Home »Magazines »Utsav» Bhadrayu Vachharajani, Utsav Photografer Ashwin Me

ભીતરની આંખે કેમેરા માંડનાર છબીકાર અશ્વિન મહેતા

Bhadrayu Vachharajani, Utsav | Jan 06, 2012, 03:01 AM IST

સુરતમાં જન્મેલા સિદ્ધહસ્ત છબીકાર અશ્વિન મહેતાએ પોતાના આગવા સિદ્ધાંતોને વળગી રહીને છવ્વીસ વરસ માત્ર ને માત્ર ફોટોગ્રાફી કરી છે. નિજ અંત:ચક્ષુઓને કેમેરાની આંખે એન્લાર્જ કરી વિરાટ પોતાની જિંદગી તરબતર કરી છે.‘અશ્વિન મહેતા’ એની દુન્યવી ઓળખ આપતું નામ. પોતે તેને ટૂંકાવીને ‘અ.મ.’ કહે છે. ‘અ.મ.’ના ફોટોગ્રાફીના આઠ છબીગ્રંથો પ્રકાશિત થયા છે. ‘અ.મ.’ની સાચુકલી ઓળખ આપતું પહેલું અને છેલ્લું પુસ્તક તે ‘છબી ભીતરની...’સિંગાપોર એરલાઇન્સે વિમાનમાં અપાતા દળદાર માસિકમાં, અશ્વિન મહેતાના એકવીસ ‘ફોટો-ફિચર’ આઠેક વર્ષ સુધી છાપ્યાં. આંતરરાષ્ટ્રીય ફોટોગ્રાફરોની મેલી રમતોની ઉપરવટ સિંગાપોર એરલાઇન્સે ચાર મોટા ‘પ્રોજેક્ટ’ પણ તેમને જ સોંપ્યા. ભાવનગરના સૂફી શિક્ષક સુભાષ ભટ્ટે આત્મીયતાથી કહેલું: ‘તીથલ જાઓ છો તો અશ્વિન મહેતાને મળવાનો પ્રયાસ કરજો, ભીતરનો માણસ છે.’ સુભાષ સાથેનો નાતો દિલનો એટલે એના બોલાયેલાં ઓછા શબ્દો પણ શ્રેષ્ઠત્વ તરફ આંગળી ચિંધતા હોય એની શ્રદ્ધા પાક્કી. સુભાષને પૂછ્યું, ‘કેમ, મળવાનો પ્રયાસ કરજો? તમે કહ્યું એટલે મળીશ જ.’ તરત સુભાષ ભટ્ટ માર્મિક હાસ્ય કરી બોલ્યા, ‘એ તો અશ્વિન મહેતા ઇચ્છશે તો તમે મળશો ને? બાપુ, એને નહીં ઊગે તો એ તો તમને બારણું ખોલીને કહી દેશે કે આજે મને એમ નથી લાગતું કે આપણે મળવું જોઇએ! મેં કહ્યું ને કે એ તો ભીતરનો માણસ છે, અંદર ઊગશે તો અને તો જ મળશે.’ સુભાષ ભટ્ટ મિસ્ટિક છે, પણ તેની આ વાત પછી મને એવું લાગ્યું કે અશ્વિન મહેતા સુભાષનાય ગુરુ લાગે છે! નિર્ધારપાકો થયો કે તીથલના ‘તુલસી’ દ્વારે અશ્વિન મહેતા સાથે સત્સંગ કરીને આવવું. સાંઇબાબા રોડ, તીથલ પર ‘તુલસી’ નામધારી પ્રાકૃતિક પરિસરના દરવાજે ગાડી ઊભી રાખી, મારાં પત્નીને ગાડીમાં જ બેસાડી રાખી હું ઊતર્યો, કારણ કહી શકું તેમ ન હતો. જેને મળવું છે તે મળવાનું પસંદ ન કરે તો? ગાડીમાં પાછા ફરીને શો જવાબ દેવો? અમે બંને પરમશાંતિની શોધમાં તીથલના દરિયાકિનારે નિરાંત જીવે રહેવા આવેલાં. મારાં જીવનસંગિની થોડા જ મહિનાઓ પહેલાં ભયાનક વ્યાધિમાંથી પસાર થયેલાં, માથા પર રંગીન સ્કાર્ફ બાંધતાં હતાં. કોઇને ન મળવું એવો નિર્ધાર કરેલો, પણ એ નિધૉરને અશ્વિન મહેતાના ભીતરે પિગાળી દીધો. ‘તુલસી’ના વૃક્ષ આચ્છાદિત મેદાનમાંથી પસાર થઇ હું જાળીવાળા દ્વાર પાસે જઇ ઊભો રહ્યો. અંદરનું મુખ્ય બારણું ખુલ્લું હતું અને દીવાનખંડમાં જ કોઇ આદ્ર સ્વરને ફોન પર વાત કરતો મેં સાંભળ્યો. વાતો ચિંતાભરી હતી, અવાજમાં દુ:ખ હતું, પ્રત્યાયનમાં ઉદ્વેગ હતો. કોઇના બીમાર હોવાથી અશ્વિન મહેતાની વાતચીતમાં ગ્લાનિ ભારોભાર હતી. મેં બંધ જાળી બહાર ઊભા રહીને શાંતિથી આ માહોલ અનુભવ્યો. મને થયું કે આ સમય અનુકૂળ ન ગણાય, હું પાછો ચાલ્યો જાઉં! પણ ફરી મન લલચાયું કે એમનો ચહેરો તો જોતો જાઉં! જેણે પોતાની જિંદગીને પોતાની લાજવાબ ફોટોગ્રાફીથી તરબતર કરી છે તેનો એકાદો સ્નેપ હું મારા મન-કેમેરામાં છાનોમાનો ક્લિક તો કરતો જાઉં! અંદર શાંતિ છવાયેલી હતી. મેં હળવેકથી જાળીનો દરવાજો ખોલી બિલ્લી પગે નાનો પ્રવેશ કર્યો અને હળવેકથી બોલ્યો, ‘અશ્વિનભાઇ, હું રાજકોટથી આવું છું, આપને નિરાંતે મળવું હતું,પણ આપ અત્યારે કોઇ દુ:ખદ સ્થિતિમાં ઘેરાયેલા છો એટલે અંદર નથી આવતો. માત્ર દૂરથી પ્રણામ કહી નીકળું છું.’ હું આટલું બોલી રહું ત્યાં તો તેઓ ઊભા થઇ મારી સામે આવી બોલ્યા,‘જુઓ ભાઇ, અત્યારે મારો જરાય મૂડ નથી કોઇને મળવાનો, પણ તમે જે બોલ્યા તેના પરથી લાગે છે કે તમે સમજુ છો અને અહીં આવ્યા છતાં મળ્યા વગર જતા રહેવા ઇચ્છો છો, એટલે મને એમ લાગે છે કે તમે પાંચેક મિનિટ બેસો.’ અને મારો લાગણી પ્રવેશ થયો. બેત્રણ મિનિટમાંજ મેં કહી દીધું કે મને સુભાષ ભટ્ટે આપને ‘મળાય તો મળવા’ કહ્યું છે. સુભાષે જે કહેલું તે પણ શબ્દશ: કહી દીધું. અશ્વિન મહેતાએ પોતાના હાલના ઉદ્વેગની વાત ટૂંકમાં કરી. મને જાણવા મળ્યું કે તેમના દીકરીને બ્રેસ્ટ કેન્સર થયું છે અને અત્યારે તેઓ કિમોથેરપી માટે હોસ્પિટલમાં ગયાં છે. અશ્વિનભાઇ ઘરે રહીને દીકરીનું દર્દ અનુભવી રહ્યા હતા અને હવે શું થશે તેની ચિંતામાં ડૂબી ગયા હતા. મેં તરત જ કહ્યું, ‘અશ્વિનભાઇ, આપની વાતો જાણીને મને લાગે છે કે મારા કરતાં મારી સાથે જે વ્યક્તિ છે એને આપ મળો તે જરૂરી છે. તેઓ બહાર ગાડીમાં છે, હું તેમને લઇને આવું.’ હું ઊભો થઇ બહાર દોડ્યો, ગાડી લોક કરી મારાં પત્નીને લઇને અંદર આવ્યો. તેમને મેં કહ્યું , ‘આપણે કોને મળવા જઇ રહ્યાં છીએ તે વિગતે પછી કહીશ, અત્યારે ઝડપથી મળી લઇએ.’ અશ્વિન મહેતા કંઇ વિચારે તે પહેલાં અમે બંને તેમનાં ઘરમાં અને કહોને તેમના કૂણા કૂણા હૃદયમાં પ્રવેશી ચૂક્યાં હતાં. મારાં પત્નીના માથા પર બાંધેલા સ્કાર્ફ પરથી અશ્વિનભાઇ ઘણું સમજી ગયા એવું લાગ્યું. મેં તરત પરિચય કરાવ્યો,‘ આ અશ્વિનભાઇ મહેતા. સુભાષે કહેલું તે અને આ મારાં પત્ની ડૉ. ઇલા. આચાર્યા હતાં. આપનાં દીકરી અત્યારે જે વેદના વેઠી રહ્યાં છે તે તેઓ આનંદપૂર્વક વેઠી ચૂક્યાં છે. અશ્વિનભાઇ, આપના ફોન પરના બધા જ પ્રશ્નો મેં સાંભળ્યા છે, તેના જવાબો આપને એક અનુભવી દર્દી આપી શકશે.’ અશ્વિન મહેતાના ચહેરા પરનો ઉદ્વેગ દૂર થયો અને એક બાળસહજ જિજ્ઞાસા પ્રગટી. પાંચ મિનિટ માટે મળવાની મંજુરી આપનાર અશ્વિન મહેતાના ઘરેથી અમે અઢી કલાક સુધી નીકળી ન શક્યાં! ‘તિલુ, સાંભળ, સુભાષના મિત્ર આવ્યા છે અને તેમનાં પત્ની ડૉ. ઇલા તો જાણે આપણી દીકરી થઇને આવ્યાં છે’, અશ્વિનભાઇએ સાદ પાડ્યો ત્યાં તો વ્હીલચેરમાં બેસી તિલુબહેને પ્રવેશ કર્યો અને હસતાં હસતાં બોલ્યાં, ‘સુભાષ પરણ્યો કે નહીં? છ-આઠ વર્ષ પહેલાં આવેલો.’ પછી તો ગોષ્ઠિ જામી. અશ્વિનભાઇ અને તિલુબહેને પ્રશ્નોનો મારો ચલાવ્યો ડૉ. ઇલા પર. વચ્ચે વચ્ચે બંને પતિપત્ની હળવી વડચડ કરતાં જાય, ભાવાવેશમાં આવી રડતાં જાય અને સ્વજનો પાસે ઠલવાતાં જાય. ડૉ. ઇલાને કહ્યું, ‘છ’છ કિમોથેરાપી પછી તમને આટલાં સ્વસ્થ હસતાંરમતાં જોઇ અમને આજે ટાઢક વળી. અમારી દીકરી પણ આવી જ થઇ રહેશે તેનો સધિયારો બંધાયો. તમને અમે ફોન કર્યા કરીશું હો...’ અઢી કલાક પહેલાં હું જે જાળીદ્વારેથી પરાણે ઘૂસેલો તે દ્વાર સુધી ભાવપૂર્વક વળાવવા અશ્વિનભાઇ આવ્યા! અમને લાગ્યું કે સુભાષ સાચો હતો. અશ્વિન મહેતા ભીતરના માણસ છે. *** *** *** સ્વામી આનંદને ગુરુતુલ્ય ગણનાર અશ્વિન મહેતા પણ સ્વામીદાદાની જેમ જ વત્સલ અને તીખા વડીલ છે, સાધક છે, ઝીણા અનુભવી છે અને આનંદ-ઉત્સાહના નાયગ્રા છે. ૧૯૩૧ના ચોમાસાની સાંજે સુરતમાં જન્મેલા અશ્વિન મહેતા સાત વરસ સુધી અલગિઢ પાસેના હાથરસમાં ઊછરેલા. માત્ર હિંદી આવડે. કાળક્રમે, ખબર નહીં પડે એમ માતૃભાષા ગુજરાતી પ્રગટ થઇ. પોતાના વિશે વાત કરવાનું ટાળતાં પહેલાં અશ્વિન મહેતા પોતાની ઓળખાણને બાંધી દેવા ટેવાયેલા છે. ‘અશ્વિન મહેતા’ એની દુન્યવી ઓળખ આપતું નામ. પોતે તેને ટૂંકાવીને ‘અ.મ.’ કહે છે! સોય ઝાટકીને કહેવાનું નહીં, પણ તલવાર વીંઝીને ‘કહેવાનું કહેવા’ ટેવાયેલા ‘અ.મ.’ના ફોટોગ્રાફીના આઠ છબીગ્રંથો પ્રકાશિત થયા છે. બીજા ત્રણ તૈયાર છે પણ તે પ્રકાશિત થવાની શક્યતા પોતાને જ નહિવત્ લાગે છે. ‘અ.મ.’ની સાચુકલી ઓળખ આપતું પહેલું અને છેલ્લું પુસ્તક તે ‘છબી ભીતરની.’ અ.મ. આ પુસ્તકમાં અવ્યક્તપણે વ્યક્ત થયા છે. બચપણનાં દસ-બાર વર્ષ સાવ જ ભૂંસાઇ ગયાં છે અને સારુંનરસું કંઇ યાદ આવતું નથી તેવા અ.મ.ને મહામુશ્કેલીએ ૧૯૩૫ના ધરતીકંપનું એક ર્દશ્ય દેખાયા કરે છે, પણ તે સમયે ઘરમાંથી આંગળી પકડીને ઘરડી કામવાળી બાઇ તેને બહાર ખેંચી જાય છે, અમ્મી નહીં! પોતાની માતા ‘અમ્મી’ સાથેની યાદો સારી નથી. એણે ખોળામાં લઇ ખવડાવ્યું હોય, વાર્તા કહી સુવડાવ્યો હોય, ફૂલપંખી કે ચાંદામામા દેખાડ્યાં હોય, ટપલી મારી મીઠો ઠપકો આપ્યો હોય કે વાંસો થાબડી શાબાશી આપી હોય તેવું કશું જ સાંભરતું નથી. પણ હા, દસ વર્ષથી તે ઠેઠ અઢારમા વર્ષે ઇન્ટરની પરીક્ષા આપી ત્યાં સુધી, વેલણનો માર ખાધાનું યાદ છે. પછી અમ્મી તેને ઉંમરલાયક ગણતી થઇ અને તેના ઊપડેલા હાથ હેઠા પડતા ગયા. પરણ્યા પછી તો કડવાશ વધી. છતાં આ જ અમ્મીને સિત્તેરમા વર્ષે મુંબઇ બહાર કોઇ શાંત જગ્યાએ લઇ જઇ ટીકા-ટિપ્પણી સહિત ‘જ્ઞાનેશ્વરી’ વાંચી સંભળાવે અને પાછલાં વર્ષોમાં વિષ્ણુસહસ્રનામ બોલતાં બોલતાં ખુરશીમાં બેઠાં બેઠાં સૂઇ જતી અમ્મીને ‘સો જા રાજકુમારી સો જા’ એમ મોટેથી ગાઇને ઘણીવાર ખાટલે સૂવા જગાડે તે અશ્વિન મહેતા! સ્વામી આનંદના આત્મીયજન, કવિ ઉમાશંકર જોશીના પ્રિયજન, સંગીતજ્ઞ બટુક દીવાનજીના સ્વજન, ઇન્દિરા ગાંધીના સ્નેહીજન એવા અશ્વિન મહેતાના કોઇ કુટુંબીજનને, સાહિત્ય, સંગીતકળામાં વિશેષ રસ કે સમજ નહોતાં. સ્ત્રીઓ ઘર સંભાળતી અને પુરુષો નિરપવાદ નાનીમોટી નોકરી કરતા. સુરતી લાલા હોવાના નાતે, બધા ખાઇપીને મોજ કરતા ને સમય આવે ગુજરી જતા. રંગ અને રંગની અનુભૂતિ થઇ બારતેર વર્ષની ઉંમરે. નાનાની હવેલીની પાછલી સાંકડી, ધૂળિયા શેરીમાં, એક કાબરચીતરો બકરો, ભડક નડિયાદી લીલા રંગના બારણા પાસે ઊભો હતો. અ.મ.ને તે પહેલા માળની બારીમાંથી અમુક ખૂણે દેખાઇ ગયો ને કોણ કેમ આ અદ્ભુત રંગસંયોજના જોઇ નાનો અશ્વિન હરખાઇ ગયો! બાવીસ વર્ષે હિમાલયના પહેલા પગપાળા પ્રવાસમાં સૌપ્રથમ ફોટા પાડ્યા. આ ફોટા મુંબઇમાં બે પ્રતિષ્ઠિત સામયકિમાં છપાયા; પછીનાં થોડાં વર્ષ, ટાંચીટૂંકી બચતમાંથી મહામુશ્કેલીએ સવા બે બાય સવા બે ઇંચની નેગેટિવવાળો મામિયા ફ્લેકસ કેમેરા ખરીદી શકાયો. પહેલા ફોટા પાડ્યા ૧૯૫૨માં હિમાલયના,તો છેલ્લા પાડ્યા ૧૯૯૯ના ડિસેમ્બરના દક્ષિણ ભારતના સુદીર્ઘ પ્રવાસમાં! આમ ૪૭ વરસમાંથી, અનુસ્નાતક અભ્યાસ, બેકારી ને નોકરીનાં મળીને એકવીસ વર્ષો બાદ કરીએ તો છવ્વીસ વરસ માત્ર ને માત્ર ફોટોગ્રાફી કરીને અ.મ.એ પોતાના અજીબોગરીબ સંસારનું ગાડું ગબડાવ્યું, કારણ સિદ્ધાંતોનું દુરાગ્રહી વળગણ. આજીવિકાના એકમાત્ર સાધન તરીકે ફોટોગ્રાફીનો સ્વીકાર કરતી વખતે કેટલાક નિર્ણયો લીધા: ૧. ગમે તેટલા પૈસા મળતા હોય તો પણ કાપડ-કપડાં, દારૂ-તમાકુની જાહેરખબર માટે ફોટા પાડવા નહીં કે પાડેલા ફોટામાંથી કશું વેચવું નહીં. ૨. જાહેરખબરમાં સ્ત્રીનો દેહ કેન્દ્રમાં રહેતો હોય એવા ફોટા પાડવા નહીં કે પાડેલા ફોટામાંથી જાહેરખબર માટે આપવા નહીં. ૩. કુદરતી પ્રકાશમાં જે કામ થાય તે કરવું, પણ સ્ટુડિયો, મલ્ટિ-ફ્લેશ વગેરેની ઝંઝટમાં પડી બજારું ફોટોગ્રાફી કરવી નહીં. ૪. ‘રિયોર્તાજ’ના ફોટા પણ સામિયકનો વાચક પ્રકૃતિસૌંદર્ય તરફ આકષૉય અને આપણા ભવ્ય વારસાથી અવગત થાય એવા હેતુથી પાડવા. ૫. રેલ, વિમાન, બસઅકસ્માત, ગેસગળતર, પૂર, ધરતીકંપ, સુનામી, યુદ્ધ જેવી માનવીય કે પ્રાકૃતિક દુર્ઘટનાનો ઉપયોગ આપણે પોતાના રોટલા શેકવા કરવો નહીં. આવા કડક સિદ્ધાંતોનું પાલન કરવા છતાં અ.મ.ની કીડીને એનો કણ મળી જ ગયો. સિંગાપોર એરલાઇન્સે વિમાનમાં અપાતા દળદાર માસિકમાં, અશ્વિન મહેતાના એકવીસ ‘ફોટો ફીચર’ આઠેક વર્ષ સુધી છાપ્યાં. ક્યારેક તો છ-આઠ રંગીન પાનાં અંદર હોય અને મુખપૃષ્ઠની છબી પણ એમની જ! આંતરરાષ્ટ્રીય ફોટોગ્રાફરોની મેલી રમતોની ઉપરવટ સિંગાપોર એરલાઇન્સે ચાર મોટા ‘પ્રોજેક્ટ’ પણ તેમને જ સોંપ્યા, પરિણામે ઓસ્ટ્રેલિયા, યુરોપ, અમેરિકા, કેનેડા ને દક્ષિણ આફ્રિકાના અભરેભરી પ્રકૃતિ સંપદાવાળા પ્રદેશો ઘૂમવાની તક મળી. યુનિસેફના નવા વર્ષનાં કાર્ડમાં તો લંડનની એક મોટી કંપનીના ઓરિસ્સા અને દાર્જીલિંગના કામમાં અ.મ. મેદાન મારી ગયા. ૧૯૬૬થી ૧૯૮૦ સુધીમાં શ્યામ-શ્વેત ફોટાના નવેક વ્યક્તિગત પ્રદર્શનો (વન-મેન શો) થયાં. દરેક પ્રદર્શન એક વિષય પર જ રહેતું. અ.મ. કહે છે, ‘ દર્શકને હું ભજિયાંની ‘મિકસ્ડ પ્લેટ’ કદી આપતો નહીં.’ જે જમાનામાં ફોટોપ્રદર્શનો ભાગ્યે જ ભરાતાં તે દિવસોમાં અ.મ. એકપણ પ્રદર્શનનું ઉદ્ઘાટન ન કરાવતા, ઘીના કે મીણના દીવા ન પ્રગટાવતા! આજે બ્યાશી વર્ષે અશ્વિનભાઇને એક જ વાતનો રંજ છે, ‘ઉદ્યોગપતિઓ કરોડો રૂપિયા ક્રિકેટના ને બીજા અનેક જાતના સટ્ટામાં વાપરતા હોવા છતાં, આપણું પોતાનું કહેવાય એવું ફોટો સામિયક નથી. હું ‘કેમેરા’ ઉપરાંત ‘ટ્વેન’ (Twen), ‘દુ’ (Du), ‘ડબલ પેઇજ’, ‘જીયો’ (Geo), ‘લાઇફ’, ‘ઓરિએન્ટેશન’ ને ‘એપર્ચર’નાં ધાવણ ધાવીને ઊછરેલું બાળક છું. ઘણાં સામિયક બંધ થઇ ગયાં છે. કેટલાંયમાં મારું કામ છપાયું છે છતાં આપણા પોતાના ભારતીય ફોટો સામિયકમાં આપણું કામ છપાય તેની મજા તો કંઇ ઓર જ છે.’ આ એ જ અશ્વિન મહેતા છે કે જેમણે પોતાના નામને અને પોતાના કામને પ્રેમ કર્યો છે તેથી નામ અને કામ સાટે કોઇ બાંધછોડ કરી નથી. નાનપણથી એમની મહત્વાકાંક્ષા હતી કે ‘શોગાકુકાન’ મારું પુસ્તક પ્રકાશિત કરે તો દાદુ, આપણે ફોટોગ્રાફી કરી કહેવાય! ૧૯૯૬માં આ અવસર મળ્યો. ‘શોગાકુકાન’ની ન્યૂ યોર્ક ઓફિસના જાપાની મેનેજર કામ જોઇ આફરીન થયા. તેમણે ટોકિયોને પુછાવ્યું. ટોકિયોને પણ કામ ગમી ગયું, પણ એક શરતે. નામમાંથી એક અક્ષરની ને અટકમાંથી બે અક્ષરની બાદબાકી કરી અશ્વિન મહેતામાંથી ‘અસીન માયાટા’ કરવાની શરતે! તરત જ અ.મ એ જવાબ આપ્યો, ‘થેન્કસ! સામે વહેતી હડસન નદીમાં બધું પધરાવવાનું હું વધુ પસંદ કરીશ!’ જાન્યુઆરી ૨૦૦૦થી પ્રવાસ બંધ કર્યા, કેમેરા વેચી કાઢયા ને અ.મ.એ ફોટોલીલા આંશિક સંકેલી લીધી. પાંચ પૈસાભાર લકવાનો હુમલો અને ‘પ્રોસ્ટેટ’ની તકલીફ શરૂ થઇ, પણ ૨૦૦૦થી ૨૦૦૭ના ગાળામાં ફોટોગ્રાફીને લગતાં બે ભગીરથ કામ પૂરાં કર્યા. એક મોટી કંપનીના ભીમકાય અનુદાનથી અ.મ.ના ફોટોસંગ્રહમાંથી તેર શ્રેણીમાં વહેંચાયેલા ૯૧૫ ફોટા પસંદ કરી ‘સ્કેન’ કરાવી ચૌદ ડીવીડીમાં સંગ્રહિત કર્યા. કોઇ પણ ફોટાની ૪૦” x ૬૦” સાઇઝની ‘પ્રિન્ટ’ કાઢી શકાય એવું ‘હાઇ-રેઝોલ્યુશન સ્કેનિંગ’ હતું. તેનો એક સેટ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય સંગ્રહાલય, દિલ્હીને, એક સેટ પોતાના ફોટોએજન્ટને અને બે સેટ જુદી જુદી ફોટોગેલરીને આપી, પોતાના જીવતાં જ પોતાનું ‘ફોટોશ્રાદ્ધ’ અ.મ.એ કરી લીધું છે! બે ઋષિતુલ્ય મહાનુભાવો જે. કૃષ્ણમૂર્તિ અને પીટર ડ્રકરને તથા ભારતનાં જાજરમાન મહિલા વડાં પ્રધાન સ્વ . ઇન્દિરા ગાંધીની બાજુમાં બેસી પોતાના ફોટોગ્રાફ્સ બતાડવાનો અને તે અંગે કલાકો સુધી વિગતો વર્ણવવાનો જીવનલહાવો અ.મ.ને મળ્યો છે. સિકયોરિટીથી ઘેરાયેલાં ઇન્દિરાજીને ખુમારીથી કહેલું છે, ‘આપ આટલાં દૂર બેસીને ફોટોગ્રાકસ જોશો તો જામશે નહીં. અહીં મારી પાસે બેસો તો બરાબર દેખાશે અને તમે શું જોઇ રહ્યા છો તે હું કહી શકીશ.’ અંગરક્ષક વડો આ સાંભળી દોડી આવ્યો, પણ નેહરુ કુટુંબનું ગૌરવ દર્શાવી ઇન્દિરાજી અ.મ.ની પડખે બેઠાં અને ખૂબ જ રસપૂર્વક ચર્ચા કરતાં કરતાં ચારસો પારદર્શીઓ નિરાંત જીવે માણી. અશ્વિન મહેતા પોરસાયા, ‘મારાં રતનની પોટલી કોઇ અજાણ આગળ મેં નહોતી ખોલી! ભારત દેશના નાગરિક હોવાનો મને ત્યારે ગર્વ થયો!’ અ.મ.એ કેમેરામાં મઢેલાં હિમાલયનાં ફૂલોની ચાર ટપાલ ટિકિટો પણ ફલશ્રુતિ રૂપે બહાર પડી. ડૉ. નાર્લિકરની એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોફિઝિકસની સંસ્થા ‘આયુકા’ એ અ.મ.ના ‘કોસ્મિક ઇમેજિસ’ના ફોટા ખરીધ્યા અને અ.મ.એ જાતે પુણે જઇ તે ગોઠવ્યા! બે વરસમાં જુદા જુદા ત્રીસ દિવસોમાં ફકત પાંચ નિહારિકા અને બ્રહ્નાંડીય અવકાશની રિકતતાના આધારે તેઓએ ત્રીસ ફોટા સાચવ્યા. અશ્વિન મહેતા આ ઉત્તમ અનુભવ વિશે કહે છે, ‘છબીકળા ઉપરાંત છબીકસબનો ઉપયોગ કરી બ્રહ્નાના સહોદર બનવાનો મને લહાવો મળ્યો. આ ત્રીસ દિવસનું મારી જીવન; અલમારીમાં અલાયદું ખાનું છે, નિરતિશય આનંદનું, ‘એક્સ્ટસી’નું. માતૃભાષા ગુજરાતી અશ્વિન મહેતાને હિન્દી માહોલ વચ્ચે જયોતિર્લિંગની જેમ પ્રગટી છે. તેમની ભાષાપ્રેમ માટેની ધગધગતી દાઝ આ શબ્દોમાં તેઓ વ્યક્ત કરે છે, ‘સંસ્કૃત ગઇ એટલે એક કાંકરે બધાં જ કબૂતર મરી ગયાં. ભાષા ગઇ એટલે વિચાર ગયો, સંસ્કાર ગયા,સંસ્કૃતિ ગઇ, સાહિત્ય, સંગીત, કળાના ભાવદેહને કેન્સર થયું. નાભિનું સ્થાન મગજે લીધું. એક મહાન પ્રજા રાઇના દાણાની જેમ વેરાઇ ગઇ. આજનાં નંદ-જશોદા પોતાનો કૃષ્ણ પૂતનાને જ ધાવે એવો આગ્રહ રાખે છે! અંગ્રેજી અજગરના ભરડામાં ભલભલાનાં હાડકાં તૂટી ગયા છે!’ અ.મ. પોતાના મિત્ર અકબર પદમશીની સલાહને માથે ચડાવી જીવ્યા, ‘કળાકારે મૂંગા મરવું ને કળાકૃતિને બોલવા દેવી.’ તેઓ સહજ સમાધિભાવથી સ્વીકારે છે, ‘મારી એક મુશ્કેલી છે. જીવનની બારાખડીમાં અધ્યાત્મનો ‘અ’ પહેલો આવે છે ને કળાનો ‘ક’ પછી...’ હા, આ અશ્વિન મહેતા છે,જે ‘તુલસી’ દળમાં સમાયા છે, ઘૂઘવતો દરિયો જાણે સમેટાઇને તુલસીક્યારે સમાધિ લગાવી બેઠો છે. નિજ અંત: ચક્ષુઓને કેમેરાની આંખે એન્લાર્જ કરી વિરાટ વિશ્વદર્શન કરનાર અશ્વિન મહેતા ‘પામી ગયેલું માનવ વ્યક્તિત્વ’ છે. તેના જ શબ્દો આ વાતની સાક્ષી પૂરે છે: ‘...હોવું, માત્ર હોવું. તેમાં જ બિન્દુનું નિ:શેષ નિર્ગલન, સિન્ધુનું અચિંત્ય પ્રાગટ્ય, માયાનું સંપૂર્ણ ઉન્મૂલન, માયાપતિનું નિત્ય સાંનિધ્ય,હોવું, માત્ર હોવું...’ &ભદ્રાયુ વછરાજાની&
(Utsav Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Magazines Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bhadrayu Vachharajani, Utsav Photografer Ashwin me
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended