Home »Magazines »Sunday Bhaskar» Article Of Prashna Vishesh By Bhadrayu Vachharajani In Sunday Bhaskar

કર્ણએ પૂછેલા એ ચાર પ્રશ્નો આજે પણ અનુત્તર છે શું?

Bhadrayu Vachharajani | Apr 15, 2017, 20:47 PM IST

  • કર્ણએ પૂછેલા એ ચાર પ્રશ્નો આજે પણ અનુત્તર છે શું?,  sunday bhaskar news in gujarati
કર્ણએ પૂછેલા એ ચાર પ્રશ્નો
આજે પણ અનુત્તર છે શું?
ભારત શાસ્રોનો દેશ છે. ભારત રૂઢિઓ અને પરંપરાઓનો દેશ છે. ભારતવાસીઓને આચરણો કરતાં કોઇનાં ચરણો પૂજવાનું વધુ ગમે છે. શાસ્ત્ર હોય ત્યાં રૂઢિઓ હોય... રૂઢિપ્રેમીઓને પરંપરા વહાલી લાગે... અને પરંપરા ધીમે ધીમે વળગણ બને. વળગણ નવી વાતોનો અસ્વીકાર કરે છે અને તેથી રૂઢિપ્રેમ આપણને ધીમે ધીમે રૂઢિચુસ્ત બનાવે છે.’ આ થિયરીને ચકાસવી હોય તો રામાયણ કે મહાભારત જેવાં મહાકાવ્યોના ગૂઢાર્થો ચકાસવા પડે અને પછી સ્વીકારવા પડે. આપણાં શાસ્રોના કેટલાક ક્લિષ્ટ પ્રસંગો નવી પેઢીના મનમાં શંકાઓ જન્માવે છે.

વેદવ્યાસનો જન્મ, ધૃતરાષ્ટ્રનો જન્મ, કર્ણનો જન્મ, પ્રસાદરૂપે સ્વીકારેલી દ્રૌપદી, કૌરવોના જન્મો, દ્રૌપદીનું વસ્ત્રાહરણ, એકલવ્યનો અંગૂઠો માંગી લેવાની ચેષ્ટા, ગર્ભવતી સીતાનો ત્યાગ, લવ-કુશ સાથેનું યુદ્ધમય આદાન-પ્રદાન, ખુદ કૃષ્ણ દ્વારા દુર્યોધનનો ઉરુભંગ કરવાની સલાહ... કેટલા પ્રસંગો ગણાવું કે જે આજની પેઢીને ગળે ઉતારવા કઠિનતમ છે. બહુ આજ્ઞાકિત અને રૂઢિચુસ્ત હોય તો ‘હરે હરે’ કહીને ડોકું હકારમાં ધુણાવે પણ એ યુવાન કે યુવતીના મનમાં સંશય તો રહે જ છે.

હા, ભારતીય સંસ્કૃતિની દુહાઇ દઇને ધર્માંધતાનો કોળિયો ગળે ઊતરાવી જ દેવો હોય તો વાત અલગ છે! હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી દરેક ધર્મના શાસ્ત્રાધારોની સમજને આવતીકાલની પેઢીના મગજમાં ઉતારવામાં નિષ્ફળ જઇ રહ્યા છીએ તેથી તો આ બધા જ ધર્મોમાં વૃદ્ધો વધુ ને યુવાનો મુઠ્ઠીભર દેખા દે છે.  હમણાં રાજકોટમાં કલાનિકેતન દ્વારા વિશ્વ રંગભૂમિ દિનની પૂર્વસંધ્યાએ રજૂ થયેલ એક પ્રયોગાત્મક નાટક નિહાળવાનો લહાવો મળ્યો. ભરત યાજ્ઞિક સૌરાષ્ટ્ર-ગુજરાતના પરિશ્રમી અને પ્રયોગખોર નાટ્યકર્મી છે.

આકાશવાણી, રાજકોટમાં જ શ્વસ્યા છે અને તેથી રંગભૂમિનાં બધાં જ માધ્યમોને પોતાનાં નાટકોમાં રજૂ કરવાની હથોટી છે. બાસઠ વર્ષની સંસ્થા ‘કલાનિકેતને’ પંચાવનથી વધુ નાટકો આપ્યાં છે. રંગભૂમિની વંદના કરવા ‘નાયક-પ્રતિનાયક’ નાટક ભજવાયું હિન્દીમાં. સંસ્કૃત સાહિત્યના પહેલવહેલા અને ખૂબ જ ઉજવાયેલા પ્લેરાઇટર કવિ ભાસના નાટકનો આધાર લઇ ‘નાટક-પ્રતિનાયક’ની સ્ક્રિપ્ટ ભરત યાજ્ઞિકે તૈયાર કરી. તેમાં ગુણવંત શાહ અને ઉમાશંકર જોષીના મહાભારત ભાષ્યોનો સબળ ટેકો લેવાયો અને તેનો આદરપૂર્વક ઉલ્લેખ થયો.

કહેવાય છે કે ભાસ નાટ્યશાસ્ત્રના નિયમોને અનુસરનાર નથી. Physical Violence on Stageનો પ્રયોગ તેમના ‘ઉરુભંગ’ નાટકથી થયો. સંસ્કૃત ભાષાના પ્રાચીન ભારતનાં બે જ નાટકો કરુણ નાટકો ગણાયાં અને તે બંને ભાસનાં ‘કર્ણભાર’ અને ‘ઉરુભંગ’. મહાભારતનો વિલન દુર્યોધન અહીં હીરો છે. ભાસ મહાકાવ્યના હીરોની બહુ તરફેણ કરે છે કારણ તેનો વિલન જે હીરો છે તે તેના વિરોધીઓને સિમ્પથી દ્વારા ટ્રીટ કરે છે! ભાસે અહીં તેનું નામ સુયોધન રાખ્યું છે...

વાત તો એ જ છે. આક્ષેપો-પ્રતિઆક્ષેપોની, એક છળ સામે બીજા છળની, અવૈધિક જન્મોની બયાનબાજીની! છળકપટથી નહીં પણ શાસ્ત્રાધારોના સમર્થનથી થતાં છિનાળાની! કૃષ્ણ યુદ્ધ ટાળવા વકીલાત કરે અને સુયોધન તથા કર્ણને શામ-દામ-દંડ-ભેદ બતાવી પાંચ ગામ પાંડવોને આપી દેવા સમજાવે ત્યારે કૃષ્ણ આજના કોઇ રાજકીય પક્ષના અઠંગ ખેલાડી જેવા દીસે છે... અને પુરાવાસૂત્ર મળે છે: જે અહીં છે તે બધું જ મહાભારતમાં છે અને જે મહાભારતમાં નથી તે ક્યાંય નથી.

શબ્દભારવાળી સ્ક્રિપ્ટનું સુંદર મંચન છે. કર્ણ મનમાં વસી જાય છે. તરછોડાયેલું બાળક દત્તક લેવાનું મન થઇ આવે એવો કર્ણ યોગેશ્વર કૃષ્ણની બધી જ વાતો સાંભળ્યા પછી ચાર ધારદાર પ્રશ્નો પૂછે છે અને તેના જવાબ આપવામાં કૃષ્ણ અનુત્તર બની રહે છે: 1. અપને સંવેગો પર જિનકા કોઇ અંકુશ નહીં વે રિષી કૈસે? મહર્ષિ કહાં કે? 2. જિનકે ક્રોધ સે ભયભીત હો સમાજ ઉનસે કલ્યાણ કી આશા ભી ક્યોં? 3. સેવા સે યદિ પ્રસન્ન હુએ મહર્ષિ, તો પુત્રરત્નકી જિન્હેં બડી આવશ્યકતા થી, ઐસે રાજા કુન્તીભોજ કે બદલે, વરદાન સ્વરૂપ ગુરુ મંત્ર રાજકન્યા કો ક્યોં? વો ભી કુંતી સમ કુમારિકાકો ભોગ કર?!

4. ઇસ છલકો માન ભી લેં એક પલ, તો મુગ્ધાને તો જિજ્ઞાસાવશ પ્રયોગભર કિયા થા, માંગા તો કુછ નહીં થા, ફિર ભી સૂર્યદેવ દ્વારા દુરાગ્રહપૂર્વક પુત્રરત્ન કી ભેંટ? ઇસે ભી માન લેં કુછ પલ, તો દેવને દિયા, ઉસ દેવ સમર્પિત ફૂલકો સમાજ સમર્પતિ કરને મેં સંકોચ કૈસા? લજ્જા ઔર ભય ભી ક્યોં?... કર્ણએ પૂછેલા આ ચાર પ્રશ્નો આજે પણ અનુત્તર છે! ભાસના નાટકને ભરત યાજ્ઞિક દ્વારા મનુ શર્માની પુરાણી ‘કર્ણની આત્મકથા’ સાથે જોડવામાં આવી છે. ભાવકને અનુભૂતિ થાય છે કે કૃષ્ણ નાયક છે, તો કર્ણ અને સુયોધન પ્રતિનાયક છે, પણ ખલનાયક નથી. શ્રીકૃષ્ણ પાસે એ ચાર વેધક પ્રશ્નોના ઉત્તરો ન હતા તેમ આજે પણ અનાથાશ્રમમાં તરછોડાયેલાં બાળકોને આપી શકાય તેવા જવાબ કોઇ ઋષિ, સંત, સુધારક કે શાસક પાસે નથી. આજે પણ સૌ લાચારીનો બુરખો પહેરી મૂંગામંતર છે!!
 
(Sunday Bhaskar Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Magazines Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Article of Prashna Vishesh by Bhadrayu Vachharajani in Sunday Bhaskar
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended