Home »Magazines »Kalash» Article Of Vihar By Kana Bantwa In Kalash Magazine

જે દેશનો ન થયો તે મારો શું થશે?

Kana Bantwa | Mar 15, 2017, 04:02 AM IST

  • જે દેશનો ન થયો  તે મારો શું થશે?,  kalash news in gujarati
જે દેશનો ન થયો  તે મારો શું થશે?

કયા બાપને પોતાનો દિકરો વ્હાલો ન હોય? છતાં સગો દિકરો જ્યારે દેશદ્રોહી કામ કરે ત્યારે તેનો મૃતદેહ સ્વીકારવાની ના પાડી શકે એ બાપને સલામ કરવી પડે. ઉત્તર પ્રદેશનાં લખનઉમાં સૈફુલ્લાહ ખાન નામના આતંકવાદીને 11 કલાકના એન્કાઉન્ટરના અંતે ઠાર મરાયો ત્યારે તેના પિતા સરતાજ ખાને ‘જે દેશનો ન થયો તે મારો દિકરો ન હોઇ શકે’ કહીને તેનો મૃતદેહ પણ સ્વીકાર્યો નહીં. એન્કાઉન્ટર ચાલતું હતું ત્યારે ફોન કરીને તેને સમજાવવાનો પ્રયત્ન કરનાર તેના સગા ભાઇએ પણ આવું જ વલણ રાખ્યું હતું.

કદાચ સૈફુલ્લાહના પિતાને ડર હોય કે આતંકવાદીના પિતા હોવાને લીધે તેમને મુશ્કેલી પડશે એટલે તેમણે પુત્રનો બચાવ ન કર્યો હોય. કારણ ગમે તે હોય, સરતાજે જે કર્યું તે જો બધા આતંકવાદીઓ-ભાન ભૂલેલા યુવાનોના પિતા કરવા માંડે તો સમસ્યા ઘણી હળવી થઇ જાય. રાજકોટ અને ભાવનગરમાંથી આતંકવાદી પકડાયા તેના મા-બાપનું વલણ થોડું સરતાજ જેવું હતું ખરું, પણ દિકરાઓ નિર્દોષ હોવાનું તો તેમને પણ લાગતું હતું.

સૈફુલ્લાહના અન્ય બે સાથીઓ પકડાયા તેના માતા-પિતાએ પોતાના બેટાઓનો ભરપૂર બચાવ કરવાની કોશિશ કરી છે. તેમના મતે દિકરાઓ નિર્દોષ છે. મા-બાપને સંતાનોની ભૂલો સામાન્ય રીતે દેખાતી હોતી નથી. બધા બાપ ધૃતરાષ્ટ્ર હોય છે, છતી આંખે આંધળા જ હોય છે. ધૃતરાષ્ટ્ર વિદ્વાન રાજા હતા, પણ પુત્રમોહમાં અંધ હતા. તેમના સંતાનપ્રેમે જે વિનાશ વેર્યો તે મહાભારત છે. જે મા-બાપને સંતાનોની ભૂલો દેખાઇ જાય છે તેના સંતાનો અવળા માર્ગે ચડતાં નથી.

કાશ્મીરમાં સલામતી દળો પર પથ્થરમારો કરતા યુવાનોને ભાન ભૂલેલા, ભટકેલા યુવાનો કહીને તેની તરફેણ કરવાની કોશિશ થાય છે. આ યુવાનોના મા-બાપ જ જો સરતાજ ખાન જેવું વલણ રાખતા હોત તો કાશ્મીરમાં શાંતિ હોત. માનસિકતા કાશ્મીરમાં, ઉત્તર પ્રદેશમાં અને ગુજરાતમાં સરખી જ છે. બધાને કટ્ટરવાદનું ઝેર પીવડાવવામાં આવ્યું છે. વાસ્તવમાં તો ઝેર પીવડાવવામાં આવ્યું નથી, તેમણે બધાએ પોતાના હાથે ઝેર પીધું છે.

રાજકોટના ક્રિકેટ અમ્પાયરના બે દિકરાઓ ઇસ્લામિક સ્ટેટના ભક્તો બનીને ધડાકો કરવાના આયોજનો કરે કે લખનઉમાં સૈફુલ્લાહ આઠ પિસ્તોલ, સાડ છસો ગોળીઓ, ઢગલાબંધ દેશીબોંબ વગેરે હથિયાર – દારૂગોળો એકઠો કરે અને ભાંગફોડિયા પ્રવૃત્તિ ચાલુ કરે ત્યારે કોઇએ તેમને પરાણે આ રસ્તે ચડાવ્યા હોતા નથી. તેઓ પોતાની ઇચ્છાથી, સારું નરસું વિચારીને આ ધંધે ચડ્યા હોય છે. એ ભટકેલા નથી હોતા, બુધ્ધિપૂર્વક ભારત દેશની સામે જંગે ચડેલા હોય છે. ભટકેલા અને ભાન ભૂલેલા તો એ લોકો હોય છે જે આવા કટ્ટરવાદીઓને બચાવવા નીકળી પડે છે અને બચાવવા નીકળી પડેલાઓ પણ કોઇ ભોળા અને અણસમજુ નથી હોતા.

તેમના પોતાના એજન્ડા હોય છે, હિત હોય છે, મકસદ હોય છે. તે રાજકારણીઓ હોય કે સંગઠનોના હોદ્દેદારો, તેઓ પોતાના ફાયદા માટે સૈફુલ્લાહોને છાવરે છે. કોંગ્રેસ, સમાજવાદી પક્ષ, બહુજન સમાજ પક્ષ, તૃણમુલ કોંગ્રેસ કે પછી અસદુદ્દીન ઓવૈસી રાજકીય રોટલી શેકવા માટે ક્યારે દેશભક્તિની રેખા ક્રોસ કરીને દેશદ્રોહની સીમામાં પહોંચી જાય છે તેનું તેમને જ ભાન રહેતું નથી. ઓવૈસીનું તો વલણ જ કદાચ એ પ્રકારનું છે અને તેણે પોતાના પક્ષની જગ્યા જ કટ્ટરવાદની ભૂમિમાં પસંદ કરી છે, પણ બીજાઓની આંખો ફૂટી ગઇ છે કે તેમને દેખાતું નથી ક્યાં પહોંચી ગયા તે?

આ દેશને અત્યારે સમતોલ રાષ્ટ્રવાદની તાતી જરૂર છે, કોઇ બાજુઅે નહીં ઢળેલો રાષ્ટ્રવાદ. સામાન્ય માનવ સહજ પ્રકૃતિ કોઇ પણ એકબાજુ ઢળી પડવાની છે. ગમવું અને ન ગમવું તે શબ્દો જ ઢળી પડવાનો સ્વભાવ દર્શાવે છે. જેને જે ગમતું હોય તેના તરફ અઢળક ઢળે છે. ઢળીને અટકી જતા નથી, સામેની બાજુએ બધું જ ખરાબ છે એવું પણ માનવા માંડે છે. આવાં ઢળવાનાં વલણથી જ ધ્રૂવીકરણ પેદા થાય છે અને ધ્રૂવીકરણનો મહત્તમ ફાયદો રાજકીય પક્ષો ઉઠાવે છે. અગાઉ મુસ્લિમો અને દલિતો અને યાદવો અને કુર્મી અને ફલાણા અને ઢીંકણા નામે ધ્રૂવીકરણ થતું હતું. હવે હિન્દુત્વના નામે કરવાની કોશિશ કરાય છે.

પહેલાવાળા પણ ખોટા માર્ગે હતા, બીજાવાળા પણ ખોટા માર્ગે છે. ધ્રૂવીકરણ હંમેશા સંકુતચિતતા લાવે. કટ્ટરતા લાવે. અસહિષ્ણુતા લાવે. ઇસ્લામિક સ્ટેટ શું કરી રહ્યું છે? વિશ્વભરના મુસ્લિમોનું ધ્રૂવીકરણ જ કરી રહ્યું છે. ગમે તે દેશનો નાગરિક હોય, તેમને કટ્ટરવાદના નામે ઇસ્લામિક સ્ટેટ ધ્રૂવીકરણ કરીને ટેરરિસ્ટ બનાવે છે. પોતાના જ દેશની સામે લડતો કરી દે છે. આવું ધ્રૂવીકરણ હિન્દુ-મુસ્લિમના નામે પણ થાય છે, ભારતમાં.

તેનાથી સમાજની વિચારધારાનો સંઘર્ષ સ્પષ્ટ છે અને એટલે તેનો અભ્યાસ કરવાની મજા આવે તેમ છે. ત્યાં વિદ્યાર્થીઓનું એક જૂથ પોતાને એટલા બિરબલ માને છે કે કાશ્મીરની આઝાદીની તરફેણ કરવી તે તેમને દેશદ્રોહ લાગતો નથી.  તેમાં કનૈયાથી માંડીને ગુરમહેર સુધીના વિદ્યાર્થીઓ આવી જાય. બીજું જૂથ એવું માને છે કે તેમની વિચારધારાથી અલગ વિચારનાર બધા દેશવિરોધી છે. તેમના માટે રાષ્ટ્રવાદની પરિભાષા એટલે વેલેન્ટાઇન્સ ડેના વિરોધથી માંડીને રોહિત વેમુલાની તરફેણ કરનારાઓને ફટકારવાથી માંડીને કાશ્મીરને ભારતમાં ભેળવી દેવાના નારા પોકારવા સુધીની હોય છે.

આ બંને વિચારધારા જેએનયુમાં ટકરાઇ રહી છે. રામજસ કોલેજ અને જેએનયુ બંને એક જ લાઇન અને લેન્થ પર છે. બંને વિચારધારા પોતાના અંતિમ પર છે અને તેથી કટ્ટર છે. એટલી કટ્ટર કે પોતાની જગ્યાથી એક તસુ પણ હલવા તૈયાર નથી. સમસ્યા પણ આ જ છે. દેશનો સમાજ બે અંતિમો તરફ વહેંચાઇ રહ્યો છે અને એટલે જ સમતોલ રાષ્ટ્રવાદની જરૂર છે. જે રાષ્ટ્રવાદ સરતાજને પણ સમાવતો હોય અને સરજુભાઇને પણ સમાવતો હોય. જે રાષ્ટ્રવાદમાં સમજ હોય.

પારદર્શિતા હોય. ફ્લેક્સિબલ હોય. બાંધછોડને અવકાશ હોય. સારું નરસું વિચારવાની મોકળાશ હોય. જૂનું તે બધું સારું જ અને નવું તે બધું જ ખરાબ એવી ધારણાઓથી જે પર હોય. જે પુરાતન સંસ્કૃતિનું ગૌરવ કરતો હોય, પણ નવી હવાને અવરોધતો ન હોય. જે તમામ દિશાથી સારા વિચારોને આવકારતો હોય. જે કોઇ સંગઠનનો મોહતાજ ન હોય. જે કોઇની જાગીર ન હોય. જેના નામે કોઇ ઓવૈસી કે કોઇ અન્ય પોતાના ઉલ્લુ સીધા કરી જાય એવી ગુંજાઇશ ન હોય.

જે ધરાતલ પરનો રાષ્ટ્રવાદ હોય. જે આભાસી જ હોય. જે હકિકત હોય એટલે ભલે દિવ્ય-ભવ્ય ન લાગતો હોય, પણ જાજરમાન જરૂર લાગતો હોય. જેને સામાન્ય માણસ અડી શકતો હોય. આવા રાષ્ટ્રવાદના પાયા નખાય એ જરૂરી છે. સ્વતંત્ર, સમતોલ, મોકળો, પહોળો, વિશાળ, સર્વસમાવેશી રાષ્ટ્રવાદને જોઇ શકાય જો સંકુચિચતાના ચશ્મા ઉતારીએ તો.
છેલ્લો ઘા : 70 વર્ષનો ભારત દેશ હજી બાળક છે, કારણ કે ઘણાના હાથમાં હજી ‘રમે’ છે.
 
(Kalash Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Magazines Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Article of Vihar by Kana Bantwa in Kalash Magazine
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended