Home »Literature »Navalika» Article Of Laghu Katha By Hemal Vaishnav In Kalash Magazine

પુરસ્કાર: ધનિકોથી સમૃદ્ધ એવી જાણીતી જ્ઞાતિનો આજે વાર્ષિક મેળાવડો

Hemal Vaishnav | Dec 14, 2016, 04:03 AM IST

  • પુરસ્કાર: ધનિકોથી સમૃદ્ધ એવી જાણીતી જ્ઞાતિનો આજે વાર્ષિક મેળાવડો,  navalika news in gujarati
ઑફિસેથી નીકળતા પહેલાં નીતિનભાઈએ ફરી એક વાર જગ્યાનું સરનામું અને સમારંભનો સમય જોઈ લીધાં. બસમાં બેઠા પછી જ્ઞાતિના પ્રમુખ સાથે થયેલી વાતને એ વાગોળી રહ્યા હતા. ધનિકોથી સમૃદ્ધ એવી જાણીતી જ્ઞાતિનો આજે વાર્ષિક મેળાવડો હતો. આખા રાજ્યમાં પ્રખ્યાત હાસ્ય કલાકાર ભાસ્કર ભટ્ટનો પ્રોગ્રામ એનું મુખ્ય આકર્ષણ હતું. કોઈ પણ પ્રોગ્રામ પહેલાં એમની દસ હજાર રૂપિયા જેવી ભારેખમ ફી એડવાન્સમાં લઈ લેવી એવો એમનો અફર નિયમ હતો. છેલ્લી ઘડીએ તબિયત બગડતાં ભટ્ટ સાહેબે પ્રોગ્રામ આપવાની અશક્તિ દર્શાવી.

આ બધી વાતોની જ્યારે જ્ઞાતિના પ્રમુખ જમનાદાસે નીતિનભાઈને ફોન પર વાત કરી ત્યારે જ એમને ખબર પડી હતી. જમનાદાસે વિનવણીના સૂરે કહ્યું હતું, ‘આપ પણ સારા હાસ્ય કલાકાર છો, શક્ય હોય તો આજની સાંજ સાંભળી લો તો આપના ઋણી રહીશું.’ ખાનગી ઓફિસમાં ક્લાર્કની નોકરી કરતાં હાસ્ય કલાકાર તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરી રહેલા નીતિનભાઈ માટે આ સોનેરી તક હતી. જમનાદાસ સાથે ફોન પર વાત કરતાં કરતાં નીતિનભાઈને ખાટલાવશ બીમાર પત્ની યાદ આવી ગઈ હતી. મહિનાની આખર તારીખમાં એના માટે દવા લાવી નો’તી શકાઈ એ એમને યાદ આવી ગયું. 

નિયત સમયે નીતિનભાઈનો પ્રોગ્રામ શરૂ થઈ ગયો હતો. ગંભીર મુખમુદ્રા રાખીને એક પછી એક રમૂજી જોક કહેતા જતા નીતિનભાઈની સ્ટાઇલ શ્રોતાગણ માટે સાવ નવી હતી, પરંતુ ધીરે ધીરે શ્રોતાગણ એમની શિષ્ટતાપૂર્વકની રમૂજી વાતોમાં તણાવા લાગ્યો હતો. બે કલાક જોતજોતામાં પૂરા થઈ ગયા હતા. પ્રોગ્રામ પૂરો થતાં નીતિનભાઈ સ્ટેજ પરથી ઊતર્યા હતા અને જમનાદાસ એમની પાસે ઝડપભેર પહોંચીને સતત આભાર માનવા લાગ્યા. આખરે કાંઈ બોલ્યા વગર જ નીતિનભાઈએ ચાલતી પકડી હતી, પણ એ સભાગૃહના બારણા સુધી પહોંચે એ પહેલાં એક સ્વયંસેવકે એમના હાથમાં કવર આપતાં કહ્યું કે, ‘જમનાદાસ શેઠે આ મોકલાવ્યું છે.’ 

બીમાર પત્નીના ખાટલાની પાંગથે બેસતાં નીતિનભાઈએ હોંશભેર પરબીડિયું ખોલ્યું હતું. એક ચેક સાથેના પ્રશસ્તિપત્રના છેડે જમનાદાસે સ્વહસ્તે લખ્યું હતું, ‘આપના સહકાર બદલ આભાર. ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે આ પુરસ્કાર સ્વીકારીને ઋણમુક્ત થવાની તક આપશોજી.’ અને ચેકની ઉપર લખેલી એકસો એક રૂપિયા જેવી મામૂલી રકમની સામે જોઈને પ્રશસ્તિપત્રનો ડૂચો વાળીને કચરાટોપલીમાં ફેંકતા હાસ્ય કલાકાર નીતિનભાઈ આજે પહેલી વાર ખડખડાટ હસી પડ્યા. એમના હાસ્ય વચ્ચે છુપાયેલી વેદના મીંચાયેલી આંખે એમની પત્ની સાંભળી રહી!
(Navalika Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Literature Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Article Of Laghu Katha By Hemal Vaishnav In Kalash Magazine
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended