Home »Magazines »Kalash» Article Of Vihar By Kana Bantwa In Kalash Magazine

સાહિત્ય પરિષદમાં અંધ અંધ અંધારે મળ્યા

Kana Bantwa | Apr 18, 2017, 21:01 PM IST

  • સાહિત્ય પરિષદમાં અંધ અંધ અંધારે મળ્યા,  kalash news in gujarati
સાહિત્ય પરિષદમાં અંધ અંધ અંધારે મળ્યા
ગુજરાતી સાહિત્ય પરિષદમાં અંધ અંધ અંધારે મળ્યા અને પછી ઘેંશ થઈ કે ઘાણી એ તો અંદરવાળા, ઝંડાવાળા અને ટોપીવાળા જાણે, કશુંક રંધાયું ખરું. લાપસી રંધાઈ કે સુરતી લોચો રંધાયો એ તો નીવડ્યે ખબર પડશે, પણ પરિષદના પદાધિકારીઓ સફાળા મળ્યા. બંધ બારણે મળ્યા અને ચર્ચાઓ કરી. ડેમેજ કંટ્રોલની સ્તો. ગુજરાતી સાહિત્યની વાતોમાં એવું તે વળી શું છુપાવવાનું હતું કે બંધ બારણે મળ્યા? મીડિયાને હાજર રહેવા દીધું હોત તો?

સાહિત્યના પ્રસારની ચર્ચા તો ગામના ચોરે થવી જોઈએ. જનતાને એની જાણ થાય એ માટે ઢંઢેરો પીટવો જોઈએ. લાલ દરવાજાના ચોકમાં ખુલ્લામાં મળવી જોઈતી હતી મિટિંગ. જે ગુજરાતી પ્રજા માટે સાહિત્ય સર્જન થતું હોય એનાથી શું છુપાવવાનું હશે? જોકે, આ લોકો પાસે છુપાવવા જેવું તો શું હોય? દેખાડવા જેવું પણ કશું નથી તો. ખોડાં ઢોરની પાંજરાપોળમાંથી દૂધ ન મળે, હાડકાં અને ચામડાં મળે. સડી ગયેલાં, ગંધાતાં.

ચર્ચા વિચારણા પછી બહાર રાહ જોઈ રહેલાં મીડિયાને કહેવામાં આવ્યું કે પરિષદમાં કોઈ વિખવાદ નથી, ટોપીવાળા અધ્યક્ષનું રાજીનામું માગનાર સભ્ય પારેખે પોતાનો પત્ર પાછો ખેંચી લીધો છે. કોઈ રાજકીય પક્ષની બેઠક પછીનું બ્રીફિંગ હોય એવું લાગે છેને? પરિષદના અમુક હિતેચ્છુઓએ પછી ઓફ્ફ ધી રેકોર્ડ એવું કહ્યું કે, ‘ચર્ચાઓ તો ઘણી થઈ, બધી બહાર કહેવા યોગ્ય ન પણ હોય, પરંતુ ગુજરાતી પ્રજા સુધી પહોંચવા માટે પ્રયત્નો કરવાનું અને પરિષદના પ્રયત્નો મીડિયા સુધી પહોંચાડવાનું નક્કી થયું.’

થયું હશે કદાચ આવું પણ નક્કી, પણ એવું ઠરાવાયાની થોડી મિનિટોમાં જ કહેવાયું કે હવે પરિષદના સભ્યો મીડિયામાં વાત નહીં કરે, પ્રવક્તા જ મીડિયા સાથે વાત કરશે. ફરીથી લાગ્યુંને કોઈ રાજકીય પક્ષ હોય એવું ડિયર વાચક? રાજકારણ. રાજકારણ, રાજકારણ. 1998માં ગુજરાતી સાહિત્ય પરિષદના વિકેન્દ્રિકરણું સૂચન થયું ત્યારે આ લખનારે લખ્યું હતું કે વિકેન્દ્રિકરણ અને લોકો સુધી પહોંચવાની વાતો આઇવોશ માત્ર છે. 20 વર્ષ પછી પરિષદ ક્યાં પહોંચી છે? પ્રજાથી કેટલી દૂર થઈ છે?

ત્યારે તો હજી થોડા ઘણા ગુજરાતીઓને પરિષદ અને તેના કામમાં કાંઈક રસ પડતો હતો. 20 વર્ષમાં લોકો સાહિત્યથી સો ગાઉ દૂર ભાગી ગયા છે. ત્યારે પણ ગુજરાતી ભાષાને બચાવવા માટેના સાહિત્યકારોનાં સૂચનોમાં કશું નવું નહોતું, આજે પણ નવું નથી. રાધર, 20 વર્ષ પછી પણ એનાં એ જ સૂચન થઈ રહ્યાં છે. દસમા ધોરણમાં ગુજરાતીના માર્ક્સ ગણતરીમાં લેવા વગેરે સૂચનોથી ગુજરાતી ભાષા જીવવાની નથી. ભાષા એને બોલનારાથી જીવે છે, વાંચનારાથી વિકસે છે, સાહિત્યથી સમૃદ્ધ થાય છે. ભાષા અંગે જાગૃતિ માટે સત્ર ગોઠવવાં, પ્રવચનમાળાઓ યોજવી વગેરે સૂચન કરનાર પર દયા આવે છે.

ભાષણોથી ભાષા બચતી નથી અને એમાંયે પેંધા પડી ગયેલા, બની બેઠેલા, ઘરડા ઘુવડોનાં ભાષણો સાંભળીને સુજ્ઞ વાચક બિચારો અધમૂવો થઈ જાય. સાહિત્યકારોએ ભાષણો કરવાની ખંજવાળ છોડવી પડશે. જે પોતાને સાહિત્યકાર કહેવડાવે છે તે જો દસ વર્ષ માઇકથી દૂર રહેવાનું વ્રત લે અને જે સમય બચે તેમાં જો થોડું ઘણું પણ સત્ત્વશીલ સર્જન કરે તો ગુજરાતી ભાષાનો બેડો પાર થઈ જાય. સાહિત્યકારોએ કશું જ કરવાની જરૂર નથી, માત્ર સારું સર્જન કરવાનું છે. એવું સર્જન જે ગુજરાતી વાચક વાંચે. જેને ગુજરાતી વાચક યાદ રાખે. જે ચિરંજીવ હોય. એવું કાંઈક લખો જેને વાંચવા માટે ગુજરાતી વાચકો પડાપડી કરે.

બાય ધ વે, ગુજરાતી ભાષામાં ચિરંજીવ સાહિત્યનો છેલ્લો ટુકડો ક્યારે લખાયો હતો? હેમલેટ, ઓથેલો, મેકબેથ કે રોમિયો જુલિયેટ જેવી ચિરંજીવ રચનાઓ ગુજરાતીમાં કેટલી જેના પરથી સર્જન થતું જ રહે? ચિરંજીવની તો વાત છોડો, ગુજરાતી સાહિત્યને પોતાની જાગીર સમજતા કેટલાક કલમઘસુઓ, પોતાને સાહિત્યકાર કહેવડાવનારાઓ, જેને ગુજરાતી પ્રજા ઓળખતી પણ નથી તેઓ મૃત સાહિત્ય જ પ્રસવે છે. અધૂરા માસે અવતર્યું હોય તેવું. અને પછી જ્યારે કોઈ ટીકા કરે ત્યારે સફેદ સાડલા પહેરેલી વિધવાઓની જેમ કાગારોળ કરી મૂકે છે. છાતી પીટીને છાજિયાં લે છે અને લાંબી પોક મૂકે છે.

આ લોકો બચાવશે ગુજરાતી સાહિત્યને? ગુજરાતી ભાષાને? કોઈ ચાન્સ નથી. છેલ્લાં વીસ વર્ષમાં ગુજરાતી ભાષાને બચાવવા માટેનાં જે સૂચનો આપણા મૂર્ધન્યોએ કર્યાં છે એમાં ક્યાંય ક્રિએટિવિટી દેખાતી નથી. કોઈ આઉટ ઓફ બોક્સ ઉપાય તેમણે ક્યારેય દેખાડ્યો છે ખરો? મૂળે તો કૂવામાં હોય તો હવાડામાં આવેને? સર્જનશીલતા જ ન હોય તો સૂચનમાં કે સાહિત્યમાં કે વાતમાં કે વાર્તામાં આવે ક્યાંથી? ગયા અઠવાડિયે એવા સાહિત્યકારો માટે રિડન્ડન્ટ શબ્દ વાપર્યો હતો એને ઘણાએ વધાવ્યો, પણ બહુ વિચાર્યા પછી એ શબ્દ મને મિસફિટ લાગે છે. રિડન્ડન્ટ પણ ક્યારેક તો ફળદ્રુપ રહી ચૂક્યા હોય.

એક તંદુરસ્ત સ્પર્ધા રાખવી જોઈએ. જે મહાનુભાવો પોતાને સાહિત્યકાર કહેવડાવે છે તેમણે એક એક ક્રિએટિવ સર્જન કરવાનું. પોતપોતાની જેનરમાં. પોતાનું શ્રેષ્ઠ કૌશલ્ય હોય તે સાહિત્ય પ્રકારમાં સર્જન કરવાનું અને ગુજરાતી પ્રજા પર નિર્ણય છોડી દેવાનો. કેટલા લખી શકે અને કેટલા વંચાય? કેટલા ગુજરાતી પ્રજાને ગમે? કેટલાને જનતા દોબારા-દોબારા કહીને વધાવે? સાહિત્ય પરિષદ આવું કશું કરવાની હિંમત કરી શકે?

સર્જકો પરીક્ષા આપવા તૈયાર થાય ખરા? કેટલા મર્દ નીકળે? સર્જન મર્દોનો ખેલ છે. જગતે જે જોયું નથી તે કલ્પીને એક સૃષ્ટિ રચવાની છે. ધરતીની છાતી ફાડીને નીકળતા જ્વાળામુખી જેવી ક્રિએટિવિટી જેનામાં ફાટફાટ થતી હોય તે સર્જકની જગત હંમેશાં રાહ જોતું રહે છે અને એવા સર્જકો આવતા જ રહે છે. ગુજરાતી ભાષા પણ રાહ જુએ છે. જે સર્જકો ગુજરાતીમાં સારું સર્જન કરી રહ્યા છે તેમની પાસે અપેક્ષાઓ વધુ છે. તેઓ આજે પણ વંચાય છે. કોઈ પરિષદ કે અકાદમીના તેઓ મોહતાજ નથી. અકાદમીના તો કોઈ મોહતાજ ન હોય. સરકારી સંસ્થા પાસેથી કોઈ અપેક્ષા ગુજરાતને નથી.

ત્યાં સરકારી અધ્યક્ષ બદલાય કે રિપીટ થાય, કોને પડી છે? ગત લેખમાં લખેલી એક વાત રિપીટ કરવી છે, ‘ગુજરાતી પ્રજા ગુજરાતી સાહિત્ય કે સાહિત્યકારો કે સાહિત્યની સંસ્થાની નોંધ જ ન લે તે સૌથી ગંભીર પરિસ્થિતિ છે. હજી સમય છે, જાગી જવા માટે. જેઓ ઉજાગરા કરી રહ્યા છે, તેમણે પોઢી જવાની જરૂર છે. બહુ સેવા કરી સાહિત્યની, હવે જંપો. નવી હવા આવવા દો. નવા સર્જકોને આવવા દો. આવકારો એમને. એમને કમાન સોંપો. નવું કરવાનો મોકો નવી પેઢીને આપો. સાહિત્યકારો નિવૃત્ત શા માટે નથી થતા હોતા?

છેલ્લો ઘા : ગુજરાતી સાહિત્ય પરિષદ લેપર્સ કોલોની છે. - ચંદ્રકાંત બક્ષી, 1998
(Kalash Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Magazines Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Article of Vihar by Kana Bantwa in Kalash Magazine
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended