Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Human Touch Story About Missing Vehicle To Real Owners

રાયખડના રહીશે ચાર વર્ષમાં 138 બિનવારસી વાહનો માલિકોને સોંપ્યા

Bhaskar News, Ahmedabad | Mar 17, 2017, 02:38 AM IST

  • રાયખડના રહીશે ચાર વર્ષમાં 138 બિનવારસી વાહનો માલિકોને સોંપ્યા,  ahmedabad city news in gujarati
અમદાવાદઃઆપનું ટૂ વ્હીલર ગુમ થયું હોય તો પોલીસને જાણ કરવાની સાથે સાથે  ક્રિશ્ચિયન રૂક્સ રવિકાંતને પણ જાણ કરવી. રાયખડના અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલ આ રહીશ બિનવારસી ટૂ વ્હીલરના માલિકોને શોધીને તેમને પહોંચાડે છે. આમ પોલીસના બદલે ગુમ થયેલ અને બિનવારસી ટૂ વ્હીલર વાહનોના માલિક શોધીને તેમને પહોંચાડવાની એક જાગૃત નાગરિક અને પરગજુ વ્યક્તિ તરીકેની તેઓ નૈતિક ફરજ અદા કરી રહ્યા છે.
 
છેલ્લા 4 વર્ષમાં ક્રિશ્ચિયન રૂક્સ રવિકાંતે 138 ટૂ વ્હીલર તેમના માલિકોને શોધી કાઢીને પહોંચાડ્યા છે. શહેરમાં કોઈપણ સ્થળે ધૂળ ખાતું  ટૂ વ્હીલર જોવા મળે તો તેનો ફોટો પોતાના સુધી પહોંચાડવા કોલ સેન્ટરમાં ફરજ બજાવતા મિત્રોની મદદ લે છે અને આવા બિનવારસી ટૂ વ્હીલરના માલિક વિશે માહિતી મેળવીને તેમનો રૂબરૂ સંપર્ક કરે છે અને તેમના ગુમ થયેલ વાહન ક્યાં પડ્યું છે તેની જાણકારી આપીને તે વાહન પરત મળે તેવા પ્રયાસો કરે છે. બિનવારસી વાહન અંગે કાનૂની પ્રક્રિયા હાથ ધરી પરત મેળવવામાં રૂ. 5 હજારનો ખર્ચ થાય છે.

કાયદાકિય પ્રક્રિયા ઝડપથી થાય તેની તકેદારી
જ્યારે ક્રિશ્ચિયન રૂક્સ કાનૂની પ્રોસીજર કરીને ફક્ત રૂ. 1 હજારમાં તે વાહન માલિકને પરત અપાવે છે અને આ હેતુસર એક એડ્વોકેટનો કોન્ટેક્ટ કરાવીને સમગ્ર પ્રોસીજર ઝડપથી આટોપાય તેની તકેદારી રાખે છે. ક્રિશ્ચિયન રૂક્સ રવિકાંતનું  ટૂ વ્હીલર ગુમ થયું અને ત્રણ દિવસ તેમણે ભોજન ન લીધું. વાહન ચોરાઈ જાય કે ગુમ થઈ જાય તેના કારણે મનોવ્યથા અનુભવ્યા પછી તેમણે ગુમ થયેલ કે ચોરાઈ ગયેલ વાહનોના માલિકોને શોધી કાઢીને તેમને વાહન પરત મળે તે માટેની આગવી ઝુંબેશ અમલમાં મૂકી છે.  તાજેતરમાં ક્રિશ્ચિયન રૂક્સને ઈસ્કોન બ્રિજ નજીક દેવ આર્કેડ પાસેના સર્વિસ રોડ પર એક ટૂ વ્હીલર નં.- જી જે- 01- 5888 બિનવારસી હાલતમાં મળ્યું અને તે અંગે માલિકને શોધીને તેમને બોલાવ્યા હતા.

પોલીસ સ્ટેશને પહોંચી ઔપચારિકતા પૂરી કરી
આ ટૂ વ્હીલર ચોરાઈ ગયું હોવા અંગે 9 ફેબ્રુઆરી, 2017ના રોજ પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. આ ટૂ વ્હીલરના માલિકની બહેન હિમાની શાહે પોલીસ ફરિયાદ કરી હતી. આ ટૂ વ્હીલર અંગે માલિકને જાણ કરતાં ભાઈ-બહેન આવ્યા હતા અને ટૂ વ્હીલર જોઈને ખુશખુશાલ થઈ ગયા હતા. આ અંગે ડાયલ 100 ઉપર ફોન કરીને પોલીસને જાણ કરવા છતાં પોલીસ ફરકી  સુધ્ધાં નહોતી. આથી થોડા સમય પછી ડાયલ 100 લગાવીને સેટેલાઈટ પોલીસ સ્ટેશનનો નંબર મેળવીને પોલીસને ગુમ થયેલ વાહન મળી ગયું હોવાની જાણ કરી હતી. સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાંથી સરકારી રાહે જવાબ મળ્યો કે, વાહન લઈને પોલીસ સ્ટેશન આવી જાવ. આથી તેઓ વ્હીકલ લઈને પોલીસ સ્ટેશન પહોંચીને ઔપચારિકતા પૂર્ણ કરી હતી.

પોલીસે વળતરની જાહેરાત કરી પણ આપતી નથી
પોલીસ વિભાગે, બિનવારસી ટૂ-વ્હીલરના માલિકને શોધી આપનાર વ્યક્તિને રૂ. 250 અને ફોર વ્હીલરના માલિકોને શોધી આપનારને રૂ. 500ના વળતરની જાહેરાત કરી હતી. આ જાહેરાત થઈ તે દિવસે ક્રિશ્ચિયન રૂક્સ રવિકાંતે 15 વાહનોના માલિકો શોધી આપ્યા હતા. પરંતુ તે અંગે આજદિન સુધી તેને વળતર સ્વરૂપે કશું જ મળ્યું નથી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: human touch story about missing vehicle to real owners
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended