Home »Maharashtra »Latest News »Mumbai» Husband Domination For The Wife Not Left A Job At Mumbai

નાગપુર હાઈકોર્ટનો ચુકાદો: પતિ વર્ચસ્વ ખાતર પત્નીની નોકરી છોડાવી શકે નહીં

Bhaskar News, Mumbai | Mar 27, 2017, 04:16 AM IST

  • નાગપુર હાઈકોર્ટનો ચુકાદો: પતિ વર્ચસ્વ ખાતર પત્નીની નોકરી છોડાવી શકે નહીં,  mumbai news in gujarati
મુંબઈ:પતિની જેમ પત્નીને પણ સ્વેચ્છાથી નોકરી અને વ્યવસાય કરવાનો અધિકાર છે. પતિ પોતાનું વર્ચસ્વ સિદ્ધ કરવા માટે પત્નીને તેની મરજી વિરુદ્ધ નોકરી છોડાવી નહીં શકે, એમ મુંબઈ હાઈ કોર્ટની નાગપુર ખંડપીઠે એક ચુકાદો આપતાં કહ્યું છે. વર્તમાન સમયમાં દેશમાં મહિલા સશક્તિકરણ અંગે ઝુંબેશ ચાલી રહી છે ત્યારે પતિની આવી રૂઢીવાદી માનસિક્તા સ્વીકારી શકાય નહીં. હાઈકોર્ટે જણાવ્યું હતું કે પત્નિ તેનો ઘરસંસાર બચાવવા માટે કાયમ ત્યાગ કરે તે જરૂરી નથી. ક્યારેક પતિએ પણ ત્યાગ આપવો જોઈએ. પતિના કહેવાથી પત્ની એક વખત નોકરી છોડે તો જરૂરી નથી કે તેણે પતિનું વર્ચસ્વ સ્વીકારીને બીજી વખત પણ નોકરી છોડવી જોઈએ.
 
પત્ની નાગપુર ખાતે બદલી કરાવવા તૈયાર છે

આ ઘટનામાં જોઈએ તો ઉચ્ચ શિક્ષિત પત્ની અકોલા ખાતે નોકરી કરતી હતી જ્યારે પતિએ અકોલા નજીકની નોકરી છોડીને નાગપુરમાં ધંધો શરૂ કર્યો છે. આથી પતિએ પત્નીને નોકરી છોડવા અથવા નાગપુર ખાતે બદલી કરાવીને પોતાની સાથે રહેવા માટે જણોવ્યું હતું. પતિની માગણી સ્વીકારીને પત્ની નાગપુર ખાતે બદલી કરાવવા તૈયાર છે, પરંતુ હાલ પોતે પીએચડી કરતી હોવાથી પતિએ થોડો સમય રાહ જોવી જોઈએ એવું તેનું કહેવું છે. જોકે, આ મુદ્દે પતિએ પત્ની પર નોકરી છોડવા માટે દબાણ સર્જ્યું હતું.
 
પત્નીએ જ ત્યાગ કરવાની ભૂમિકા લેવાનું ભૂલભર્યું છે

હાઈકોર્ટે ચુકાદામાં પતિના કાન આમળ્યા છે. આ સ્ત્રી- પુરુષ સમાનતા અને મહિલા શક્તિકરણનો સમય છે. આમ છતાં આ કેસમાં પતિ જેવા પુરુષ પોતાનું વર્ચસ્વ સાબિત કરવા માટે ઉચ્ચ શિક્ષિત પત્ની નોકરી છોડે તેવી અપેક્ષા રાખે છે. આ પ્રકરણમાં તડજોડ કરી શકાય, પરંતુ દરેક વાર પત્નીએ જ ત્યાગ કરવાની ભૂમિકા લેવાનું ભૂલભર્યું છે, એવો મત હાઈકોર્ટે નોંધ્યો હતો. આ કેસમાં પતિ- પત્ની લગ્ન પૂર્વે મુંબઈમાં નોકરી કરતાં હતાં. આ પછી પતિની વર્ધા જિલ્લામાં બદલી થઈ. 

પત્ની મુંબઈની નોકરી છોડીને વર્ધા જિલ્લામાં રહેવા ગઈ. દરમિયાન તેણે અકોલા ખાતે નોકરી મેળવી. તે સમયે પતિની અકોલા નજીકના શહેરમાં બદલી થઈ, પરંતુ નોકરી જોઈએ તેવી ન મળવાથી તેણે નોકરી છોડીને નાગપુરમાં પોતાનો ધંધો શરૂ કર્યો. કોર્ટે ચુકાદામાં પતિને શીખ આપી છે. પત્નીએ પતિ માટે એક વાર નોકરી છોડી. આથી પતિ તેને વારંવાર નોકરી છોડાવવા માટે દબાણ કરી શકે નહીં.

પતિની અપીલ ફગાવી

આ કેસમાં પતિએ પત્નીની ક્રૂરતા અને વિભક્તતાના આધાર પર છૂટાછેડા માટે અકોલા ફેમિલી કોર્ટમાં કરેલી અરજી નકારી કાઢવામાં આવી હતી. આ નિર્ણય વિરુદ્ધ પતિએ હાઈ કોર્ટમાં ધા નાખી હતી. જજ વાસંતી નાઈક અને વિનય દેશપાંડેએ અપીલ નકારી કાઢી છે. પતિએ ઉપસ્થિત કરેલો મુદ્દો પાયાવિહોણો છે એવી નોંધ કરી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Husband Domination For The Wife Not Left a Job at Mumbai
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended