Home »Magazines »Sunday Bhaskar» Article Of Traveling By Preeti SenGupta Thakar In Sunday Bhaskar

ઇન્ડોનેશિયા : મિદાન શહેરની મુલાકાત

Preeti SenGupta | Mar 04, 2017, 19:34 PM IST

  • ઇન્ડોનેશિયા : મિદાન શહેરની મુલાકાત,  sunday bhaskar news in gujarati
ઇન્ડોનેશિયા : મિદાન શહેરની મુલાકાત
મારા ગમતા દેશોની કોઇપણ યાદીમાં એક નામ ઇન્ડોનેશિયાનું હોય જ. ઇન્ડોનેશિયા પોતે એક ટાપુ-દેશ છે. આ દેશ પંદર હજાર જેટલા ટાપુઓનો બનેલો છે. એના ક્ષેત્રફળના પ્રમાણમાં ઇન્ડોનેશિયા ખાસ્સો ગીચ દેશ કહેવાય. એની ત્રીસેક કરોડ જેટલી વસ્તીમાં જુદી જુદી જાતિઓ અને ધર્મોનું બહોળું વૈવિધ્ય છે. મુખ્ય ભાષા તો બહાસા છે, પણ સાથે બસો-અઢીસો જેટલી બોલઓ પણ ખરી જ. દરેક ટાપુ પર રીતરસમો અને કળાવિષયક વિવિધતા પણ પ્રચુર પ્રમાણમાં છે. સુમાત્રા ટાપુની ઉત્તરે આવેલી ભૂશિર પરનું બાન્ડા આચેહ નામનું ગામ ત્યાં 2004માં આવી ચઢેલી ભયંકર  ત્સુનામી હોનારતને લીધે બધાને વધારે યાદ રહી ગયું છે. આ સિવાયના ત્યાંનાં બે મોટાં શહેરોમાં એક, પૂર્વમાં આવેલું મિદાન, અને બીજું, પશ્ચિમે આવેલું પિડાન્ગ છે.

હું કેટલાક મલેશિયન મિત્રો સાથે મિદાન અને આસપાસના પરિસરમાં ગયેલી. શહેરના કેન્દ્રમાં આવેલા, એક જમાનામાં પરેડને માટે વપરાતા મેદાનને ફરતે, ડચ અમલ દરમિયાન બનેલી કેટલીક સુંદર ઇમારતો અકબંધ રહેલી છે, અને નગરપાલિકા, પોસ્ટ ઑફિસ, રાષ્ટ્રીય બેન્ક વગેરે કાર્યોમાં હજી પણ વપરાતી આવે છે.  ઓગણીસમી સદીમાં બંધાયેલા, ત્રીસ ઓરડાઓવાળા સુલતાનના મહેલમાં આજે પણ વારસદારો રહે છે, અને ફક્ત એનો આગલો વિશાળ સિંહાસન-ખંડ જ જાહેર જનતા માટે ખુલ્લો છે.

છતાં એના સ્થાપત્યમાં જણાઇ આવતી મલે, મુગલ અને ઇટાલિયન શૈલીઓને લીધે એ જોવાલાયક બને છે. તો એક શ્રીમંત ચીની વેપારીની હવેલીના સ્થાપત્યમાં ચીની તથા વિક્ટોરિયન ઇંગ્લિશ શૈલીઓનું મિશ્રણ જોવા મળે છે. હાથની ચીતરેલી સુંદર છત, તેમજ ઠેર ઠેર પ્રદર્શિત થયેલી કળાકૃતિઓને કારણે, અને તાઓ ધર્મના એક પ્રાઇવેટ મંદિરને કારણે આ સૌથી અગત્યનું ઐતિહાસિક બાંધકામ ગણાય છે.
વળી, શહેરના મુખ્ય કળાગૃહમાં હિન્દુ, બૌદ્ધ તથા ઇસ્લામિક સંસ્કૃતિ ઉપરાંત, ડચ સમયની તથા મિલિટરી ઇતિહાસને લગતી સામગ્રી જોવા મળી. પ્રાચીન પાષાણ-શિલ્પો અને ખૂબ ઝીણવટવાળી કોતરણી કરેલી કફન-પેટીઓનું પ્રદર્શન વિશિષ્ટ હતું.

આ બધી ઇમારતો જોવા તો સહેલાઇથી જઇ શકાય, પણ હંમેશાં મસ્જિદોમાં સ્ત્રીઓને પ્રવેશ હોતો નથી. સદ્્ભાગ્યે મિદાન શહેરની મુખ્ય મસ્જિદ રાયા જોવા અમે બધાં અંદર જઇ શક્યાં. એક સુલતાને 1906માં એને બંધાવેલી. બાંધકામ મુખ્યત્વે મોરોક્કોની ઇસ્લામિક શૈલીમાં છે, એટલે થાંભલા, કમાનો અને ખૂબ ઊંચી છત તો હોય જ. ઉપરાંત, બધે આકર્ષક કોતરણી, ઇટાલિયન આરસપહાણ ને ચીનથી લવાયેલા રંગીન કાચના લેમ્પ સર્વત્ર શોભા કરતા હતા.

મિદાન શહેરની બહાર કલાકેક ગયા પછી બુકિત લવાન્ગ કહેવાતો પરિસર આવે છે. ત્યાં છે સુમાત્રાનું ગાઢ જંગલ, કે જેમાં ઉરાંગઉટાંગ વાનરો મુક્ત રીતે વિચરે છે. આ ઉપરાંત, જંગલના અન્ય ઊંડા વિસ્તારોમાં વાઘ, હાથી, રાઇનોસોરસ અને ચિત્તા જેવાં અન્ય પ્રાણીઓ પણ વસે છે. એ બધાં સુધી પહોંચવા જેટલું જોખમ અમે લેવાનાં નહતાં, પણ ઉરાંગઉટાંગ વાનરોથી ભરેલા ભાગમાં અમે જરૂર ગયાં. રસ્તામાં વચ્ચે એક ખાલી જગ્યા આવતાં અમે પોરો ખાવા ઊભાં રહ્યાં. મેં થેલાને ખભેથી ઉતારી એક તરફ મૂક્યો.

બસ, એક જ ઘડીમાં કાળા મોઢા અને લાલ વાળવાળો એક મોટો, જબરો વાનર કૂદ્યો, ને બીજી જ ઘડીએ મારાં ગોગલ્સ લઇને ઊંચા વૃક્ષ પર ચઢી ગયો. બધાંએ હોહા કરી મૂકી. બધાંને મઝા પણ પડી ગઇ, કારણ કે એ વાનર પાછો મારાં ગોગલ્સ એના મોઢા પર ચઢાવીને બેઠેલો, અને દાંતિયા કરતો હતો. આમાં કાંઇ બહુ મોટી વસ્તુ ખોવાની વાત નહોતી, એટલે હું પણ હસતી જ હતી. સાથે આવેલા સ્થાનિક ગાઇડ જાણે વાનરની ભાષા બોલવા લાગ્યા. જંગલમાં જાણે દેકારો મચી ગયો.

વાનરની સામે ઊંચે જોતાં જોતાં એ લોકો થોડું દોડ્યા પણ ખરા, પછી જોયું કે વાનર તો કૂદકા મારીને ક્યાંક જતો રહ્યો હતો. એક ગાઇડને થોડું શોધતાં ગોગલ્સ મળી ગયાં. વાનરે થોડી વાર મઝા કરાવી, ને પછી એને ફેંકી દીધાં હતાં. પાંદડાંથી છવાયેલી જમીન હતી એટલે કાચ તૂટ્યા નહોતા. અમે જંગલની બહાર નીકળી આવ્યાં, અને હોટેલ પર પહોંચ્યાં ત્યારે સાંજનું ધુમ્મસ મિદાન શહેર પર ઊતરી આવેલું. સુમાત્રામાં નિસર્ગ સાથે ખાસ પરિચય થયો હતો.(ક્રમશ:) 
(Sunday Bhaskar Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Magazines Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Article of Traveling By Preeti SenGupta Thakar in Sunday Bhaskar
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended