Home »Magazines »Kalash» Article Of Nile Gagan Ke Tale By Madhu Rai In Kalash Magazine

‘અહીંયાં કિડની ઊગે છે’

Madhu Rai | Apr 18, 2017, 20:59 PM IST

  • ‘અહીંયાં કિડની ઊગે છે’,  kalash news in gujarati
‘અહીંયાં કિડની ઊગે છે’
ઘરડાંઓની પત્રિકા એએઆરપી બુલેટિનમાં અવારનવાર ઘરડાંઓને આનંદ આવે તેવા સમાચાર આવતા હોય છે. આ વખતે છે ડો. એન્થની અટાલા સાથેનો અતિ રસપ્રદ સંવાદ. રસપ્રદ શાથી? રસપ્રદ એટલા માટે, કે ડો. અટાલા પોતાની પ્રયોગશાળામાં કિડની વગેરે અંગો ઉગાડે છે; તે રીતે ઉગાડેલાં અંગો ભવિષ્યમાં દરદીઓના શરીરમાં રોપાય છે અને તે રીતે જરૂરતમંદ રોગીઓને અંગદાતાની જરૂર રહેશે નહીં!   

સાહેબ, પણ અંગ ઉગાડવાની જરૂર ખરી? તમે દાંતમાં આંગળો ભરાવીને પૂછો છો? યસ, સાહેબ, હવે લોકોની આવરદા વધી ગઈ છે. વૃદ્ધાવસ્થામાં અંગો વ્યવસ્થિત કામ આપતાં નથી તે તો જગજાહેર છે. ફેફસાં કે હૃદય કે યકૃત કે મૂત્રપિંડ યાને કિડની બદલવાની જરૂર પડે જે બીજા ઇસમના બદનમાંથી કાઢીને દરદીના બદનમાં રોપાય છે, જેને ઓરગન ટ્રાન્સપ્લાન્ટ અથવા પ્રત્યારોપણ કે અંગદાન કહેવાય છે. આવાં અંગોની સતત તંગીના કારણે જરૂરતમંદ રોગીઓનું વેઇટલિસ્ટ લાંબું હોય છે. એટલે ડો. અટાલા તે તંગી દૂર કરવાના વિધવિધ ઉપાયો એમની લેબોરેટરીમાં શોધે છે.

ઓહ! તમે મોંમાંથી કાઢેલો આંગળો મસ્તકમાં ફરેવો છો, પણ તે વળી કેમ થાય? એ વળી તમે કઈ રીતે ‘ઉગાડો’ છો? એવું છે ને સર કે દરદીના જ શરીરમાંથી ટિશ્યૂનો નાનો પીસ લેવાનો, આંગળીના વેઢા જેટલો, યુ ફોલો? તેને પ્રયોગશાળામાં વિકસાવવો. શરીર આપણું બનેલું છે કોષોનું તથા તે કોષોને સાંધી રાખનાર ‘કોલોજેન’ નામક ‘ગુંદર’નું. હવે માણસ તેવો ગુંદર પ્રયોગશાળામાં પણ બનાવી શકે છે. એટલે દરદીના લીધલા ટિશ્યૂને માનવનિર્મિત કોલોજેન જેવા ગુંદરની સહાયથી કિડની કે બીજું જે અંગ જોઈતું હોય તેના આકારમાં ‘ઉગાડી’ શકાય યાને વિકસાવી શકાય તો તેને ફરીથી દરદીના શરીરમાં રોપી શકાય.

કોઈ ત્રાહિત અંગદાતાની જરૂર રહે? નહીંઈંઈં! ડોક્ટર સાહેબ મંદ મુસ્કુરાતાં કહે છે કે તમે એક પછી એક લેયર ઉમેરતાં ઉમેરતાં કેક બનાવો તેમ તે ઢાંચા ઉપર એક પછી એક લેયર લગાડતા જવાનું ને પછી માણસના શરીર જેટલી જ ગરમ ભઠ્ઠીમાં મૂકવાનું જે ભઠ્ઠીમાં ઓક્સિજનનું પ્રમાણ પણ માણસના શરીરમાં હોય છે તેટલું જ હોય અને બસ, ખમણ ઢોકળાં કે હાંડવો બને તેમ બની જાય બ્રાન્ડ ન્યૂ કિડની કે વ્હોટેવર.
ઓ બાબા રે, તે સાહેબ તમે હજી પ્રયોગો જ કીધેલા છે કે કોઈના બદનમાં આવી રીતે ઉગાડેલી કિડની બિડની લગાડી બી છે?

હં:મ્મ! ડોક્ટર સાહેબ ચશ્માંનો દાંડો પોતાના દાંતમાં ખોસીને જવાબ આપે છે કે અમારી ટીમે 30 જાતના ઓરગન્સ અને ટિશ્યૂઝ બનાવેલા છે. જેમ કે શ્વાસનળી (ટ્રેકિયા), હાંડકાં, તરુણાસ્થિ (કાર્ટિલેજ), સ્નાયુઓ, કાન, તેમજ બીજાં મહત્ત્વનાં અવયવો. હાલ અમે સપાટ વસ્તુઓ જેમ કે ત્વચા યાને ચામડી; તેમજ નળાકાર અંગો જેમ કે મૂત્રમાર્ગની નળી (યુરેથ્રા ચેનલ), તેમજ પોલાં અંગો જેમ કે મૂત્રાશય (બ્લેડર) અને યોનિ (વજાઇના) દરદીના શરીરમાં રોપી શક્યાં છીએ, પરંતુ હજી કિડની, ફેફસાં કે હૃદય જેવાં સંકુલ અંગોમાં કામયાબી મેળવી નથી. પુનર્યોજન વિદ્યા (રિજનરેટિવ મેડિસિન) માટે એ મોટો પડકાર છે.
તમારા મનમાં એક અજબ વિચાર આવે છે.

માનો કે યુદ્ધમાં કે આગમાં કોઈ સૈનિકનું શિશ્ન જોખમાયું હોય તો તેનું ‘પુર્યોજન’ થઈ શકે, કે થઈ શકશે? ડોક્ટર સાહેબની આંખો ચમકી ઊઠે છે. આ વિષય તો અમારા માટે અત્યંત અગત્યનો છે, કેમ કે શિશ્ન મરદની નિશાની છે. અમે પ્રયત્ન કરીએ છીએ કે કોઈ અન્યનું શિશ્ન લઈ તેને દરદીના જ શરીરના કોષોને ‘બીજ’ રૂપે સંચિત કરીને લિંગાકારની અંદર ઉત્તોલન પેશી (ઇરેક્ટાઇલ ટિશ્યૂ), સ્નાયુ પેશી અને મૂત્રમાર્ગ એમ ત્રણ દાંડા મૂકીને વ્યવસ્થિત પુનર્યોજન કરી શકીએ. સસલાના શિશ્નનું એ રીતે પુનર્યોજન સફળ થયું છે. એવાં સસલાંઓને બચ્ચાં પણ થયાં છે.

ગગનવાલા સોચે છે, સરસ, વેરી નાઇસ, વેરી નાઇસ. પણ વાર્ધક્યની જગ્યાએ જુવાનીનું પુનર્યોજન થાય ખરું કે? ભાઈ મન છે, માંકડું છે, કૂદાકૂદ કરે છે.
જય બજરંગબલી!
(Kalash Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Magazines Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Article of Nile Gagan Ke Tale by Madhu Rai in Kalash Magazine
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended