Home »Magazines »Sunday Bhaskar» Vicharona Vrindavanma By Gunvant Shah In Sunday Bhaskar

સિન્થેટિક સેક્યુલરિઝમનું અથાણું ગંધાઇ ઊઠ્યું છે, હવે એનું કમ્પોસ્ટ ખાતર બનશે?

Gunvant Shah | Mar 11, 2017, 02:41 AM IST

  • સિન્થેટિક સેક્યુલરિઝમનું અથાણું ગંધાઇ ઊઠ્યું છે,  હવે એનું કમ્પોસ્ટ ખાતર બનશે?,  sunday bhaskar news in gujarati
સિન્થેટિક સેક્યુલરિઝમનું અથાણું ગંધાઇ ઊઠ્યું છે, હવે એનું કમ્પોસ્ટ ખાતર બનશે?
સન 1964ના મે મહિનામાં મુંબઇ ખાતે મળેલા કૉંગ્રેસ અધિવેશનમાં ડૉ. રફિક ઝકરિયાએ ઉર્દૂમાં એ ગીતનું પઠન કર્યું હતું:
કસમ હૈ ખૂન-એ-ગાંધી કી
કોઇ ભી જમ્મુ-ઓ-કશ્મીર
હમસે લે નહીં સકતા.
 
આ ગીત રજૂ થયું ત્યારે મંચ પર પંડિત નેહરુ અને લાલબહાદુર શાસ્ત્રી ઉપસ્થિત હતા. શાસ્ત્રીજીને એ ગીતની પંક્તિઓ ખૂબ ગમી ગઇ. ડૉ. ઝકરિયાએ શાસ્ત્રીજીને પૂછ્યું: ‘શું ઉર્દૂ પંક્તિઓ આપને એટલી બધી ગમી ગઇ?’ તરત જ શાસ્ત્રીજીએ કહ્યું: ‘મને તમારા કરતાં ઉર્દૂ વધારે સારી આવડે છે.’ આવી વાત આજે કોઇ કરે તો તેને RSSનો ટેકેદાર માની જ લેવામાં આવે છે. (The Week, પાન-89, Sept. 8, 2002).
કાશ્મીરની આઝાદી માટે દિલ્હી યુનિવર્સિટીમાં ધાંધલ થયું ત્યારે આ પ્રસંગ યાદ આવી ગયો. The Indian Express (તા. 28 ફેબ્રુઆરી 2017)માં ડૉ. બંદૂકવાલાનો લેખ પ્રગટ થયો છે. એમાં એમણે લખ્યું છે:
 
‘એક ગુજરાતી લેખક એકાએક મારા શત્રુ બની ગયા. જે માણસ મને આદર્શ મુસ્લિમ તરીકે મારી જાહેરમાં પ્રશંસા કરતો હતો તે હવે મને ભારતના મુસ્લિમોમાં જે સડો છે તેનો સંકેત માનવા લાગ્યો અને એણે લગભગ 40 લેખો લખી નાખ્યા. શરૂઆતમાં ભય લાગ્યો પણ પછી એની ગાંડીઘેલી ટીકાઓ પર મને હસવું આવ્યું.’ મારે જાહેર કરવંુ છે કે એ લેખક હું હતો. આજે મારે અહીં મારું બચાવનામું રજૂ કરવું છે. એ બચાવનામું અંગત છતાં બિનઅંગત છે. ‘સેક્યુલરિઝમ’ શબ્દ ગાળ બની ગયો છે!

વર્ષો પહેલાં હાજી મસ્તાન નામના નિર્દોષ મુસલમાન દાણચોર અને બાહુબલી વડોદરા આવ્યા ત્યારે ભૂતડી ઝાંપામાં અેમની જાહેરસભા યોજાયેલી અને સભાના પ્રમુખપદે ડૉ. બંદૂકવાલા હતા. શું આ સેક્યુલર ઘટના હતી? સદ્્ગત અમીન કુરેશીએ મને પત્ર લખીને જણાવ્યું તેના શબ્દો સાંભળો:
અમીન કુરેશી
તા. 29-04-2005
માનનીય શ્રી ગુણવંતભાઇ,

… ડૉ. બંદૂકવાલા વિશે એમ કહી શકાય કે તેઓ અનુયાયીઓ વિનાના, બની બેઠેલા નેતા છે. તેમના વિચારો ક્યારેય સ્પષ્ટ અને સુરેખ ન હતા. તેમણે એક સમયે (કદાચ હતાશાની પળોમાં) હાજી મસ્તાનની ઇન્સાફ પાર્ટીમાં પણ ગુજરાતનું કન્વીનરપદ ભોગવ્યું છે, એ હકીકતનો કેવી રીતે ઇન્કાર કરી શકે? મને સ્પષ્ટ યાદ નથી, પણ ત્યારે હું વડોદરા ‘સંદેશ’નાં ચાર પાનાંનો તંત્રી હતો અને મેં શ્રી બંદૂકવાલાની એ પ્રવૃત્તિને સખત શબ્દોમાં વખોડી દીધી હતી... પણ જ્યારે તે અંગે પોલીસ તપાસ શરૂ થઇ ત્યારે તેમણે તે વખતના ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ શ્રી ઝીણાભાઇ દરજીનો આશ્રય શોધ્યો હતો એ વાત એટલી જ જગજાહેર છે.

તેમના કહેવાતા ઉદાત્ત વિચારોને કારણે શ્રી સનત મહેતાએ શરૂઆતમાં તેમને આવકાર્યા હતા, પણ પાછળથી થોડાક જ સમયમાં તે સંબંધ તૂટી પણ ગયો... મેં તેમને ક્યારેય મહત્ત્વ આપ્યું નથી. ગુણવંતભાઇ! ઔર ભી દુ:ખ હૈં જમાને મેં મોહબ્બત કે સિવા. (લાંબા પત્રનો એક અંશ)
આપનો
અમીન કુરેશી

આ પત્ર મારા પુસ્તક ‘શબ્દે શબ્દે સેતુબંધ’માં આખો છપાયો છે અને પુસ્તકની પ્રસ્તાવના શ્રી પ્રકાશ શાહે લખી છે. ડૉ. બંદૂકવાલાના ઘરે હુમલો થયો ત્યારે હું સંજય ભાવસાર સાથે એમને ઘરે પહોંચ્યો હતો અને હિન્દુઓ વતી મેં એમની ક્ષમા માગી હતી. આતંકવાદીઓ સામે ડૉ. બંદૂકવાલા ક્યારે બોલ્યા?
***

તા. 16-09-2002ના ‘ભૂમિપુત્ર’માં ડૉ. બંદૂકવાલાએ નોંધમાં લખ્યું તે સાંભળો:
‘કેટલાક ગુજરાતી લેખકોએ આવા હત્યાકાંડ પ્રત્યે બિલકુલ આંખમિચામણાં કર્યાં  છે. તેને બદલે મુસ્લિમોના દોષો વર્ણવવામાં પાનાં ભર્યાં છે. નેહરુની, બિનસાંપ્રદાયિકોની અને ડાબેરીઓની ટીકા કરવામાં કશું બાકી રાખ્યું નથી, પરંતુ અસંખ્યોની (મારા જેવા) જે દુર્દશા કરી મેલાઇ છે, તે વિશે હરફેય ઉચ્ચાર્યો નથી.’ (એક અંશ).
મારા વિશે જે લખાયું તે અર્ધસત્ય છે. સેક્યુલરિઝમના નામે જે કોમવાદ ફેલાયો છે તે માટે ડૉ. બંદૂકવાલા જેવા બૌદ્ધિકો ઘણા જ અંશે જવાબદાર છે. નરેન્દ્ર મોદીને આવા લોકોએ જબરી મદદ પહોંચાડી છે.

મેં ‘સિન્થેટિક સેક્યુલરિઝમ’ અંગે જે પુસ્તકો લખ્યાં છે તેમાં એકપક્ષી ઝોક ધરાવતા (skewed) સેક્યુલરિઝમની આકરી ટીકા કરી છે. વર્ષ 2002 પછી ગુજરાતના ત્રણે વિચારપત્રો લગભગ પ્રચારપત્રો બની ગયા હતા. યાદ છે? ગોધરાકાંડ પછી રેલવેપ્રધાન લાલુપ્રસાદે એક બોગસ બેનરજી કમિશનની રચના કરી હતી. એ કમિશને રેલવેનો ડબ્બો સળગાવવામાં આવ્યો તે ઘટનાને અકસ્માતમાં ખપાવી દેવામાં આવ્યો હતો. ‘દિવ્ય ભાસ્કર’ (તા. 4-3-2005)માં ડો. બંદૂકવાલાનું નિવેદન પ્રગટ થયું: ‘અમે ચાર વર્ષથી કહેતા આવ્યા હતા કે ટ્રેનમાં જે બનાવ બન્યો તેની સાચી માહિતી આપવામાં આવે...

આજે બેનરજી કમિશનનો અહેવાલ સાંભળી મનમાં શાંતિ થઇ છે. અમારા સમાજનો (?) ગોધરાકાંડમાં હાથ જ ન હતો. અમારા  ભાઇઓને (?) ખોટી રીતે ફસાવી દેવાયા હતા, જેને પરિણામે સમાજમાં ભયનું વાતાવરણ વ્યાપી ગયું હતું.’ આ નિવેદનનું મોટું મથાળું આ પ્રમાણે હતું: ‘નરેન્દ્ર મોદી મુસ્લિમ સમાજની માફી માગી પ્રાયશ્ચિત્ત કરે.’ આ નિવેદનમાં ‘અમારા સમાજ’ અને ‘અમારા ભાઇઓ’ જેવા શબ્દો શું સૂચવે છે? શું આરિફ મોહંમદ ખાન અને નજિબ જંગ મુસ્લિમોના શત્રુ છે? વોટબેંક એ તળાવ નથી ખાબોચિયું છે. પછાતપણું જળવાય તો જ વોટબેંક જળવાય! આવા એક બાજુએ ઢળેલા સિન્થેટિક સેક્યુલરિઝમે લઘુમતીને પછાતપણાની ખીણમાં રાખી મૂકી છે.
 
સાબરમતી એક્સપ્રેસનો ડબ્બો તો અંદરથી સળગ્યો હતો અને એમ કરનાર કોઇ જટાયુ હોવો જોઇએ એવું સદ્્ગત દિગંત ઓઝાએ ‘નયા માર્ગ’માં લખ્યું હતું એવું બરાબર યાદ છે. ડૉ. બંદૂકવાલા તે દિવસોમાં ‘અમે મુસલમાનો’ (We the Muslims)ના મિજાજમાં જ બોલતા-લખતા હતા. ગોધરામાં જે બન્યું તે બિલકુલ ગૌણ હતું, એવો એમનો અને હિન્દુ બૌદ્ધિકોનો અભિગમ હતો. સુપ્રીમ કોર્ટની SIT તરફથી જ્યારે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ મળી ત્યારે ડૉ. બંદૂકવાલાએ ટીવી પર કહ્યું: ‘શ્રી રાઘવન તો તાતાના એજન્ટ છે.’ શું સુપ્રીમ કોર્ટ મોદીજીના કહ્યામાં હતી? ડૉ. બંદૂકવાલા મૂળે કપડવંજના ત્રિવેદી હતા. મેં RSSની કડક ટીકા કરી છે.

એમણે કદી SIMIની કે અલ કાયદાની ટીકા કરી છે ખરી? એમણે ઉંમર ખાલિદની ટીકા કરી છે? {
(લખ્યા તા. 28-2-2017)
***

 
પાઘડીનો વળ છેડે
કોંગ્રેસ પક્ષે મુસ્લિમ કટ્ટરતા સામે
એવી જ રીતે હુમલો કરવો જોઇએ,
જેવી રીતે એ હિન્દુ કટ્ટરતા સામે તૂટી પડે છે.
આપણે મુસ્લિમ કટ્ટરતા સામે અેટલી જ
તીવ્રતાથી નથી બોલતા,
જેટલી તીવ્રતાથી હિન્દુ કટ્ટરતા સામે
બોલીએ છીએ!
- દિગ્વિજય સિંઘ
(‘ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા, 25-9-2014’)
}}}
નોંધ: મારો અભિગમ દિગ્વિજય સિંઘના આ સોનેરી શબ્દોમાં પ્રગટ થતો રહ્યો છે. દિગ્વિજય સિંઘે આવું સત્ય જીવનમાં કદાચ એક જ વાર ઉચ્ચાર્યું છે. વાતમાં દમ છે.
 
(Sunday Bhaskar Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Magazines Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Vicharona Vrindavanma By Gunvant Shah In Sunday Bhaskar
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended