Home »Maharashtra »Latest News »Mumbai» Opposition Is Not Ready And CM Ready To Discuss Loan Forgiveness At Mumbai

મુંબઈ: લોન માફી ચર્ચા માટે CM તૈયાર, વિપક્ષ નહીં

Bhaskar News, Mumbai | Mar 16, 2017, 02:58 AM IST

  • મુંબઈ: લોન માફી ચર્ચા માટે CM તૈયાર, વિપક્ષ નહીં,  mumbai news in gujarati
મુંબઈ:ખેડૂતોને લોન માફી આપવાને મામલે મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ ચર્ચા કરવા માટે તૈયાર છે એવી માહિતી સહકાર મંત્રી ચંદ્રકાંત પાટીલે આજે વિધાન પરિષદમાં કરી હતી. જોકે વિરોધી પક્ષના સભ્યોએ સરકાર તાત્કાલિક આ નિર્ણય જાહેર કરે એવી માગણી કરી હતી.

- ખેડૂતોને લોન માફી મુદ્દે બંને ગૃહનાં કામકાજ ઠપ કર્યાં, શિવસેના પણ વિપક્ષ સાથે વિરોધમાં જોડાઈ

પ્રશ્નોત્તરી કલાક દરમિયાન વિરોધી પક્ષ નેતા ધનંજય મુંડેએ જણાવ્યું હતું કે લાગલગાટ સાતમા દિવસે અમે ખેડૂતો માટે સંપૂર્ણ લોન માફીની માગણી કરી રહ્યા છીએ. આખું ગૃહ આ માગણીન  ટેકો આપે છે, પરંતુ સરકાર જાહેર કરવા માટે તૈયાર નથી. સરકાર સંપૂર્ણ લોન માફી જાહેર નહીં કરે ત્યાં સુધી અમે કામકાજ ચલાવવા નહીં દઈએ. અધ્યક્ષ રામરાજે નાઈક- નિંબાળકરે આ મામલે  નિવેદન કરવા માટે પૂછ્યું ત્યારે ગૃહના નેતા અને સહકાર મંત્રી પાટીલે સરકાર લોન માફીની વિરુદ્ધ છે એવું ક્યારેય કહ્યું નથી એમ જણાવ્યું હતું.

આ નિર્ણય મોટો છે. તેમાં કેટલાં નાણાંની જરૂર પડશે, રાજ્યની તિજોરી પર કેટલો બોજ આવશે અને કેન્દ્ર પાસેથી કેટલી સહાય મળશે તેનો સંપૂર્ણ વિચાર કરવો પડશે. સરકાર વિચાર કર્યા વિના નિર્ણય નહીં લઈ શકે. મુખ્ય મંત્રી અને પરિષદના જૂથ નેતાઓની બેઠક યોજી શકાય, જે માટે મુખ્ય મંત્રી તૈયાર છે, એમ તેમણે જણાવ્યું હતું. જોકે એનસીપીના વિધાનસભ્ય સુનિલ તટકરેએ સરકારની ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે સરકાર નિર્ણય લેવા માટે જરૂરી હોમવર્ક કરતી નથી. સરકાર ખેડૂત વિરોધી છે. આ મુદ્દો વિરોધીઓના સભા મોકૂફીના પ્રસ્તાવ પર મતદાન થવું જોઈએ.

આ પછી શોકબકોર થતાં અધ્યથે 50 મિનિટ માટે ગૃહ મોકૂફ રાખ્યું હતું. કામકાજ ફરી શરૂ થયું ત્યારે તટકરેએ ફરી મતદાનનો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો. ધનંજય મુંડેએ જણાવ્યું હતું કે લોન માફી માટે રૂ. 30,000 કરોડની જરૂર પડશે એવો સરકારે અંદાજ આપ્યો છે, પરંતુ અગાઉ તે રૂ. 15,000- 18,000 કરોડ જોઈશે એવું કહેતી હતી. શું સરકાર આ આંકડો રૂ. 45,000 કરોડ સુધી પહોંચે તેની વાટ જોઈ રહી છે. મુખ્ય મંત્રી સાથે અમે મળવા તૈયાર નથી. લોન માફી જાહેર નહીં કરાય ત્યાં સુધી ગૃહનું કામકાજ ચલાવવા નહીં દેવાશે.

અધ્યક્ષે રાજ્યપાલના ભાષણ માટે આભાર વ્યક્ત કરતો ઠરાવ મૂક્યો હતો, જેને મૌખિક મતદાનથી પસાર કરાયો હતો, જે પછી દિવસ માટે ગૃહનું કામકાજ મોકૂફ રખાયું હતું. દરમિયાન ખેડૂતોને લોન માફીની માગણી સાથે વિરોધી પક્ષે આજે બંને ગૃહનાં કામકાજ ફરીથી ઠપ કરી દીધાં હતાં. સરકાર તાત્કાલિક લોન માફી જાહેર કરે અને તેવું નહીં થાય ત્યાં સુધી કામકાજ નહીં ચલાવવા દઈએ એવી માગણી તેમણે કરી હતી. તેમની સાથે સત્તાધારી શિવસેનાના વિધાનસભ્યો પણ જોડાયા હતા.

દરમિયાન આ ધાંધલધમાલ વચ્ચે વિધાનસભામાં 2016-17ના વર્ષ માટે રૂ. 11,104 કરોડની પૂરક માગણીઓ ચર્ચા વિના જ મંજૂર કરવામાં આવી હતી. હોળીની ચાર દિવસની રજા પછી બુધવારે વિધાનસભાનું કામકાજ શરૂ થતાં જ વિરોધી પક્ષોએ ખેડૂતોને લોન માફીનો મુદ્દો ઉઠાવ્યો હતો. શિવસેનાના વિધાનસભ્યો પણ તેમાં જોડાયા હતા, જેને લીધે ત્રણ વાર સભા મોકૂફ રાખવી પડી હતી, જે પછી શોરબકોર વચ્ચે અમુક બિલો પસાર કરીને આખા દિવસ માટે કામકાજ મોકૂફ રાખવામાં આવ્યું હતું.

અગાઉ સ્પીકર હરિભાઉએ પૂરક માગણીઓ પર ચર્ચા કરવાની હોવાથી વિરોધી પક્ષની સભા મોકૂફીની દરખાસ્ત નકારી કાઢી હતી. વિરોધી પક્ષ નેતા રાધાકૃષ્ણ વિખે પાટીલે જણાવ્યું હતું કે ખેડૂતોને લોન માફી જાહેર નહીં કરા ત્યાં સુધી કોઈ કામકાજ નહીં કરવા દઈશું.  નોંધનીય છે કે ગયા આખા અઠવાડિયામાં લોન માફીનો મુદ્દો ચગ્યો હતો. હવે ફરી ગુરુવારે કામકાજ શરૂ થશે. શનિવારે બંને ગૃહમાં બજેટ રજૂ કરાશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Opposition is Not Ready and CM Ready to Discuss Loan Forgiveness at Mumbai
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended