Home »Magazines »Sunday Bhaskar» Vicharona Vrindavanma By Gunvant Shah In Sunday Bhaskar

સરદાર પટેલની કાર્યશૈલી અને મહાભારત

Gunvant Shah | Apr 15, 2017, 20:53 PM IST

  • સરદાર પટેલની કાર્યશૈલી અને મહાભારત,  sunday bhaskar news in gujarati
સરદાર પટેલની કાર્યશૈલી અને મહાભારત
દરણીય લોકશિક્ષક શ્રી મોરારિબાપુ,
સજ્જનો અને સન્નારીઓ,

આજે મારા અતિ પ્રિય વિષય પર બોલવાનું છે, છતાં આદરણીય બાપુને પૂરતો સમય મળે તેવા હેતુથી હું મને મળેલા સમયમાં સ્વૈચ્છિક કાપ મૂકવાનો છું. આમે મને જરૂર કરતાં લાંબું પ્રવચન કરનારા વક્તાઓ પર થોડીક દાઝ છે તેથી ટૂંકમાં મારી વાત કરવાનું મને ગમશે. આજનો વિષય મનગમતો અને મનોહર છે: ‘સરદાર પટેલની કાર્યશૈલી અને મહાભારત.’ નવજીવન પ્રકાશન કોઇ મુદ્રણસંસ્થા નથી, મહાત્મા ગાંધીએ વર્ષોપર્યંત સીંચેલી અને સંવર્ધિત કરેલી એવી સ્વરાજ્યમૂલક ઇતિહાસ ધરાવતી ક્રાંતિસંસ્થા છે. એના પ્રાંગણમાં ભાઈ વિવેક દેસાઈએ આજે આવો સુયોગ રચ્યો છે. આટલી ભૂમિકા પછી હવે હું મારા વિષય પર આવી જાઉં?

ભગવદ્દગીતાથી શરૂઆત કરું છું. ગીતાનો પાઠ કરનાર લોકો કદાચ એક વાત ભૂલી જાય છે કે ગીતા આપણા વિરાટ મહાકાવ્ય મહાભારતનો જ એક ભાગ છે. આપણે એને ‘મહાભારત’નું ઉત્તમાંગ કહી શકીએ. આમ છતાં ગીતા મહાભારતના ભીષ્મપર્વના અધ્યાય 23થી અધ્યાય 40માં સમાયેલો કાવ્યખંડ છે. ભીષ્મપર્વમાં એક ગમ્મત થઇ છે. એનો 23મો અધ્યાય ‘ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે’ જેવા શબ્દોથી ગીતારૂપે શરૂ થાય છે, પરંતુ ભીષ્મપર્વના 22મા અધ્યાયમાં શું બન્યું?
 
એની શરૂઆત યુધિષ્ઠિરના વિષાદથી થાય છે. 21મા અધ્યાયના પ્રથમ શ્લોકમાં કહ્યું છે: વિષાદમગમદ્્રાજા કુન્તીપુત્રો યુધિષ્ઠિર:! વાત એમ છે કે 23મો અધ્યાય ‘અર્જુનવિષાદયોગ’ હજી શરૂ થાય તે પહેલાં 21મા અધ્યાયમાં યુધિષ્ઠિરનો વિષાદ શરૂ થઈ ગયો! એ વિષાદ દૂર કોણે કર્યો? અર્જુને યુધિષ્ઠિરનો વિષાદ દૂર કર્યો પછી થોડી જ ક્ષણોમાં અર્જુનનો વિષાદ શરૂ થયો અને તે શ્રીકૃષ્ણે 18-18 અધ્યાયની માથાકૂટને અંતે દૂર કર્યો.

એ વિષાદના મૂળમાં ‘અનિશ્ચય’ હતો. અને આઇડેન્ટિટી ક્રાઇસિસ હતી. આવા અનિર્ણય સામે કૃષ્ણે ગીતામાં બે મૌલિક શબ્દ આપ્યા: ‘વ્યવસાયાત્મિકા બુદ્ધિ’. આ વ્યવસાયાત્મિકા બુદ્ધિ એટલે ‘નિશ્ચયાત્મિકા બુદ્ધિ.’ એમાં કિંતુ-પરંતુ ન હોય. વિકટ પરિસ્થિતિ હોય ત્યારે ‘અગર-મગર’ ડગુમગુ વિચારણા ન ચાલે. એવે વખતે હેમ્લેટવૃત્તિ (ટુ બી ઓર નોટ ટુ બી) ન ચાલે. એક મક્કમ નિર્ણય લઇને એનો અમલ કરવો જ પડે. મહાકવિ કાલિદાસે અનિશ્ચયાત્મિકા બુદ્ધિ માટે મજાનો શબ્દ ‘રઘુવંશ’માં આપ્યો છે:

‘દોલાચલચિત્તવૃત્તિ:’. દોલો એટલે હીંચકો. હીંચકાની માફક બે બાજુ ઝૂલે તેને કહે ‘દોલાચલચિત્તવૃત્તિ’. અર્જુનના વિષાદના મૂળમાં હૃદયદૌર્બલ્યને કારણે પેદા થયેલી દોલાચલચિત્તવૃત્તિ હતી, જે કૃષ્ણે પ્રબોધેલી ‘વ્યવસાયાત્મિકા બુદ્ધિ’ની વિરોધી અવસ્થા હતી. સરદાર વલ્લભભાઈ પટેલ પાસે વ્યવસાયાત્મિકા બુદ્ધિ હતી. હૈદરાબાદના અને જૂનાગઢના પ્રશ્નો ઊભા થયા ત્યારે એ બુદ્ધિ આબાદ કામે લાગી. કાશ્મીરના પ્રશ્નમાં પણ એ ખપ લાગે તેમ હતી,

પરંતુ કાશ્મીરનો કારભાર પંડિત નેહરુએ પોતાની પાસે રાખ્યો હતો તેથી સરદાર લાચાર હતા. પંડિતજી અનિશ્ચય અને અનિર્ણયના કેદી હતા. આપણા સંસ્કૃત સાહિત્યના મર્મજ્ઞ સદ્્ગત ભાઇશંકર પુરોહિતે ગીતાના અંતિમ શ્લોકને પરિમાર્જિત કરીને આ રીતે નવો શ્લોક લખ્યો છે:
 
યત્ર યોગેશ્વરો ગાંધિ: વલ્લભસ્ચ ધુરાધર:|
તત્ર શ્રીર્વિજયો ભૂતિર્ધ્રુવા નીતિર્મતિર્મમ||
(અભિનવ જ્યોતિર્ધરો, Builders of modern India, ભારતીય વિદ્યાભવન, મુંબઇ-1986)

બોલો! સરદાર અને મહાભારતનો આનાથી ચડિયાતો અનુબંધ બીજો કયો હોઇ શકે? જો જૂનાગઢ અને હૈદરાબાદના પ્રશ્ને સરદારની વ્યવસાયાત્મિકા બુદ્ધિ કામે ન લાગી હોત તો! તો આપણો નરસિંહ મહેતો કદાચ પાકિસ્તાનનો ગણાવા લાગત! હૈદરાબાદના નિઝામે તો ભારત અને હૈદરાબાદના એલચીઓની નિમણૂક અંગે પણ વાતો ચલાવી હતી. કેટલાં ઉદાહરણો ગણાવું? એ જ સરદાર પટેલે 1928ના બારડોલી સત્યાગ્રહ પછી મળેલા ઐતિહાસિક લાહોર કૉંગ્રેસ અધિવેશનમાં કૉંગ્રેસનું પ્રમુખપદ જવાહરલાલને મળે એ માટે ખસી જવાની ઉદારતા બતાવી હતી. પોતાનો પુત્ર એવું ન્માન પામે એવી પિતા મોતીલાલજીની ઇચ્છા હતી.

સુભાષબાબુએ પણ નોંધ્યું છે કે મોટા ભાગના કૉંગ્રેસ ડેલિગેટો એ સન્માન સરદારને મળે એમ ઇચ્છતા હતા. આ વાત ગાંધીજીના પૌત્ર રાજમોહન ગાંધીએ ‘સરદાર : એક સમર્પિત જીવન’માં નોંધી છે. સરદારે સાવ સહજ રીતે કરેલા આવા ત્યાગની નોંધ ઇતિહાસે લીધી છે. સરદારની કાર્યશૈલીનો ખરેખરો પરચો દેશના ભાગલા પડ્યા ત્યારે મળ્યો. ગાંધીજી ભાગલાના વિરોધી હતા. પંડિત નેહરુની ‘દોલાચલચિત્તવૃત્તિ’ કોઇ ચોક્કસ અભિપ્રાય પર આવીને ઠરી ન હતી.

તેઓ ગાંધીજીની સમક્ષ ભાગલા અપરિહાર્ય છે એવું સ્પષ્ટપણે કહેવાની હિંમત માંડ એકઠી કરી રહ્યા હતા. તે દિવસોમાં દેશના કેટલાક મુસલમાનો પાકિસ્તાન તરફી વલણ બતાવીને હિંસક મુશ્કેલીઓ ઊભી કરી રહ્યા હતા. રાજમોહન ગાંધી નોંધે છે: ‘પણ સાથોસાથ વલ્લભભાઇ મુસલમાનોનું ગેરવર્તન સાંખી લેવા અથવા પોતાનું સ્પષ્ટ અને કડક વર્તન છોડી દેવા તૈયાર ન હતા. સપ્ટેમ્બરની 13મી તારીખે શહેરમાં ફરતાં ફરતાં વલ્લભભાઇ ફૈઝ બજાર પોલીસ સ્ટેશને રોકાયા હતા, ત્યારે મુસ્લિમ માલિકીના મકાનમાંથી છૂટેલી ગોળી તેમના કાન પાસે થઇને સનસનાટી કરતી ગઇ.

આખું મકાન ફૂંકી માર્યા સિવાય ગોળી છોડનાર હાથમાં આવશે નહીં તેવું પોલીસ અધિકારીએ કહ્યું, ત્યારે વલ્લભભાઇએ આદેશ આપ્યો: ‘ફંૂકી મારો.’ આવી કટોકટી વખતે સરદારે ‘વ્યવસાયાત્મિકા બુદ્ધિ’ બતાવી હોય એવું તો આ એક ઉદાહરણ થયું! કૉંગ્રેસના પ્રમુખની ચૂંટણીમાં સરદારે કૃપાલાની સામે ઉમેદવારી કરનારા ટંડનજીને ટેકો આપ્યો: ટંડનજી જીતી ગયા તેથી સાબિત થયું કે કૉંગ્રેસ પર ખરી પકડ કોની છે. આવી જ નિર્ણાયકતા સરદારે સોમનાથ મંદિરના નિર્માણ વખતે બતાવી હતી.

સરદાર અને પંડિતજી વચ્ચે ઘણી બાબતે મતભેદ હતા, પરંતુ બંને બે બાબતે સરખો મત ધરાવતા હતા:
1. દેશના ભાગલા દુ:ખદ હોવા છતાં અનિવાર્ય હતા.
2. ગાંધીજી કહે તોય કૉંગ્રેસનું વિસર્જન દેશહિતમાં નથી.
પ્રશ્ન એ થયો કે ભાગલા અંગેનો નિર્ણય ગાંધીજીને ગળે કોણે ઉતારે? આ કામ સરદારે પોતાને માથે લઇ લીધું. સરદારની કાર્યશૈલી વાસ્તવમાં ગીતાશૈલી કે કૃષ્ણશૈલી હતી. એક વાર વિચારપૂર્વક નિર્ણય લેવાય પછી કોઇ અવઢવ નહીં. અનિશ્ચય કે અનિર્ણયના કેદી હોય એવા નેતાઓ સામાર્થ્ય ગુમાવીને દેશને ગરીબ રાખે છે. એમણે ગાંધીજીને સમજાવ્યું કે ભાગલા સિવાય છૂટકો નથી. સરદારની વ્યવસાયાત્મિકા બુદ્ધિનો એ વિજય હતો.

હવે છેલ્લી વાત. ‘ચંપકલાલનાં સંસ્મરણો’ પુસ્તકમાં શ્રી અરવિંદના પરમ સેવક અને અંતેવાસી શ્રી ચંપકલાલે પોતાની 22-12-1948ના દિવસની ડાયરીમાં લખ્યું છે: ‘શ્રી અરવિંદે સ્નાન કરતી વખતે દેશના વિકાસની બાબતે ટિપ્પણી કરતાં કહ્યું કે : ‘આ બધામાં સરદાર પટેલ એક જ દૃઢ માણસ છે.’ બોલો! મારે હવે વધારે શું કહેવું?’ (તા. 14 એપ્રિલ 2017ને દિવસે નવજીવન પ્રકાશન, અમદાવાદના પ્રાંગણમાં આદરણીય મોરારિબાપુની ઉપસ્થિતિમાં આપેલા ઉત્તમચંદ શાહ સ્મારક વ્યાખ્યાન પરથી પરમાર્જિત લખાણ) એ દિવસે આંબેડકર જયંતી હતી અને ગૂડ ફ્રાઇડે પણ!{
***
 
પાઘડીનો વળ છેડે
એચ. એમ. પટેલના કહેવા મુજબ:

‘વલ્લભભાઈએ બાપુ પાસે ચોખ્ખી અને ચટ
વાત કરી, આંતરવિગ્રહ થાય અગર ભાગલા પડે.
આંતરવિગ્રહ ક્યાં શરૂ થઇને ક્યાં પૂરો થશે
તે કોઇ કહી શકે તેમ નથી.
વાત સાચી છે કે હિંદુઓ જ આખરે જીતી જાય,
પણ તે માટે કેટલી મોટી કિંમત ચૂકવવી પડશે,
તે અત્યારે કહી શકાય તેમ નથી.
અને બાપુએ નમતું મૂક્યું.’ (પાન-403)

- રાજમોહન ગાંધી
નોંધ: દેશના ભાગલા થાય તે ઘટના સાથે જોડાયેલા રહસ્યનું ગુરુત્વ મધ્યબિંદુ ઉપરના શબ્દોમાં સચવાયું છે. ભાગલા ન થયા હોત તો! તો આજે પણ આંતરવિગ્રહ એક યા બીજા સ્વરૂપે ચાલુ હોત!
(Sunday Bhaskar Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Magazines Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Vicharona Vrindavanma By Gunvant Shah In Sunday Bhaskar
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended