Home »Magazines »Kalash» Article Of La Fatar By Vinay Dave In Kalash Magazine

ચૈત્ર સુદ પાંચમનો મેળો

Vinay Dave | Apr 18, 2017, 20:51 PM IST

  • ચૈત્ર સુદ પાંચમનો મેળો,  kalash news in gujarati
ચૈત્ર સુદ પાંચમનો મેળો
ચંદ્રકાંત ઉર્ફે ચંદુના ઘર પાસે, ‘દાદાકૃપા’ નામની ફરસાણની એક દુકાન ખૂલી હતી. એ ‘દાદાકૃપા ફરસાણ હાઉસ’ના માલિક નટવરલાલ ઉર્ફે નટુના કહેવા મુજબ એની આ દુકાન એના દાદાના આશીર્વાદથી ખૂલી હતી. ટૂંકમાં, નટીયાને દુકાન ખોલવા માટે એના દાદાએ પૈસા આપ્યા હતા. નટીયાને એના બાપે તો ‘રોકડું’ પણ નહોતું પરખાવ્યું? નવી ખૂલેલી ફરસાણની દુકાનને પોપ્યુલર બનાવવા માટે નટુએ એક જોરદાર જાહેરાત કરેલી.

એણે લોકોનાં ઘરે છાપાં સાથે ‘ફરફરિયાં’ એટલે કે લીફ્લેટ્સ મોકલાવ્યાં હતાં. જેમાં લખ્યું હતું કે, ‘દાદાકૃપાનાં ફરસાણ ખરીદો અને સુપરસ્ટાર શાહરુખ ખાનને મળો. દાદાકૃપાનું ફરસાણ ખરીદનારાઓમાંથી લકી વિનરના ઘરે શાહરુખ ખાન રૂબરૂ પધારશે. અમારા પરમ પૂજ્ય દાદાજી સ્વ. દિલખુશભાઈના જન્મદિવસ ચૈત્ર સુદ પાંચમના દિવસે મોટો જબરો લકી ડ્રો થશે. શાહરુખ ખાન પોતે વિજેતાની ચિઠ્ઠી ઉપાડી વિજેતા સિલેક્ટ કરશે અને જેનું નામ નીકળશે, એના ઘરે શાહરુખ જાતે, પોતે, સ્વયં પ્રગટ થશે, તો આજે જ દાદાકૃપાનાં ફરસાણ ખરીદો અને ચૈત્ર સુદ પાંચમે શાહરુખને મળો.’

છાપાં સાથે આવેલાં આવાં ચોપાનિયાંની મેટર વાંચી લોકો દાદાકૃપા પર ફરસાણ લેવા ધસી ગયાં. દુકાનમાં એના માલિક નટવર અને શાહરુખ ખાનના એકબીજાના ખભે હાથ નાખેલા, પાર્ટી કરતા, સાથે ડાન્સ કરતા ફોટાઓ હતા. જે જોઈ લોકોને ખાતરી થઈ કે આ નટીયાને શાહરુખ ખાન સાથે સારો એવો ઘરોબો છે અને ચૈત્ર સુદ પાંચમે શાહરુખ ખાન કોઈ એક વિજેતાના ઘરે ચોક્કસ આવશે જ. ખાતરી થતાં જ ‘દાદાકૃપા’નું ફરસાણ ધડાધડ વેચાવા માડ્યું અને નટીયાને ફટાફટ કમાણી થવા માંડી અને ચૈત્ર સુદ પાંચમનો દિવસ પણ આવી ગયો.

એ દિવસે ચંદ્રકાંત ઉર્ફે ચંદુ એની સાઇકલની ચેઇન વારે વારે ઊતરી જતી હોવાથી પક્કડથી ચેઇન ટાઇટ કરી રહ્યો હતો. ત્યાં એનો જૂનો ડબલા જેવો મોબાઇલ રણક્યો. ચંદુએ પાસે પડેલી ફાટેલી ગંજીથી કાળા હાથ લૂછ્યા ને ફોન ઉપાડ્યો. ત્યાં સામેથી કોઈએ ખચકાતાં હિન્દીમાં પૂછ્યું, ‘ક..ક..ક.. ક્યા આપકા નામ ચ..ચ..ચ.. ચંદુ દૈં?’ ચંદુએ સામે કહ્યું, ‘હા, મારા નામ જ ચંદુ હૈ.’ તો પેલા અચકાતા અવાજવાળાએ કહ્યું, ‘દ..દ..દ.. દેખો ચંદુજી, આપકા નામ ઔર નંબર લકી ડ્રો મૈં નીકલા હૈ. ચ..ચ..ચ.. ચંદુજી આપ દાદાકૃપા ફરસાણ કે લ..લ..લ.. લકી ડ્રો કે વિનર હૈ. મ..મ..મ.. મૈં શાહરુખ ખાન ઠીક બારા બજે આપકે ઘર આ રહા હૂં.’

આટલું બોલી પેલા ખચકાતા અવાજવાળાએ યાને કિ શાહરુખે મોબાઇલ કટ કર્યો. સાઇકલ પાસે ઉભડક બેઠેલો ચંદુ ‘સડક’ થઈ ગયો અને પછી એ ઊભો થઈ ગયો. આખી વાત સમજતાં એને થોડી વાર થઈ પણ જ્યારે વાત સમજાઈ ત્યારે ચંદુ ‘ઘેલો-ઘેલો’ થઈ ગયો અને મોટે મોટે બૂમો પાડવા માંડ્યો, ‘આવે છે, આવે છે, શાહરુખ ખાન મારા ઘરે બાર વાગ્યે આવે છે.’ ચંદુની આવી વિચિત્ર અને ભેદી બૂમો સાંભળી લોકો પણ કન્ફ્યૂઝ થઈ ગયા, પણ થોડી વાર પછી બધાયને સમજાઈ ગયું કે ચંદુ દાદાકૃપા ફરસાણવાળાની સ્કીમનો વિજેતા બન્યો છે અને એટલે શાહરુખ એના ઘરે આવી રહ્યો છે.

ચંદુ જ્યાં રહેતો હતો એ વિસ્તારમાં ઉમંગ ઉત્સાહનું મોજું ફરી વળ્યું. બધા ખુશખુશાલ થઈ ગયા. લોકો પોતાના ઘરની બહાર સાફસફાઈ કરવા માંડ્યા. ચંદુના ઘર સુધી જવાનો રસ્તો ચોખ્ખોચણાક થઈ ગયો. ગલીના લોકો તૈયાર થવા માંડ્યા. ચંદુના ઘરમાં તો ધમાચકડી મચી ગઈ. આખું ઘર ઊંધું ચત્તું થઈ ગયું. ફાટેલા સોફા પર નવી ચાદરો નંખાઈ ગઈ. બધું સમુંનમું થઈ ગયું. બધાએ ફટાફટ બે વાર નહાઈ લીધું. ચંદુડિયાએ ઘસીઘસીને દાઢી કરી ચહેરો ચકચકાટ કરી નાખ્યો. નવાં પેન્ટ શર્ટ પહેરી લીધાં.

ત્યાં તો બરાબર બારના ટકોરે ચંદુ જ્યાં રહેતો હતો તે ગલીમાં સડસડાટ બે મોટી ગાડીઓ આવી. પહેલી ગાંડીમાંથી કાળાં ગોગલ્સ, કાળી સફારી પહેરેલાં પાંચ-છ ‘મલ્લ’ જેવા સિક્યુરિટીવાળા ઊતર્યા. એમણે ફટાફટ પાછળની ગાડીનો દરવાજો ખોલ્યો. જેમાંથી પહેલાં દાદાકૃપા ફરસાણનો માલિક નટવર ‘નટીયો’ ઊતર્યો. એની પાછળ ગોગલ્સ, જીન્સ, જર્સી, જેકેટ પહેરેલો, ઝુલ્ફાં લહેરાવતો શાહરુખ ઊતર્યો અને એણે એની ટિપિકલ સ્ટાઇલમાં મોઢું વાંકું કરી લોકો સામે સ્માઇલ આપ્યું અને પછી એની આગવી અદામાં એ સહેજ પાછળ ઝૂકી બંને હાથ પહોળા કરી જાણીતા પોઝમાં ઊભો રહ્યો.

લોકોએ ખુશ થઈ ચિચિયારીઓ પાડી, બૂમાબૂમ કરી મૂકી. ‘શાહરુખ, શાહરુખ’ના નારા વચ્ચે શાહરુખ ચંદુને મળવા પહોંચ્યો. આ બધું જોઈ ચંદુ તો સુન્ન થઈ ગયેલો. દાદાકૃપાવાળા નટીયાએ ચંદુને હલબલાવ્યો ત્યારે એ ભાનમાં આવ્યો. શાહરુખે હાથ લંબાવીને કહ્યું, ‘હેલ્લો મિસ્ટર ચ..ચ..ચ.. ચંદુ.’ ચંદુએ હબક ખાઈ હાથ મિલાવ્યા. ફટાફટ સાથે આવેલા ફોટોગ્રાફર ફોટા પાડવા માંડ્યા. શાહરુખ સાથે આવેલી એક ગાડીમાંથી મોટે મોટેથી શાહરુખનું ‘મૈં તેરા હાય રે જબરા, હાય રે જબરા ફેન હો ગયા.’ એ ગીત વાગવા માંડ્યું. બધા મૂડમાં આવી નાચવા માંડ્યા.

શાહરુખ પણ ડાન્સમાં જોડાયો. જોરદાર ડાન્સનો માહોલ બન્યો. ત્યાં કોઈનો ધક્કો વાગવાથી શાહરુખ ગોઠીમડું ખાઈને નીચે પડ્યો. શાહરુખનો મોબાઇલ ફોન પેલા રાક્ષસ જેવા બોડીગાર્ડના પગ નીચે આવી ભુક્કો બોલી ગયો. નીચે પડેલા શાહરુખે તૂટેલો મોબાઇલ લઈ ગેબી રાડ નાખી, ‘મારો મોંઘો મોબાઇલ તોડી નાખ્યો. શાહરુખનો ડુપ્લિકેટ બનવાના નટીયાએ બે હજાર આપેલા, પણ આ પાંચ હજારનો મોબાઇલ તોડી નાખ્યો એના પૈસા કોણ આપશે?’ નીચે પડેલા શાહરુખની વાત સાંબળી બધાને ખ્યાલ આવ્યો કે નટીયો ડુપ્લિકેટ શાહરુખ ઉઠાવી લાવ્યો છે. ચંદુએ ખિજવાઈને કહ્યું, ‘નટીયા તેં અમને બધાયને છેતર્યા?’

નટીયાએ ખંધું હસીને કહ્યું, ‘અલ્યા આજે ચૈત્રી સુદ પાંચમ છે એ વાત સાચી, પણ કેલેન્ડરમાં જુઓ, આજે કઈ તારીખ છે?’ કોઈકે તારીખ જોઈ કહ્યું, ‘આજે પહેલી એપ્રિલ છે.’ નીચે પડેલા નકલી શાહરુખે બૂમ પાડી, ‘એપ્રિલફૂલ.’
(Kalash Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Magazines Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Article of La Fatar by Vinay Dave in Kalash Magazine
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended