Home »Magazines »Sunday Bhaskar» Story Of Vidyut Joshi In Sunday Bhaskar

તૂ ચીજ બડી હૈ ભ્રષ્ટ ભ્રષ્ટ

Vidyut Joshi | Oct 06, 2013, 19:28 PM IST

- ગમે તે ભોગે પેસા મેળવવા, અન્યને પાડી દેવા વગેરે બાબતો શૂરવીરતાનાં લક્ષણો ગણાય છે. અન્ય સાથે રહેનારો નહીં અન્યથી આગળ રહેનારો સારો ગણાવા લાગે છે. ભ્રષ્ટાચારનું મૂળ અહીં છે

તમને, મને અને નિસ્બત ધરાવતા સૌને ઝકઝોળી નાખે એવા બનાવો બની રહ્યા છે: આસારામનો દુરાચાર મિશ્રિત ભ્રષ્ટાચાર, લાલુનો કરિશ્મા મિશ્રિત ભ્રષ્ટાચાર, આંતકીઓ અને નક્સલીઓનો અત્યાચાર મિશ્રિત ભ્રષ્ટાચાર, કેટલાક મંત્રીઓનો ગુપ્તાચાર (જે પકડાતો નથી) મિશ્રિત ભ્રષ્ટાચાર, કેટલાક સાહિ‌ત્ય સ્વામીઓ અને કથાકારોનો સ્વેચ્છાચાર મિશ્રિત ભ્રષ્ટાચાર, અધિકારીઓનો દુરાચાર મિશ્રિત ભ્રષ્ટાચાર, કર્મચારીઓનો ફરજ પાલનનો ભ્રષ્ટાચાર, જાણે કોઇ સામાન્ય સદાચાર કે શિષ્ટાચાર નજરે જ નથી ચડતો. આ સમાજમાં દરેક નાનો મોટો ભ્રષ્ટાચાર કરે જ છે.

આદમ અને ઇવના સમયથી આપણે ભ્રષ્ટાચારથી પીડિત છીએ. તેમણે જ્ઞાનનું ફળ ચાખ્યું એટલે પાપ કર્યું. સાર્થ જોડણીકોશ કહે છે કે ભ્રષ્ટાચાર એટલે પાપાચાર. ત્યારથી કવિઓએ ભ્રષ્ટાચારથી પીડાઇને ઘણું લખ્યું છે. ભર્તુહરિએ નીતિશતક લખ્યું. તેમાં તેણે યૌન ભ્રષ્ટાચાર વિશે જે લખ્યું તે એક શ્લોક પરથી આ મુજબ સમજી શકાય છે: હું જેનું સ્મરણ કરં છું તે (માનુની) મારાથી વિરક્ત રહીને કોઇ અન્ય પુરુષને ચાહે છે. તે પુરુષ (પાછો) કોઇ અન્ય સ્ત્રી પર આસક્ત છે. મારા પર કોઇ અન્ય સ્ત્રી (વારાંગના) આસક્ત છે. આથી તને (પત્નીને), તેને (પુરુષને), મારી પ્રેમિકાને, મને અને મદનને ધિક્કાર છે. આ તો થયો યૌનનો ભ્રષ્ટાચાર. પરંતુ ભર્તુહરિએ ધન ભ્રષ્ટાચારની વાત પણ કહી છે.

નીતિશતકમાં તે કહે છે, 'જેની પાસે ધન છે તે નર કુલીન છે, બધા જ ગુણ (ધન)માં સમાઇ જાય છે. ગુજરાતીમાં પણ કહેવત છે કે નાણાં વિનાનો નાથિયો, નાણે નાથાલાલ. એટલે કુલીન દેખાવા માટે પૈસા જોઇએ અને પૈસા મેળવવા માટે અનેક કુઉપાયો જે સમર્થ છે તે પ્રયોજે છે. આમાં લાંચરુશવત પણ આવી જાય. ભ્રષ્ટાચાર માત્ર પૈસાનો જ નથી હોતો. યૌન ભ્રષ્ટાચાર, સમયનો ભ્રષ્ટાચાર, ફરજનો ભ્રષ્ટાચાર, ખાણી-પીણીનો ભ્રષ્ટાચાર વગેરે અનેક પ્રકારના ભ્રષ્ટાચાર હોય છે. માનવ વર્તનનાં જેટલાં ક્ષેત્રો છે એટલાં ભ્રષ્ટાચારનાં ક્ષેત્રો છે. આથી એક બાબતમાં ખૂબ જ નીતિમાન આચરણ કરનારી વ્યક્તિ અન્ય બાબતમાં નીતિભંગ કરતી હોય. કોઇક જ વ્યક્તિ એવી હોય જે આસારામની જેમ અનેક બાબતોમાં ભ્રષ્ટાચાર કરતી હોય પરંતુ સમાજને તેની ખબર ન હોય. એથી એવું બને કે આપણને અન્યથા નીતિમાન દેખાનારો માનવી પોતાની અનીતિમાન બાબતને છુપાવી શક્યો હોય.

એક વાત ખાસ મારા-તમારા જેવા સામાન્ય માણસોએ યાદ રાખવી જોઇએ કે આપણે બધા માણસો છીએ. એક હિ‌ન્દી સિનેમાનું ગીત છે, 'થોડા સા નેક હૂં, થોડા બેઇમાન હૂં, દુનિયા જો ચાહે સમજે, મૈં તો ઇન્સાન હૂં.’ બીજી રીતે નિરંજન ભગતની વાણીમાં કહું તો, 'જેણે પાપ કર્યું ના એકે, તે પથ્થર પહેલો ફેંકે’ આ વાત બીજી રીતે પણ સમજાવી શકાય. આપણે જ્યારે બીજા તરફ એક આંગળી ચીંધીએ ત્યારે ત્રણ આંગળી આપણા તરફ ચીંધાયેલી હોય છે. પરંતુ દરેકને બીજાના ભ્રષ્ટાચારની વાત કરવામાં આનંદ આવે છે, તેજોદ્વેષની ભાવના સંતોષાય છે. ક્યારેક તો ફલાણો અનીતિથી કમાઇ ગયો અને હું રહી ગયો તેનો દ્વેષ પણ હોય છે.

ક્યાંથી આવે છે આ ભાવના? નાનું બાળક કોરી પાટી જેવું હોય છે. તેને સારા-નરસાની જાણકારી હોતી નથી. આ બાળક તરુણાવસ્થા (ટીન એજ)માં આવે છે એટલે તે કુટુંબ બહાર પોતાની જાતને મૂકવા માંડે છે. માબાપ આ સમયે શું સારું અને શું ન સારું તેના પાઠ તેને ભણાવી ચૂક્યા છે. પછી જગતમાં સફળ થવાની વાત આ તરુણાવસ્થાથી શરૂ થાય છે. એટલે માબાપ સારા માક્ર્સ લાવીને તેને તબીબી કે ઇજનેરીમાં મોકલવાની તજવીજ કરે છે કારણ કે આ વ્યવસાયોમાં પૈસા વધુ હોય છે. શાળામાં પણ આ વાત જ શીખવવામાં આવે છે. એટલે સારો માણસ બનવાને બદલે અન્યથી આગળ નીકળી જનાર સફળ માણસ બનવા તરફ તે તરુણ પ્રેરાય છે.

જો રમતના નિયમો મુજબ તે આગળ ન નીકળી શકે તો નિયમ બહાર જઇને પણ આગળ આવવા માડે છે. અહીં ભતૃર્‍હરિ જણાવે છે, 'વિવેક ભ્રષ્ટાનામ ભાવતી વિનિપાત: શત મુખ:’ પંડિત યુગના એક સાક્ષરે કહ્યું છે, 'ભ્રષ્ટ થયું જરીક તેનો શત મુખ વિનિપાત જ નિર્મેલો.’ એટલે આગળ નીકળવું સમર્થ થવું, ગમે તે ભોગે પૈસા મેળવવા, સમર્થ બનવું, અન્યને પાડી દેવા વગેરે બાબતો શૂરવીરતાનાં લક્ષણો ગણાવા લાગે છે. અન્ય સાથે રહેનારો નહીં અન્યથી આગળ રહેનારો સારો ગણાવા લાગે છે. ભ્રષ્ટાચારનું મૂળ અહીં છે.

ભ્રષ્ટાચારની વ્યાખ્યા સમય અને સ્થળ મુજબ બદલાતી રહે છે. જૂના જમાનામાં રાજા જે કર ઉઘરાવે તે પૈસા તેની અંગત મિલકત ગણાતી, અને તેમાંથી તે જો મહેલ બાંધે તો તેના કળા પારખું દૃષ્ટિનાં વખાણ થતાં. આ પૈસા પ્રજાના છે તે વાત જ તે જમાનામાં સ્વીકારાતી નહોતી. લાલુ સામે રાજ્યની તિજોરીમાંથી પૈસા ઉપાડી લેવાના આક્ષેપો થયા તે રાજા સામે ન થઇ શકે. વર્તન એક જ છે. માત્ર સમય મુજબ મૂલ્યાંકન બદલાય છે.
દ્રૌપદીએ પાંચ પતિ કર્યા હતા આજે આ શક્ય નથી.

આસારામની સામે અનેક સ્ત્રીઓ સાથે યૌન સંબંધો બંધાવાના આક્ષેપો થયા છે. આને આપણે યૌન ભ્રષ્ટાચાર કહીએ છીએ. પરંતુ આજથી દોઢ સદી પહેલાં એક સંપ્રદાયમાં સંપ્રદાયના વડાને પોતાની નવોઢા પહેલા દિવસે ભોગવવા માટે ભક્તોએ આપવી તે એક ચાલ હતો. આ વાત ગેરકાયદે હોવા છતાં ભ્રષ્ટાચાર નહોતો ગણાયો. કરસનદાસ મૂળજી નામના એક સમાજ સુધારકે ર્કોટ કેસ કર્યા પછી તે સંપ્રદાયના વડાને સજા થઇ, તેમ છતાં આજે પણ આ ચાલ પૂર્ણપણે બંધ થયો નથી તેવું કહેવાય છે. જેમ દ્રૌપદી અનેક પતિને પરણી હતી, તેમ અનેક પત્નીઓનો રિવાજ પણ હતો. બંગાળના અમુક જમીનદારોને ૮૦ પત્નીઓ હોવાના દાખલાઓ નોંધાયા છે આપણા રાજાઓને અનેક પત્નીઓ હોવાના અનેક દાખલાઓ ઇતિહાસે નોંધ્યા છે.

આમ શષ્ટિાચાર શું અને ભ્રષ્ટચાર શું તેના નિયમો સમય અને સ્થળ મુજબ બદલાતા જોવા મળ્યા છે. એટલું જ નહીં, એક જ્ઞાતિ કે જૂથમાં એક વર્તન શષ્ટિાચાર ગણાય તે વર્તન અન્ય જૂથ કે જ્ઞાતિમાં ભ્રષ્ટાચાર ગણાય તેવું બને. જો અમુક જ્ઞાતિઓમાં અહિંસા શષ્ટિાચાર ગણાય છે, તો અન્ય જ્ઞાતિઓમાં શત્રુને હણવો (હિંસા) તે વર્તનનાં વખાણ થાય છે, એટલે તો આપણે ત્યાં કહેવાયું છે, 'શિર પડે ને ધડ લડે, તેનાં વધામણાં વૈકુંઠ જાય.’ કેટલાંક વેપારી જૂથોમાં ઓછું જોખવું તે ભ્રષ્ટાચાર ગણાય છે, પરંતુ ભાવ લેવા તે ખોટું નથી. એક વેપારીને મેં કહ્યું કે બરાબર જોખજો, ત્યારે એ વેપારીએ મને કહ્યું કે અમે ભાવમાં મારીએ છીએ, તોલમાં કદી મારતા નથી.

આમ બધા સમયે, સ્થળે અને તમામ જૂથોમાં કોઇક પ્રકારનો ભ્રષ્ટાચાર થોડા પ્રમાણમાં ચાલે છે, પરંતુ તેનું પ્રમાણ એટલું વધી જાય કે અન્ય લોકો માટે અસહ્ય બની જાય ત્યારે સમાજ અને રાજ્ય તેને ડામવા માટે કોશિશ કરે છે. આ કોશિશ કાનૂન દ્વારા થાય છે, માટે કાયદાનું શાસન અનિવાર્ય છે. યાદ રહે, કાયદાનું શાસન જેમ જેમ વધતું જાય તેમ તેમ સમાજ ઓછો પાપાચારી બનતો જાય છે.
vidyutj@gmail.com

(Sunday Bhaskar Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Magazines Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Story Of Vidyut Joshi In Sunday Bhaskar
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended