Home »Maharashtra »Latest News »Mumbai» Assembly Reform Bill To Protect Housing Society In Mumbai

ધર્મના આધારે બનેલી હાઉસિંગ સોસાયટીના રક્ષણ માટે વિધાનસભામાં સુધારણા વિધેયક

Bhaskar News, Mumbai | Dec 17, 2016, 03:48 AM IST

  • ધર્મના આધારે બનેલી હાઉસિંગ સોસાયટીના રક્ષણ માટે વિધાનસભામાં સુધારણા વિધેયક,  mumbai news in gujarati
મુંબઈ:મુંબઈમાં વિવિધ જાતિ કે ધર્મના લોકોએ એકત્ર આવીને અલાયદી હાઉસિંગ સોસાયટી બનાવેલી હોય છે. તેમાં અન્ય જાતિ કે ધર્મના લોકોને પણ જગ્યા આપવા માટે દબાણ કરીને અમુક લોકો અને પક્ષ બે જાતિ વચ્ચે વૈમનસ્ય પેદા કરી રહ્યા છે. આવા લોકોને દૂર રાખીને સોસાયટીઓનું રક્ષણ કરવા માટે અભ્યાસ કરીને હકારાત્મક નિર્ણય લેવાશે, એવું આશ્વાસન સહકાર મંત્રી સુભાષ દેશમુખે આજે વિધાનસભામાં આપ્યું હતું.

સહકાર મંત્રી સુભાષ દેશમુખનું આશ્વાસન

બાંદરા પશ્ચિમમાં એક સોસાયટીમાં 18 ઈમારત છે, જેમાં સર્વ ખ્રિસ્તી સભ્યો છે. આ જ રીતે અમુક વિસ્તારોમાં જૈન, પારસી, દલિત જેવા વિવિધ સમાજનાં ઘટકોએ પોતાની અલગ સોસાયટી બનાવી છે. આ સોસાયટીમાં અન્ય જાતિના લોકોને પણ ઘર મળે તે માટે બાયલોઝમાં ફેરફાર કરવા દબાણ કરાઈ રહ્યું છે, એવી રજૂઆત કરાઈ હતી. મુંબઈ ભાજપના અધ્યક્ષ આશિષ શેલાર, વિધાનસભ્ય પરાગ અળવણીએ મુંબઈની સોસાયટીઓને ભોગવવી પડી રહેલી વિવિધ સમસ્યાઓ રજૂ કરી હતી.  નવા સહકાર કાયદા અનુસાર રાજ્યમાં બધી જ હાઉસિંગ સોસાયટીઓમાં ચૂંટણી લેવાનું ફરજિયાત બનાવાયું છે. તેમાં મુંબઈની સોસાયટીઓ માટે અલગ વિચાર કરવાની પણ તેમણે તૈયારી બતાવી હતી.

મુંબઈની સોસાયટી માટે અલગ હાઉસિંગ ઓથોરિટી બનાવવામાં આવશે. ચૂંટણી અને સોસાયટીના સભ્યોને તાલીમ માટે વધારાના કર્મચારી ઉપલબ્ધ કરી અપાશે, એવું આશ્વાસન પણ મંત્રીએ આપ્યું હતું. વિધાનસભામાં આજે મહારાષ્ટ્ર સહકારી સંસ્થા ત્રીજી સુધારણા વિધેયક-58 મંજૂરી માટે આવ્યું હતું. શેલારે જણાવ્યું હતું કે 97મી ઘટનામાં દુરસ્તી પછી બધી જ સોસાયટીઓને દર વર્ષે હિસાબ તપાસ કરીને અહેવાલ રજિસ્ટ્રારને મોકલવાનું ફરજિયાત કરાયું છે. આ કામ આર્થિક વર્ષ પૂરું થવા પૂર્વે કરવાનું બંધનકારક છે.

આ માટે હિસાબ તપાસવા સરકારે પેનલ બનાવી છે. એક ઓડિટર પાસે 20થી વધુ સોસાયટીનું કામ છે. મુંબઈમાં 22,000 સોસાયટી હોઈ કામ સમયસર પૂર્ણ કરવાનું શક્ય નથી એવી રજૂઆત પણ કરવામાં આવી હતી. આ મામલે પણ ઘટતું કરવાની મંત્રીએ ખાતરી આપી હતી. મુંબઈમાં આશરે 22,000 સોસાયટીમાંથી 200થી વધુ સભ્ય ધરાવતી સોસાયટીની સંખ્યા 300 છે, જ્યારે ઓછા સભ્યવાળી 19,000 સોસાયટી છે. આથી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે રજિસ્ટ્રાર કાર્યાલય પાસે પૂરતું માનવબળ ન હોવાથી સોસાયટીઓમાં નારાજી છે, એવી રજૂઆત પણ કરાઈ હતી.

કયા કયા મુખ્ય મુદ્દા ઉઠાવવામાં આવ્યા?

હાલમાં હાઉસિંગ સોસાયટીની ચૂંટણીઓ, ઓડિટ બાબતે રાજ્યભરની સોસાયટીઓને એક જ નિયમ લાગુ થાય છે, જ્યારે વાસ્તવમાં મુંબઈ અને મુંબઈ બહારની સોસાયટીઓનું સંચાલન દરેક રીતે અલગ છે. આથી મુંબઈ અને રાજ્યની અન્ય સોસાયટીઓને અલગ કરાશે અને મુંબઈ માટે અલગ હાઉસિંગ ઓથોરિટી સ્થાપવાની માગણી કરાઈ હતી. ચૂંટણી યોજવા માટે અને સોસાયટીના સભ્યોને સંચાલનનું પ્રશિક્ષણ આપવા માટે રજિસ્ટ્રાર કાર્યાલય પાસે હાલ માનવબળ ઓછું છે, જે વધારવાની માગણી કરાઈ હતી. બાયલોઝ અનુસાર ચોક્કસ ધર્મના લોકો દ્વારા પોતાની અલગ સોસાયટી બનાવવામાં આવી છે. જોકે અમુક લોકો કે ચોક્કસ રાજકીય પક્ષ આ સોસાયટીમાં અન્ય જાતિના લોકોને પણ ઘર મળે એવું દબાણ વારંવાર લાવતા હોય છે, જેને કારણે બે જાતિ વચ્ચે વૈમનસ્ય પેદા થાય છે. આથી આવું રોકવાની પણ માગણી કરાઈ હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Assembly reform bill to protect housing society in Mumbai
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended