Home »Magazines »Madhurima» Article Of Sambandho Na Samikaran By Dr Himanshu Desai In Madhurima Magazine

ડિલ્યુઝનલ ડિસઓર્ડર

Dr. Himanshu Desai | Apr 17, 2017, 20:23 PM IST

  • ડિલ્યુઝનલ ડિસઓર્ડર,  madhurima news in gujarati
ડિલ્યુઝનલ ડિસઓર્ડર
હમણાં એક બા રડતાં રડતાં પોતાની વાત કરી રહ્યાં હતાં. હા, ‘બા’ એટલા માટે કહ્યું કે તેમની ઉંમર લગભગ 65 વર્ષ આસપાસની હતી. આપણે તેમને કમળાબા તરીકે ઓળખીશું. કમળાબહેનની મુખ્ય ફરિયાદ તેમના પતિ કરસનકાકા માટે હતી. રડતાં રડતાં તેમણે કહ્યું કે, ‘આ કાકાને તો હવે શું કહેવું? આ ઉંમરે આવું બધું બોલતાં, વર્તન કરતાં તેમને શરમ નથી આવતી. થોડીક તો બોલવામાં લાજ-શરમ જેવું રાખવાનું હોય કે નહીં. મારે તેમની સાથે રહેવું જ નથી.’ માંડ માંડ તેમને શાંત પાડ્યાં અને આખી વાત વિસ્તારથી જણાવવા માટે કહ્યું.

કમળાબહેન તેમની દીકરીને લઈને આવ્યાં હતાં. તેમણે જણાવ્યું કે તેમના પપ્પા વર્તનમાં છેલ્લા એકાદ વર્ષથી બહુ ફેરફાર થઈ ગયો છે. તેઓ મારાં મમ્મી ઉપર બહુ શંકા કરે છે. તેમને એવું લાગે છે કે મારાં મમ્મીને કોઈકની સાથે સંબંધ છે અને તે મંદિરે જાય ત્યારે જાણીજોઈને તેમને અવોઇડ કરે છે. મને કહે કે તમે સ્કૂટર ઉપર જાવ. હું ચાલીને આવું છું. થોડા દિવસ પહેલાં તેમના દીકરાના મિત્રના સ્કૂટર પાછળ બેસીને ઘરે આવી તેની સાથે પણ તેને આડા સંબંધ છે.

આ વાત સાંભળ્યા બાદ કાકી અકળાયાં અને કહે કે આપણા દીકરાનો મિત્ર આપણે ત્યાં જ રહીને મોટો થયો છે. તેણે મંદિરેથી ‌આવતાં સ્કૂટર પાછળ બેસવા માટે દબાણ કર્યું એટલે સ્કૂટર પાછળ બેઠી અને કાકાના મનમાં જે ચાલતું હતું તે બધું બહાર આવ્યું. પછી તો કરસનકાકા રોજ કાકીને પૂછે કે આજે તારા કયા સગલાને મળીને આવી? તું શું કરે છે તે મને બધી ખબર છે. હવે તો ગાળાગાળી પણ કરે છે. કાકીને ફોન પર વાત કરતાં જોઈ જાય તો પણ શંકા કરવા લાગે અને કોઈની પણ સાથે તેમનું નામ જોડી દે. થોડા દિવસથી તો ઘરે જમવાનું બંધ કરી દીધું છે. કહે કે કાકી તેમને મારી નાખવા માગે છે.

સવારે ચા પણ પોતેે જ બનાવે અને બજારમાંથી જે લાવ્યા હોય તે પડીકાં ખાય. ક્યારેક હોટલમાં જમીને આવે.  તેમની દીકરીએ તેમને સમજાવવાનો પ્રયત્ન કરતાં કહ્યું કે આ ઉંમરે તમને આવી વાત કરતાં શરમ નથી આવતી અને થોડું ઊંચા અવાજે કહ્યું તો તે પણ હોટ લિસ્ટમાં આ‌વી ગઈ. તેમણે દીકરીને પણ માના કારસ્તાનમાં ભાગીદાર છે તેવી વાત કહી દીધી. તેની સાથે બોલવાનું બંધ કરી દીધું. જમાઈ તેમને સમજાવવા આવ્યા તો તેમનું પણ અપમાન કરી નાખ્યું.

તેમનો દીકરો પૂનામાં નોકરી કરે છે, તેણે આખી વાત જાણ્યા બાદ તરત પપ્પા સાથે ફોન પર વાત કરી. તેના પપ્પા ખૂબ જ ગુસ્સામાં લાગ્યા. તેણે તાત્કાલિક અમદાવાદ આવીને પપ્પાની જોડે વાત કરી. વાત કરતાં લાગ્યું કે તેના પપ્પા વાતને જતી કરવાના મૂડમાં નથી. તેણે તેના પપ્પાના એક મિત્રને આખી વાત જણાવી. તેમણે પણ પપ્પાને આમાં કાંઈ સત્ય નથી તેવું કહ્યું, તો પણ કંઈ વાત માનવા કરસનકાકા તૈયાર ન હતા. છતાં મિત્રના કહેવાથી તેઓ ડૉક્ટરને મળવા તૈયાર થયા. ડૉક્ટરે તેમને જણાવ્યું કે આ એક પ્રકારની વહેમની બીમારી કહેવાય, જે સમજાવવાથી કે બીજી કોઈ રીતે તેમના મગજમાંથી દૂર કરી શકાશે નહીં.

દવાઓ જ આનો એકમાત્ર ઉપાય છે. કરસનકાકાને કહ્યું કે તમે દવા લેશો તો મન થોડું શાંત થશે અને વર્તનમાં ફેરફાર થશે. માંડ માંડ દવા લેવા તૈયાર થયા. પંદરેક દિવસ બાદ તેઓ મળવા આવ્યા ત્યારે તેમનામાં પસાચ ટકા કરતાં વધારે ફેરફાર હતો. હવે ઉગ્રતા ઘટી હતી, ઘરે જમતા થયા હતા, બીજાની વાત સાંભળતા હતા. આ ડિલ્યુઝનલ ડિસઓર્ડર નામની બીમારી છે. ઘણી વાર ઉંમરના કારણે આવા ફેરફારો થાય છે. જેમાં કોઈ બાબતને લઈને મનમાં વહેમ-શંકા ભરાઈ જાય છે અને પુરાવા આપવા છતાં મનમાંથી તે દૂર  થતી નથી.
 
(Madhurima Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Magazines Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Article of Sambandho Na Samikaran by Dr Himanshu Desai In Madhurima Magazine
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended