Home »Magazines »Sunday Bhaskar» Samudra Manthan By Vidhyut Joshi In Sunday Bhaskar

આપણા સામ્યવાદીઓ અને સામ્યવાદી પક્ષોની ખાસ વાત

Vidhyut Joshi | Mar 11, 2017, 02:36 AM IST

  • આપણા સામ્યવાદીઓ અને સામ્યવાદી પક્ષોની ખાસ વાત,  sunday bhaskar news in gujarati
આપણા સામ્યવાદીઓ અને સામ્યવાદી પક્ષોની ખાસ વાત
મહાજન સંસ્કૃતિવાળા ગુજરાતમાં સામ્યવાદનું નામ બોલીએ એટલે લોકોનું નાકનું ટીચકું ચડી જાય છે. તુરત જ ધર્મમાં નહિ માનતા, અહિંસામાં નહિ માનતા, સાહિત્ય સંગીત વગેરે કળાઓથી દૂર એવા ગરીબોની વાત કરતા રાજકારણીઓનો વર્ગ યાદ આવી જાય છે. જમણેરી અર્થકારણમાં માનતા ગુજરાતીઓને ડાબેરી રાજકારણમાં માનતા સામ્યવાદીઓ રુચતા નથી, માટે તો ગુજરાતના પત્રકારિત્વમાં આ ડાબેરી લોકોને સ્યુડો સેક્યુલારિસ્ટ તરીકે ઓળખવાનો ચાલ પડી ગયો છે.
 
વળી એક જમાનામાં જેની બોલબાલા હતી તે સામ્યવાદી વિચારધારા હવે તો સમયની ગર્તામાં સરી ગઈ છે. આથી આજે ગુજરાતમાં કોઈ સામ્યવાદી જાહેર જીવનમાં ખાસ નજરે ચડતા નથી. પરંતુ 1990 સુધીના ગુજરાતના જાહેર જીવનમાં કેટલાક સામ્યવાદીઓનું પ્રદાન અમૂલ્ય છે. આથી આજે ભૂતકાળના કેટલાક સામ્યવાદીઓની ઝલક જોઈશું. સામ્યવાદ એવો કોઈ એક પક્ષ નથી. મૂળ પક્ષ એટલે સ્વાતંત્ર્ય પહેલાં સ્થપાયેલ ભારતીય સામ્યવાદી પક્ષ. આજે કામદાર મંડળ સુધી સીમિત થઇ ગયો છે.

પરંતુ એક સમય હતો કે રાજકોટના ચીમન મહેતા, હરુભાઈ મેહતા, અશોક પંજાબી વગેરે સામ્યવાદી પક્ષમાં હતા. ઈન્દિરાનું જે મોજું આવ્યું તેમાં આવા ઘણા  બિરાદરો કોંગ્રેસ પક્ષમાં જોડાઈ ગયા. આ પક્ષને રશિયા સાથે સારી લેણાદેણી હતી. આજે રશિયન મદદ તૂટી પડતાં સામ્યવાદી પક્ષ સમગ્ર ભારત કક્ષાએ નબળો પડ્યો  છે. સમય જતાં સામ્યવાદી પક્ષમાં ચીન તરફી લોકો ઊભા થયા અને સામ્યવાદી પક્ષ બે ભાગમાં વહેંચાઈ ગયો. આ બીજો પક્ષ એટલે માર્ક્સવાદી સામ્યવાદી (સીપીઆઇ-એમ) પક્ષ. આ પક્ષ ગુજરાતમાં  બિરાદર સુબોધ મહેતાને કારણે આજે પણ ટકી રહ્યો છે.

સુબોધ મહેતા એક સારા કવિ, ગાયક તથા સહુથી વધુ તો સારા માણસ છે. એક વખત ગુજરાત વિધાનસભામાં સામ્યવાદી બટુક વોરા પાલિતાણાથી ચૂંટાઈને ધારાસભ્ય બન્યા હતા. ઉપલેટા જેવી કેટલીક નગરપાલિકાઓમાં સામ્યવાદીઓનું શાસન હતું. અમદાવાદના લોકનેતા દિનકર મહેતા સામ્યવાદી હતા અને અમદાવાદના મેયર બન્યા હતા. દિનકર મહેતા પણ એક સારા લેખક છે. સામ્યવાદી વિચારધારા માટે જીવણરામ જયરામદાસ તથા ધનવંત ઓઝાનાં નામો. સજ્જનો સાથે જેણે ચર્ચા કરી હોય તેઓ તેમની વિદ્વત્તાથી ખૂબ જ પ્રભાવિત થતા.

રશિયામાં ક્રાંતિ પછીની સર્વોચ્ય સમિતિમાં એક ભારતીય માનવેન્દ્રનાથ રોય હતા. સ્ટાલિન સાથે તેમને વાંધો પડતા તે મોસ્કો છોડી ભારત આવ્યા અને રેડિકલ હ્યુમેનિસ્ટ પક્ષની સ્થાપના કરી. આ પક્ષ સહકારી રાજકારણમાં માને છે. ગુજરાતમાં ચંદ્રકાન્ત દરૂ અને શરૂમાં વડોદરાના રાવજીભાઈ પટેલ હતા. આજે આ પક્ષનું એક માત્ર પ્રતિનિધિત્વ ગૌતમ ઠાકર કરી રહ્યા છે. આ પક્ષ માત્ર બૌદ્ધિકો અને કર્મશીલોનો બનેલો છે.

એટલે ક્યાંક કામદાર પ્રવૃત્તિમાં તેનો ફાળો છે, પરંતુ ચૂંટણીના રાજકારણમાં તેની કોઈ ભૂમિકા નથી રહી. એવો જ બીજો બૌદ્ધિકોનો સામ્યવાદી પક્ષ એટલે ટ્રૉટસકાઇટ પક્ષ. તેનું મૂળ નામ ફોર્થ ઇન્ટરનેશનલ સ્ટાલિનથી જેમ રોય છૂટા પડ્યા તેમ લિઓન ટ્રોટ્સ્કી પણ છૂટા પડ્યા અને તેમણે આ  પક્ષની સ્થાપના કરી. આ પક્ષ રાષ્ટ્રીય સામ્યવાદમાં નહિ પરંતુ સમય આવ્યે આંતરરાષ્ટ્રીય ક્રાંતિથી જ સામ્યવાદ આવશે તેમ માને છે.  ગુજરાતમાં આ પક્ષની ધજા અત્યાર સુધી મગનભાઈ દેસાઈએ પકડી રાખી હતી. જાણીતા રાજ્યશાસ્ત્રી શાહ એક વખત ટ્રોટ્સ્કીઝમ શિબિરો ચલાવતા હતા.

તો વડોદરાના ઠાકોરભાઈ મજૂરોનું કામ કરતા હતા. ગુજરાતમાં કેટલાક પ્રખર બુદ્ધિજીવીઓ જે માત્ર ચર્ચામાં સામ્યવાદી હતા તે તમામ ટ્રોટ્સ્કીવાદથી આકર્ષાયેલા હતા. ઉપરાંત નામો લેવા પડે.. લેખક રમણલાલ દેસાઈના પુત્ર અને જાણીતા સમાજશાસ્ત્રી અક્ષયકુમાર દેસાઈ ક્રાંતિકારી સમાજવાદી પક્ષ (આરએસપી)નું ગુજરાતનું સુકાન મુંબઈ રહીને સભાળતા હતા. તેઓ કામદાર મંડળ પણ ચલાવતા હતા. તો આજે પણ છેલ્લાં ચાલીસ વર્ષથી સક્રિય દ્વારકાનાથ રથ અમદાવાદમાં રહીને ભારતીય સમાજવાદી એકતા કેન્દ્ર (એસયુસીઆઈ)નું સંચાલન કરી રહ્યા છે.

આ પક્ષ ચૂંટણી લડ્યો છે, પરંતુ મુખ્યત્વે તો આ પક્ષ ગુજરાતમાં મૂળ જમાવી શક્યો.  પશ્ચિમ બંગાળના નક્સલબાડી પરગણામાં સ્થપાયેલ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્ક્સિસ્ટ -લેનિનિસ્ટ) એટલે કે સીપીઆઇ -એમ એલ ટૂંકમાં નક્સલવાદી પક્ષ તરીકે ઓળખાય છે. એક સમયે તેના તેર ભાગ પડી ગયા હતા. આજે તે તેર વચ્ચે સંકલન કરીને સાથે કામ કરવાનું નક્કી કર્યું છે. ભારતનાં 11
રાજ્યોના મુખ્યત્વે આદિવાસી જિલ્લાઓમાં આ પક્ષ સક્રિય છે. આજથી ત્રીસ વર્ષ ગુજરાતમાં તેનાં હતાં. કર્દમ ભટ્ટ અને અશ્વિન દેસાઈ મૃત્યુ પામ્યા છે.   

આ ઉપરાંત અનેક નાના સામ્યવાદી પક્ષો હશે. જેમ કે એક પક્ષ હતો સત્યશોધક સામ્યવાદી પક્ષ શરદ પાટીલ તેના સ્થાપક હતા. આજે તે પક્ષનું નામ નથી સંભળાતું આમાંના ઘણા લોકોને લેખક મળ્યા છે. લગભગ બધા જ સજ્જનો હતા. સવાલ એ થાય  ગુજરાતમાં કોઈ સામ્યવાદી પક્ષ કેમ સ્થાન જમાવી ન શક્યો? ગુજરાતનું રાજકીય કલ્ચર મહાજન સંસ્કૃતિથી પ્રેરિત છે. અહીં મહાજન સંસ્કૃતિથી વિપરીત મૂલ્યો ધરાવનાર કોઈ પક્ષ મજબૂત નહિ થઇ શકે. અહીં એ જ પક્ષ ચાલશે જે ધંધાની વાત કરશે, ન્યાયની, સમાનતાની, સેક્યુલારિઝમની, શોષણની વાત કરનાર પક્ષ અહીં નહિ ચાલે.

હા, દયા, દાન, ધર્માદો, ગરીબને મદદ વગેરે વાત કરનાર પક્ષો અહીં મજબૂત બનશે.
(Sunday Bhaskar Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Magazines Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Samudra Manthan by Vidhyut Joshi in Sunday Bhaskar
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended