Home »Magazines »Sunday Bhaskar» Article Of Prashna Vishesh By Bhadrayu Vachharajani In Sunday Bhaskar

હજુ શબરીને રામની પ્રતીક્ષા?

Bhadrayu Vachharajani | Mar 11, 2017, 02:35 AM IST

  • હજુ શબરીને રામની પ્રતીક્ષા?,  sunday bhaskar news in gujarati
હજુ શબરીને રામની પ્રતીક્ષા?
લગભગ ત્રીસેક વર્ષો પહેલાં ‘નંદિગ્રામ’નું અંકુર ફૂટ્યું. મહાનગર મુંબઈની યાંત્રિક દોડધામ-બેસુમાર ગીરદી-અવિરત ઘોંઘાટ-પ્રદૂષિત હવા-ભૌતિક સ્વકેન્દ્રી જીવનશૈલીથી કંટાળી કેટલાક નીમપાગલો નાનકડા ગામડાની ગોદમાં આવીને બેઠા. એક કરોડની વસતિ છોડી મુઠ્ઠીભર મિત્રો મહાનગરી ત્યજીને ચાર-પાંચ હજારની વસતિ ધરાવતા ગામમાં આવ્યા. સ્વચ્છ નિરામય જીવનશૈલી અપનાવી કે જેના પાયામાં અધ્યાત્મ હોય અને કાર્યદિશા સામાજિક જવાબદારીની હોય. વલસાડ શહેરથી વીસ કિલોમીટરના અંતરે વાંકલ ગામના પાદરમાં આત્માનું આનંદધામ વિકસ્યું અને તે ‘નંદિગ્રામ’ કહેવાયું. ભાવનાનું એક નાનું બીજ આજે તો ઘટાદાર વૃક્ષરૂપે વિકસી ગયું છે.

નંદિગ્રામ ગ્રામવિસ્તારમાં છે, રોડથી અંદર પ્રવેશદ્વાર છે અને પ્રવેશદ્વારથી ય અંદર આનંદધામ છે, તેથી નંદિગ્રામ શાંત છે, સુંદર છે, વૃક્ષો અને તેમાંથી ખરેલાં પાંદડાંથી મૈત્રીભર્યું છે, ચોમેર લીલાં વૃક્ષો છે તો વૃક્ષોથી દૂર પર્વતોની વચ્ચેથી આદિત્યનારાયણ દેવ સવાર-સાંજ નંદિગ્રામમાં હેતભર્યું ડોકિયું કરે છે. અહીં પ્રાર્થના-ઉપાસનાનાં પ્રેરણાસ્થાનો છે, પણ તે સાવ સહજ છે, કશાં જ મોટાં બાંધકામોથી ઢંકાયેલાં નથી. સહિયારી ભોજન વ્યવસ્થા છે,

ગીર ગાયોની ગૌશાળા છે, સજીવ ખેતી થાય છે. અહીં જ ઉગાડેલાં સાત્ત્વિક ઓર્ગેનિક ધન-ધાન્ય-શાકભાજીમાંથી જ પોષક રસોડું સાધકો જ ચલાવે છે. અહીં કશો જ નિયત ક્રમ નથી, કારણ પ્રકૃતિ તમને પોતાના ક્રમમાં આકર્ષી જ લે છે. સહજ થાય તે જ સ્વીકાર છે, અહીં! છાશવિતરણથી નંદિગ્રામનું દ્વાર ખુલ્યું હતું, તે આજે આસપાસનાં સોથી વધુ ગામોમાં પ્રવેશી ચૂક્યું છે. નંદિગ્રામની બધી જ પ્રવૃત્તિઓ વંચિતજનોને સહાય થવાની અને ગરીબીરેખા નીચે જીવતા ગ્રામજનોની સગવડ વધારવા ભણીની છે.

આરોગ્ય, શિક્ષણ અને ગ્રામવિકાસનાં કાર્યો કશો જ ઢોલ પીટ્યા વિના શાંતિચિત્તે સાધકો-ઉપાસકો-મુલાકાતીઓ કરે છે. નંદિગ્રામમાં નાનું દવાખાનું છે, નાનું કેળવણી કેન્દ્ર છે, નાનું છાત્રાલય છે. અહીં ઘણું બધું થાય છે, પણ નાના પાયે. જેની મહત્તમ જરૂરત હોય તેના માટે, જેની અદમ્ય ઇચ્છા હોય તેમના દ્વારા! દિલથી ઊગ્યું તો દિલ સુધી પહોંચાડ્યું! નહીં કર્યાનો ભાવ કે નહીં કશું જ ઓશિયાળાપણું, તેથી જ તો નંદિગ્રામ બની રહ્યું છે: આત્માનું આનંદધામ.

હા, આ વિસ્તારમાં ચેરાપુંજી જેટલો વરસાદ પડે છે, છતાં પાણી જમીનમાં સચવાતું નથી, કારણ ધરતી પથરાળ છે. પીવા માટે કે ખેતી માટે પાણી નથી, તો નહાવા-કપડાં ધોવા કે શૌચાલયમાં વાપરવા પાણી ક્યાંથી હોય? નંદિગ્રામ આ દિશામાં ઘણું કામ કરી રહ્યું છે. જોકે, નંદિગ્રામને સરકારી ખાતાઓ સાથે કામ કરવું ગોઠ્યું નથી, કારણ ભૂતકાળનાં કામો દરમિયાનનો અનુભવ સારો નથી, છતાં તેનો કોઈ વિવાદ નથી. નેવું ટકા કામ સહૃદયી શુભેચ્છકોનાં તન-મન-ધનના સહયોગથી જ થયાં કરે છે. ‘આંતરજગતનો ઉઘાડ અને અન્યના બાહ્યજગતમાં ઉજાસ,’ આ પથ પર પ્રયાણ થતું રહે છે, કારણ અહીં એક શબરી રામની પ્રતીક્ષામાં બેઠી છે!

આધ્યાત્મિક સાધના માટે અહીં ઉચ્ચ ચેતનાનાં આંદોલનો છે, કારણ અહીં સાંઈ મકરંદનું સાધનાતીર્થ છે અને ઇશા કુન્દનિકાનું મૌનતીર્થ છે. ગુરુ ગોરખનાથ અને ભાઈ નાથાભાઈ જોશીના પ્રીતિપાત્ર સંતકવિ મકરંદ દવે અને આકાશમાં સાત પગલાં ભરી ચૂકેલાં કુન્દનિકા કાપડિયાની સપ્તપદીથી નંદિગ્રામ સીંચાયું છે. આજે 91 વર્ષે દિવ્ય સ્મિત સાથે મંદકંઠે સહજ ગોષ્ઠિ કરતાં ઇશા કુન્દનિકાને સહૃદયીઓથી ‘ઇશા મા’ જ કહેવાઇ જાય છે.

અહીં વ્યક્તિ ક્યાંય નથી, પણ નંદિગ્રામમાં પ્રકૃતિની ગહન ચેતનાની પરમ હાજરી છે. ‘સહજ સમાધિ ભલી’નો અહેસાસ થયા વિના ન રહે. મકરન્દ દવેના શબ્દોમાં, ‘આ નૂરવિહોણી દુનિયામાં મેં એક જ નૂર સદા દીઠું, એક પંખી ટહુકી ઊઠ્યું તો લાગ્યું કે તું નારાજ નથી.’ {
 
(Sunday Bhaskar Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Magazines Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Article of Prashna Vishesh by Bhadrayu Vachharajani in Sunday Bhaskar
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended