Home »Magazines »Sunday Bhaskar» Samudra Manthan By Vidhyut Joshi In Sunday Bhaskar

ગુજરાતમાં કેવું પ્રવાસન જામે અને કેવું ન જામે? જેનો રાજા વેપારી તેની પ્રજા ભિખારી

Vidhyut Joshi | Apr 15, 2017, 20:49 PM IST

  • ગુજરાતમાં કેવું પ્રવાસન જામે અને કેવું ન જામે? જેનો રાજા વેપારી તેની પ્રજા ભિખારી,  sunday bhaskar news in gujarati
ગુજરાતમાં કેવું પ્રવાસન જામે અને કેવું ન જામે? જેનો રાજા વેપારી તેની પ્રજા ભિખારી
તાજેતરમાં વિધાનસભામાં પ્રવાસન અંગે પુછાયેલા સવાલો પર નજર નાખતો હતો ત્યારે પ્રવાસન અંગેના સવાલો પર ધ્યાન પડ્યું.  પ્રવાસન મંત્રીએ એક સવાલના જવાબમાં કહ્યું કે વર્ષ 2014 અને 2015 ગીર સાસણમાં યોજાયેલ આમોત્સવ (મેંગો ફેસ્ટિવલ)માં કુલ 80.90 લાખ રૂપિયા ખર્ચાયા પરંતુ એક પણ વિદેશી પ્રવાસી ન આવ્યો. સરકારે યોજેલ નવરાત્રિ મહોત્સવમાં 1626.95 લાખ રૂપિયા ખર્ચાયા અને માત્ર પાંચ વિદેશી પ્રવાસીઓ આવ્યા.

સાપુતારામાં યોજાતા પેરા ગ્લાઈડિંગ કાર્યક્રમમાં સરકારે 6 લાખ રૂપિયા ખર્ચ્યા, પરંતુ એક પણ વિદેશી પ્રવાસીએ તેમાં ભાગ ન લીધો.તેવી જ રીતે બર્ડ સફારી મહોત્સવમાં 62.94 લાખ રૂપિયા ખર્ચાયા જેમાં વિદેશીઓ આવ્યા જ નહિ. પોળોનાં જંગલોમાં સાઇકલ સ્પર્ધાનું આયોજન 1.70 કરોડ રૂપિયાના ખર્ચે થયું અને માત્ર બે વિદેશી સ્પર્ધકો આવ્યા. આવું જ આ વખતે રણોત્સવમાં પણ બન્યું. કચ્છનું રણ જોવા બહુ જ ઓછા વિદેશી પ્રવાસીઓ આવ્યા અને ખર્ચ માથે પડ્યો. જે તંબુઓ દસ હજારના ભાડાના હતા તે ખાલી પડી રહ્યા.

તેની સામે તરણેતરના પ્રખ્યાત મેળામાં 126 વિદેશી પ્રવાસીઓ આવ્યા, અને પતંગોત્સવ ખૂબ જ સફળ રહ્યો, જેમાં 1252 વિદેશી પ્રવાસીઓ આવ્યા. તો સિંહદર્શન માટે સાસણ ગીરમાં પણ પ્રમાણમાં વધુ પ્રવાસીઓ આવ્યા. આ બધી વિગતો આપણને પ્રવાસન કાર્યક્રમનું મૂલ્યાંકન કરવા પ્રેરે છે. આમ પણ જે કાર્યક્રમ ખોટમાં જતો હોય તેનાં કારણો તપાસી તેમાં સુધારો કરવો જોઈએ અથવા તો તે બંધ કરવો જોઈએ.

એક વ્યાપક છાપ એવી છે જે કાર્યક્રમનું સંચાલન સીધી રીતે સરકારી તંત્ર કરે છે કે પછી સરકારી દેખરેખ હેઠળ કોન્ટ્રાક્ટર કરે છે તે કાર્યક્રમમાં ઔપચારિકતા વધુ હોય છે તેથી પ્રવાસીઓ ઓછા આવે છે. આ લેખકનો સરકારી પ્રવાસન હોટેલનો ભાવ એવો છે કે બાથરૂમમાં લાઈટ બલ્બ ઊડી ગયો હોય અને નવો નાખવાનું કહો તો જવાબ મળશે કે કાલે સાહેબ આવે પછી બલ્બ મળે. આવી સરકારી છાપ દૃઢ બને ત્યાં પ્રવાસીઓ આવવાનું ટાળે છે.

જે લોકો સેવા આપે છે તેમને નિર્ણય લેવાનો અધિકાર નથી અને અધિકાર છે તે સેવા આપતા નથી. એટલું જ નહિ પ્રવાસીઓ સાથે તોછડાઈ વર્તે છે. આથી નવી પ્રવાસન નીતિ પછી સરકારી રાહે, ખર્ચે અને જોખમે જે જે પ્રવાસન મહોત્સવનું આયોજન થયું તેમાં સારો પ્રતિભાવ આ માટે નથી મળતો. એની સામે બિન સરકારી રાહે યોજાતા પ્રવાસનમાં ભવ્ય સફળતા મળે છે. આ વખતે સોમનાથ, અંબાજી, દ્વારકા, પાલિતાણા અને જૂનાગઢમાં પ્રવાસીઓની સંખ્યા ખૂબ જ વધુ રહી.
 
એક તો આ જગ્યાઓ રહેવા જમવા માટે પ્રમાણમાં સસ્તી છે. મેનેજમેન્ટ ખાનગી કે ટ્રસ્ટનું હોવાથી તોછડાઈથી વર્તન થતું નથી. આ ધાર્મિક સ્થળો સાથે અન્ય પ્રવાસન આકર્ષણો જોડી દેવાથી ધર્મ સાથે પ્રવાસના આનંદનું પાસું પણ ઉમેરાશે. જેમ કે સોમનાથના ટ્રસ્ટે દરિયાકાંઠાના સ્પોર્ટના આયોજનનું વિચાર્યું છે તે જરૂર સફળ જાય. એક પંથ દો કાજ (ધર્મ અને મનોરંજન) થાય તો પ્રવાસીઓનું આકર્ષણ વધે.
આપણે ત્યાં દમણ અને દીવમાં પ્રવાસીઓનો ધસારો રહે છે તેમાં દારૂ મળવા ઉપરાંત ખાનગી હોટેલોનું મેનેજમેન્ટ પણ જવાબદાર છે. તમે માંગો તેવી વ્યવસ્થા આ હોટેલવાળાઓ કરી આપે છે.

દીવની બાજુમાં જ અહમદપુર માંડવીનો દરિયાકાંઠો છે જ્યાં સરકારી વ્યવસ્થા છે, ત્યાં સાગર ખૂબ જ સુંદર હોવા છતાં પ્રવાસીઓ નથી જતા. ભાવનગર નજીકના પીરમબેટ પ્રવાસન માટે ખૂબ જ આકર્ષક જગ્યા છે. એક ખાનગી પાર્ટીએ તેના વિકાસ માટે મંજૂરી માંગી હતી, પરંતુ સરકારે તે મંજૂરી ન આપી. એક યાદ રાખવું જોઈએ કે ગુજરાત પાસે 1640 કિલોમીટર લાંબો સમુદ્રતટ છે જે અનેક વિશ્વપ્રસિદ્ધ વિવિધતાઓથી ભરપૂર છે.

આનો લાભ લઇ ખાનગી રાહે પ્રવાસનનો વિકાસ કરવાનો કાર્યક્રમ સરકાર કરે તો આપણો સમુદ્રતટ પ્રવાસન કેરળ કરતાં પણ વધુ સારું બને. વિદેશી પ્રવાસીઓને આપણી લોકસંસ્કૃતિ જોવી ગમે છે. યાદ રહે ટેક્નોલોજી કે આધુનિક પ્રવાસનમાં આપણે પશ્ચિમના વિકસિત દેશોને પહોંચી વળી શકીએ તેમ નથી. આથી આપણે આપણી લોકસંસ્કૃતિનો પ્રવાસન માટે લાભ ઉઠાવવો જોઈએ. તરણેતરમાં સરકારી દખલગીરી નહોતી ત્યારે વધુ પ્રવાસીઓ આવતા હતા, પરંતુ તંત્રના મોટા પ્રમાણમાં પ્રવેશ પછી તેમાં આધુનિકતા પ્રવેશતાં પ્રવાસીઓની સંખ્યા ઘટી છે.

આવી જ રીતે પાલિતાણા, જૂનાગઢ વગેરેમાં આપણી સંસ્કૃતિનું દર્શન જેટલા પ્રમાણમાં વધુ ખાનગી રાહે થશે એટલા પ્રમાણમાં વધુ પ્રવાસીઓ આકર્ષાશે. ડાયરા, લોકમેળા, ડાંગ દરબાર, પતંગોત્સવ, ખાનગી રાહે નવરાત્રિ વગેરેમાં જેટલા પ્રમાણમાં આપણી સંસ્કૃતિ દર્શાવાશે એટલા પ્રમાણમાં પ્રવાસીઓ આકર્ષાશે. રાજસ્થાન કે કેરળમાં જેમ ખાનગી રાહે પ્રવાસન ચાલે છે તેમ આપણે પણ જોઈએ.{
 
(Sunday Bhaskar Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Magazines Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Samudra Manthan by Vidhyut Joshi in Sunday Bhaskar
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended