Home »Magazines »Kalash» Article Of Tad Ne Fad By Nagindas Sanghvi In Kalash Magazine

નાણાંનો ઉપયોગ મૂર્તિ નહીં, પણ સમાજ માટે

Nagindas Sanghvi | Mar 15, 2017, 04:05 AM IST

  • નાણાંનો ઉપયોગ મૂર્તિ નહીં, પણ સમાજ માટે,  kalash news in gujarati
નાણાંનો ઉપયોગ મૂર્તિ નહીં, પણ સમાજ માટે
આપણે મૂર્તિપૂજક લોકો છીએ અને દેવોની જોડાજોડ માણસોની મૂર્તિઓની પણ પૂજા કરતા થયા છીએ. છેલ્લાં કેટલાંક વર્ષથી આવી મૂર્તિઓને વધારે ને વધારે મોટી બનાવવાની હરીફાઈ ચાલી રહી છે. ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં જગ્ગી વાસુદેવ સદ્્ગુરુએ 112 ફૂટ ઊંચી આદ્યયોગી શંકરની પ્રતિમાનું અનાવરણ વડાપ્રધાને કર્યું અને યોગનાં ગુણગાન ગાયાં. ભગવાન શંકરની મુખાકૃતિની કોઈ અધિકૃત પ્રતિમા કે વર્ણન આપણી પાસે નથી, તેથી આ મૂર્તિની મુખાકૃતિ કલાકાર કે સદ્્ગુરુની મરજી પ્રમાણે બનાવવામાં આવી.

આંધ્રપ્રદેશમાં હનુમાનની 135 ફૂટ ઊંચી મૂર્તિ વિજયવાડામાં છે. નર્મદા પરિસરના સાધુ ટાપુ પર વલ્લભભાઈ પટેલની પ્રતિમા 500 ફૂટ ઊંચી થવાની છે અને મુંબઈના બારામાં ઊભું થનાર શિવાજીનું સ્મારક 620 ફૂટ ઊંચું બનાવવામાં આવશે. દેવ કે માનવ તરફ સન્માન અને ભક્તિભાવ દર્શાવવા માટે ઊભી કરવામાં આવેલી આ મૂર્તિઓ પાછળ કરોડો રૂપિયા વેડફી નાખવામાં આવે છે. આ નાણાં સમાજના કલ્યાણ કાર્ય માટે દવાખાના કે નિશાળો ઊભી કરવા અને ચલાવવા માટે વાપરવામાં આવ્યાં હોત તો વધારે યોગ્ય થયું હોત, પણ આ લોકોની ભાવનાનો સવાલ છે.
 
તેમાં નાણાંનો હિસાબકિતાબ કરવા બેસવું તે પ્રજાનું અપમાન છે તેવી દલીલ કરવામાં આવે છે. ભાવના અને લાગણી માનવજીવનમાં અતિશય મહત્ત્વનો ભાગ ભજવે છે, પણ મૂર્તિઓ સ્થાપવા માટેની ઘેલછા ગાંડપણની હદ સુધી પહોંચી જાય છે. મૂર્તિઓ ઊભી કરવા માટે અબજો રૂપિયા વેડફી નાખનાર આગેવાનોની યાદી બનાવીએ તો તેમાં પહેલું નામ બહુજન સમાજ પક્ષનાં માયાવતીનું મૂકવું જોઈએ. તેમણે મુખ્યમંત્રી તરીકે પહેલી વાર શપથ લીધા (1995) ત્યારથી તેમણે 2008માં સત્તા ગુમાવી ત્યાં સુધીના સમયગાળામાં પ્રજાકલ્યાણનાં કાર્યો કરવાના બદલે દલિત આગેવાનોના અને ખુદ પોતાનાં પૂતળાં ઊભાં કરવા માટે ઉત્તરપ્રદેશ જેવા કંગાળ અને પછાત પ્રદેશના કરોડો અને અબજો રૂપિયા  વેડફી નાખ્યા.

લખનૌના આંબેડકર પાર્ક અને નોઇડામાં ઊભા કરવામાં આવેલા પાર્કમાં તેમણે ખર્ચેલાં નાણાં ઉત્તરપ્રદેશના દલિત વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવા માટે અથવા ગરીબ કુટુંબોની દાક્તરી સારવાર માટે વપરાયાં હોત તો દલિત સમાજનો વિકાસ વધારે ઝડપથી અને વધારે સુખકર બન્યો હોત. પોતાના કોઈ પણ આગેવાનના દુષ્કૃત્યની જરા સરખી પણ ટીકા કરવામાં આવે તો અણસમજુ લોકો ઉશ્કેરાઈને ગાળાગાળી પર ઊતરી આવે છે, પણ આગેવાનો અને પ્રધાનોની કડક આલોચના કરવી તે લોકશાહીનો ધર્મ છે. 2003થી 2008 સુધીના સમયકાળ દરમિયાન પોતે કરેલી મૂર્ખાઈ અને વેડફી નાખવા ભંડોળ માટે ખુદ માયાવતીએ પસ્તાવો કર્યો છે અને 2017ની ચૂંટણી સભામાં વચન આપ્યું છે કે મને બહુમતી મળશે તો પૂતળાં ઊભાં નહીં કરું.

દેવોની જોડાજોડ માણસની મૂર્તિઓ બનાવવી અને જાહેર સ્થળોએ મૂકવી તેવા રિવાજની શરૂઆત ગ્રીક (યવન) સમાજમાં શરૂ થઈ અને રોમના સમાજમાં તો ચરમસીમાએ પહોંચી. ગમે તેવા આગેવાનો પણ પોતાની મૂર્તિઓ બનાવવા લાગ્યા. ભારતમાં આજે આવું જ બનવા લાગ્યું છે અને આવતા દાયકામાં બધા નેતાઓ પોતાના ઢીંગલા બનાવીને ઠેર ઠેર ગોઠવશે.  રોમના પ્રખર રાજકારણી અને અત્યંત સમજદાર આગેવાન કેટોને પૂછવામાં આવ્યું કે ‘તમારું પૂતળું કેમ મુકાવતા નથી?’ જવાબમાં કેટોએ કહ્યું કે મારા મરણ પછી લોકો પૂછેને આનું પૂતળું શું કામ મુકાયું?

તેના કરતાં લોકો પૂછતા થાય કે કેટોનું પૂતળું કેમ નથી મુકાયું? તો મને વધારે ગમશે. પોતાના ફોટા ઠેર ઠેર છાપવાનું ગાંડપણ આપણા રાજકીય આગેવાનોમાં વધતું જાય છે તે સમાજની બુદ્ધિહીનતાની નિશાની છે અને મહાત્મા ગાંધી, બુદ્ધ અને મહાવીર તેનો ભોગ બન્યા છે. આગેવાનોના મૂલ્યાંકન માટે તેનાં ગુણ, આવડત કે પ્રદાન મહત્ત્વનાં છે કે તેનું નઘરોળ ડાચું મહત્ત્વનું છે તેનો વિચાર આપણે  કરતા નથી.
આવા ઢીંગલાઓ ઊભા થયા છે તેની દશા જોઈએ તો અરેરાટી થયા વગર રહેતી નથી. ટીળકના કે ગોખલેના પૂતળા સામે જોવાની ફુરસદ કોઈને રહી નથી અને પશુપંખીઓ આવાં પૂતળાંઓને ગંદા કરીને મૂકે છે.

તેની સફાઈ વરસમાં એક વાર પણ માંડ માંડ થાય છે. આવા ઢીંગલાઓ સમાજ માટે ત્રાસરૂપ થઈ પડે છે. ગાંધીના પૂતળાનાં ચશ્માં કોઈ ચોરી જાય અથવા આંબેડકરના પૂતળાનું અપમાન થાય તો હુલ્લડો ફાટી નીકળે છે અને કેટલાય નિર્દોષ માણસોના જાનમાલ જોખમમાં મુકાય જાય છે. ભારતે ઝડપી આર્થિક વિકાસ સાધીને ગરીબી નાબૂદ કરવાની છે, નાતજાતના ભેદભાવને ભૂંસી નાખીને એક સમરસ સમાજનું ઘડતર કરવાનું છે, લોકશાહીને તેના સાચા સ્વરૂપે વિકસાવવાની છે-આવાં મહત્ત્વનાં કામ છોડીને સરકારો ઢીંગલાબાજીમાં સમય, શક્તિ અને નાણાંનો બગાડ કરે તેને દેશદ્રોહ  ગણવો જોઈએ.
 
પૂતળાં ઊભાં કરવાથી તેમને કશો ફાયદો થવાનો નથી અને કદાચ તેમના માટે આવાં કામ અણગમતાં છે. વલ્લભભાઈએ ધાર્યું હોત તો સોમનાથની જોડાજોડ પોતાનું પૂતળું ગોઠવી શક્યા હોત. તેમણે આવો ઇશારો પણ કર્યો હોત તો બાકીનું કામ લોકો ઉપાડી લેત, પણ સાચા દેશભક્તો કદી સ્મારકોની પરવા કરતા નથી. તેમની કામગીરી, તેમની સિદ્ધિઓ, સમાજ માટે તેમણે કરેલા પ્રયાસો અને તેમણે આપેલો આત્મભોગ જ મહત્ત્વનાં છે. હજી પણ કશું મોડું થયું નથી અને ભૂલ સમજાય ત્યારે જાગ્યા ત્યાંથી સવાર ગણીને પૂતળાં બનાવવાની પ્રવૃત્તિ પડતી મૂકવી જોઈએ.

આપણી કે સમાજની ભૂલ સુધારી લેવામાં કશી શરમ કે સંકોચ રાખવાની જરૂર નથી. ભૂલ સમજાયા છતાં તેમાં મંડ્યા રહેવું તે નામોશી છે. એકાદ વાર લપસી પડવામાં કશું ખરાબ નથી, પણ પડ્યા પછી ઊભા થવાની કોશિશ કરવાના બદલે પડ્યા રહેવું તે બુદ્ધિહીનતાની પરાકાષ્ઠા છે. જયલલિતા જેવાં કેટલાંક અહંવાદી આગેવાનો પોતાની મૂર્તિ કે પૂજાથી રાજી થાય, પણ કોઈ પણ ડાહ્યો માણસ પોતાની પૂજા કરાવવા રાજી હોતો નથી.

દરેક માણસ, દરેક આગેવાન, દરેક નેતા અપૂર્ણ છે. તેમની વાત સ્વીકારવી અને પાળવી તેવું કહી શકાય, પણ તેમની ટીકા થઈ શકે જ નહીં. તેમની ટીકા કરનાર અથવા તેમની ભૂલ બતાવનાર લોકો અમારા સમાજના શત્રુઓ છે તેવી ભાવના તે સમાજ માટે અતિશય ઘાતક નીવડે છે. વ્યક્તિ અને સમાજ બંને માટે શ્રદ્ધા અત્યંત જરૂરી છે. મોટી આફત વખતે માણસ શ્રદ્ધાથી, ભરોસાથી જ ટકી શકે છે. શ્રદ્ધા વગરનો માણસ, ભરોસો ગુમાવી બેઠેલો માણસ સુકાન વગરની હોડીની માફક તોફાનમાં ખતમ થઈ જાય છે, પણ શ્રદ્ધામાં સમજદારી હોવી જોઈએ, બૌદ્ધિક તત્ત્વનો પણ ઉમેરો થવો જોઈએ.

સમજ વગરની શ્રદ્ધા આંધળી છે અને અંધશ્રદ્ધા સમાજનો સર્વનાશ કરે છે.
 
(Kalash Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Magazines Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Article of Tad Ne Fad by Nagindas Sanghvi in Kalash Magazine
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended