Home »Magazines »Kalash» Article Of Nile Gagan Ke Tale By Madhu Rai In Kalash Magazine

‘લાઇક ફાર્મિંગ’ : ધરમ કરતાં ધાડ

Madhu Rai | Mar 15, 2017, 03:59 AM IST

  • ‘લાઇક ફાર્મિંગ’ : ધરમ કરતાં ધાડ,  kalash news in gujarati
‘લાઇક ફાર્મિંગ’ : ધરમ કરતાં ધાડ
હવે લગભગ બધા પાસે સ્માર્ટ ફોન છે અને હવે દરેક જણ ને જણી તેમજ અંકલ કે આન્ટી ને કઝિન બ્રધરો ને ફ્રેન્ડો ફેસબુક ઉપર છે. તમારા ફેસબુકના પાને દંપતીઓના, ફૂલોના  ગજરાના, સુવાક્યોના, ભગવાનના ફોટા તેમજ સૂર્યોદયનાં ચિત્રો સાથે ન્યૂઝ ફીડમાં હૃદય કકળાવી મૂકે તેવા કરુણ ફોટાઓ પણ દેખા દે છે; બે નાકવાળું ભૂલકું, કારમી ઈજાગ્રસ્ત બાળકી, પગ વિનાનો સોલ્જર. સાથે વિનંતી હોય છે કે તમે ‘લાઇક’ કે ‘શેર’ કરશો તો દરેક વાર માર્ક ઝુકરબર્ગ ચિલ્ડ્રન્સ હોસ્પિટાલમાં પાંચ–પાંચ ડોલરનું દાન કરશે.
 
કમ સે કમ કોમેન્ટ તો  જરૂર લખજો, ‘દયા ધરમ કા મૂલ હૈ!’ તમને થાય કે સાચું હશે કે ગપ્પાં હશે? પણ છતાંય ચાલોને લાઇક કરીએ, શેર કરીએ, કોમેન્ટ કરીએ, એમાં આપણું શું  જાય છે?  મની મેગેઝિનમાં ક્રિસ્ટન બેહલર નામે લેખિકા કહે છે, કે સાહેબ, એમાં આપણું બધું જાય છે. ધરમ કરતાં ધાડનાં આવા ધતિંગને ‘લાઇક ફાર્મિંગ’ કહેવાય છે. આવા ફોટાને કોમળ દિલના યૂઝરોની હજારો લાઇક, શેર કે કોમેન્ટ મળતી હોય છે. પરંતુ આ તો 21મી સદીનો ‘સંતોષી માનો કાગળ’ યાને ચેઇન લેટરનો નવો વાઘો છે.

આ સ્કેમરો યાને ધુતારાઓ એવા ફોટા મેગેઝિનોમાંથી ઉપાડી લાવે છે અને લાઇક કે શેર કે કોમેન્ટ કરો એટલે જેટલી માહિતી તમે ફેસબુક ઉપર હોંશે હોંશે ઠાલવેલી તમારા વિશેની તમામ માહિતી આપોઆપ સેરવીને, તમારા પાનાને આખું ભૂંસી તમારા નામે ‘નવી’ ભળતી માહિતી મૂકે છે, ને તમારું ‘નવું’ પાનું જોનાર તમારા દરેક ફ્રેન્ડોના કમ્પયુટર/ફોન ઉપર કુત્સિત ‘માલવેર’ કે ‘પ્ફિશિંગ’નાં ગુપ્ત વાયરસ થકી તે બધાંનાં કમ્પયુટરો ઉપરની તેમની ખાનગી માહિતી–બેન્કના પાસવર્ડ, ક્રેડિટ કાર્ડના નંબર, અંગત ફોટા, પત્રો, ગુપ્ત વાતો–જાણી તમને ને તેમને દરેકને બ્લેકમેઇલ પણ કરી શકે છે.

ઘણા મુસ્ટન્ડાઓ ‘છોકરી’ બનીને બુઢ્ઢાઓ સાથે સેક્સી વાતો કરે છે, નગ્ન ફોટાની આપલે કરે છે. અથવા ડાર્લિંગ, આઈ લવ્વ યુ સો મચ! અમેરિકાથી મારે તને એક સૂટ અને એક સરસ ઘડિયાળ મોકલવાં છે, સાથે વાપરવા માટે 1000 ડોલર રોકડા પણ બીડું છું. તું બેપાંસ હજાર રૂપિયા આપી પારસલ છોડાવી લેજે. ટોટલ ધતિંગ! જેટલો સમય તમે લાઇન ઉપર રહો તેટલો સમય માલવેરનાં ગીધ તમારા લેપટોપ/ફોન ઉપર ચાંચ મારતા હોય છે,

કમ્પયુટર સિક્યુરિટીના જાણકાર ગ્રેહામ ક્લૂલીએ બીબીસી ટીવીને જણાવેલું કે તમારા પાને ‘પોસ્ટ’ આવે કે તમે મોટી લોટરી જીત્યા છો, તમારો મોબાઇલ ફોન નંબર જણાવો એટલે પૈસા મોકલી આપીએ. તેમ કરો અને આપોઆપ તમારા કાર્ડ ઉપર કશીક મોંધી બોગસ સર્વિસના ગ્રાહકના બની ગયા!  ‘બઝફીડ’ નામે વેબસાઇટ કહે છે કે કોઈ બાળકની બીમારીના ‘ચોરેલા’ ફોટાને દસ લાખ લાઇક મળેલી. તે બાળકની સાચી માતાએ ફેસબુકના માલિકોને વિનંતીઓ કરીને તે દૂર કરાવ્યો.

તો વાતનો સાર શો? ફેસબુક ઉપર કશુંય કરવું હોય તો પહેલાં હનુમાન ચાલીસાનો પાઠ કરી જોવો. કોઈ કંપની–બંપની એવાં દાન આપતી નથી. શંકા પડે ત્યારે નેટ ઉપર Snopes અથવા HoaxSlayer સર્ચ એન્જિનમાં તપાસ કરવી. અને ફેસબુકને રિપોર્ટ કરવો. ફેસબુકનું પ્રાયવેસી સેટિગ ચકાસી જોવું. અજાણી ‘કન્યા’ની ફ્રેન્ડ રિક્વેસ્ટ જોઈને માઉસને બચીઓ ન ભરવી. તમે શું ખાધું ને બાબાનો બર્થડે કેમ ઊજવ્યો કે સાહિત્યમાં શાનો વ્યાઘ્ર સંહાર્યો વગેરેનાં બ્યુગલ ફેસબુક ઉપર ન વગાડવાં.

યૂરોપની ટૂર કરવા જતા હોવ તો લખવું મણિનગર જાઈં છીં; નહિતર આવો ત્યારે બંગલાની માલમત્તા ટૂર કરવા ચાલી ગઈ હશે. જેટલી ઓછી માહિતી એટલા તમે ‘સેઇફ.’  જોકે આજ પહેલાં ગગનવાલાને આ બધી જાણ નહોતી. અનેક કોડીલી ‘કન્યાઓ’એ ફેસબુક મેસેન્જર ઉપર અમને પ્રેમનાં પીયૂષ પાયાં છે. આ લખતાં લખતાં ગગનવાલાનું ફર્મામેન્ટ હતાશાનાં વાદળોથી કાળું થઈ જાય છે. એકદંડિયા મહેલમાં એકલવાયા ગગનવાલા... રોયેં ભી ન ક્યોં, ઘાયલ હી તો હંય. જય અમૃત ઘાયલ!
 
(Kalash Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Magazines Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Article of Nile Gagan Ke Tale by Madhu Rai in Kalash Magazine
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended