાઇને તત્કાલિક અસરથી વી.એસ. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી.
 
ગુજરાતી કવિતાઓ અને ગઝલની દુનિયામાં ખેડાણ કરનાર ચિનુ મોદીની તબિયત છેલ્લા કેટલાક દિવસથી અસ્વસ્થ હતી. તેમને અમદાવાદની વી.એસ.હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમને સારવાર બાદ ઘરે દેહ છોડ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના વિજાપૂર ગામે જન્મ લઇ પ્રાથમિક શિક્ષણ અમદાવાદમાં પુરુ કરી અમદાવાદને પોતાની કર્મભૂમિ બનાવી હતી. ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ.(ગુજરાતી વિષય સાથે), એલ.એલ.બી, એમ.એ.,અને પીએચડી સુધીનો અભ્યાસ કર્યો હતો.
 
પ્રોફેસરથી પોએટ સુધીની સફર
 
જ્યારે કપડવંજની કોલેજમાં પ્રોફેસર તરિકે ફરજ બજાવતા અનેક નાની મોટી કવિતાઓ અને ગઝલનું કાર્ય કરતા હતા.પિતા ચંદુલાલની ઇચ્છા ચિનુભાઇ આઇએએસ બને તેવી હતી પણ બાળપણથી ચિનુભાઇનો રસ ગઝલ કવિતાઓ અને સાહિત્યમાં રહ્યો હતો. પિતાને પુત્રનો કવિતાપ્રેમ પસંદ ન હોવા છતા વંસત વિલાસ નામનો અનુવાદ છપાવી આપ્યો હતો. નાના મોટા થઇને સાહિત્યલક્ષી કુલ 52 પુસ્તકો 'ઇર્શાદ'ના નામે પ્રકાશિત થયા છે. 
 
આ ઉપરાંત 'વાતાયન', 'ઊર્ણનાભ', 'શપિત વનમાં', 'દેશવટો', 'ક્ષણોના મહેલમાં', 'દર્પણની ગલીમાં', 'ઈર્શાદગઢ', 'બાહુક' ( નળાખ્યાન આધારિત ખંડકાવ્ય),' અફવા' ,' ઈનાયત', 'પર્વતને નામે પથ્થર' જેવા કાવ્યો, 'ડાયલનાં પંખી ( પદ્યમાં એબ્સર્ડ એકાંકી)', 'કોલબેલ', 'હુકમ માલિક', 'જાલકા', 'અશ્વમેઘ જેવા નાટકો','શૈલા મજમુદાર ( આત્મકથાનક)' ,'ભાવચક્ર', 'લીલા નાગ', 'હેંગ ઓવર', 'ભાવ અભાવ ( વિશેષ જાણીતી કથા)', 'પહેલા વરસાદ'નો છાંટો જેવી નવલકથાઓથી ચિનુકાકાએ ગુજરાતી સાહિત્યને પોતાનો સ્પર્શા આપ્યો હતો. જ્યારે ગુજરાતી પ્રતિનિધી ગઝલો, ચઢો રે શિખર રાજા રામના, ગમી તે ગઝલ જેવા પ્રકાશનનું સંપાદન કર્યું હતુ.
 

રહે એ જ ‘ઇર્શાદ’ને વસવસો

 
ચિનુ કાકા અનેક કવિ સંમેનલ અને ગુજરાતી મુશાયરાઓનું સંચાલન કરેલું અને લોકોની વાહ વાહના સાક્ષી રહ્યા હતા. કવિતા અને નાટકના સર્જનની સાથે સાથે એમનું નવલકથાસર્જન પણ સમાંતરે ચાલતું રહ્યું છે ખરું, પણ એમાં સિદ્ધિ ઓછી છે. ‘શૈલા મજમુદાર’ (૧૯૬૬) આત્મકથાત્મક રીતિમાં રચાયેલી, બે પુરુષોના સંપર્કમાં આવતી, દરેક પુરુષ પોતાને સ્ત્રી તરીકે નહીં પરંતુ એક વ્યક્તિ તરીકે જુએ એમ ઝંખતી અને એમાં નિરાશ થતી નાયિકાની કથા છે. ‘ભાવચક્ર’ (૧૯૭૫)ના એક ખંડમાં ‘શૈલા મજમુદાર’ની કથાનું જ પુનરાવર્તન છે. બીજા ખંડમાં પૂર્ણેન્દુ શર્માના પરિપ્રેક્ષ્યથી બનેલી ઘટનાને જોઈ છે ખરી, પણ એનાથી કૃતિને કોઈ વિશેષ પરિમાણ પ્રાપ્ત થતું નથી. ગ્રામપરિવેશવાળી ‘લીલા નાગ’ (૧૯૭૧) મનુષ્યમાં રહેલા જાતીય આવેગ અને તેની વિકૃતિની કથા છે.
 
ચિન મોદીની કૃતિઓની એક ઝલક
 
 
અલવિદા કહેવાનો અવસર છે ‘ચિનુ’-
ચાલ ઊભો થા અને શણગાર કર.
 
જિંદગીભર જાતને અદ્રશ્ય રાખી તેં ઓ ખુદા, 
છેક છેલ્લો ઘાવ કરવા, તો રૂબરૂમાં આવજે.... 
 
રહે એ જ ‘ઇર્શાદ’ને વસવસો
કહી ના શક્યો કોઇને કે ખસો.
 
પૂછું પ્રશ્ન હું શ્વેત પગલાં વિશે
અને દરવખત આપ ફિક્કું હસો.
 
સમય નામની બાતમી સાંપડી
પછી લોહી શું કામ નાહક ધસો:
 
પડે ડાળથી પાંદડું, એ પછી
ઇલાજો કરું એકથી એક સો.
 
ઇલાજો કરું એકથી એક સો
રહે એ જ ‘ઇર્શાદ’ને વસવસો.
***
 
મેં તને ક્યારે કહ્યું ઉપચાર કર ?
સ્વિચ કર તું ઑફ ને અંધાર કર.
 
એ ખરા ટાણે ન આવ્યા કામમાં
શ્વાસને કહેવું નથી, વ્હેવાર કર.
 
એક બે રસ્તા હજી ખુલ્લા હતા
પાણી માફક પગ વગર સંચાર કર.
 
ખૂબ ભેદી રાતનું આકાશ છે
સ્વપ્ન આવે તો તરત ઈન્કાર કર.
 
અલવિદા કહેવાનો અવસર છે ‘ચિનુ’-
ચાલ ઊભો થા અને શણગાર કર.
***
તું કહે છે કે હવે હું જાઉં છું,
હું કહું છું, દોસ્ત! હું ભૂંસાઉં છું.
 
તું ખરેખર ખૂબ અઘરો દાખલો,
જેટલી વેળા ગણું, ગુંચાઉં છું.
 
સ્વચ્છ ચોખ્ખી ભીંત કાળી થાય છે,
એક પડછાયો બની ફેલાઉં છું.
 
વૃક્ષને વળગી પડેલું પર્ણ છું,
ભોંય પર પટકાઉં ને ઢસડાઉં છું.
 
કોઈ છે ‘ઇર્શાદ’ કે જેને લીધે,
છૂટવા ઇચ્છું અને બંધાઉં છું
 
 
આગળ વાંચો, શું કહે છે ચંદ્રકાંત ટોપીવાળા
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: poet chinu modi is no more cremation at ahmedabad
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended