Home »Magazines »Sunday Bhaskar» Religion, Nonreligion And Self Religion

ધર્મ, અધર્મ અને આપદ્ધર્મ

Gunvant Shah, Vicharo Na Vrindavan Ma | Jul 26, 2010, 03:24 AM IST

આદર્શ પોલીસ લોકસેવક અને લોકરક્ષક હોવો જોઇએ. આવી અપેક્ષા પોલીસ પાસેથી રાખવાની પાત્રતા રાજકારણીઓ પાસે ખરી? ભ્રષ્ટ રાજકારણીઓ પાસે ઊંચી અપેક્ષા રાખવાની પાત્રતા કર્મશીલો પાસે ખરી? વળી, કર્મશીલો પાસે ઉદ્દાત અપેક્ષા રાખવાની પાત્રતા સાધુજનો પાસે ખરી?ગુણવંત શાહ, વિચારોના વૃંદાવનમાં આજથી હજારો વર્ષ પહેલાં મહાભારતના રચિયતા વ્યાસના શબ્દો આજે પણ વાસી નથી જણાતા. સાંભળો : જે વાત કરોડો ગ્રંથોમાં કહી છે, તે હું તમને માત્ર અધૉ જ શ્લોકમાં કહું છું : બીજાઓ પર ઉપકાર કરવો એ પુણ્ય છે અને બીજાઓને પીડા પહોંચાડવી એ પાપ છે. ધર્મ અને અધર્મ વચ્ચેની ટક્કર આજની નથી. સજ્જનતા અને દુર્જનતા વચ્ચેની ટક્કર સદીઓથી ચાલતી રહી છે. ઋગ્વેદમાં પણ ભદ્રતાનાં પરિબળો અને દુરિતનાં પરબિળોની વાત થઇ છે. સત્ય અને અસત્ય વચ્ચેની તથા અહિંસા અને હિંસા વચ્ચેની ટક્કરને જ કદાચ ઈતિહાસ કહેવામાં આવે છે. પ્રત્યેક યુગે સજ્જનોની બહુમતી સામે દુર્જનો સાવ પાતળી લઘુમતીમાં રહ્યા છે, પરંતુ એ નાની લઘુમતી ભારે ઉધમ મચાવતી આવી છે. ગીતામાં એ દુર્જનોને ‘આતતાયી’ કહ્યા છે. સંખ્યા ઓછી તોય એમના અત્યાચારો સૌને રંજાડે છે. કરવું શું? ધર્મ અને અધર્મ વચ્ચેની સાતત્યરેખા (કિન્ટન્યુઅમ) પર એક શબ્દ સદીઓથી ઉચ્ચારાતો રહ્યો છે : ‘આપદ્ધર્મ’. આ શબ્દ આજના આતંકવાદી માહોલમાં સમજી રાખવા જેવો છે. આપદ્ધર્મ એટલે આપત્તિની ક્ષણે ન છુટકે કરવું પડતું એવું કર્મ, જે નોર્મલ સંજોગોમાં ધર્મમાન્ય ન પણ ગણાય. વિનાશની પળે ઊગરી જવાના આશયથી માણસ અસત્ય બોલે કે હિંસા આચરે કે ભાગી છુટે, તો આપદ્ધર્મની દ્રષ્ટિએ એનું આચરણ ક્ષમ્ય છે. જીવન-મરણની પળે બચી જવા માટે જે ઉપાય લેવાઇ જાય તે ધર્માનુકૂલ ન હોય તોય પાપ ન ગણાય. આપદ્ધર્મમાં ઇન્સાન હિંદુ કે મુસલમાન નથી હોતો. એ કેવળ ઇન્સાન હોય છે. ‘આપદ્ધર્મ’ જેવો સેકયુલર શબ્દ બીજો જડવો મુશ્કેલ છે. હિંદુઓનું ટોળું કોઇ મુસલમાનના ઘર પર હુમલો કરે ત્યારે બચી જવા માટે ફાંફાં મારતી વખતે એ મુસલમાનને રસૂલેખુદાની ક્ષમાવૃત્તિ યાદ નહીં આવે. એ ક્ષણે બચી જવું કે નાસી છુટવું એ આપદ્ધર્મ છે. નાસી છુટનારો એ આદમી મુસલમાન નથી, કેવળ ઇન્સાન છે. કોઇ પણ પ્રકારના આતંકવાદ સામે લડતી વખતે સભ્ય સમાજના બધા નોર્મ્સ જાળવવાનું અશક્ય છે, એવું સલમાન રશ્દી કહે છે. બધા માનવ-અધિકારો જાળવીને આતંકવાદનો સામનો થઇ શકે ખરો? જો થઇ શકે, તો એના જેવું રૂડું શું? માનવ-અધિકારના ચુસ્ત હિમાયતીઓ ‘આપદ્ધર્મ’ શબ્દને સમજે તો અડધો વિવાદ ટળી જાય તેમ છે. આપદ્ધર્મના સંદર્ભે આંધ્રપ્રદેશમાં જે બન્યું તે અત્યંત મહત્વનું છે. તા. રજી જુલાઇને દિવસે સિનિયર માઓવાદી નેતા ચેરુકરી રાજકુમાર ઉર્ફે આઝાદની હત્યા પોલીસે કરી હતી. આઝાદ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા-માઓઇસ્ટમાં બીજા નંબરે ગણાતો હતો. એ આઝાદ ડઝન જેટલી હત્યામાં સામેલ હતો. આંધ્રના કોંગ્રેસી વિધાનસભ્ય નરસા રેડ્ડીની હત્યા ઉપરાંત આંધ્રના તત્કાલીન મુખ્યપ્રધાન જનાર્દન રેડ્ડીની હત્યા માટેના નિષ્ફળ પ્રયાસ માટે પણ આઝાદ જવાબદાર હતો. તેના માથા પર રૂપિયા ૧૨ લાખનું ઇનામ જાહેર થયું હતું. હત્યાના બે દિવસ પહેલાં એ આઝાદ (માઓવાદી) આદિવાસી કેડરને મળવા માટે નાગપુર ગયેલો. એ માઓવાદનો બૌદ્ધિક ચહેરો ગણાતો હતો. વારંગલની રિજિયોનલ એન્જિનિયરિંગ કોલેજમાંથી એણે એમ. ટેક્.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. એણે અનેક સામિયકોમાં માઓવાદી વિચારધારાના સમર્થનમાં લેખો પણ લખ્યા છે. એ વ્યૂહરચનાનો અઠંગ ખેલાડી હતો. ક્રાંતિકારી લેખક ગણાતા વારાવારા રાવે આંધ્રપ્રદેશની હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો અને આક્ષેપ મૂક્યો કે પોલીસે ફેક એન્કાઉન્ટરમાં આઝાદનું ખૂન કર્યું છે. હાઇકોર્ટે વારાવારા રાવની અરજી ફગાવી દીધી છે. (ટા. ઓ. ઇ ૩-જુલાઇ-૨૦૧૦)માઓવાદી આઝાદની હત્યા કરનાર પોલીસે ‘ફેક’ એન્કાઉન્ટર કર્યું છે એમાં કોઇ શંકા ખરી? જે એન્કાઉન્ટર થયું તેમાં મુખ્યપ્રધાન રોસૈયાની મૌન સંમતિ નહીં હોય કે ? મારી દલીલ ખોટી હોઇ શકે છે, પરંતુ મારું દર્દ જૂઠું નથી. આંધ્રની કોંગ્રેસી સરકારે કરેલા આ ‘ફેક’ એન્કાઉન્ટરને હું અત્યંત ‘વાજબી એન્કાઉન્ટર’ ગણું છું. આપદ્ધર્મમાં બધા નોર્મ્સ ન જળવાય તો બહુ દુ:ખી થવા જેવું નથી. આંધ્રની સરકાર ક્યા પક્ષની છે તે મહત્વનું નથી. જે પોલીસ દ્વારા આઝાદની હત્યા થઇ તે પોલીસ ‘ખંડણીખોર’ હોઇ શકે છે. આ દેશમાં ખંડણીખોર વડાપ્રધાનો અને મુખ્યપ્રધાનો થયા છે. રુશવતખોરીનો કોઇ બચાવ ન હોઇ શકે, પરંતુ ફેક એન્કાઉન્ટર જેવા અનિવાર્ય અનિષ્ટની ચર્ચામાં એ મુદ્દો મુખ્ય ન બની શકે. આદર્શ પોલીસ લોકસેવક અને લોકરક્ષક હોવો જોઇએ. આવી અપેક્ષા પોલીસ પાસેથી રાખવાની પાત્રતા રાજકારણીઓ પાસે ખરી ? ભ્રષ્ટ રાજકારણીઓ પાસે ઊંચી અપેક્ષા રાખવાની પાત્રતા કર્મશીલો પાસે ખરી ? વળી, કર્મશીલો પાસે ઉદ્દાત અપેક્ષા રાખવાની પાત્રતા સાધુજનો પાસે ખરી ? આઝાદ જેવા માઓવાદીના માનવ-અધિકારની જાળવણીનો સીધો અર્થ એટલો જ કે અસંખ્ય નિર્દોષ નાગરિકોના માનવ-અધિકારની મશ્કરી! કોઇ પણ મુખ્યપ્રધાન કે ગૃહપ્રધાન કે લશ્કરના જવાનને અમથું અમથું ખૂન કરવાનો શોખ ન હોઇ શકે. પુનરાવર્તનનો દોષ વહોરીને કહેવું છે કે અરુંધતી રોયની સરખામણીમાં વડાપ્રધાન મનમોહનસિંહ, ગૃહપ્રધાન ચિદમ્બરમ્ અને મુખ્યપ્રધાન રોસૈયા હજારગણા વધુ વિશ્વસનીય છે. નકસલવાદનો સફાયો કરવા માટે આંધ્રની સરકારે જે ઉપાય અજમાવ્યો તે ‘આંધ્ર-મોડલ’ અન્ય નકસલ-ગ્રસ્ત રાજ્યો કેન્દ્ર-સરકારની સીધી મદદ હેઠળ અજમાવે તેવા પ્રયત્નો થઇ રહ્યા છે. મને ચિદમ્બરમ્ની નિષ્ઠામાં અપાર શ્રદ્ધા છે. તેઓ રીઢા રાજકારણી નથી. વડાપ્રધાનનો એમને સ્પષ્ટ ટેકો છે. આંધ્રપ્રદેશમાં રોસૈયાની સરકારે જે ફેક એન્કાઉન્ટર કરવાની પોલીસને છુટ આપી તેવી જ છુટ રાજુ રિસાલદારની હત્યા માટેના ફેક એન્કાઉન્ટર વખતે ચીમનભાઇ પટેલની સરકારે આપી હતી અને તે સર્વથા વાજબી હતી. બરાબર એવી જ છુટ લતિફની હત્યા વખતે ઘણું ખરું દિલીપ પરીખની સરકારે આપી હતી અને તે પણ સર્વથા વાજબી હતી. આવા પ્રશ્નોમાં પક્ષીય રાજકારણ ન લવાય. લતિફની હત્યા કરવામાં આવી ત્યારે એક પ્રવચનમાં શંકરસિંહ વાઘેલાએ એમના પક્ષ માટે જશ પણ લીધો હતો. એ જશ સર્વથા વાજબી હતો. દિલ્હીના પોલીસ અધિકારી મોહનચંદ શર્મા ફેક એન્કાઉન્ટર કરવા જામિયાનગર ગયા અને શહીદ થયા. એમને દોરવણી આપનાર ગૃહપ્રધાન શિવરાજ પાટીલની નિંદા ન હોય. એ માટે દિલ્હીના મુખ્યપ્રધાન શિલા દીક્ષિતનો દોષ ન કઢાય. કોંગ્રેસી નેતા દિગ્વિજય સિંહે પાછળથી જે દોષારોપણ કર્યું તેમાં વોટબેંકનું રાજકારણ હતું. તેઓ વોટબેંકનો લાભ લેવા આજમગઢ પણ ગયા હતા. કાશ્મીરમાં લશ્કર બોલાવનાર મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાને પક્ષે જરૂર કોઇ મજબૂરી હશે. કોઇ પણ મુખ્યપ્રધાનને લશ્કર બોલાવવાનો શોખ નથી થતો. આવી કટોકટી વખતે સમગ્ર દેશ કોંગ્રેસનો ટેકો ધરાવતા મુખ્યપ્રધાન ઓમરને પક્ષે ઊભા રહે તે જરૂરી છે. મહેબૂબા મુફતીએ સર્વપક્ષી મિટિંગમાં હાજર રહેવાનો ઇનકાર કર્યો. ઓમર અબ્દુલ્લાએ ૧૦મી જુલાઇએ આપેલા ટીવી ઇન્ટરવ્યૂમાં સાવ સાચું કહ્યું ‘જો તેઓ (મહેબૂબા) ઉકેલ માટેના પ્રયત્નમાં સામેલ થવા માગતાં ન હોય, તો તેઓ સમસ્યામાં સામેલ થવા માગે છે એમ માની શકાય.’ આપદ્ધર્મની ક્ષણે પણ જેઓ સૈયદ શાહ ગિલાનીના નાપાક ઇરાદા ન સમજે, તેઓને ઓળખી લેવા પડે અને સીધા દોર પણ કરવા પડે. આવું કોણ કરશે ? ક્યારે કરશે? કાશ્મીરની સમસ્યા એક એવું મસ્તિષ્ક (‘લગે રહો મુન્નાભાઇ’, ફિલ્મની ભાષામાં ‘કેમિકલ લોચો’) માગે છે, જે મક્કમતા અને મુત્સદ્દીગીરીથી સમૃદ્ધ હોય. એ સમસ્યા એક એવું હૃદય ઝંખે છે, જે રાષ્ટ્રભક્તિથી છલોછલ હોય. એ સમસ્યા એક એવી પ્રતિભા ઝંખે છે, જેનું સંકલ્પબળ (વિલપાવર) ચાણકયની કક્ષાનું હોય. કાશ્મીરની સમસ્યાનો ઉકેલ પારકી છઢ્ઢીના જાગતલ એવા સરદાર વલ્લભભાઇ પટેલે કર્યા હતા તેવા ઉજાગરા કર્યા વિના આવવાનો નથી. કોંગ્રેસની સરકાર ઢીલી પડે છે. ભાજપની સરકાર ઘણી ઢીલી પડી હતી. ભારતીય શાસકોના વલણમાં જ ક્યાંક કેશરહિતા વિપ્રવિધવાને પક્ષે હોય એવી લાચારીનો અહેસાસ પ્રજાને સતત થઇ રહ્યો છે. તમે કોઇનો વિશ્વાસ ન કરો, પણ હેડલીનો વિશ્વાસ પણ નહીં કરો? આ લાચારી આખરે વલણની લાચારી છે. આપણા ઢીલા ઢીલા અને પોચા પોચા શાસકોમાં મક્કમ ડગલાં માંડવાની નિર્ણયશક્તિ ખૂટતી જણાય છે. દિલ્હીના તખ્તની આસપાસ ક્ષિતજિ પર એક પણ એવો અવાજ સંભળાતો નથી, જે પ્રજાને આશ્વસ્ત કરે અને જવાનોને સાબદા કરે. જે માંદો માંદો અવાજ સંભળાય છે, તે જવાનોના જોસ્સાને ખતમ કરનારો હોય છે. માનવ-અધિકારોને નામે આપણે રક્ષકને દિશાવિહોણો અને ભક્ષકને દયાવિહોણો બનાવી મૂક્યો છે. આપણે આપણી ગંગાસ્વરૂપ ઢીલાશને ઉદારમતવાદી બનાવીને મિથ્યાભિમાનમાં રાચીએ છીએ અને સિવિલ સોસાયટી નામના ભ્રામક સ્વર્ગમાં રહીએ છીએ. આપદ્ધર્મની ક્ષણે કટોકટીમાં સપડાયેલો કોઇ પણ નાગરિક સુખી નથી હોતો. આપદ્ધર્મની ક્ષણે બધા જ લોકતાંત્રિક નોર્મ્સ જળવાય તેવી અપેક્ષા રાખનાર કર્મશીલ નિર્દોષ છે અને નાદાન પણ છે. (લખ્યા તારીખ : ૧૭-૭-૨૦૧૦) પાઘડીનો વળ છેડે ‘આજે આતંકવાદીઓ આપણા ઘરનાં બારણાં પાસે ઊભા છે. આપણા રસોડામાં કટોકટી છે, તેથી ઠનઠન ગોપાલ છે. આપણા વાડામાં નકસલવાદીઓનો મુકામ છે. અને પાકિસ્તાનથી આપણને જુદા પાડતી થોરિયાની વાડઆગમાં ભડભડ બળી રહી છે. (ટા.ઓ.ઇ. ૧૧-૭-૨૦૧૦) - એમ જે. અકબર નોંધ : આપદ્ધર્મની ક્ષણ હવે કેટલી છેટી ? Blog:http://gunvantshah.wordpress.com
(Sunday Bhaskar Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Magazines Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: religion, nonreligion and self religion
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended